જીવનનાં ઉત્તમ દૃશ્યો - લાઇફ કા ફન્ડા

23 October, 2020 07:44 PM IST  |  Mumbai | Heta Bhushan

જીવનનાં ઉત્તમ દૃશ્યો - લાઇફ કા ફન્ડા

એક આઇરીશ વિદ્વાન ચિંતકના ઘરે બધા મિત્રો મહેફિલ જમાવી બેઠા હતા અને વિવિધ વિષયો પર વાતો કરતા હતા. વાતમાંથી વાત નીકળતા એક મિત્રે વિદ્વાન ચિંતકને પૂછ્યું, ‘જીવનમાં અનેક દૃશ્યો મનમોહક હોય છે, તો આ સૃષ્ટિના અનેક સુંદરતમ દૃશ્યોમાંથી તમારા માટે સૌથી ઉત્તમ દૃશ્યો કયાં છે.
થોડું વિચારીને ચિંતક બોલ્યા, ‘એક બહુ જૂના પુસ્તકમાં મેં એક કહેવત વાંચી હતી અને તે કહેવત બરાબર તમારા પ્રશ્નનો જ જવાબ છે. કહેવત છે - આ છે જીવનનાં ત્રણ ઉત્તમ દૃશ્યો : મ્હોરેલો બગીચો, વહી જતી નૌકા અને સંતાનને જન્મ આપ્યાં પછીની સ્ત્રીનો ચહેરો. અને મને પણ લાગે છે કે જીવનમાં ઘણાં સુંદર દૃશ્યો આપણે જોઈએ છીએ તેમાંથી સાચે જ આ ત્રણ ઉત્તમ છે.’
બીજા મિત્રે કહ્યું, ‘દોસ્ત, શા માટે આ જ ત્રણ દૃશ્યો?’ આઇરીશ ચિંતક બોલ્યા, ‘મારી સમજ પ્રમાણે કહું તો...મ્હોરેલો બગીચો એટલે વિવિધ ઝાડ-છોડ-વેલા અને દરેક પર ઝૂલતાં ફળ અને ફૂલ...ડાળી પર ઝૂલતાં ફૂલો તમારા મનને રંગ અને સુગંધથી તરબતર કરે છે. ફૂલ સૌન્દર્યનું પ્રતીક છે સાથે સાથે જ્ઞાનનું પણ. ફૂલ સતત સુગંધ ફેલાવે છે, વાતાવરણ અને અન્યના જીવનને સુવાસિત કરે છે. ફૂલ જાણે છે કે જીવન થોડી પળો માટે જ છે છતાં તે હસતું રહે છે અને ખરી જતાં પહેલાં નવા ફૂલનું સર્જન કરે છે. મ્હોરેલો બગીચો સમજાવે છે કે જીવનમાં નવસર્જન થતું જ રહે છે.’
બીજા દૃશ્યની વાત કરતાં ચિંતક બોલ્યા, ‘જીવનનું બીજું ઉત્તમ દૃશ્ય છે વહી જતી નૌકા. સમુદ્રમાં મોજાં ઘૂઘવે છે. નૌકા બધા પડકારોનો સામનો કરી આગળને આગળ વધે છે અને દરિયાનાં મોજાં પર કે સપાટી પર તે વહી જતી નૌકા ક્યારેય કોઈ નિશાન છોડતી નથી. સમુદ્રને હાનિ કે ખલેલ પહોંચાડ્યા વિના પોતાના માર્ગે તે સરતી રહે છે અને આપણને સમજાવે છે કે સતત શાંતિથી પોતાનું કામ કરતા રહો, પોતાના કામના વખાણ થાય અને કોઈ નિશાનીઓ-યાદગીરીઓનું સર્જન કરવાની લાલસા ન રાખો...અને હા ખાસ વાત પોતાનું કામ કરવામાં અન્ય કોઈને ખલેલ ન પહોંચાડો.’
ત્રીજા દૃશ્યની વાત કરતાં ચિંતક કહે છે ‘સંતાનને જન્મ આપ્યા પછીની સ્ત્રીનો ચહેરો. આવી કોઈ સ્ત્રીનો ચહેરો અચૂક જોજો, પોતાના જેવા જ નાનકડા જીવને જન્મ આપ્યા બાદ એ ચહેરાની ખુશી, ગરિમા કંઈક અલગ જ હોય છે. એક સંતાન સાથે એક માનો પણ જન્મ થાય છે. તે ચહેરા પર અજબ સ્નેહ-સંતોષનું સુખ ચીતરાયેલું હોય છે.’ ચિંતકે જીવનનાં ઉત્તમ દૃશ્યોની સમજ આપી.

heta bhushan columnists