રદ્દીવાળાની જીવનસમજ - લાઇફ કા ફન્ડા

16 October, 2020 02:41 PM IST  |  Mumbai | Heta Bhushan

રદ્દીવાળાની જીવનસમજ - લાઇફ કા ફન્ડા

જૂનાં છાપાં, મૅગેઝિન, પુસ્તકો, દરેક પ્રકારનાં જૂનાં વપરાયેલાં કાગળોની રદ્દીનું કામકાજ વર્ષોથી કરતા એક કાકા હતા. કાકા અનુભવી હતા. નિશાળમાં ગયા ન હતા, પણ નાનપણથી જ અક્ષરોને મહેનત કરીને વાંચતા શીખી ગયા હતા. સતત વાંચતા. આટલાં વર્ષો કાગળો વચ્ચે કામ કર્યું હતું અને ઘણું વાંચન કર્યું હતું એટલે નિશાળમાં કે કૉલેજમાં પગ નહોતો મૂક્યો છતાં ઘણા જાણકાર હતા.
કાકા વાતો કરવાના પણ ઘણા શોખીન હતા. દુકાને કોઈ પણ આવે તો રદ્દી જોખતાં અને પૈસા આપતાં થતી પાંચ–સાત મિનિટમાં પણ એટલી સરસ વાતો કરતા કે બધાને તેમની વાતો સાંભળવી ગમતી. વર્ષો આમ જ વીત્યાં. કાકાનું વાંચન અને અનુભવ દિવસે-દિવસે સમૃદ્ધ બન્યાં હતાં. હવે તો જે કોઈ દુકાને આવે તે ખાસ વધારે રોકાતું અને કાકા, આજે શું નવું જાણવા જેવું? સમજવા જેવું? એમ પૂછતું અને કાકા કંઈક સરસ વાત કરતા.
એક દિવસ એક યુવાન આવ્યો, તેણે ઘણાં બધાં પુસ્તકો કાકાને આપતાં કહ્યું, ‘આ લો બધાં પુસ્તકો, બહુ મહેનત કરું છું, પણ બે વર્ષ નાપાસથી બગડ્યાં; પરીક્ષા પાસ નથી કરી શકતો. હવે આગળ ભણવું જ નથી.’
કાકા પુસ્તકો સરખાં ગોઠવતાં બોલ્યા, ‘ભાઈ, ભણતર અધૂરું રાખીશ તો ડિગ્રી વિના આગળ
શું કરીશ.’
યુવાન બોલ્યો, ‘ખબર નથી....’
કાકાએ સાવ જૂનો થયેલો ફાટેલો એક કાગળ હાથમાં લીધો અને તે યુવાનને આપતાં કહ્યું કે ‘જો આ તારો ભૂતકાળ છે, જે વર્ષ બગડ્યાં એને ભૂલી જા, જીવનમાંથી કાઢીને ફેંકી દે.’ આટલું કહ્યા પછી આજનું છાપું લઈને યુવાનને આપ્યું અને કહ્યું, ‘ભાઈ, આ આજનું છાપું
તારો વર્તમાન છે... તારો આજનો દિવસ જેનો તારે આજે જ
સારામાં સારો ઉપયોગ કરવાનો
છે, નહીં તો આ વાંચવાલાયક ઉપયોગી છાપું આવતી કાલે નકામી રદ્દી બની જશે.’ યુવાન કાકાની વાત શાંતિથી સાંભળી રહ્યો હતો.
કાકાએ તેનાં બધાં પુસ્તકો બરાબર ગોઠવ્યાં અને બાંધ્યાં, એનું વજન કરવાને બદલે તેને યુવાનના હાથમાં આપ્યાં અને કહ્યું, ‘ભાઈ, આપણું ભવિષ્ય એક પ્રશ્નપત્ર છે, એમાં શું પુછાશે એ કોઈને ખબર નથી પણ દોસ્ત, તારું ભવિષ્ય આ પુસ્તકોમાં છે. બરાબર વાંચ અને બરાબર લખ અને બરાબર સમજ તો આ પુસ્તકો વાંચીને તું ભણવાની પરીક્ષા પાસ કરી લઈશ અને જો ખોટો નિર્ણય લઈશ તો જીવનની પરીક્ષામાં નાપાસ થઈ જઈશ. બે વર્ષ બગડ્યાં એ ભૂલી જા, પણ જો આજે સાચો નિર્ણય લઈ ભણી લઈશ તો ભવિષ્યનાં બધાં વર્ષો સુધરી જશે એ સમજ અને જો ખોટો નિર્ણય લઈશ, ભણવાનું અધૂરું છોડીશ તો જીવન આ ખૂણામાં પડેલા ટિશ્યુ પેપર જેવું બની જશે, જેની કોઈ કિંમત નહિ રહે.’
અનુભવી કાકાએ યુવાનને સાચી સમજ આપી અને યુવાન બધાં પુસ્તકો લઈને વધુ મહેનતના નિશ્ચય સાથે ઘરે ગયો.

heta bhushan columnists