લાઇફ કા ફન્ડા - ચાલો શૉપિંગ કરીએ

31 July, 2020 10:46 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - ચાલો શૉપિંગ કરીએ

એક દિવસ દાદા-દાદીએ નાનકડા શ્યામ અને રિયાને કહ્યું, ‘ચાલો આજે શૉપિંગ કરવા જઈએ.’ શ્યામ તરત બોલી ઊઠ્યો, ‘નો દાદા, તમારી અને મારી ચોઇસનો મેળ નહીં પડે. મારે નથી આવવું.’
રિયા સમજુ હતી, તેણે દાદા-દાદીની ઇચ્છા જોઈ. તેણે કહ્યું, ‘અરે વાહ, ચાલો’ અને શ્યામને કહ્યું, ‘આમ ન બોલાય શ્યામ, દાદા-દાદી પ્રેમથી લઈ જાય છે. ચલ, ઘરમાં મમ્મી-પપ્પા તો બીઝી છે. આપણે એકલા ઘરે બોર થશું એના કરતાં તેમની સાથે જઈએ. તને ગમે એ વસ્તુ લેજે, નહીં તો ના પાડજે.’
શ્યામ માની ગયો. રિયા અને શ્યામ તૈયાર થઈને દાદા-દાદી સાથે શૉપિંગ કરવા નીકળ્યાં.
દાદા-દાદી બોલ્યાં, ‘ચાલો, આજે પહેલાં ખુશી ખરીદશું.’
છોકરાઓને કઈ સમજ ન પડી. તેમણે માન્યું કે દાદા, અમે ખુશ થઈ જઈએ એવું કઈક આઇસક્રીમ કે કેક પેસ્ટ્રી અપાવશે. પણ ના, દાદાએ તો ડ્રાઇવરને કહીને ગાડી એક ભિખારી પાસે ઊભી રખાવી. નીચે ઊતરી તેમણે પેલા ભિખારીને પૂછ્યું, ‘કઈ ખાવું છે?’
ભિખારીએ હા પાડી એટલે દાદાએ પૂછ્યું, ‘શું ખાશો?’
ભિખારીએ કહ્યું, ‘કઈ પણ, જે તમે ખવડાવો એ... જે તમને ભાવતું હોય એ.’
બન્ને છોકરાઓ બોલી ઊઠ્યાં, ‘દાદાને ઢોકળાં બહુ ભાવે છે, તમે ખાશો?’
ભિખારીએ હા પાડી. દાદાએ ડ્રાઇવરને નજીકની દુકાનમાંથી ઢોકળાં અને પેંડા લઈ આવવા કહ્યું અને સાથે બાજુની લારીમાંથી ચા પણ. ડ્રાઇવર બધું લઈ આવ્યો. દાદા અને દાદીએ બન્ને છોકરાઓને કહ્યું, ‘તમારા હાથે આ ઢોકળાં અને પેંડો આ વૃદ્ધ દાદાને ખવડાવો.’
રિયા અને શ્યામે વૃદ્ધ ભિખારીને ખવડાવ્યું અને બન્ને છોકરાઓના હાથે કોળિયો ભરતાં વૃદ્ધ ભિખારીના મોઢા પર સ્મિત અને આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. દાદી તરત બોલ્યા, ‘રિયા, તારા હાથ રૂમાલમાં આ દાદાનાં આંસુ ઝીલી લે અને તેમના મોઢા પરના સ્મિતને આંખોમાં મઢી લે.’
રિયાએ પોતાના હાથ રૂમાલ વડે વૃદ્ધ ભિખારીનાં આંસુ લૂછ્યાં અને તેમના મુખ પરના સ્મિતને જોઈ રહી અને તેમને હસતાં જોઈને તેના મોઢા પર એથી મોટું સ્મિત આવ્યું. શ્યામે આગળ વધીને વૃદ્ધ ભિખારીને પ્રેમથી બીજો પેંડો ખવડાવી દીધો. તે પણ બહુ ખુશ થઈ ગયો હતો. દાદા-દાદીએ થોડા પૈસા ભિખારીને આપ્યા અને છોકરાઓને કહ્યું, ‘ચાલો, હવે આવજો કહી દો. આપણે જઈએ.’
કારમાં બેસીને દાદાએ કહ્યું, ‘ચાલો એક શૉપિંગ થઈ ગયું. છોકરાઓ, ગમ્યું તમને આ શૉપિંગ? આપણે તેમને માટે કઈક વસ્તુ લઈને આપી અને પોતાને માટે ઢગલાબંધ ખુશી મેળવી.’
શ્યામ અને રિયા બોલી ઊઠ્યાં, ‘દાદા-દાદી, આ શૉપિંગ કરવા અમને દર રવિવારે લઈ જજો.’
ચાલો, આપણે પણ આવું નાનું-મોટું શૉપિંગ કરતા રહીએ.

heta bhushan columnists