મહેનત કેટલી અને ક્યાં સુધી - લાઇફ કા ફન્ડા

01 December, 2020 04:16 PM IST  |  Mumbai | Heta Bhushan

મહેનત કેટલી અને ક્યાં સુધી - લાઇફ કા ફન્ડા

એક સેમિનારમાં વાત થતી હતી સફળતાની, સફળતા સુધી પહોંચવાના રસ્તાની. સ્પીકરે જુદી જુદી રીતે સફળતા એટલે શું? સફળતા સુધી પહોંચવા શું શું કરવું પડે તે સમજાવ્યું. ટૂંકમાં તેમણે જણાવ્યું કે બધાને જીવનમાં સફળ થવું હોય છે. જીવનમાં ટોચ પર પહોંચવા માટે સખત મહેનત કરવી પડે છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ઘણું ઘણું સમજાવ્યા બાદ પ્રશ્નોતરી સેશન શરૂ થયું.
એક યુવાને પૂછ્યું, ‘સર આપે કહ્યું કે સફળ થવા માટે મહેનત કરવી પડે, પણ મારો પ્રશ્ન છે કે મહેનત તો બધા જ કરે છે પણ બધા જ સફળ થતા નથી. તો શું તેમની મહેનત ખોટી હોય છે.’
સ્પીકરે હસીને જવાબ આપતાં કહ્યું, ‘સફળતા મેળવવા માટે પહેલાં પોતાની આવડત અને રુચિ પ્રમાણે જીવનનું લક્ષ્ય નક્કી કરવું પડે અને પછી તે લક્ષ્ય મેળવવાની દિશામાં મહેનત કરવી પડે. આડીઅવળી દિશાઓમાં કરેલી મહેનત ધારેલી સફળતા અપાવી શકતી નથી. ઘણા લોકો ખોટી દિશામાં મહેનત કરે છે અને ઘણા લોકો તો માત્ર મહેનત કરવાનો ડોળ કરે છે. ઘણા લોકો પોતે આગળ વધવા કરતાં વધારે ધ્યાન બીજાને પાછળ પાડવા પર રાખતા હોય છે. આવી બધી ખામી હોય તો સફળતા મળતી નથી.’
એક યુવતીએ પૂછ્યું, ‘સર આપે જુદી જુદી રીતે સમજાવ્યું કે સફળ થવા માટે મહેનત કરવી પડે. મારો પ્રશ્ન છે કે સફળ થવા માટે કેટલી મહેનત કરવી પડે.’ સ્પીકરે કહ્યું, ‘કેટલી મહેનત કરવી પડે તેનું કોઈ માપ નથી, પણ સતત એકસરખી, થાક્યા વિના સાચી દિશામાં મહેનત કરવી પડે. કદાચ આવડત અને હોંશિયારી ઓછી હોય પણ જો મહેનત સખત અને સતત હોય તો એક દિવસ સફળતા જરૂર મળે છે.’
એક યુવાને પૂછ્યું, ‘સર, તમે કહો છો તેવી સખત મહેનત કયાં સુધી કરવાની, ક્યારે નક્કી થાય કે તમે સફળ થઈ ચૂક્યા છો.’
સ્પીકરે કહ્યું, ‘હળવાશમાં કહું તો જ્યારે તમારા નામનું વિઝિટિંગ કાર્ડ છપાય ત્યારે તમે સફળતાના પહેલા પગથિયે પહોંચો, પણ જ્યારે તમે ક્યાંક જાવ તમારે તમારી ઓળખાણ આપવા અને મુલાકાત મેળવવા આ કાર્ડ બતાવવું ન પડે તે સફળતાનું શિખર છે. જ્યાં જાઓ ત્યાં પોતાની ઓળખાણ ન આપવી પડે ત્યાં સુધી તો તમારે સખત મહેનત કરવી જ પડે - અને મહત્ત્વની વાત કે વિના ઓળખાણ આપે બધા ઓળખે તે સફળતા મેળવ્યા બાદ ત્યાં જ ટકી રહેવા તો સતત જાગ્રત થઈ મહેનત કરવી પડે. એટલે સફળતા મેળવવા માટે મહેનત તો સતત અટક્યા વિના છેક સુધી કરવી જ પડે. મહેનત વિના સફળતા મેળવવી, વધારવી કે ટકાવવી જ શક્ય નથી. જો મહેનત અટકી તો સફળતા ઓછી થતાં વાર નહીં લાગે.’

heta bhushan columnists