ખુશ રહેવા માટે - લાઇફ કા ફન્ડા

04 June, 2020 07:40 PM IST  |  Mumbai | Heta Bhushan

ખુશ રહેવા માટે - લાઇફ કા ફન્ડા

એક સરસ વાત એક મોટિવેશનલ સેમિનારમાં કરવામાં આવી. પ્રશ્ન હતો કે જીવનમાં ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? અને સાથે શરત હતી કે પૈસા કે સફળતા કે કોઈ ભૌતિક વસ્તુઓ ગાડી, બંગલા જેવા જવાબ આપવા નહીં.
સ્પીકરે પ્રશ્ન પૂછ્યો, શરત કહી અને સાથે સાથે કહ્યું, બધાએ જવાબ આપવો જરૂરી છે અને પછી એક પછી એક શ્રોતાજનોના હાથમાં માઇક ફરવા લાગ્યું અને જે જુદા જુદા જવાબ મળ્યા તે જાણવા જેવા અને જીવનને ખુશહાલ બનાવવા જીવનમાં ઉતારવા જેવા છે. ચાલો જાણીએ ખુશ રહેવા માટે શું કરવું?
પહેલો જવાબ હતો કે જીવનમાં આંકડાઓને બહુ મહત્ત્વ આપવું નહીં, પછી તે ઉંમર હોય કે વજન હોય કે પછી ઊંચાઈ...તે માત્ર આંકડા છે અને ડૉક્ટર પૂછે ત્યારે જાણવા અને ચિંતા ડૉક્ટર પર જ છોડી દેવી.
બીજો જવાબ - હંમેશાં હસતા હસાવતા મિત્રોની સાથે રહો અને નિરાશાવાદી દુખી મિત્રોથી દૂર રહો, તેઓ તમને પણ આગળ વધતા અને ખુશ રહેતા અટકાવશે.
ત્રીજો જવાબ - કંઈક ને કંઈક નવું શીખતા રહો. તમે ન જાણતા હો તેવા વિષય વિષે વધુ જાણો. કમ્પ્યુટર, ક્રાફ્ટ, પેઇન્ટિંગ, ગાર્ડનિંગ જે ગમતું હોય તે શીખો. મગજને હંમેશાં કામ કરતું રાખો.
ચોથો જવાબ - નાની નાની સાદી વસ્તુઓ અને પ્રસંગોનો આનંદ લેતા રહો.
પાંચમો જવાબ - હસતા રહો, મોટેથી હસો, પેટ દુખી જાય ત્યાં સુધી હસો.
છઠ્ઠો જવાબ – જીવનમાં દુઃખ આવે તો આંસુ સારી લો અને આગળ વધી જાવ.
સાતમો જવાબ – જાતને પ્રેમ કરતા શીખો. તમે પોતે જ એક એવી વ્યક્તિ છો જે જીવનમાં છેવટ સુધી પોતાને સાથ આપશો. જીવનના અંત સુધી જીવંત રહો.
આઠમો જવાબ – સ્વસ્થ રહો, કસરત કરો અને સ્વાસ્થ્યની કાળજી રાખો.
નવમો જવાબ – દરેક વખતે પોતાની જાત પર દોષનો ટોપલો ન ઓઢો.
દસમો જવાબ – જેને પ્રેમ કરો છો તે બધાની સાથે રહો અને તેમને જણાવતા રહો કે તમે તેમને પ્રેમ કરો છો.
અગિયારમો જવાબ - જીવનની એક એક ઘડીમાં ખુશી ભરીને જીવતા શીખો.
બારમો જવાબ – તમને ગમતી વસ્તુઓ અને વ્યક્તિઓની સાથે રહો. મનગમતા સ્વજનો સાથે મજા કરો અને મનગમતું સંગીત સાંભળો, પાળેલાં પ્રાણી સાથે રમો, નાચો, ગાઓ જે ગમે તે કરો અને આનંદમાં રહો.
આવા તો ઘણા જવાબ મળ્યા, ઉપર જણાવેલા કોઈ પણ જવાબમાં એવી કોઈ અઘરી વાત નથી કે જે આપણે ન કરી શકીએ...અને હા, જો કરીએ તો ખુશી ચોક્કસ મળશે. જીવન જીવવા માટે છે, ખુશીથી જીવવા માટે છે - માટે જીવનની દરેક પળને આનંદથી ભરી દો. કોઈ પણ વાતની ચિંતા ન કરો...અને બધી વાત માટે પ્રાર્થના ચોક્કસ કરો.

heta bhushan columnists