દુઃખોથી મુક્તિ - લાઇફ કા ફન્ડા

10 July, 2020 10:36 PM IST  |  Mumbai | Heta Bhushan

દુઃખોથી મુક્તિ - લાઇફ કા ફન્ડા

ભગવાન બુદ્ધ નગરમાં ઉપદેશ આપી રહ્યા હતા. બધા જ નગરવાસી ઉપદેશ સાંભળવા આવ્યા હતા. તેમાં નગરના નગરશેઠ પણ હતા. ઉપદેશ સાંભળી નગરશેઠને થયું મને જે પ્રશ્ન મૂંઝવે છે તે ભગવાન બુદ્ધને પૂછી જોઉં. ચોક્કસ તેમની પાસે ઉત્તર હશે, પણ તેઓ પોતાનો પ્રશ્ન બધાની સામે પૂછી શકે તેમ નહોતા.
નગરશેઠ પ્રવચન પૂર્ણ થયા બાદ પણ બેસી રહ્યા અને પછી ભગવાન બુદ્ધ પાસે જઈને હાથ જોડીને બોલ્યા, ‘ભગવન, મારી પાસે બધું છે ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા...કોઈ ચીજની કોઈ કમી નથી, છતાં પણ હું સંપૂર્ણ સુખી નથી, હું ખુશ નથી. હંમેશાં ખુશ રહેવા માટે શું કરવું જોઈએ?’
ભગવાન બુદ્ધ ઉઠ્યા અને બોલ્યા, ‘ચાલો મારી સાથે...’ અને નગરની બહાર આવેલા જંગલની દિશામાં ચાલવા લાગ્યા. નગરશેઠ બોલ્યા, ‘ભગવાન બગીમાં બિરાજો.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘ના, આપણે ચાલતા જ જશું. જંગલમાં જ હું તમને હંમેશાં ખુશ કઈ રીતે રહી શકાય તેનું રહસ્ય કહીશ.’
નગરશેઠ ભગવાન બુદ્ધની પાછળ ચાલવા લાગ્યા. રસ્તામાં ભગવાન બુદ્ધ બહુ કંઈ બોલ્યા નહીં. જંગલમાં પ્રવેશ્યા બાદ એક મોટો પથ્થર તેમણે ઉપાડ્યો અને શેઠને કહ્યું, ‘આ પકડો અને ચાલો.’ શેઠ પથ્થર ઉપાડી ચાલવા લાગ્યા. થોડા સમયમાં જ તેઓ થાકી ગયા, કારણ જાત-મહેનતની ટેવ જ નહોતી, પણ તેઓ ચૂપ રહ્યા. થોડું આગળ ચાલ્યા પછી હાથ અસહ્ય દુખવા લાગ્યા ત્યારે તેમણે ભગવાન બુદ્ધને કહ્યું, ‘પ્રભુ, મને માફ કરજો પણ હું આ પથ્થર ઉપાડીને એક ડગલું પણ આગળ ચાલી નહીં શકું.’
ભગવાન બુદ્ધે સરળતાથી કહ્યું, ‘ભલે તો પથ્થર નીચે મૂકી દો.’ પથ્થર નીચે મૂકતા જ શેઠને રાહત થઈ. ભગવાન બુદ્ધ બોલ્યા, ‘આ જ હંમેશાં ખુશ રહેવાનું રહસ્ય છે.’ શેઠ બોલ્યા, ‘એટલે પ્રભુ કંઈ સમજાયું નહીં.’
ભગવાન બુદ્ધે કહ્યું, ‘જો આ પથ્થર ઉપાડીને નીચે મૂકી દીધો હોય તો હાથમાં દુખાવો થતો નથી. થોડીવાર સુધી પથ્થરને ઉપાડીને ચાલીએ તો પછી દુખાવો શરૂ થાય છે અને જેટલી વધારે વાર સુધી પથ્થર ઉપાડીને રાખીએ તેટલો દુખાવો વધતો જાય છે અને જ્યારે પથ્થરને નીચે મૂકી દઈએ ત્યારે જ રાહત થાય છે-બરાબર..’ શેઠે હા પાડી. ભગવાન બુદ્ધે કહ્યું, ‘આ પથ્થર એ દુઃખની નિશાની છે, આપણે જેટલો વધારે સમય આપણા દુઃખોને યાદ રાખીએ છીએ, મન પર તેનો બોજ લઈને ફરીએ છીએ તેટલા વધુ ને વધુ દુખી થઈએ છીએ. હવે આપણી ઉપર જ આધાર છે કે આપણે આ દુઃખોના બોજને કેટલી વધારે વાર ઊંચકીને ફરવા ઇચ્છીએ છીએ. જો દુઃખમાંથી મુક્ત થવું હોય તો તેને નીચે મૂકી દો...ભૂલી જાવ...મનમાંથી કાઢી નાખો. જેટલો જલદી આપણે દુઃખ રૂપી પર્વત નીચે મૂકી દેશું તેટલા જલદી રાહત અનુભવી ખુશી મેળવીશું. હવે ખુશી મેળવવાનું આપણા હાથમાં જ છે. આપણે દુઃખનો બોજ ઘડીકમાં નીચે મૂકવા માગીએ છીએ કે જિંદગી આખી ઊંચકીને ફરવા માગીએ છીએ.’

heta bhushan columnists