લાઇફ કા ફન્ડા - જિંદગીની પરેશાનીઓ

08 May, 2020 10:48 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - જિંદગીની પરેશાનીઓ

જરૂર જિંદગીની પરેશાનીનો ઉકેલ મળી શકે.

એક વેપારીને વેપારમાં નુકસાન થવાથી ખૂબ ખોટ ગઈ. મોટી પેઢી ડૂબી ગઈ. ફરી પોટલાં ઉપાડી ધંધો કરવાની નોબત આવી. ઘરમાં બીમાર માતાનો ખાટલો હતો, દીકરો હજી નાનો હતો અને ૧૬ વર્ષની દીકરીને પરણાવવાની ચિંતા હતી. આ બધી અને આટલી બધી ચિંતાને કારણે વેપારી અને તેની પત્ની રાતભર સૂઈ શકતાં નહીં. સતત ચિંતા કરતાં અને દુઃખી થતાં. કોઈ વાર કોઈ માર્ગ ન સૂઝતા રડી પડતા. કોઈ વાર એકમેકને સાંત્વના આપતાં. કોઈ વાર ઝઘડી પડતાં. ઘરનું વાતાવરણ પણ દિવસે-દિવસે ખરાબ થતું જતું હતું. બીમાર માતા પોતાને બોજ સમજી દુઃખી થતી હોવાથી તેની તબિયત વધારે બગડતી. બાળકો મૂરઝાતા જતાં હતાં. કઈ ન સૂઝે ત્યારે વેપારી પોતાનો ગુસ્સો પત્ની અને બાળકો પર કાઢતો.
વેપારી પોતે આ બધી તકલીફોમાંથી બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કરતો. ધંધા માટે અહીં-તહીં દોડાદોડી કરતો, ફાંફાં મારતો, નવું કામ શોધવાનો પ્રયત્ન કરતો પણ કઈ પાર ન પડે એટલે વળી હતાશા અને નિરાશા ગુસ્સા સ્વરૂપે બાળકો અને પત્ની પર જ કાઢતો. વેપારીના પિતા અનુભવી વડીલ હતા. તેઓ ઘણા દિવસથી વેપારીની વધતી જતી પરેશાનીઓ અને એથી તેનું ખરાબ થતું જતું વર્તન જોતા હતા. એક દિવસ વેપારી સાંજે ગુસ્સામાં ઘરે આવ્યો અને બહાર રમતા દીકરાને ખિજાયો. પત્ની પર ગુસ્સે થયો કે જમવાનું તૈયાર કેમ નથી? આમ કારણ વિના તેને ગુસ્સે થતો જોઈ તેના પિતા તેની પાસે આવ્યા અને પાણી આપતાં બોલ્યા, ‘દીકરા, પાણી પી અને પછી મારી પાસે બેસ, મને તારું કામ છે.’
વેપારી પિતા પાસે બેઠો. પિતાએ થોડો કચરો અને માટીવાળું પાણી એક બૉટલમાં ભર્યું હતું. તેમણે વેપારીને બૉટલ બતાવતાં કહ્યું, ‘ક્યારનો આ બૉટલનું પાણી સાફ કરવા મથું છું. ગરમ કર્યું, ગાળ્યું પણ પાણી સાફ થતું નથી. શું કરું?’
વેપારીએ કહ્યું, ‘પિતાજી, થોડા કલાકો બૉટલને આમતેમ હલાવ્યા વિના સીધી સ્થિર રહેવા દો. બધી ગંદકી નીચે બેસી જશે ત્યારે ઉપરથી પાણી ગાળી લેજો. સાફ પાણી મળી જશે.’
પિતાજી બોલ્યા, ‘તો તું પણ તેમ જ કર ને.’
વેપારીને કઈ સમજાયું નહીં. પિતાજીએ કહ્યું, ‘જો ભાઈ, જેમ પાણી ગંદું થઈ જાય તો એને હલાવ્યા વિના શાંત છોડી દઈએ તો બધી ગંદકી આપોઆપ નીચે બેસી જાય એ તને ખબર છે. એવી જ રીતે જીવનમાં પરેશાનીઓ વધે તો બેચેન થયા વિના શાંત રહી કઈક વિચાર કરીએ તો જરૂર જિંદગીની પરેશાનીનો ઉકેલ મળી શકે. માટે તું શાંત થા, મગજ શાંત કર, ગુસ્સો ન કર. અમે બધા તારી સાથે છીએ. કોઈ માર્ગ જરૂર નીકળશે.’
વેપારીનું મન પિતાની સમજાવટથી થોડું શાંત થયું.

heta bhushan columnists