ઈશ્વર છે ઉજાગરા કરવા માટે - લાઇફ કા ફન્ડા

22 September, 2020 02:27 PM IST  |  Mumbai | Heta Bhushan

ઈશ્વર છે ઉજાગરા કરવા માટે - લાઇફ કા ફન્ડા

મહામારી ફેલાયેલી હતી, જનજીવન લૉકડાઉન અને અનલૉક વચ્ચે અટવાયેલું હતું. કામ શરૂ થયું હતું પણ ન બરાબર. એક યુવાનને નોકરીમાં પગાર આવતો માર્ચ મહિનાથી જ બંધ થઈ ગયો હતો અને નોકરી પણ છૂટી ગઈ હતી. ક્યાંયથી કોઈ આવકની શક્યતા નહોતી. ઘર માંડ માંડ કરેલી બચતથી આટલા મહિના ચાલ્યું પણ હવે તે પણ પૂરી થઈ ગઈ હતી.
જીવન અને ઘર આગળ ચલાવવા આગળ શું કરવું? કેમ કરવું કોઈ માર્ગ દેખાતો નહોતો. યુવાન અને તેની પત્ની ચિંતામાં અડધા થઈ ગયાં. આખી આખી રાત સૂઈ શકતાં નહોતા. દિવસભર કંઈ ને કંઈ કામ મેળવવાના ફાંફાં મારતા. સંસ્કાર કોઈ સામે હાથ લાંબો કરતાં, મફતનું લેતા અટકાવતા હતા અને કામ કયાંય મળતું નહોતું. રાત આખી ચિંતામાં પસાર થઈ જતી.
એક દિવસ રાત્રે પતિ–પત્ની ચિંતામાં જાગતાં બેઠાં હતાં. યુવાન નિરાશ હતો અને પત્નીની આંખોમાં આંસુ હતા. બારણા પાસે ખખડાટ થયો. જોયું તો વૃદ્ધ માતા તેમની વાત સાંભળી રહ્યાં હતાં. માતા રૂમમાં આવ્યાં. યુવાનને લાઈટ ચાલુ કરવા કહ્યું અને પછી યુવાન અને તેની પત્નીને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું, ‘હું રોજ ભગવાનની પૂજા કરું છું, મને તેની પર પૂરો ભરોસો છે શું તમને નથી?’ યુવાન બોલ્યો, ‘ના, મા એવું નથી, ભગવાન પર વિશ્વાસ તો છે પણ હવે તો સંજોગો એકદમ ખરાબ થઈ રહ્યા છે. મને કોઈ કામ મળતું નથી. બચત પણ પૂરી થઈ ગઈ છે. આગળ શું કરશું કોઈ માર્ગ દેખાતો નથી.’
માતા યુવાન અને તેની પત્નીને ઘરના મંદિર પાસે લઈ ગયા. ત્યાં અડધી રાત્રે ભગવાન સમક્ષ દીવો કર્યો અને બોલ્યા, ‘દીકરા જ્યારે ક્યાંયથી કોઈ માર્ગ ન દેખાય, જ્યારે ચિંતાનો બોજ અસહ્ય થઈ જાય, જ્યારે સમજાઈ જાય કે આ સંજોગોમાં આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી ત્યારે બધો ચિંતાનો ભાર ભગવાનને અર્પણ કરી દો. ભગવાન બધાની ચિંતા કરે છે. બધો જ બોજ એને સોંપી દો. જ્યારે કોઈ માર્ગ ન દેખાય ત્યારે બધું ભગવાનને અર્પણ કરીને પોતે નિરાંત માણવી જોઈએ. તમારે બન્નેએ જાગવાની જરૂર નથી. ભગવાન બધા માટે ઉજાગરા કરે જ છે, પણ હા બધું ઈશ્વરને સોંપી નચિંત થવા પહેલાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન ચોક્કસ કરી લેવા. સમર્પણ ખૂબ જ જરૂરી છે, પણ નિષ્ક્રિય સમર્પણ પલાયનવાદ છે. દીકરા, મને ખબર છે કે તે તારાથી બનતા બધા પ્રયત્ન કર્યા છે. હવે બધું ભગવાન પર છોડી તું શાંતિથી સૂઈ જા. ભગવાન જે કરશે તે સારું જ કરશે.’ માતાએ દીકરાને હિંમત અને સમજ આપી.

heta bhushan columnists