લાઇફ કા ફન્ડા: ગુસ્સો ન કરવો

27 July, 2020 05:53 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા: ગુસ્સો ન કરવો

બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા. રમતાં રમતાં અમી ઉપર ‘અ’ આવ્યો. તેણે પોતાનું મનગમતું ગીત ગાયું. બધાએ તેના અવાજના ખૂબ વખાણ કર્યા, વાહ વાહ કરી...પરંતુ હકીકતમાં અમીનો અવાજ થોડો ભારે હતો અને તે બેસૂરું ગાતી હતી, પણ બધાએ તેના બહુ વખાણ કરીને ઊંધી રીતે તેની મજાક ઉડાડી અને તેની પર બધા હસ્યા. અમીને માઠું લાગ્યું અને તેની આંખો લાલ થઈ ગઈ અને ગુસ્સામાં શરીર ધ્રૂજવા લાગ્યું. બધાને થયું અરે મજાક કરવામાં થોડી વધુ મસ્તી થઈ ગઈ. બધાએ તેની માફી માગી, પણ અમીને બહુ ગુસ્સો આવ્યો હતો, જે તકિયો ખોળામાં લઈને બેઠી હતી તેનો ઘા કરી પગ પછાડતી ઊભી થઈ અને ગુસ્સામાં પોતાના રૂમ તરફ દોડી ગઈ.
બે ત્રણ કઝિન ઊભા થઈને તેને મનાવવા
તેની પાછળ ગયા. અમીએ ગુસ્સામાં તેને મનાવવા આવેલા કઝિન્સને ‘ગેટ આઉટ’ કહી રૂમની બહાર જવા કહ્યું અને ધમ દઈને દરવાજો બંધ કર્યો. પેલા કઝિન્સ પાછા આવ્યા; બધા ચૂપ હતા. અંતાક્ષરીની મજા અટકી ગઈ હતી પણ બધાની વચ્ચે માહોલ સંભાળતાં અમીના કાકીએ કહ્યું, ‘ચાલો ચાલો આગળ ગાવ, તેને તો વાતે વાતે ગુસ્સે થવાની ટેવ છે. થોડીવારમાં ગુસ્સો શાંત થશે એટલે બહાર આવશે.’
અમી ગુસ્સામાં રૂમમાં એકલી બેઠી હતી અને સતત તેની જે મજાક થઈ તે વિશે વિચારતી વધુને વધુ ગુસ્સે થતી હતી. થોડીવારમાં બહારથી પાછો અંતાક્ષરીમાં ગીતો ગાવાનો અને મસ્તીમજાકનો અવાજ સંભળાવા લાગ્યો. પોતે નારાજ છે છતાં બધા તો મોજમસ્તી કરે છે તે વાતે અમીને વધુ ગુસ્સો આવ્યો.
લગભગ દોઢ કલાક પસાર થઈ ગયો. મમ્મીએ બહારથી બહુ વિનંતી કરી ત્યારે તેણે દરવાજો ખોલ્યો, તેનું મોઢું હજી ગુસ્સામાં ફુલેલું જ હતું. મમ્મીએ કહ્યું, ‘દીકરા મજાકને મજાકની જેમ લઈને ભૂલી જવાની, આમ ગુસ્સો ન કરાય. જો તું દોઢ કલાકથી ગુસ્સામાં રિસાઈને અહીં બેઠી છે. તે ગુસ્સામાં ૯૦ મિનિટનો આનંદ ગુમાવી દીધો. તું મને એક વાત કહે ‘જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?’ અમી કંઈ ન બોલી. મમ્મીએ જ જવાબ આપ્યો, ‘દીકરા જીવનમાં આનંદ અને ખુશી સૌથી મહત્ત્વનાં છે, આપણે નાની નાની વસ્તુઓ માટે ગુસ્સે થઈને જેટલી મિનિટ ગુસ્સામાં રહીએ છીએ તેટલી મિનિટોનો આનંદ ગુમાવી દઈએ છીએ. સતત ગુસ્સો કરવાથી અને ગુસ્સામાં વિચારવાથી ગુસ્સો વધે, જે આપણને જ નુકસાન કરે છે જ્યારે આનંદ વહેંચવાથી વધે છે અને બધાને સકારાત્મક શક્તિ આપે છે. જો બહાર બધા ભેગા મળી કેટલી મજા કરે છે અને તું નાની વાતે ગુસ્સે થઈને અહીં બેઠી છે અને મસ્તીનો બધો આનંદ ગુમાવી રહી છે.’ અમી સમજી ગઈ અને બહાર આવી બધાને પોતે સૉરી કહ્યું અને બધા સાથે મસ્તીમજાક કરવા લાગી.
ગુસ્સો કરી આનંદની ક્ષણો ન ગુમાવો.

heta bhushan columnists