બેસ્ટ શિક્ષક - (લાઇફ કા ફન્ડા)

27 March, 2020 05:28 PM IST  |  Mumbai | Heta Bhushan

બેસ્ટ શિક્ષક - (લાઇફ કા ફન્ડા)

એક શિક્ષકને સરકાર તરફથી બેસ્ટ શિક્ષકનો અવૉર્ડ મળ્યો. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય હતા. તેમની ભણાવવાની રીત અનોખી હતી. પોતાની પાસે ભણવા આવનાર દરેકને તેઓ ટ્યુશન-ફી લીધા વિના ભણાવતા. પોતાના ગરીબ વિદ્યાર્થીઓની ફી અને પુસ્તકોનો ખર્ચ પોતે આપતા અથવા પોતાના મિત્રો પાસેથી મેળવી આપતા. પોતાના દરેક વિદ્યાર્થીને તેઓ પોતાના બાળકની જેમ ભણાવતા અને જાળવતા.

બેસ્ટ શિક્ષકનો અવૉર્ડ મેળવ્યા બાદ પત્રકાર-પરિષદમાં શિક્ષક કયો વિષય ભણાવે છે અને કેવી જુદી રીતે ભણાવે છે એ જાણવા એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, ‘તમે તમારા વિદ્યાર્થીઓને શું શીખવો છો?’ બધાના આશ્ચર્ય વચ્ચે શિક્ષકે જણાવ્યું, ‘હું મારા વિદ્યાર્થીઓને શીખવાડું છું સ્વપ્ન જોવાનું. હું મારા વિદ્યાર્થીઓને શીખવાડું છું ઊંચાં નિશાન તાકવાનું અને પાર પડવાનું’

શિક્ષકનો જવાબ સાંભળીને બધાને નવાઈ લાગી, કારણ કે શિક્ષકે પોતાના વિષયની તો કોઈ વાત કરી જ નહીં અને કંઈક અલગ જ ઉત્તર આપ્યો. પત્રકારે પૂછ્યું, ‘સાહેબ, એટલે આપ શું કહેવા માગો છો? આપ કયો વિષય ભણાવો છો અને ભણાવવાની તમારી રીત કઈ રીતે અનોખી છે એ સમજાવોને.’

શિક્ષક બોલ્યા, ‘મારા વિષય વિજ્ઞાન અને ગણિત છે એ તો હું તેમને ભણાવું જ છું અને વિષય ભણાવવામાં કશું ખાસ નથી. બધું જ્ઞાન અને માહિતી પાઠ્યપુસ્ત, અન્ય પુસ્તકો અને. ઇન્ટરનેટ પર છે જ, પણ હું મારા વિદ્યાર્થીઓને એક કે બે વિષય માટે નહીં, પરીક્ષા માટે નહીં, માર્ક માટે નહી, પણ જીવનમાં હરઘડી આગળ વધવા માટે ભણાવું છું અને એટલે જ હું મારા દરેક વિદ્યાર્થીને એ હોશિયાર હોય કે સામાન્ય હોય કે નબળો હોય, સ્વપ્ન જોવાનું શીખવું છું. તેમની આંખોમાં આગળ વધવાનાં, નવું શીખવાનાં, શીખવાડવાનાં સપનાં આંજું છું. નવું જાણવા, નવી રીત શોધવા સતત પ્રેરિત કરું છું.’

પત્રકારે પૂછ્યું, ‘તમે શા માટે વિદ્યાર્થીઓને સ્વપ્ન જોતાં શીખવાડો છો?’

શિક્ષક બોલ્યા, ‘મારા આજના વિદ્યાર્થીઓ માણસજાતની, સમાજની, દેશની, મારી અને તમારી આવતી કાલની તાકાત છે અને જો તેઓ સાગરના બીજા કિનારા વિશે નહીં જાણે અને ત્યાં સુધી પહોંચવાનું સપનું નહીં જુએ તો તેઓ ક્યારેય આ તટથી આગળ વધવાનો પ્રયાસ નહીં કરે. સ્વપ્નો આગળ વધવાનું બળ આપે છે. સપનાં અજાણ્યા અનંત સાગરને પેલે પાર જવાની હિંમત આપે છે. સ્વપ્ન સાહસની ભેટ આપે છે અને આજનું સ્વપ્ન જ આવતી કાલની હકીકત બને છે. માત્ર માર્ક માટે, રૅન્ક માટે કે ડિગ્રી લઈ આજીવિકા માટે હું મારા વિદ્યાર્થીઓને ભણાવતો નથી. હું તેમને શીખવાડું છું સ્વપ્ન જુઓ, આ જીવનની દરેક ક્ષણ નવી સંભાવનાઓથી ભરેલી છે. જો સ્વપ્ન જોશો તો એ મેળવી શકશો.’ બધાએ શિક્ષકની વાતને તાળીઓથી વધાવી લીધી. દરેકને સમજાઈ ગયું કે આ શિક્ષક ‘બેસ્ટ શિક્ષક’ કેમ છે.

heta bhushan columnists