એક ગ્લાસ જૂસનો - (લાઇફ કા ફન્ડા)

15 January, 2020 05:05 PM IST  |  Mumbai | Heta Bhushan

એક ગ્લાસ જૂસનો - (લાઇફ કા ફન્ડા)

એક નાનકડી હોટેલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી. હોટેલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી. બહુ નાની હોટેલ હતી. યુવતી અને બીજા બે જણ, એમ કુલ ત્રણ જણ જ બધું કામ સંભાળતાં. બહુ ભીડ થતી હોવાથી કામનું ભારણ રહેતું. ૧૫ વર્ષની એક છોકરી ત્યાં આવી અને તેણે એક પાઇનેપલ જૂસનો ઑર્ડર આપ્યો અને ઉમેર્યું, જરા જલદી આપજો; મને મોડું થાય છે. બહુ ભીડ અને કામને લીધે યુવતીએ ઑર્ડર લીધો, પણ સાથે-સાથે થોડી તોછડાઈથી બોલી, જલદી નહીં થઈ શકે, સમય લાગશે અને આમ બોલતાં-બોલતાં તે બીજાં કામ તરફ આગળ વધી ગઈ. છોકરી શું કહે છે એ સાંભળવા પણ ન રોકાઈ.

પેલી ૧૫ વર્ષની છોકરી ખરાબ લગાડી હોટેલની બહાર જતી રહેવાને બદલે પેલી યુવતીની પાછળ-પાછળ ગઈ. પેલી યુવતી બહુ કામમાં હતી એટલે તેનું ધ્યાન ન હતું. થોડી વાર રહીને તેનું ધ્યાન તે છોકરી પર પડ્યું, તે ફરી બોલી, ‘બહુ ઑર્ડર છે, જૂસ જલદી નહીં મળે.’

પેલી છોકરીએ તેને કહ્યું, ‘મને દેખાય છે, તમને બહુ કામ છે. મને જૂસ પછી આપશો તો ચાલશે, પણ હું અહીં તમને મદદ કરવા આવી છું. મને કહો, હું શું મદદ કરી શકું?’ આમ બોલી ૧૫ વર્ષની છોકરી પાણીના ગ્લાસ ભરવા લાગી. પેલી યુવતીને બહુ સારું લાગ્યું કે કોઈકે તેને મદદ કરવાની વાત કરી. તે આનંદથી છોકરીને ભેટી પડી અને થોડી જ વારમાં તેના માટે પાઇનેપલ જૂસનો ગ્લાસ લઈ આવી. ત્યાં સુધી પેલી છોકરીએ બનતી મદદ કરી. પછી યુવતીએ તેનો આભાર માન્યો. તેના હાથમાં જૂસનો ગ્લાસ આપતાં કહ્યું, ‘ખૂબ-ખૂબ આભાર મને મદદ કરવા માટે, પણ તું મારી ગેસ્ટ છે. હવે હું બધું સંભાળી લઈશ. તું આ જૂસનો આનંદ લે. મારા કામની કદર કરવા અને મદદ કરવા બદલ તારો ફરી એક વાર આભાર.’

યુવતી કામે લાગી અને છોકરી એક ટેબલ પર બેસી જૂસ પીવા લાગી.

જૂસ પીતાં-પીતાં છોકરી પોતાની મમ્મીની વાત યાદ કરી રહી હતી કે ‘જ્યારે કોઈ પોતાના ખભા પર દુનિયાભરનો ભાર છે એમ વિચારીને નાસીપાસ હોય ત્યારે તેની પાસે જઈને તેને મદદ કરવી, તેનો થોડો ભાર ઓછો કરવાની કોશિશ કરવી.’

આજે તેણે મમ્મીની આ વાત પર અમલ કર્યો હતો. મનોમન તે પોતાની મમ્મીને પણ થૅન્ક યુ કહી રહી હતી કે જેણે તેને આટલી સરસ જીવનની સમજ આપી હતી. 

આપણે પણ યાદ રાખીએ જ્યારે કોઈ દુનિયાભરના કામના, તકલીફના કે અન્ય કોઈ દબાણ હેઠળ હોય ત્યારે તેની પાસે જઈ મદદનો એક હાથ અચૂક લંબાવીએ. તેને બનતો સાથ આપીએ.

heta bhushan columnists