અભિમાન શું કામ? - (લાઇફ કા ફન્ડા)

06 March, 2020 03:46 PM IST  |  Mumbai | Heta Bhushan

અભિમાન શું કામ? - (લાઇફ કા ફન્ડા)

ઈરાનનો બાદશાહ અલ રશીદ. આ બાદશાહને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય, અઢળક સંપત્તિથી ઊભરતા ખજાના અને મોટી સેનાનો ગર્વ હતો. અભિમાનને લીધે આવતા દરેક અવગુણ તેનામાં પ્રવેશી ગયા હતા. બાદશાહ તોછડો બની ગયો હતો. બધાનું અપમાન કરતો. દુનિયામાં મારા સમાન કોઈ નથી એમ સમજતો. મનફાવે એવું વર્તન કરતો. અજુગતા ફરમાન કાઢતો. નાના ગુનાની મોટી સજા આપી દેતો. કોઈનામાં બાદશાહને તેમની ભૂલ બતાવવાની હિંમત ન હતી. બાદશાહનાં માતાએ સૂફી સંત અબુ શકીકને વિનંતી કરી કે મારા દીકરાને જીવનનો સાચો રાહ સમજાવો. ધન-દોલતના અભિમાનને લીધે તે ભટકી ગયો છે. અબુ શકીકે બાદશાહની માતાને કહ્યું, ‘હું બાદશાહને સમજાવવાની કોશિશ ચોક્કસ કરીશ.’

એક દિવસ અબુ શકીક બાદશાહના દરબારમાં પહોંચી ગયા. બાદશાહે સ્વાગત કર્યું, પરંતુ અભિમાનને લીધે ઝૂકીને સલામ ન કરી. સૂફી સંત અબુ શકીકે આવતાં જ બાદશાહને પૂછ્યું, ‘બાદશાહ, તમે આખા ઈરાનના શાહ છો. તમારી સંપત્તિનું કુલ મૂલ્ય કેટલું છે?’

બાદશાહે વધુ રુઆબથી ઉત્તર આપ્યો, ‘મારી પાસે એટલી દોલત છે જે ગણી ગણાય નહીં. એટલી બેસુમાર સંપત્તિ છે કે કેટલી છે એનો અંદાજ ન લગાવી શકાય. ખરેખર કુલ કેટલી દોલત છે એનો મને ખ્યાલ પણ નથી.’

સંત બોલ્યા, ‘વાહ, પણ હવે ધારો કે તમે સહરાના રણમાં ભુલા પડી ગયા છો. અસહાય તાપમાં અહીંથી તહીં રખડી રહ્યા છો. તમને ખૂબ જ તરસ લાગી છે. ધારો કે ત્યારે તમને કોઈ પાણીનો એક પ્યાલો આપે તો તમે તેને શું આપશો?’

બાદશાહે કહ્યું, ‘અરે, હું તરસથી મરી રહ્યો હોઉં અને કોઈ એક પ્યાલો પાણી આપે તો તો હું તેને મારી અડધું રાજ્ય આપી દઉં.’

સંત બોલ્યા, ‘બરાબર છે અને બાદશાહ, વિચારો કે તમે બીમાર છો અને બચવાની કોઈ જ આશા નથી. દુનિયાભરના કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. રાજના હકીમે કહી દીધું છે કે તમે થોડી જ પળોના મહેમાન છો. એ જ સમયે કોઈ એક જણ આવી તમને એક નાની દવાની પડીકી આપે અને તમે સાજા થઈ જાવ તો તમે તેને શું આપશો?’

બાદશાહ બોલ્યા, ‘જાન બચાવનારને તો હું મારું અડધું રાજ્ય આપી દઉં.’

સૂફી સંતે કહ્યું, ‘બાદશાહ, આંખો ખોલો, તમારા જવાબ પરથી જ સમજો કે જો તમારા સામ્રાજ્યની કિંમત પાણીના એક પ્યાલા કે દવાની એક પડીકી જેટલી જ છે તો પછી આટલું અભિમાન શું કામ?’

બાદશાહની આંખો ખૂલી ગઈ.

heta bhushan columnists