માનવી બનવા માટે - (લાઇફ કા ફન્ડા)

07 April, 2020 05:02 PM IST  |  Mumbai | Heta Bhushan

માનવી બનવા માટે - (લાઇફ કા ફન્ડા)

ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘ચાલો, હું આજે તમને માનવી બનવા માટે શું કરવું જોઈએ એ સમજાવું.’

આ સાંભળી શિષ્યોએ વિચાર્યું; ‘આપણે બધા મનવી જ તો છીએ. ઈશ્વરે આપણને આપણાં સારાં કર્મ બાદ જ મનુષ્યદેહ આપ્યો છે. તો પછી ગુરુજી આ શું સમજાવવાની વાત કરે છે?’

ગુરુજી જાણે શિષ્યોના મનની વાત જાણી ગયા હોય એમ બોલ્યા, ‘તમને બધાને થશે કે આપણે બધા માનવી જ તો છીએ પણ શિષ્યો, માત્ર માનવજન્મ અને મનુષ્યદેહ મળવાથી માનવી નથી થવાતું. માનવી બનવા માટે જીવનમાં સાત મહત્ત્વના ગુણો અપનાવવા અને એ અનુસાર જીવવું જરૂરી છે.’

આટલું બોલી ગુરુજીએ એક સુભાષિત લખ્યું, ‘યેષાં ન વિદ્યા ન તપો ન દાનં ન જ્ઞાનં ન શીલ ન ગુણો ન ધર્મ; તે મૃત્યુલોકે ભુવિભાર ભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્વ્રારન્તિ.’ અને પછી ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આ સુભાષિત જીવનભર યાદ રાખજો, એમાં માનવના સાત ગુણ સમજાવ્યા છે.’ ગુરુજીએ સુભાષિત સમજાવતાં કહ્યું, ‘માનવ બનવા પહેલી ચીજ જરૂરી છે ‘વિદ્યા’ - માત્ર થોથાઓનું વાંચન કે ભણતર નહીં, પણ દરેક સમયે સાચી દિશામાં સાચું વિચારવાની ક્ષમતા; જે ભણતર અને ગણતર આપે એ ખરી વિદ્યા છે. બીજું છે ‘તપ’ અહીં તપના બે અર્થ છે એક પ્રભુભક્તિ માટે કરવામાં આવતું તપ; ઈશ્વરમાં શ્રધ્ધા અને બીજું જીવનમાં આગળ વધવા, સફળતા મેળવવા કે મુશ્કેલીના સમયે કષ્ટ સહન કરવાની, સતત મહેનત કરી, આગળ વધવાની નિષ્ઠા. યાદ રાખજો, જીવનમાં પરિશ્રમ વિના કશું જ મળતું નથી. ત્રીજું અંગ છે દાન. ઈશ્વરે આપણને માનવજન્મ આપ્યો છે અને એટલે આપણે પણ આપણી પાસે જે હોય એમાંથી અન્યને આપતા શીખવું અને આપતા રહેવું. આપણાં શાસ્ત્રોમાં દાનનો મહિમા મોટો છે.’

આ ત્રણ લક્ષણ વિશે સમજાવ્યા બાદ ગુરુજીએ કહ્યું, ‘માનવનું ચોથું લક્ષણ છે સાચું ‘જ્ઞાન’ એટલે કે પોતે કોણ છે? જાત વિશષ અને જીવનના ઉદેશની સાચી સમજ જ્ઞાનમાર્ગે ચાલીને જ મેળવી શકાય છે. સત્સંગ, શાસ્ત્રો, મનન, ચિંતન આપણને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે. પાંચમું સૌથી જરૂરી લક્ષણ છે ‘શીલ’ શુદ્ધ ચરિત્ર જે માનવ મન, વચન, કર્મથી શુદ્ધ હોય છે અન્ય માટે ક્યારેય ખોટું કે ખરાબ વિચારતો નથી. ઇર્ષ્યા-નિંદા કરતો નથી તે જ સાચો માનવ છે. છઠ્ઠું લક્ષણ છે ‘સદગુણ’ જે માનવમાં નમ્રતા, વિનય, મધુર વચન, નિયમિતતા, સમયપાલન જેવા સારા ગુણો છે તે જ સાચો માનવ છે અને સાતમું લક્ષણ છે ‘ધર્મ’ જે માનવી પોતાના ધર્મનું યોગ્ય રીતે ધર્માંધ બન્યા વિના પાલન કરે છે તે જ સાચો મનુષ્ય છે. જો આ સાત લક્ષણ આપણી અંદર હોય તો જ આપણે મનુષ્ય છીએ, નહીં તો આ પૃથ્વી પર ભાર્સ્માન પશુ જ છીએ.’

ગુરુજીએ શિષ્યોને સાચા માનવ બનવાનો માર્ગ દેખાડી અને સમજાવી દીધો.

heta bhushan columnists