અભિમાન ગરીબીનું...! - (લાઇફ કા ફન્ડા)

13 January, 2021 11:41 AM IST  |  Mumbai | Heta Bhushan

અભિમાન ગરીબીનું...! - (લાઇફ કા ફન્ડા)

મહાન ચિંતક સૉક્રેટિસ કહેતા ‘સાદાં કપડાં ભલે જાડાં હોય, સાદો પણ પૌષ્ટિક ખોરાક અને સહજ આનંદ એટલે જ જીવન. જીવન જીવવા એથી વધુ કંઈ ન જોઈએ.’ તેમના વિચારો તેમના જમાનાથી આગળ હતા. સૉક્રેટિસ પૈસા પાછળ દોડતા નહોતા, પોતાની મસ્તીમાં જીવતા મસ્તરામ ફકીર હતા... અને જે વિચારતા તે સાચે-સાચું મોઢા પર જ સ્પષ્ટ કહેતા.

સૉક્રેટિસના જેટલા શ્રીમંત ચાહકો હતા તેટલા જ ગરીબ ચાહકો અને મિત્રો પણ હતા. તેમની ચિંતન-મનન બેઠકમાં નગરના શ્રીમંત, અતિ શ્રીમંત નબીરાઓ સુંદર જરીકામવાળા ડગલાઓ પહેરીને આવતા અને સાથે ગરીબ મિત્રો સાદા થીંગડાવાળા કપડાં પહેરીને પણ આવતા. શ્રીમંતો અને ગરીબોની સમાન હાજરીવાળી આ અનોખી ચિંતન બેઠક સૉક્રેટિસના પોતાના જ ઘરે રોજ સાંજે થતી. સૉક્રેટિસ પોતાના જ્ઞાનનો વેપાર કરવા બીજે ક્યાંય કોઈ બેઠકમાં જતાં નહીં.

સૉક્રેટિસનો એક ગરીબ મિત્ર હતો. તે ખુમારીથી સાદગીભર્યું જીવન જીવતો અને રોજેરોજ નિયમિત સૉક્રેટિસની બેઠકમાં આવતો. ગરીબ મિત્રની વાતો હંમેશાં પોતાની ગરીબીની ખુમારી ભરેલ અને શ્રીમંતોની શ્રીમંતાઈને વખોડનારી રહેતી. સૉક્રેટિસ આ વાતો ઘણા વખતથી સાંભળી રહ્યા હતા. એક દિવસ ગરીબ મિત્ર કહી રહ્યો હતો ‘આ શ્રીમંતો પોતાના એક ડગલા પાછળ જરીકામમાં જેટલા પૈસા વેડફે છે તેમાંથી તો કેટલાય ગરીબો જમી લે. આપણને સારા સાદા, કપડાં અરે ફાટેલા કે થીંગડાંવાળા પણ ચાલે, પણ કોઈ પૈસાનો દેખાડો કે વેડફાટ ન ચાલે.’ આમ બોલી તેણે પોતાના કોટનું કાણું બતાવ્યું.’

સૉક્રેટિસ તેની વાત સાંભળી વિચારવા લાગ્યા કે મારા આ ગરીબ દોસ્તને પોતાની ગરીબી, સાદગીભર્યા જીવનનું ઘમંડ થવા લાગ્યું છે. તેને અભિમાન થયું છે કે હું આ ગરીબીમાં પણ કેટલી સાદાઈ સાથે, કેટલી ઓછી જરૂરિયાતો સાથે ખુમારીથી જીવું છું... અને મહાન સૉક્રેટિસની બેઠકમાં પણ જાઉં છું, બધા મને સાંભળે પણ છે. ઘણા વખતથી સૉક્રેટિસના મનમાં આ વિચારો ચાલતા હતા અને ગરીબ મિત્ર પણ પોતાની વાતોથી આવું જ કંઈક સાબિત કરી રહ્યો હતો અને તે માટે જાણે જાણી જોઈને ફાટેલો કાણાવાળો કોટ પહેરીને બેઠકમાં આવતો હતો.

એક દિવસ સૉક્રેટિસે તેને પોતાની વાતો કરતાં અટકાવ્યો અને કહ્યું, ‘દોસ્ત, આ તારા કોટ પર કેટલા દિવસથી કાણું પડ્યું છે, લાવ તેને થીંગડું મારી સીવી આપું.’ ગરીબ દોસ્ત બોલ્યો, ‘ના ના વાંધો નહીં હું પછી થીંગડું મારી લઈશ.’ સૉક્રેટિસ બોલ્યા, ‘દોસ્ત, પછી નહીં હમણાં જ થીંગડું માર, કારણ તે કોટના કાણામાંથી તારું અભિમાન ચાડી ખાય છે.’ ગરીબ દોસ્ત સૉક્રેટિસનો ઇશારો સમજી ગયો અને ચૂપ થઈ ગયો.

heta bhushan columnists