સતત આગળ વધતા રહો - (લાઇફ કા ફન્ડા)

18 March, 2020 05:55 PM IST  |  Mumbai | Heta Bhushan

સતત આગળ વધતા રહો - (લાઇફ કા ફન્ડા)

એક સાધુ જંગલમાં એક ઝાડ નીચે બેસીને ધ્યાનમગ્ન હતા. જંગલમાં એક કઠિયારો રોજ ઝાડ કાપીને લાકડાં ભેગા કરવા આવતો. તેણે સાધુને જોયા અને તેમને નજીકથી ફળો શોધીને લાવી આપ્યાં. નદીમાંથી મીઠું શીતલ જળ લાવી આપ્યું. પછી સાધુમહારાજને તેણે પૂછ્યું, ‘બાબા તમે તો જ્ઞાની લાગો છો. હું રોજ આ લાકડાં કાપવાની મહેનત કરીને થાક્યો છું. ખૂબ મહેનત કરું છું, પણ માંડ ગુજારો થાય છે. તમે મને કોઈ રસ્તો બતાવો કે સારું જીવન જીવવા હું શું કરું?’

સાધુબાબા બોલ્યા, ‘ભાઈ તું રોજ લાકડાં કાપવા આ જંગલમાં ક્યાં સુધી જાય છે? કઠિયારાએ કહ્યું, ‘બાબા, બસ લગભગ પેલી નદી સુધી, ત્યાંથી આગળ જતો નથી.’ સાધુ બોલ્યા, ‘તો આજે ત્યાંથી આગળ જા.’ કઠિયારો સાધુની વાત પર વિશ્વાસ મૂકીને હિંમત કરીને કોઈ દિવસ ગયો નહોતો એ માર્ગ પર આગળ ગયો અને તેના આશ્ચર્ય અને આનંદનો કોઈ પાર ન રહ્યો, કારણ તેને ત્યાં ચંદનનાં વૃક્ષો દેખાયાં. હવે તે ચંદનનાં લાકડાંનો વેપાર કરીને પહેલાં કરતાં વધુ પૈસા કમાવા લાગ્યો.

થોડા સમય બાદ સાધુ ફરી જંગલમાંથી પસાર થયા. કઠિયારો ચંદનનાં વૃક્ષ કાપી રહ્યો હતો. તેને જોઈને સાધુ એટલું જ બોલ્યા, ‘હજી અહીં જ અટકેલો છે, હજી આગળ જા.’ સાધુને પગે લાગીને કઠિયારો આગળ ગયો તો ત્યાં કોઈ ઝાડ ન હતાં, પણ ચળકતી જમીન હતી. તેણે જમીન ખોદી જોઈ તો તેને ચાંદીની ખાણ મળી. હવે કઠિયારો ચાંદીની ખાણનો માલિક બની ગયો. ‘સતત આગળ જા’ એવી સાધુબાબાની વાતને તે રોજ યાદ કરતો અને જીવનમાં એક પછી એક પગલું આગળ વધતો રહેતો. ચાંદી બાદ તેને સોનાની ખાણ પણ મળી. તે નગરનો સૌથી શ્રીમંત માણસ બની ગયો.

એક દિવસ વહેલી સવારે પેલા સાધુબાબા તેને આંગણે આવીને ઊભા રહ્યા. ગરીબ કઠિયારામાંથી શ્રીમંત બનેલા શેઠે તેમનું દોડીને સ્વાગત કર્યું. તેમના પગ ધોયા. ભાતભાતનાં ભોજન પીરસ્યાં અને પછી બે હાથ જોડીને પૂછ્યું, ‘બાબા, શું કામ આવવાનું થયું? કોઈ હુકમ?’ સાધુબાબા બોલ્યા, ‘હુકમ આપનાર હું કોણ? એ તો ઉપરવાળો આપશે, પણ તું આગળ વધતો ગયો અને તને સંસારનાં બધાં સુખ મળ્યાં, હવે તું સમાજને સુખ આપવાના માર્ગે આગળ વધ. દાન-ધર્મનાં કાર્યો કર. તું ભક્તિના માર્ગે આગળ વધ. પ્રભુભક્તિ કર.’ આટલું કહીને સાધુબાબા ચાલતા થયા. શ્રીમંત શેઠ બનેલા કઠિયારાએ પછી દાન-ધર્મ અને ભક્તિના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું.

heta bhushan columnists