શૂન્યની આગળ - (લાઇફ કા ફન્ડા)

01 April, 2020 06:14 PM IST  |  Mumbai | Heta Bhushan

શૂન્યની આગળ - (લાઇફ કા ફન્ડા)

હાલમાં સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાયેલી છે અને વધુ ને વધુ ફેલાઈ રહી છે. એક વાઇરસ સામે સમગ્ર માનવજાત હારી રહી છે. વિજ્ઞાન કોઈ તોડ હજી સુધી કાઢી શક્યું નથી. એક વાઇરસના ચેપથી બચવા આખી દુનિયા પોતાના ઘરમાં ફરજિયાત કેદ થઈને બેઠી છે અને માત્ર આ એક જ ઉપાય અત્યારે દેખાઈ રહ્યો છે.

હંમેશાં એક નહીં, અનેક કામો પાછળ દોડતા માણસનું જીવન અત્યારે એક જ કામ કરી રહ્યું છે, એ છે વાઇરસના ચેપથી કઈ રીતે બચવું? બાકી જીવનમાં કઈ બચ્યું નથી. આવી લાગણી બધાના મનમાં ઉદ્ભવી રહી છે. જીવન શૂન્ય જેવું લાગે છે, કારણ કે ચારે બાજુ સન્નાટો છે. રસ્તા પર વાહનો નથી, નથી એક પણ માણસ, નથી એક વાર ડોરબેલ પણ વાગતી, નથી કોઈ મહેમાન આવતું. નથી કોઈ કામ, નથી કોઈ પ્રોગ્રામ, નથી તૈયાર થઈ બહાર જવાનું, નથી સમયસર ટ્રેન પકડી ઑફિસે પહોંચવાનું. એક ડર છે હવે કઈ નહીં બચે, માત્ર શૂન્યતા સિવાય; એવું વિચારી મન ફફડી ઊઠે છે. આ ‘કઈ જ નથી’ના ભાર હેઠળ રહીને બધું શૂન્ય લાગે છે ત્યારે જ હૈયાની આશને અને હિંમતને એકસાથે જોડીને આ ‘શૂન્ય’ને પકડી રાખવાની જરૂર છે.

પ્રશ્ન છે આ શૂન્ય શું છે? કઈ જ નથીનું પ્રતીક; જવાબ છે - ના, આ શૂન્ય છે પ્રગતિની શરૂઆત. સમજો શૂન્યની આગળ એક લાગે તો કિંમત સીધી દસ ગણી વધે છે. બસ, આ વાત યાદ રાખજો. મનમાં આશાની જ્યોત સાથે હિંમતનો દીવો ઝળહળતો રાખજો. જીવન સજાગ બની જાળવી રાખજો. જીવન જાળવીને આપણે શૂન્યની આગળ વધી અંક લખી કિંમત દસ ગણી વધારી શકીશું અને શૂન્ય તો જેટલા વધારે હશે એક વાર આગળ હિંમત કરી અંક લાગશે એટલે કિંમત અનેક ગણી થતી રહેશે. કોઈ પણ શૂન્યતા અને અંધકારને પાર કરી એની આગળ અંકનું સર્જન કરવાની આ શક્તિ આપણી પાસે છે. હાલની પરિસ્થિતિમાં સંયમ જાળવી, દરેક સૂચના અને નિયમોનું શિસ્તપૂર્વક પાલન કરી જો જીવનની આ કપરી ઘડીઓ પસાર કરી લેશું અને પછી રાત-દિવસ સખત મહેનત કરી આપણે શૂન્ય બનેલા જીવનમાં અનેક અંકો ઉમેરી દેશું. હિંમત ન હારવી, ધીરજ ધરવી, ક્યાં અટકવું? ક્યારે દોડવું એ સમજવું સફળ માનવનાં લક્ષણ છે એ ન ભૂલવું.

heta bhushan columnists coronavirus