નેકી કર‍... - (લાઇફ કા ફન્ડા)

08 April, 2020 06:03 PM IST  |  Mumbai | Heta Bhushan

નેકી કર‍... - (લાઇફ કા ફન્ડા)

એક નાનકડા સામાન્ય મકાનમાં એક મધ્યમવર્ગીય પરિવાર રહેતો હતો. પિતા મૃત્યુ પામ્યા હતા, માતા બીમાર હતી, પણ ઘરે સીવણકામ કરતી અને મોટી દીકરી નોકરી કરી ઘરની અને બે નાના ભાઈ-બહેનની જવાબદારી સંભાળતી હતી. સ્વાભિમાનથી તેઓ સાદું જીવન જીવતા હતા. ઘરખર્ચ, માતાની દવાઓ, નાના ભાઈ-બહેનનો ભણવાનો ખર્ચ; માંડ-માંડ ગાડું ગબડતું એટલે બહુ બચત હતી નહીં. મહામારીના કપરા દિવસોમાં એટલી વિકટ પરિસ્થિતિ આવી કે સીવણકામ મળતું બંધ થયું, પ્રાઇવેટ નોકરીનો પગાર પણ અટકી ગયો; મળશે કે નહીં એ પણ પ્રશ્ન હતો. ઘરમાં થોડા બચાવેલા પૈસા હતા એમાંથી થોડા દિવસ ચાલ્યું પછી ઘરમાં અનાજ ખૂટવા લાગ્યું. જમવાવાળા ચાર જણ પણ બે જણની રસોઈ કરી થોડું-થોડું ખાતા. એક દિવસ નાનો છોકરો સમાચાર લાવ્યો કે નીચે મફત બિસ્કિટ અને રૅશન આપે છે. કોઈ દિવસ મફતનું લીધું ન હતું એટલે શરમ આવી, પણ બીમાર મા અને ભૂખ્યા બે નાના ભાઈ-બહેનનો વિચાર કરી મોટી બહેન નીચે ગઈ, પણ તરત જ દોડીને આવી અને રડવા લાગી. નાની બહેન બોલી, ‘શું થયું દીદી, તને ન મળ્યું? કેમ કઈ ન લાવી?’

મોટી બહેન રડતાં-રડતાં બોલી, ‘મા, નીચે આપે તો છે પણ સાથે ફોટો પડે છે અને વિડિયો ઉતારે છે એટલે હું લાઇનમાં ન ઊભી રહી, કઈ ન લીધું અને પાછી આવી ગઈ.’ આંખમાં આંસુ આવી જાય અને કઈક વિચારવું પડે એવી દુઃખદાયક આ સ્થિતિ છે. 

આજની મહામારીની કપરી પરિસ્થિતિમાં અનેક લોકો અનેક જુદી-જુદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અનેક લોકો મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. રસ્તા પર ગરીબ ભિખારીઓ, રોજ કામ કરી કમાતા મજૂરો વગેરે માટે ઘણા લોકોએ સામે આવી ભોજનની વ્યવસ્થા કરી છે. ઠેર-ઠેર ઘણા બધા લોકો જરૂરિયાતમંદને જમાડે છે અને પછી એનો ફોટો છાપા, ટીવી, સોશ્યલ મીડિયા પર મૂકે છે. જાણે એવું લાગે છે કે કૅમેરા હોય ત્યાં જ સત્કાર્ય થાય છે અને જાણે આ દાન અને અન્યની મદદનો દેખાડો પોતાનું નામ કમાવવામાં થાય છે. ક્યાંક સેલ્ફી લેવાય છે અને વિડિયો ઉતારવામાં આવે છે. ‘નેકી કર ઓર દરિયા મેં ડાલ’ના સ્થાને ‘નેકી કર ઓર સોશ્યલ મીડિયા પે ડાલ’ જેવો દેખાડાનો માહોલ છે. આ અટકાવો, અન્યની મજબૂરીને પોતાની લોકપ્રિયતાનો રસ્તો ન બનાવો. દાન આપો, પણ દેખાડો ન કરો. દાન આપો પણ એનો ઢંઢેરો ન પીટો.

દરેક સમાજને મદદરૂપ સારા સેવાના કામ કરનારને સલામ છે, પણ આ દાન અને સેવા કાર્યને દેખાડો ન બનાવો. ન સેલ્ફી, ન વિડિયો, ન કૅમેરા, ન માર્કેટિંગ તો જ એ સેવાકાર્ય સાચું સેવાકાર્ય છે. આપણે ત્યાં કહેવાય છે કે જીવનમાં સૌથી જરૂરી છે ‘દાન આપો’ અને દાન આપો તો જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે એ રીતે આપો.

‘નેકી કર ઓર દરિયા મેં ડાલ’

heta bhushan columnists