મદદ કરો, મદદ મેળવો - (લાઇફ કા ફન્ડા)

11 February, 2020 01:32 PM IST  |  Mumbai | Heta Bhushan

મદદ કરો, મદદ મેળવો - (લાઇફ કા ફન્ડા)

એક કઠિયારાનો કિશોરવયનો દીકરો, નામ એનું શ્યામ. કઠિયારો, તેની પત્ની અને દીકરો ત્રણેય મહેનત કરે અને ગુજરાન ચલાવે. ઓચિંતાનો કઠિયારાને અકસ્માત થયો અને તેના પગ ઘાયલ થઈ ગયા. હવે તે જંગલમાં જઈને લાકડાં કાપી શકતો નહીં. આ કામ શ્યામે પોતાના માથા પર લઈ લીધું. માતાએ એક જ શિખામણ આપી કે પોતાના કામ પર ધ્યાન આપવું અને બને તો કોઈની મદદ કરવી, બીજી કોઈ વાતમાં પડવું નહીં. મળે એટલા લાકડાં કાપી ઘરે આવવું.

શ્યામ જંગલમાં ગયો. મહેનતથી લાકડાં કાપતો અને આગળ વધતો. રસ્તામાં તેણે એક વૃદ્ધ ડોશીમાને જોયા. ડોશીમાં ભૂખ્યાં-તરસ્યાં હતાં, પણ શ્યામ પાસે કંઈ જ ન હતું કે જે તે ડોશીમાને આપી શકે. તે કચવાતા મને આગળ ચાલ્યો. થોડે દૂર ગયો ત્યાં એક સાધુ હતા, તેમણે શ્યામ પાસે પાણી માગ્યું, પણ શ્યામ પાસે પાણી નહોતું અને આજુબાજુ ક્યાંય પાણી માટે નદી કે ઝરણું કંઈ નહોતું. શ્યામ પોતે કોઈને મદદ કરી શકતો નથી એમ વિચારતો દુઃખી થતો આગળ ગયો. લાકડાં કાપતો જતો હતો. થોડે દૂર આગળ એક નાનકડા તળાવ પાસે

ત્રણ-ચાર શહેરી દોસ્તોનું ટોળું તંબુ બાંધવાની કોશિશ કરી રહ્યું હતું પણ તેમની પાસે લાકડાં પૂરતાં નહોતાં. શ્યામે તેમને લાકડાં આપ્યાં અને તંબુ બાંધવામાં મદદ કરી. બદલામાં તે શહેરી દોસ્તોએ તેને બ્રેડ, બિસ્કિટ વગેરે ખાવા આપ્યા. શ્યામે તે લીધા પણ ખાધા નહીં. એક પોટલું વાળી લીધું. તળાવમાંથી પાણી ભર્યું અને બાકીનાં લાકડાં લઈ પેલા સાધુ પાસે ગયો અને તેને પાણી પાયું. પેલા વૃદ્ધ ડોશીમા પાસે જઈ તેમને પાણી આપ્યું, ખાવાનું આપ્યું. અન્યની મદદ કરી તે ખુશ થયો.

પછી થોડું વધેલું ખાવાનું લઈ, લાકડાં લઈ સીધો ઘરે ગયો. માતા-પિતાને બધી વાત કરી અને ત્રણ જણે ભેગા મળી જે બચ્યું હતું તે ખાવાનું ખાધું અને શ્યામ પછી લાકડાં વેચવા ગયો. શ્યામ રોજ જંગલમાં જતો, લાકડાં કાપતો અને ઘરે આવતો. એક દિવસ તે લાકડાં કાપી ઘરે આવતો હતો ત્યારે કોઈ શિકારીએ ખોદેલા ખાડામાં તે પડી ગયો. પગમાં બહુ વાગ્યું. મદદ માટે બૂમો પાડી. આ બૂમો પેલા ડોશીમાએ સાંભળી. તે શોધતાં શોધતાં આવ્યાં, જોયું તો શ્યામ ખાડામાં ઘાયલ થઈ પડ્યો હતો. તેઓ આજુબાજુ મદદ શોધવા લાગ્યા. પેલા સાધુ દેખાયા. સાધુ અને ડોશીમાએ તેને બહાર કાઢ્યો. સાધુએ પાંદડા તોડી શ્યામના ઘા પર લગાવ્યા. ડોશીમાએ માની જેમ ખોળામાં સુવડાવી તેને રાહત આપી. થોડું સારું લાગતા શ્યામ તેમનો આભાર માની ઘરે ગયો. શ્યામની મદદ કરી ડોશીમા અને સાધુ ખુશ થયા. અન્યની નાની એવી મદદ કરી ખુશી મેળવો અને તમને જરૂર પડે ત્યારે અન્યની મદદ મળશે.

 

- હેતા ભૂષણ

 

heta bhushan columnists