દોરડાની ગાંઠો - લાઇફ કા ફન્ડા

20 October, 2020 04:44 PM IST  |  Mumbai | Heta Bhushan

દોરડાની ગાંઠો - લાઇફ કા ફન્ડા

એક દિવસ ભગવાન બુદ્ધે પ્રવચન કરતાં-કરતાં એક દોરડું મગાવ્યું અને પછી બધાને દેખાય એમ દોરડામાં એકસાથે ચાર–પાંચ ગાંઠો મારી દીધી અને પછી શિષ્યોને કહ્યું, ‘શું આ દોરડું પહેલાં જેવું જ ફરી થઈ શકશે?’ અમુક શિષ્યોએ હા પાડી અને અમુક શિષ્યોએ ના પાડી.
હા પાડનાર એક શિષ્યએ કહ્યું, ‘ભગવન, આ બધી ગાંઠો આપણે કાળજીથી ખોલી નાખશું તો દોરડું પાછું પહેલાં જેવું જ થઈ જશે.’ અને ના પાડનાર શિષ્યોમાંથી એક શિષ્ય બોલ્યો, ‘ભગવન, એક તો આ ગાંઠો છોડવી અઘરી પડશે અને જો ગાંઠો ખૂલશે તો પણ દોરડા પર વળ તો રહી જ જશે.’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વાત તમારા બન્નેની સાચી છે, પણ દોરડું બરાબર થઈ જ નહીં શકે એમ માની ગાંઠ ખોલવાના પ્રયત્ન જ ન કરવા કરતાં એક વાર ગાંઠ ખોલવાના પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ.’
આટલું બોલી ભગવાન બુદ્ધ ગાંઠ ખોલવા માટે દોરડાના બે છેડાને કઈ પણ જોયા વિના ખેંચવા લાગ્યા. એક શિષ્ય બોલ્યો, ‘ગુરુ ભગવન, ક્ષમા કરજો, પણ આમ ન કરો. જો દોરડાના છેડા વિરુદ્ધ દિશામાં ખેચાશે તો ગાંઠ ખૂલવાને બદલે વધુ સજ્જડ થશે અને નહીં ખૂલે અને વધુ વળ પડશે.’
ભગવાન બુદ્ધે હાથમાંનું દોરડું નીચે મૂક્યું અને બોલ્યા, ‘તો હવે આ ગાંઠ ખોલવી કઈ રીતે?’
એક શિષ્ય ઊભો થયો અને આગળ આવી પેલું દોરડું હાથમાં લઈ ગાંઠને ધ્યાનથી જોવા લાગ્યો અને બોલ્યો, ‘ભગવન, સૌથી પહેલાં ગાંઠને બરાબર જોઈ એ કઈ રીતે વળી છે અને કઈ બાજુથી દોરડું ખેંચવાથી ઢીલી થશે એ ગોતવું પડે અને પછી એ પ્રમાણે દોરડું ખેંચી ગાંઠને ઢીલી કરી છોડી શકાશે.’ આટલું બોલી તેણે ગાંઠનું બરાબર નિરીક્ષણ કરી ગાંઠ ખોલી.
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘ સરસ, શિષ્યો હવે આ દોરડાની ગાંઠ વિશે સમજવા પાછળનો મારો ગૂઢ અર્થ સમજો. આપણું માનવજીવન એ એક દોરડું છે. એમાં સમસ્યાઓની, અવગુણો, દુઃખની, મુશ્કેલીઓની ઘણી ગાંઠો પડે છે. આ ગાંઠોને કારણે આપણને લાગે છે કે જીવન ગૂંચવાઈ ગયું. હવે ક્યારેય ઉકેલીને સરળ નહીં બનાવી શકાય, પણ યાદ રાખજો, જેમ આ દોરડાની ગાંઠને કઈ રીતે વળી છે એ બરાબર સમજી ખોલી શકાય એમ જીવનમાં પડેલી બધી ગાંઠો અને ગૂંચવણો દૂર કરી શકાય છે. જીવનમાં જે કઈ પણ સમસ્યા કે મુશ્કેલી હોય એને પાયાથી સમજી, એનું મૂળ કારણ જાણીને દૂર કરવાથી સમસ્યારૂપી ગાંઠ ખૂલી શકે છે. જીવનમાં અતિ ક્રોધની સમસ્યા છે તો ક્રોધનો અંત કરવા એના કારણને સમજીને દૂર કરવું પડે છે. અભિમાનનો અંત કરવા, અભિમાનના મૂળને શોધવું પડે છે. કોઈ પણ મુશ્કેલીના મૂળ કારણને શોધી અને સમજીને દૂર કરવાથી એમાંથી બહાર નીકળી શકાય છે.’
ભગવાન બુદ્ધે જીવનની તકલીફો, મુશ્કેલીઓ અને અવગુણો વગેરેમાંથી બહાર નીકળવા માટેની રીત સમજાવી.

heta bhushan columnists