જીવન એક સંગ્રામ છે અને જખમો વિના સંગ્રામ થઈ શકે નહીં

22 June, 2020 06:53 PM IST  |  Mumbai | Pravin Solanki

જીવન એક સંગ્રામ છે અને જખમો વિના સંગ્રામ થઈ શકે નહીં

સુશાંત સિંહ રાજપૂત

સૌ જગહ સે રફૂ કી ગઈ શર્ટ હૈ ક્યા કરે લે કે કોઈ બશર ઝિંદગી,
સૌ દફા આદમી કો ગિરાએ બીના ટિકને દેતી નહીં પીઠ પર ઝિંદગી!
- (સૂર્યભાનુ ગુપ્ત)

અનેક જગ્યાએ થીગડાં મારેલાં, રફુ કરેલાં શર્ટ ક્યાં સુધી ચાલે? ક્યાં સુધી માણસ પહેરે? વળી જિંદગીનો તો દસ્તૂર છે કે સમાધાન કર્યા વગર, તડજોડ કે બાંધછોડ કર્યા વગર જીવી શકાય જ નહીં. જિંદગી નામનો અશ્વ સહેલાઈથી માણસને પીઠ પર સવાર થવા દેતો નથી. ૧૦૦-૧૦૦ વખત પછાડે છે. એ પછડાટ સહન કરી શકે કે એમાંથી ઊઠી શકે એ જ ટકી શકે.
સુશાંત સિંહ રાજપૂતે આપઘાત શું કામ કર્યો? સાંપ્રતકાળમાં આ પ્રશ્ન ચર્ચાના ચકડોળે છે. અનેક તર્કવિતર્કો, સંભવિત કારણો, સમીકરણો, સમય અને સંજોગનાં લેખાંજોખાંના સરવાળા-બાદબાકી થઈ રહ્યાં છે પણ સત્ય, રહસ્યમય હકીકત હજી સુધી એ કોઈ અંધારી ગુફામાં પુરાયેલું જ છે, સંતાયેલું છે.
જીવન વિશે જે-જે લખાયેલું છે એમાંના ત્રણ પહેલુ મને મહત્ત્વના લાગે છે. જીવન એક સંગ્રામ છે અને જખમો વિના સંગ્રામ થઈ શકે નહીં. જીવન એક સાગર છે અને તોફાન વગર સાગર સંભવે નહીં. જીવન એક યજ્ઞ છે અને જ્વાળા વગર યજ્ઞ હોઈ શકે નહીં. જખમ, જ્વાળા અને તોફાન વચ્ચે જે ટકી શકે એ જ જીવી શકે.
શું જીવન સામે ઝઝૂમવામાં સુશાંત ઊણો ઊતર્યો? અત્યારે જે અનુમાનો થઈ રહ્યાં છે એ બાહ્ય કારણોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યાં છે. ભૌતિક, વ્યવહારુ અને થોડી કાલ્પનિક દલીલોના આધારે, પણ મન:સ્થિતિનું શું? આત્મહત્યા સુધીનું અંતિમ અને અણગમતું પગલું ભરવાનું માણસ શું કામ વિચારે છે? કઈ મજબૂરી, કઈ લાચારી, કઈ સંવેદના આમાં ભાગ ભજવે છે? મન:સ્થિતિ!! પરિસ્થિતિ કરતાં માણસને મન:સ્થિતિ વધારે નડતી હોય છે. મનને મર્કટ કહ્યું છે એ કાંઈ અમસ્તું નથી કહ્યું. મન માળવે પણ લઈ જાય, મન મસાણ તરફ પણ દોરી જાય.
સુશાંત સિંહના મૃત્યુ વિશે ફોન પર વાત કરતાં મારા મિત્ર જ્યોતીન્દ્ર દવેએ મને કહ્યું કે તારા લખેલા અતિપ્રખ્યાત નાટક ‘બાણશય્યા’ના હીરોની સ્થિતિ અને સુશાંત સિંહની સ્થિતિ તને એકસરખી નથી લાગતી? મેં કહ્યું કે ભાઈ, બન્નેની પરિસ્થિતિમાં આસમાન-જમીનનો ફરક છે. ઇચ્છામૃત્યુ અને આત્મહત્યા બન્ને બિલકુલ ભિન્ન વાત છે.
સ્વેછાએ મૃત્યુની માગણીમાં સમજદારીભર્યો કે બુદ્ધિગમ્ય અભિગમ હોય છે. આત્મહત્યામાં આવેશ, આક્રોશ, હતાશા અને મહદંશે થોડુંક ગાંડપણ હોય છે. એ ખરું કે બન્નેમાં જીવન ટૂંકાવવાની ઇચ્છા હોય છે. બન્નેમાં બૅન્કમાં મુકેલી ફિક્સ ડિપોઝિટ (એફડી)ને મુદત પૂરી થતાં પહેલાં વચ્ચેથી તોડવાની વાત હોય છે.
ખેર, આત્મહત્યા હોય કે ઇચ્છામૃત્યુ, પણ જીવન ટૂંકાવવાનો માર્ગ લેવો એ શું ઉચિત છે? જીવન એ તો ઈશ્વરે આપેલું વરદાન છે અને એને સ્વેચ્છાએ ત્યજી દેવાનો આપણને કોઈ અધિકાર નથી. કોઈ પણ દુઃખનો કે સમસ્યાનો ઇલાજ મોત નથી હોતો અને ન જ હોવો જોઈએ.
આપણે સૌએ ઘણી વખત જોયું છે કે નાટકો કે ફિલ્મોમાં લેખક જ્યારે નાટકનો અંત લાવવા ફાંફાં મારતો હોય અને સમસ્યાનું સમાધાન ન મળે ત્યારે છેવટે પાત્રને મારી નાખે અને પડદો પડી જાય. આમ જો પડદો પડી જવા દઈએ તો જોતજોતામાં આખી દુનિયા સ્મશાનઘાટ બની જાય.
‘બાણશય્યા’ નાટકનો મુખ્ય સંદેશો આ જ છે અને મારે એ જ વાત અહીં ઉજાગર કરવી છે. ‘બાણશય્યા’ના હીરો અભિજિત અને સુશાંતના અભિગમમાં શું સામ્ય છે એ આપે નક્કી કરવાનું છે.
અભિજિત એક જગમશહૂર યુવાન શિલ્પી હતો. નાની વયમાં તેના નામનો દેશ અને દુનિયામાં ડંકો વાગ્યો. બધી રીતે સમૃદ્ધ હતો, સિવાય કે કુટુંબ. એકલો હતો. દુનિયાઆખી તેને ચાહતી હતી, પણ તે કોઈને ચાહી શકે એવું તેના મનનું બંધારણ નહોતું, કેમ કે તેની ચાહત ફક્ત તેની કારકિર્દી હતી. તેનું સપનું હતું કે એક એવું અદ્ભુત શિલ્પ કંડારવું કે તેનું નામ જગતમાં અમર થઈ જાય. અચાનક તેને મા આદિશક્તિના શિલ્પનો વિચાર આવે છે, મા આદિશક્તિની કલ્પના કરે છે. કેવું હશે એ શિલ્પ? જગતમાં ઊંચામાં ઊંચું અને પહોળામાં પહોળું.
અલૌકિક હશે માનો ચહેરો. બ્રહ્મસ્વરૂપિણી, પ્રકૃતિ ને પુરુષનો સમન્વય, મા આદિશક્તિ એટલે આનંદ-અનાનંદૌ, વિજ્ઞાન-અવિજ્ઞાન, સદ્રુપ-અદ્રુપ, વિદ્યા-અવિદ્યા, ન કોઈ આદિ ન કોઈ અંત. શિલ્પ કંડારવાનું કામ શરૂ પણ કર્યું, પરંતુ મૅન પ્રપોઝિસ ગૉડ ડિસ્પોઝિસ. માણસ ધારે છે કંઈક કુદરત કરે છે કંઈક. એક દિવસ શિલ્પ કંડારતાં-કંડારતાં ઊંચાઈએથી જમીન પર પટકાય છે અને બધું ખલાસ.
તે છછ્છ મહિનાથી હૉસ્પિટલમાં છે, જડવત્! પોતાની મેળે પડખું પણ ફેરવી શકતો નથી. તેના દર્દનો કોઈ ઇલાજ નથી. તે જાણી ચૂક્યો છે કે આજે નહીં તો કાલે મારું મૃત્યુ નિશ્ચિત છે. સારવાર કરતા ડૉક્ટર પાસે અભિજિત સ્વેછાએ મૃત્યુ માગતાં કહે છે, ‘ડૉક્ટર, આ નિર્જીવ જિંદગી જીવવાનો અર્થ શું? તાનસેનને ગળાનું કૅન્સર થઈ ગયું હોત, મેનકાના પગ અકસ્માતમાં કપાઈ ગયા હોત કે બ્રૅડમૅનના હાથ નકામા થઈ ગયા હોત તો તેઓ જીવવાનું પસંદ કરત ખરા? ડૉક્ટર, જિંદગી જીવવી હોય તો રેસના ઘોડાની માફક જીવવી જોઈએ, આમ ઘોડાગાડીના ઘોડાની જેમ ટચૂક-ટચૂક જીવવાનો અર્થ શું?’
જીવવા માટે ડૉક્ટરની દલીલો ખૂબ જ અર્થસૂચક છે.
‘અભિજિત એ ન ભૂલો કે ઘોડાગાડીનો ઘોડો ચાર માણસનો ભાર ઊંચકીને જીવતો હોય છે, રેસના ઘોડાની માફક ધનિકોના મનોરંજન માટે નહીં.’
‘તમે સમજો ડૉક્ટર, મારું જીવનમાં એક જ ધ્યેય હતું, મા આદિશક્તિની મૂર્તિ ઘડવાનું. મારું એ ધ્યેય હવે હું ક્યારેય પૂરું નહીં કરી શકું, પછી જીવવું શું કામનું?’
‘મિસ્ટર અભિજિત, ધ્યેય માટે માણસ પ્રાણ ન્યોછાવર કરે છે, પ્રાણ ત્યાગતા નથી. નહીંતર હસતા મોઢે ફાંસીના માંચડે ચડી જનારા શહીદો અને છાને ખૂણે આપઘાત કરનારા કાયરોના પાળિયા એક જ જગ્યાએ બંધાયા હોત.’
‘અરે પણ ડૉક્ટર મારી રીતે મને જીવવાનો અધિકાર હોય તો સ્વેચ્છાએ મરી જવાનો અધિકાર શું કામ નહીં?’
‘માય ડિયર ફ્રેન્ડ, માણસ પોતાને માટે જીવતો નથી. તે કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે જીવે છે. એ જાણે છે કે મર્યા પછી કોઈ ચાર જણ તેનો ભાર ઊંચકવાના છે તો તેની ફરજ છે કે જીવતા રહીને તેણે કોઈ ચાર જણનો ભાર ઊંચકવો જોઈએ.’
‘પણ હું હવે કોઈનો ભાર ઊંચકી શકું એમ જ નથી.’
‘એ તમારી ભૂલ છે. તમે બીજા માટે દાખલારૂપ બની શકો છો. દોસ્ત, હારી-કંટાળીને કેટલાય લોકો આપઘાત કરવાનો વિચાર કરતા હોય છે. આવા લોકો માટે દાખલારૂપ બનો. એ લોકો વિચારશે કે અભિજિત જેવો નામાંકિત માણસ આટઆટલું સહન કરીને જીવે છે તો અમારા જેવા નાના માણસોએ મરવાનો વિચાર શું કામ કરવો જોઈએ.’
‘તમારી બધી વાત સાચી, પણ મુફલિસના શર્ટ જેવી થીગડાં મારેલી જિંદગી મારે નથી જીવવી. નિષ્ક્રિયતાની પ્રત્યેક પળ એક મરણ છે. ૧૮-૧૮ કલાક કાર્યરત રહીને મેં દિવસો વિતાવ્યા છે.’
‘દરેક દિવસો આપણી મરજી મુજબના નથી વીતતા. સૉરી, હું તમને મરી જવામાં મદદ ન કરી શકું. એ અમારી નીતિની વિરુદ્ધ છે.’
‘ડૉક્ટર શું કામ નીતિમત્તાની છડી પોકારો છો? બાજુના બિલ્ડિંગના ગર્ભપાત સેન્ટરમાં દરરોજ પાંચ-પચીસ સ્ત્રીઓને હજાર બે હજાર રૂપિયામાં ગર્ભપાત કરી આપો છો ત્યારે ક્યાં જાય છે તમારી નીતિ? એ પણ એક હત્યા જ છેને!’
‘ના સમાજનું હિત છે, પણ એ ચર્ચા અસ્થાને છે. તમે બુદ્ધિજીવી હોવા છતાં એટલું કેમ નથી સમજતા કે મૃત્યુ કરતાં જીવન મહાન છે. મરવાની જીદ રાખવા કરતાં જીવી જવાની આશા રાખો. જીવનમાં ક્યારેક ચમત્કાર પણ બનતા જ હોય છે.’
ખેર, આવા ઘણાબધા સંવાદો અને ઘણાબધા પ્રસંગો પછી અભિજિત મરી જવાની જીદ છોડે છે. હવે વાત સુશાંતની.
સિગ્મન્ડ ફ્રોઇડથી માંડીને નાનામાં નાના મનોચિકિત્સકો એક વાતે સહમત છે કે હર ઘડી દરેક માણસમાં પોતાના શરીરના બંધારણ પ્રમાણે કોઈ ને કોઈ રાસાયણિક પ્રક્રિયા અને મન અને બુદ્ધિ વચ્ચેનો સંઘર્ષ ચાલતો જ હોય છે. એ પ્રક્રિયા દરમ્યાન વિચારોનાં વમળ સર્જાતાં હોય છે. ક્યારેક માણસ મન, તો ક્યારેક બુદ્ધિના શરણે જાય છે. અંદર કંઈક ચાલતું હોય, બહાર કંઈક દેખાતું હોય. એટલે જ ખૂબ હસતો માણસ વાસ્તવમાં દુખી હોઈ શકે અને ખૂબ દુખી હોવાનો ઢોંગ કરતો માણસ અંદરથી સુખી હોઈ શકે. આ પરિસ્થિતિમાં જ કેટલાક પાસે બધું હોવા છતાં ખાલીખમ લાગે અને કેટલાક પાસે કંઈ પણ ન હોવા છતાં બધું ભરેલું-ભરેલું લાગે. ફ્રોઇડના કહેવા પ્રમાણે મોટા ભાગના માણસોને જીવન દરમ્યાન એક કે એકથી વધુ વાર બધું નિરર્થક, નકામું લાગવાનો ભાસ થતો હોય છે. આપણે વારંવાર ઘણાને કહેતા સાંભળીએ છીએ ‘મને પણ એકાદ વાર આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો.’
માણસનું મન માટીના ઘડા જેવું હોય છે, લાગણીની એકાદ નાનીશી કાંકરી વાગતાં એ ફૂટી જાય છે. વળી કેટલાક માણસો લજામણીના છોડ જેવા હોય છે, તેમને જરીક અડતાં ઓછું આવી જાય છે. આવા માણસો માટે એકાંત અને એકલતા ખતરનાક નીવડે છે.
ધારો કે લૉકડાઉન ન હોત, સુશાંત કોઈ પણ કાર્યમાં વ્યસ્ત હોત, તેની આજુબાજુ ટોળું હોત, કોઈ કુટુંબીજન હોત કે કોઈ પ્રિયજન હોત તો તેના બચી જવાના ચાન્સિસ કે અવળા વિચારોથી મુક્ત થઈ જવાના ચાન્સિસ વધારે હોત એવું મનોચિકિત્સકો માને છે.
ખેર, આખરે તો ધાર્યું ધણીનું જ થયું.

સમાપન
રાહ સીધી હૈ,
મોડ તો સારે મન કે હૈં.
અને
દિલ બડા હો તો દોસ્ત જ્યાદા બનતે હૈં
દિમાગ બડા હો તો દુશ્મન.

Pravin Solanki sushant singh rajput columnists