સોચતા હૂં સભી ખ્વાહિશોં કો દાવત પે બુલાઉં, ઔર ફિર ધોખે સે ઝહર દે દૂં

09 November, 2020 03:50 PM IST  |  Mumbai | Pravin Solanki

સોચતા હૂં સભી ખ્વાહિશોં કો દાવત પે બુલાઉં, ઔર ફિર ધોખે સે ઝહર દે દૂં

પ્રતીકાત્મક તસવીર

દશેરા ગયો, શરદ પૂનમ ગઈ, હવે દિવાળી આવશે. તહેવારો એટલે આનંદનો ઉત્સવ અને ઉત્સવો એટલે અમારા જેવા કટારલેખકોના વિષયનું બહાનું. તહેવારો આવે એટલે અખબારો અને સામયિકોમાં એના પર ઢગલાબંધ લખાય. દર વર્ષે લખાય. ક્યારેક એકનું એક એવું માનીને લખાય છે કે દર વર્ષે વાચકો બદલાતા હોય છે. કોઈ નવી પેઢીના લાભાર્થનું બહાનું પણ કાઢી શકે. બાકી દરેક તહેવાર પાછળ કોઈ ચોક્કસ વાત, વાર્તા, ઇતિહાસ કે દંતકથા છુપાયેલાં હોય છે એ વાત ક્યારેય બદલાતી નથી, પરંતુ એના જુદાં-જુદાં અર્થઘટનો કરી અમે લેખકો વાચકોને રીઝવવાનો, સમજાવવાનો કે જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
આ વર્ષે મને કોઈ તહેવારોએ લખવા પ્રેરિત ન કર્યો. બલકે એ તહેવારો ઊજવવા માટેની સરકાર પાસે માગણીઓની ઘેલછાએ મને વ્યથિત કર્યો. તહેવાર એટલે શું? માણસની શ્રદ્ધા. શ્રદ્ધા થકી આનંદ માણવો. નાચ-ગાન, રાસ-ગરબા લેવા, આંગણે દીવા જલાવવા, બારણે તોરણ ટાંગવાં, મટકી ફોડવી, ફટાકડા ફોડવા, પ્રસાદ ખાવો, ભાંગ પીવી, રાખડી બાંધવી, ચાખડી પૂજવી, હોળી પ્રગટાવવી, છપ્પનભોગ-મનોરથ કરવા. તહેવારો એટલે મનોરંજન અને મનોમંથનનું કૉકટેલ.
માણસજાતને જાણે અતૃપ્ત રહેવાનો એક અભિશાપ છે. તૃપ્તિ નામના દેશમાંથી જાણે તેને દેશવટો મળ્યો છે. અતૃપ્તિ ફક્ત ધન, સુખ-સાહ્યબી પૂરતી જ નહીં, અતૃપ્તિ આનંદની પણ હોય છે. માણસને માત્ર વધુ ને વધુ જ નથી જોઈતું, બધું જ જોઈએ છે. દરેક તહેવારે એક બહાનું બનાવાય છે કે ‘વર્ષમાં એક વાર તો આવે છે.’ તેઓ ચતુરાઈપૂર્વક ભૂલી જાય છે કે આવા તહેવારો વર્ષમાં ૨૦ આવે છે. તદુપરાંત કૅલેન્ડરમાં કે પંચાંગમાં ન આવતા તહેવારો આપણે જાતે ઊભા કરીએ છીએ. જન્મદિન, લગ્નતિથિ, ષષ્ટિપૂર્તિ, સુવર્ણ જયંતી, દીકરાને સારા ટકા આવ્યા એનો તહેવાર તો દીકરીનું આરંગેત્રમ! તહેવારો ઊભા કરવા એ તો આપણી રાષ્ટ્રીય ખાસિયત બની ગઈ છે.
ગણેશચતુર્થી, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી વગેરે તહેવારો સાદાઈથી મર્યાદામાં રહીને ઊજવવાની સરકારની સલાહથી એક મોટો વર્ગ નારાજ થઈ ગયો. શાને માટે ભાઈ? આપણું હિત આપણે ન જાળવીએ અને સરકાર એને માટે પ્રયાસ કરે તો આપણે રાજી થવાનું હોય કે પેટમાં દુખાડવાનું હોય? એકાદ વર્ષ આપણે ધામધૂમથી તહેવાર ન ઊજવીએ તો કયું આભ તૂટી પડવાનું છે.
કોઈએ મને કહ્યું કે વર્ષ પછી કોરોના જતો જ રહેશે એની કોઈ ગૅરન્ટી છે? અરે ધારો કે કોરોના જતો રહ્યો તો આવું બીજું કોઈ સંકટ નહીં આવે એવું તમે છાતી ઠોકીને કહી શકો છો? મેં છાતી ઠોકવાને બદલે માથું કૂટ્યું. નકારાત્મક દલીલોનો કોઈ સકારાત્મક જવાબ ન હોય.
વર્ષ તો જવા દો. આવતી કાલે શું થશે એની આપણને જાણ છે? કોઈ પણ સંકટનો સમજણપૂર્વક સામનો કરવો જરૂરી છે. વળી આ સંકટ વ્યક્તિગત નથી, રાષ્ટ્રીય સંકટ છે. એક વ્યક્તિની બેદરકારીથી આખું કુટુંબ હેરાન થાય છે અને એક કુટુંબની બેજવાબદારીથી આખા સમાજે ભોગવવું પડ્યું છે જેનાં પ્રત્યક્ષ અનેક ઉદાહરણ આપણી સામે છે.
આ વિષય પર ઓશોનનાં પ્રવચનોની એક ખૂબ માર્મિક વાત હું મારી રીતે
ટાંકુ છું...
એક રાજમહેલને આંગણે સવાર-સવારમાં માનવમહેરામણ ઊમટ્યો છે. શું ચાલી રહ્યું છે એની કોઈને કશી ખબર નહોતી. ટોળું જોઈને બીજું ટોળું ભળતું જાય એ મનુષ્યસ્વભાવ છે. રસ્તા પર એક માણસ આકાશમાં જોતો હોય તો બીજા ચાર-છ જણ આકાશમાં તાકવા માંડે. કોઈને ખબર નથી કે શું જોઈ રહ્યા છે. એક જુએ છે એટલે બાકીના બધા જુએ છે.
આખરે પ્રધાન રાજમહેલમાંથી બહાર આવે છે. ખૂબ ચિંતિત છે. એક વ્યક્તિ પૂછે છે, ‘ચિંતિત કેમ છો પ્રધાનજી?’ પ્રધાન દ્વારા આખી ઘટના બહાર આવે છે.
રાજા પાસે એક ભિક્ષુક આવ્યો છે. જટાધારી, ઇચ્છાધારી ભિક્ષુક. રાજા ભિક્ષુકને પૂછે છે, ‘કેમ આવ્યા છો ભિક્ષુક? મારી પ્રજાનાં અન્ન-જળ ખૂટી ગયાં છે કે છેક રાજદ્વારે ભિક્ષા માગવા આવ્યા છો?’
ના મહારાજ, હૂં પ્રજા પાસે ગયો જ નથી. કેમ કે મને ભિક્ષા આપી શકે એવું તેમનું ગજું જ નથી. આપ પણ આપી શકશો કે નહીં એની મને શંકા છે.’
ભિક્ષુકનો જવાબ સાંભળીને રાજા ધૂંધવાયો. મનમાં વિચારવા લાગ્યો કે આ બે કોડીનો ભિક્ષુક મારી શક્તિ-સમૃદ્ધિનું અપમાન કરી રહ્યો છે. રાજા બોલ્યો, ‘લાગે છે તમે પરદેશી છો! હું ૧૨ હજાર ગામનો ધણી છું, અખૂટ ખજાનો છે મારી પાસે, બોલો શું જોઈએ છે તમારે?’
‘જે જોઈએ છે એ આપશો?’
‘આજ સુધી મારા દ્વારેથી કોઈ પાછું નથી ગયું, માગો.’
‘મારી એક શરત છે.’
‘શરત? માગવામાં શરત?’
‘મારું ભિક્ષાપાત્ર છલોછલ ભરાઈ જાય એટલું તમારે આપવું પડશે.’
રાજા ખડખડાટ હસ્યો અને બોલ્યો, ‘ભિક્ષુક, આવાં એક નહીં હજાર ભિક્ષાપાત્ર છલોછલ ભરાય એટલું તમને આપી શકું છું.’
‘ખૂબ ખૂબ આભાર. હજાર નહીં, મારે ફક્ત એક જ ભિક્ષાપાત્ર છલોછલ
જોઈએ છે.’
‘બોલો અન્ન જોઈએ છે કે ધન?’
‘ધન હશે તો અન્ન આપોઆપ
મળી રહેશે.’
રાજાને ભિક્ષુક પહોંચેલી માયા લાગી, છતાં કુતૂહલ તો થયું જ કે આવી વિચિત્ર માગણી પાછળ જરૂર કોઈ રહસ્ય હશે. રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે ભિક્ષુકનું પાત્ર સોનામહોરથી ભરી દો. પ્રધાન ભિક્ષુકને ખજાનાઘર પાસે લઈ ગયો. સોનામહોરો પાત્રમાં ભરાવા લાગી, પણ આ શું? પાત્ર છલોછલ થાય જ નહીં. સોનામહોરો ક્યાંક સરી જાય. સોનામહોરો પૂરી થઈ ગઈ.
પ્રધાને રાજાને બોલાવ્યો. હવે શું કરીશું? રાજા ઘમંડમાં હતો. આબરૂનો સવાલ હતો. બસ, પછી તો જર-ઝવેરાત, હીરા-મોતી, પન્ના અને ખજાનાનું તમામ દ્રવ્ય પાત્રમાં પડવા લાગ્યું, પણ પાત્ર છલકાયું જ નહીં.
રાજાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેનો અહંકાર ઓગળી ગયો. ભિક્ષુકને ચરણે પડી બોલ્યો, ‘હે મહાત્મા મને માફ કરો. મેં આપને ઓળખ્યા નહીં. મને આ ભિક્ષાપાત્રનું રહસ્ય કહો. શું જાદુ છે? શું ઇલમ છે?’
‘કોઈ જાદુ કે કોઈ ઇલમ નથી. એક વાર હું જંગલમાં ભટકતો હતો ત્યારે મારા પગ નીચે એક ખોપડી અથડાઈ. ભિક્ષા માગવામાં કામ આવશે એમ સમજીને મેં એ લઈ લીધી. પણ પછી મેં જોયું કે આ ખોપડી તો કદી ભરાતી જ નથી અને પછી હું એની પાછળનું રહસ્ય-ઇલમ સમજી ગયો.’
આ ખોપડી તો માણસની હતી. મનુષ્ય સદાકાળ એ ખોપડી ભરવા દોડાદોડ કરે છે અને દોડાદોડનું નામ જ સંસાર છે.
‘હે રાજન! આજ સુધી આપણે દોડ્યા જ છીએ, આજે નહીં તો કાલે સુખ મળશે એની આશાએ. આશાનો પણ કોઈ અંત નથી, દોડ પણ આપણી અનંત છે. બહારની દોડ! બહારથી બધું ભેગું કરવામાં રત રહીએ છીએ. જે મળ્યું છે, જે મળે છે એમાં ધરવ નથી, જે નથી મળ્યું એનો અજંપો આપણને જંપવા દેતો નથી.’
‘હે રાજન! ભગવાને માણસને બનાવ્યો એ પછી ગભરાયો. તે એટલો ચતુર-ચાલાક થઈ ગયો કે ભગવાનને ભય લાગ્યો કે તેમનું અસ્તિત્વ જોખમમાં છે. માણસને દુખી કરવા તેનું સુખ સંતાડી દેવું જોઈએ, પણ ક્યાં સંતાડવું!! માણસની પહોંચ આકાશ-પાતાળ સુધીની છે. આખરે ઉપાય શોધ્યો. જ્યાં કોઈ દિવસ માણસ ઝાંખતો જ નથી એવા તેના મનમાં, એની ભીતર સુખ સંતાડી દો. માણસ બધે જ ફાંફાં મારે છે, પણ પોતાની ભીતર ઝાંકતો નથી. રાજા ભિક્ષુકને શરણે થઈ
ગયો !! છેલ્લે...
છેલ્લે એટલું જ કહેવાનું કે કોરોનાનો બીજો દોર શરૂ થઈ ગયો છે. હવે તો ભીતર ઝાંકવાનો સમય આવી ગયો છે. નવા વર્ષનો સંકલ્પ કરીએ કે બે-ચાર મહિના લગ્નતિથિ, જન્મદિવસ નહીં ઊજવીએ, ચાર-છ મહિના કોઈ પણ ઉત્સવ નહીં મનાવીએ. અમે તો ફક્ત ઘરના જ, અંગત મિત્રોને જ, ફક્ત સોસાયટીના સભ્યોને જ આમંત્રણ આપ્યું છે એવા બહાના હેઠળ એકઠા થઈને કોઈ સમારંભ નહીં કરીએ. ભગવાન આપણી ભીતરમાં જ છે, મંદિર ખોલવાની જીદ નહીં કરીએ. આશા રાખીએ કે સરકાર પણ શિસ્ત પાળીને દરેક ઉદ્ઘાટન કે સમારંભ ઑનલાઇન જ ઉજવે. રાજકીય પક્ષો જુલૂસ-સરઘસો નહીં કાઢે કે વિરોધ-પ્રદર્શન જાહેરમાં નહીં કરે. જનતા કોઈ પણ વિરોધ માટે રસ્તા પર નહીં ઊતરે.
ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ બધા વિચારો શેખચલ્લીના ખયાલો ન નીવડે અને આપણને બધા સંકલ્પો સાર્થક કરવાની મતિ અને શક્તિ આપે.
આપ સૌને ફરીથી બે હાથ જોડીને વિનંતી કે શ્રદ્ધા-સબૂરી રાખીને થોડો વધુ સમય શિસ્ત પાળીને સહન કરી લો. સાગર પી ગયા છો તો અંજલિ ઢોળી ન નાખશો.
‘મિડ-ડે’ ગુજરાતીના પરિવારજનોને....
‘સાલ મુબારક! સદા સર્વદા ખુશહાલ મુબારક,
હર દિન દિવાલી હો એવો શુભ ખ્યાલ મુબારક!’

સમાપન
તું ‘ખુદ’માં લખી જો એક કાનો
પછી તું ખરેખર ‘ખુદા’ થઈ જવાનો!

Pravin Solanki columnists