તો આજથી શરૂ કરીએ છીએ તમારી યોગ-યાત્રાની વાતો

16 June, 2020 01:52 AM IST  |  Mumbai | Ruchita Shah

તો આજથી શરૂ કરીએ છીએ તમારી યોગ-યાત્રાની વાતો

રિષીના આચાર્ય

ભરયુવાનીમાં માણસ વાંકો વળી જાય, ડૉક્ટર પાસે ઇલાજ ન હોય અને જીવનમાં યોગનો પ્રવેશ થાય. અંધેરીમાં રહેતા અમર શુક્લને ૩૦ વર્ષની ઉંમરે વિચિત્ર જિનેટિક ડિજનરેટિવ ડિસઑર્ડરને કારણે કરોડરજ્જુમાં સ્ટિફનેસ આવવી શરૂ થઈ. એવું પેઇન થાય કે મોર્ફિનના ઇન્જેક્શનથી પણ ફરક ન પડે. આનો કોઈ ઇલાજ નથી એવું કહી દેવામાં આવ્યું હતું. જોકે હવે તેઓ ૯૫ ટકા સ્વસ્થ છે. ૧૫ વર્ષથી દવાની એક પણ ગોળી નથી લીધી. એક સમયે ચાલી નહીં શકનારા આ ભાઈ હવે સહ્યાદ્રિની હારમાળામાં ટ્રેકિંગ કરે છે. કેવી રીતે એ વાંચો આગળ...

 

અંધેરીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટ અમર શુક્લને તમે આજે મળો અને આજથી વીસેક વર્ષ પહેલાં મળ્યા હોત તો તમને એ બન્ને જુદી વ્યક્તિ લાગત. અત્યારે તેમને મળનારને હૅપિનેસનો ચેપ લગાવી શકવા સમર્થ બાવન વર્ષના અમરભાઈ લગભગ ત્રીસ વર્ષની ઉંમરે એવા ડિપ્રેસ્ડ હતા કે તેમને રોજ મરવાના વિચારો આવતા. ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ એટલે કે બામ્બુ સ્પાઇન-એક એવો ડિજનરેટિવ જિનેટિક ડિસઑર્ડર જેમાં કરોડરજ્જુના મણકા વચ્ચેના ગૅપ ઓછો થતો જાય અને આપમેળે ફ્યુઝ થતા જાય એટલે કરોડરજ્જુની મૂવમેન્ટ અટકી પડે. આજે પોતાના જન્મદિવસે અમરભાઈ કહે છે, ‘અત્યારે તો હું જીવું છું એ જ ચમત્કાર છે. મારા રોગનો કોઈ ઇલાજ નહોતો. ડિજનરેટિવ પ્રૉબ્લેમ હોવાને કારણે દિવસે-દિવસે પરિસ્થિતિ વકરશે એવું ડૉક્ટરોએ ચોખ્ખી ભાષામાં કહી દીધું હતું. દુનિયાભરની પેઇનકિલરની ગોળીઓ ચાલુ હતી. એવો દુખાવો થતો કે મોર્ફિન લેવડાવવા સુધીની વાત ચાલતી હતી. બીજી બાજુ કરોડરજ્જુની અને હિપની અમુક સર્જરીઓ પણ ડૉક્ટરોએ રેકમન્ડ કરી હતી. કોઈ ખાસ ફરક પડશે એવી આશાઓ દેખાતી નહોતી ત્યારે હોમિયોપથીમાં ડૉક્ટર બન્યા પછી મારી બહેને મને ઑલ્ટરનેટિવ થેરપી ટ્રાય કરવા કહ્યું.’
એ પહેલાં સુધી અમરભાઈએ ક્યારેય યોગ કર્યા નહોતા. યોગ, મેડિટેશન, હોમિયોપથી, નેચરોપથી બધું જ શરૂ કર્યું. તેઓ કહે છે, ‘ઍલોપથીએ તો આમ પણ હવે કંઈ નહીં થઈ શકે એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. એ છોડો ઈવન જ્યોતિષીઓ પણ કહી ચૂક્યા હતા કે તુમ્હારા કુછ નહીં હો સકતા. એવી હાલત હતી કે જાતે પૅન્ટ ન પહેરી શકું. જૂતાં પોતાની રીતે કાઢી નહોતો શકતો. દસ ડગલાં ચાલવામાં તકલીફ પડતી હતી. ધીમે-ધીમે યોગ અને પ્રાણાયામની અસર દેખાવી શરૂ થઈ. મારી દૃષ્ટિએ યોગ, પ્રાણાયામ અને ધ્યાને મારા માઇન્ડ પર કામ શરૂ કર્યું. ફિઝિકલ લેવલ પર યોગના સ્ટ્રેચિંગે અસર દેખાડવાનું શરૂ કર્યું. હા, થોડોક સમય જરૂર લાગ્યો. પહેલાં તો વધુ બગડવાનું બંધ થયું જે ડિજનરેટિવ રોગનાં લક્ષણોનો પહેલો ઇલાજ હતો, પછી રિકવરી શરૂ થઈ. આજે પણ મારી પાસે ડિસેબલનું સર્ટિફિકેટ છે, પરંતુ તમે જોઈને અંદાજ ન લગાવી શકો કે મારા શરીરમાં ક્યાંય પણ તકલીફ છે. હવે માત્ર નેક રીજનમાં થોડીક તકલીફ છે. એ સિવાય બધું જ પર્ફેક્ટ છે. સહ્યાદ્રિના માઉન્ટન પર હવે ટ્રેકિંગ માટે જાઉં છું. ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈને ઇન્સિપિરેશનલ લેક્ચર્સ આપવા જાઉં છું. હું દરેકને કહીશ કે વધું કંઈ નહીં તો રોજ સવારે વીસ મિનિટ અને સાંજે વીસ મિનિટ માટે બેસી જાઓ અને માત્ર તમારા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપો. જેવા બેસશો એમ વિચાર આવશે, વિચાર જતા પણ રહેશે. પહેલાં તમને બધા તમારા પ્રૉબ્લેમના વિચાર આવશે. ઇન ફૅક્ટ બહુ જ આવશે, પણ અટકવાનું નહીં. વિચારોને માત્ર ઑબ્ઝર્વ કરવાના, એની સાથે જોડાવાનું નહીં. પછી સડન્લી તમને સોલ્યુશનના વિચારો આવશે. અને એક દિવસ તમને સોલ્યુશન મળી જશે. વાંચવાથી નહીં, સાંભળવાથી નહીં; કરવાથી ફાયદો થશે. માત્ર આટલું જ કરવાથી તમારા મનનાં વિચારોમાં સ્પષ્ટતા આવતી જશે. કુદરતી રીતે જ તમારા માટે હિતકારી હોય એ તમારી સાથે જોડાતા જશે અને અહિતકારી હોય એ તમારાથી દૂર થતા જશે. યોગ, ધ્યાન, આયુર્વેદ, નેચરોપથી એ આપણા પૂર્વજોએ આપેલાં જોરદાર પ્રાચીન વિજ્ઞાનો છે. એની અસર અને એના ચમત્કારોને સમજવા માટે એને અનુભવમાં લાવો તો જ ખબર પડે.’

કાંદિવલીની મેકઅપ-આર્ટિસ્ટનો કૉન્ફિડન્સ ગજબ વધારી દીધો છે અમુક આસનોએ

ટેન્શન, રેસ્ટલેસનેસ, ડર. આ ત્રણ ઇમોશન્સ બેઅઢી મહિના માટે કાંદિવલીમાં રહેતી રિશિના આચાર્યના મનને જોરદાર હેરાન કરી રહ્યા હતા. કૉર્પોરેટમાં કામ કરનારી આ મેકઅપ-આર્ટિસ્ટ જાતજાતના વર્કઆઉટ કરતી હતી. રિશિના કહે છે, ‘જિમમાં જતી હતી અને બીજા ડિફરન્ટ સ્ટાઇલના વર્કઆઉટ મને વધુ અપીલિંગ લાગતા હતા. જોકે લૉકડાઉનમાં બીજું કંઈ થાય એમ નહોતું એટલે યોગમાં ટ્રાયલ ચાલુ કર્યું. લગભગ માર્ચ એન્ડથી રોજ એકથી દોઢ કલાકની પ્રૅક્ટિસ કરું છું અને મેં મારી અંદર ગજબનું પરિવર્તન જોયું છે. મારા શરીર પ્રત્યેની મારી અવેરનેસ યોગને કારણે વધી છે. ઑટોમૅટિકલી મારું પૉશ્ચર સુધરી રહ્યું છે. સહેજ ખૂંધ વાળીને બેઠી હોઉં અને મને અંદરથી અવાજ આવે, ટટ્ટાર બેસ. સ્ક્રીન યુઝને કારણે ગરદન મોટા ભાગે ઝૂકેલી હોય તો એમાં પણ હું જાતે જ કરેક્શન કરતી થઈ ગઈ છું. છેલ્લા બે મહિનામાં કોઈની પણ હેલ્પ વિના હું બકાસન કરતાં શીખી ગઈ છું. સૌથી પહેલાં હું જે પૉશ્ચર કરવું હોય એના વિશે વાંચું. મારી ફ્રેન્ડ પાસેથી થોડાંક પુસ્તકો લઈ આવી છું. થોડુંક નેટ પર ઑથેન્ટિક બ્લૉગ્સ જોઉં, યુટ્યુબ પર વિડિયો જોઉં અને પ્રૅક્ટિસ કરું. મારા હાથના બાજુઓમાં જરાય સ્ટ્રેંગ્થ જ નહોતી, પણ ધીમે-ધીમે એ ડેવલપ થઈ ગઈ. બકાસનને મેં મારો ગોલ બનાવ્યો હતો. શરૂઆતમાં એ હું નહોતી કરી શકતી, પણ જેમ-જેમ પ્રૅક્ટિસ કરતી ગઈ એમ મને મારી સ્ટ્રેંગ્થમાં આવેલો બદલાવ હું જોતી ગઈ. અત્યારે હું માત્ર સ્ટ્રૉન્ગ અને ફ્લેક્સિબલ જ ફીલ નથી કરી રહી પરંતુ શરીર અને માઇન્ડથી બહુ શાંત થઈ ગઈ છું. નાની-નાની વાતે આવનારો ગુસ્સો શાંત થઈ ગયો છે.’

yoga ruchita shah columnists health tips