વુહાન રિટર્ન ફ્લાઇટ એન્જિનિયર પાસેથી જાણીએ વુહાનની કહાની

06 February, 2020 03:40 PM IST  |  Mumbai Desk | Alpa Nirmal

વુહાન રિટર્ન ફ્લાઇટ એન્જિનિયર પાસેથી જાણીએ વુહાનની કહાની

સાંતાક્રુઝમાં રહેતા વિપુલ ભાવસાર વુહાન ગયેલી ઍર ઇન્ડિયાની પહેલી સેવિયર ફ્લાઇટના ચીફ ફલાઇટ એન્જિનિયર હતા. આ પહેલાં યમનની કટોકટી વખતે ત્યાંના ભારતીયોને ઉગારવાની પણ તેમણે ડ્યુટી નિભાવી છે...

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નૉવેલ કોરોના વાઇરસને વૈશ્વિક ઇમર્જન્સી ગણાવ્યો છે. વાઇરસગ્રસ્ત માનવોની આજુબાજુમાં રહેવાથી પણ ચેપ લાગવાના ચાન્સિસ હાઈ છે. તો પણ ભારત સરકારે વુહાનમાં રહેતા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવાનું માનવતાભર્યું મિશન આદર્યું હતું. ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ ડૉક્ટરો સહિત ઍર ઇન્ડિયાની બે ફ્લાઇટ કોરોના વાઇરસના એપિસેન્ટર ગણાતા વુહાન ગયેલી. પહેલી ફ્લાઇટમાં બાળકો, મહિલાઓ સહિત ૩૨૪ અને બીજી ફ્લાઇટમાં ૩૨૩ ભારતીયો પ્લસ ૭ મૉલદીવ્ઝના રહેવાસીઓને ભારત પરત લવાયા. સરકારના આ પગલાને દેશવાસીઓએ દિલથી વધાવ્યું છે. જોકે આ આખા મિશન પાછળ ઍર ઇન્ડિયાની એ જાંબાઝ ટીમ પણ ખરી સલામીને પાત્ર છે. પોતાની લાઇફને જોખમમાં મૂકી ૪ કૉકપિટ ક્રૂ, ૧૫ કૅબિન ક્રૂ અને બે સિક્યૉરિટી પર્સન, ત્રણ ફલાઇટ એન્જિનિયર અને પાંચ કમર્શિયલ સ્ટાફ, એક ડિસ્પૅચ પર્સન સહિત ૩૩ વ્યક્તિઓની પહેલી ઇવૅક્યુએટ ફલાઇટ વુહાન ગઈ હતી. આપણા માટે અતિ ગૌરવની વાત એ છે કે આ પહેલી ફ્લાઇટમાં આપણા ગુજરાતી ભાઈ વિપુલ ભાવસાર ચીફ ફલાઇટ એન્જિનિયરની રૂએ વુહાન ગયા હતા. ૪૮ વર્ષના વિપુલભાઈએ આવું શૌર્યભર્યું કાર્ય કરીને ગુજરાતીઓની ભીરુ અને બીકણ હોવાની છાપને પડકારી છે.

ચૉઇસ હતી છતાં...
૨૫ વર્ષથી ઍર ઇન્ડિયામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્યરત વિપુલભાઈ ૨૦૧૪થી ચીફ રેડિયો એન્જિનિયરપદે કાર્યરત છે. તેમનાં વાઇફ ડિમ્પી ભાવસાર મિડ-ડેને કહે છે, ‘સિનિયર પોસ્ટ પર હોવાથી તેમને ડ્યુટી ચૉઇસ મળે. વુહાન જવા માટે પણ ઑફિસરોએ પહેલાં તેમને પૂછ્યું હતું. ઑર્ડર નહોતો કર્યો. ત્યારે વિપુલે તરત હા પાડી.’
જોકે ફૅમિલીમાં જ્યારે વિપુલભાઈએ વુહાન જવાની વાત કરી ત્યારે તેમના પેરન્ટ્સ ટેન્શનમાં આવી ગયા હતા. વિપુલભાઈના પપ્પા જિતેન્દ્રભાઈ મિડ-ડેને કહે છે, ‘અમે તેને સમજાવ્યું કે તેની  પાસે ના પાડવાની સ્વતંત્રતા હતી તો ના કેમ ન કહી? દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તે એના ઉદ્ગમસ્થાને સામે ચાલીને જઈ રહ્યો છે. વળી છ કલાક ત્યાંથી આવેલા લોકોની સાથે એક જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરશે. આવું રિસ્ક કેમ લે છે? ત્યારે વિપુલે મને શાંત પાડતાં કહ્યું હતું કે ‘મારો દીકરો અમેરિકામાં ભણે છે. જો ત્યાં કંઈ પણ થાય તો આપણે ઇચ્છીએને કે કોઈ તેને બચાવવા જાય, એ જ રીતે વુહાનમાં આપણા દેશબંધુઓનાં દીકરાઓ, કુટુંબો છે. તેમને બચાવવાનો તેને ચાન્સ મળ્યો છે.’

મંગલ મિશન
બૉમ્બે ફ્લાઇંગ ક્લબમાંથી રેડિયો એન્જિનિયરિંગ ભણીને ઍર ઇન્ડિયા સાથે જોડાયેલા વિપુલભાઈ મિડ-ડેને કહે છે, ‘ઑફિશ્યલ સરકારી ઍરલાઇન્સ હોવાને નાતે ઍર ઇન્ડિયાએ આ પ્રકારનાં ઑપરેશન હાથ ધરવા પડે. આ પ્રમાણેના મિશન માટે ઍરલાઇન્સ બે ટીમ તૈયાર કરે જેથી લાસ્ટ મિનિટે કોઈ પણ પ્રકારના પ્રૉબ્લેમને કારણે મિશન મોકૂફ રાખવાની નોબત ન આવે. આ પહેલાં યમનમાં સિવિલ વૉર વખતે પણ હું ચીફ રેડિયો એન્જિનિયર તરીકે ડ્યુટી પર હતો. જોકે એ સમયે મારે યમન જવાનું ન આવ્યું. અહીંની ગ્રાઉન્ડ ડ્યુટી નિભાવવાની આવી.’
૩૧ જાન્યુઆરીએ પહેલી ફ્લાઇટ મોકલવાનું નક્કી થતાં એના બે દિવસ પહેલાં પાઇલટ સહિત દરેક ક્રૂ-મેમ્બરને વુહાન જવા વિશે પૂછવામાં આવ્યું હતું. વિપુલભાઈ કહે છે, ‘અમારા ચીફ પાઇલટ અમિતાભ સિંહે અમને આ મિશન વિશે બ્રીફ કર્યું ત્યારે દરેકને એમાં જોડાવાની ચૉઇસ આપી હતી. અરે, અમિતાભ સિંહ ખુદ પણ આ મિશનમાં જોડાયા. બીઇંગ ઑન ધ હાઈ પોઝિશન, તેઓ પાસે પણ વિકલ્પ હતો છતાં તેઓ આવ્યા એ અમારી આખી ટીમ માટે મોટિવેશન બની રહ્યું.’

ઑન બિગ ડે
૩૧ જાન્યુઆરીની વહેલી સવારે જમ્બો B747  દિલ્હીથી ઊપડવાનું હતું. એના આગલા દિવસે વિપુલભાઈ મુંબઈથી દિલ્હી ગયા. વિપુલભાઈ કહે છે, ‘મેં અને મારા બે અસિસ્ટન્ટ જેઓ પણ વુહાન આવવાના હતા, તેમણે આખી ફ્લાઇટનું પ્રૉપર ઇન્સ્પેક્શન કર્યું. ઍન્ડ વી સ્ટાર્ટેડ... અહીંથી જતી વખતે અમારી સાથે આવેલા ડૉક્ટર્સે અમને બધાને કોરોના વાઇરસની વધુ ડીટેલ જણાવી. તેમ જ અમને ખાસ પ્રકારનાં જૅકેટ-માસ્ક આપ્યાં. એ કેવી રીતે પહેરવાનાં, વાપરવાનાં અને પછી એને કઈ રીતે ડિસ્પોઝ કરવાનાં એ બધી જ માહિતી આપી. સાડાપાંચ કલાક બાદ વુહાન પહોંચ્યા. વુહાન ચીનનાં નવ મુખ્ય શહેરમાંનું એક શહેર છે, મુંબઈથીયે મોટું. મોટા-મોટા હાઇવેની માયાજાળ, ઊંચાં-ઊંચાં સ્કાયસ્ક્રેપર. ખૂબ ડેવલપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંનું. અમે લૅન્ડિંગ માટે સિટી પરથી ફ્લાય થઈ રહ્યા હતા ત્યારે પહેલાં દિવસ-રાત ધમધમતું રહેતું આ શહેર સ્મશાનવત્ શાંત હતું. હાઇવે પર કોઈ વાહનો નહીં. ઑફિસનાં મોટાં મકાનો અંધારિયાં. અરે વુહાન ઍરપોર્ટ પર અમે પહોંચ્યા એ ટર્મિનલ સિવાય બીજે બધે પણ અંધારું ઘોર. ઘોસ્ટ સિટી જ જાણી લો.’

વુહાન ઍરપોર્ટ વેઇટિંગ
ખેર, અહીં લૅન્ડ થયા બાદ પાઇલટ સહિતના અન્ય ક્રૂ-મેમ્બર તો ફ્લાઇટમાં જ રહ્યા, પરંતુ એન્જિનિયરોએ તો ફ્લાઇટ ઇન્સ્પેક્શન માટે નીચે ઊતરવું જ પડે. ત્રણેય એન્જિનિયરે  બહાર નીકળી પોતાની ડ્યુટી નિભાવી. વિપુલભાઈ કહે છે, ‘પ્લાન મુજબ આપણા લોકો ઍરપોર્ટ ઉપર બધી કાર્યવાહી પતાવી તૈયાર રહેવાના હતા, જેથી ફલાઇટ લૅન્ડ થતાં પૅસેન્જરો એમાં બોર્ડ થાય, તેમનો સામાન ચડાવાય, રનવે પરનું સિગ્નલ મળે, એ બધું કરતાં અમે ત્યાંથી બે કલાકમાં નીકળી જવાના હતા. પરંતુ કંઈ લોચા થયા અને ચીન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે વુહાનમાં ભારતની એમ્બેસીમાં આશરો લીધેલા લોકોના પહેલા બૅચને મંજૂરી ન આપી. ખૂબબધી વાટાઘાટોમાં સમય નીકળ્યો અને અમે પહોંચ્યા બાદ એમ્બેસીમાંથી ભારતીયો ઍરપોર્ટ માટે રવાના થયા એટલે અમારે બેના બદલે પાંચ કલાક ત્યાં રોકાવું પડ્યું.’
‘એ સમયે આ કોરોનાના ઉદ્ગમસ્થાનમાં હોવાનો ડર ન લાગ્યો?’ એના જવાબમાં વિપુલભાઈ કહે છે, ‘અમને અમારી સુરક્ષા માટે સરકારે બેસ્ટ ગિયર આપેલાં હતાં. એથી કૉન્ફિડન્સ તો હતો જ સાથે જ્યારે ત્યાંથી આપણા દેશબંધુઓ ફ્લાઇટમાં ચડ્યા ત્યારે તેમના હાવભાવ અને બૉડી-લૅન્ગ્વેજમાં જે ગ્રેટિટ્યુડ હતો એ જોઈ અમારી આખી ટીમને આ નોબલ કાર્યમાં સહભાગી થવાનો આનંદ થયો. એ બધા જ પૅસેન્જરના મોઢે માસ્ક હતા. અમારે તેમની સાથે કોઈ ઇન્ટરૅક્શન કરવાનું નહોતું. તેમના માટેનાં ફૂડ પૅકેટ પણ પહેલાંથી કૅબિન ક્રૂએ સીટ પર મૂકી દીધાં હતાં. છતાં તેમની આંખોમાં અમારા માટેનો અહોભાવ સાફ દેખાતો હતો. આ ફ્લાઇટમાં વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ તેમ જ બે નાનાં બચ્ચાંઓ સહિતનાં ફૅમિલી હતાં. ફ્લાઇટમાં ચડવા પૂર્વે વુહાન ઍરપોર્ટ પર આ બધા પૅસેન્જરની હેલ્થનું કડક ચેકિંગ થયું હતું. ત્યાં ઇન્ફ્રારેડ ટેમ્પરેચર રેકૉર્ડર લગાવ્યાં હતાં. જો કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન નૉર્મલ કરતાં ફક્ત પૉઇન્ટ પણ વધુ હોય તો તેમને જવા દેવાતા નહોતા. આ કારણે અમારી સાથે આવવામાં ચાર વ્યક્તિઓને ત્યાં જ અટકાવી દેવાઈ હતી. અમે કુલ ૩૨૪ જણને લઈ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હતા.’
દિલ્હી પહોંચ્યા બાદ સૌપ્રથમ દરેક ક્રૂ-મેમ્બરને ફ્લાઇટમાંથી ઉતારાયા. તેમનું ટેમ્પરેચર અને હેલ્થ ચેકિંગ થયું. ત્યાર બાદ પૅસેન્જરોને બહાર લવાયા.
વિપુલભાઈ ૨૦૧૫માં ચીફ એન્જિનિયરની પોસ્ટ પર આવ્યા બાદ અનેક વખત ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન સાથે તેમની વિદેશયાત્રામાં ફરજ બજાવી ચૂક્યા છે. ફૅમિલીનો બહોળા બલૂન મૅન્યુફૅક્ચરિંગના બિઝનેસમાં જોડાવાના બદલે વિપુલભાઈએ દેશ માટે કંઈ કરી છૂટવાના પૅશનથી આ ફીલ્ડ પસંદ કર્યું હતું. અનેક વિદેશી ઍરલાઇન્સની ઑફર્સ હોવા છતાં  દેશની ઍરલાઇન સાથે જ જોડાઈ રહેવાનું પસંદ કર્યું.

ચીનના મુખ્ય શહેરોમાંનું એક છે વુહાન
હુબેઈ પ્રૉવિન્સના કૅપિટલ ચીનના બીજિંગથી ૧૧૫૧ કિલોમીટરના અંતરે ચીનમાં પૂર્વ બાજુએ સ્થિત છે. અહીં ૧ કરોડ સાડાઅગિયાર લાખની આસપાસની વસ્તી છે. આ શહેર ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરિંગનું હબ છે. ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનું ઇન્ક્યુબેટર છે. સમજી લોને સિલિકૉન વૅલી. ફાર્મસી કંપનીઓ સહિત અહીં અનેક મેડિકલ કૉલેજો છે. વુહાન યુનિવર્સિટી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિદ્યાલયની વિવિધ ફેકલ્ટીઓમાં દુનિયાના ૧૦૯ દેશોના બેથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ ભણે છે. વુહાનમાં ભારતના અનેક વિદ્યાર્થીઓ ઉપરાંત વર્કિંગ પ્રોફેશનલ રહે છે.

ફ્લાઇટ એન્જિનિયરની ડ્યુટી શું હોય?
ઍરક્રાફ્ટ એન્જિનિયર કહો, કમ્યુનિકેશન એન્જિનિયર કહો કે ફ્લાઇટ એન્જિનિયર  એવિએશનમાં તેમની ડ્યુટી ફલાઇટ ઊપડવા પહેલાં, ફલાઇંગ દરમિયાન અને લૅન્ડિંગ પછી પણ ખૂબ મહત્ત્વની રહે છે. તેમણે આખી ફ્લાઇટનાં વિવિધ સાયન્ટિફિક અને ટેક્નૉલૉજિકલ પાસાંને અલાઇન કરવાનાં રહે છે. મેઇન્ટેનન્સથી માંડીને સેફટી સુધીના દરેક પૉઇન્ટ ઉપરાંત ઇમર્જન્સીમાં પણ ફલાઇટ એન્જિનિયરની ભૂમિકા ઇમ્પોર્ટન્ટ બની રહે છે.