મારી આંખો અને કાન એ જોવા તરસતાં કે કોઈ મને રાજેશ ખન્નાના નામે બોલાવે

29 October, 2020 03:30 PM IST  |  Mumbai | Latesh Shah

મારી આંખો અને કાન એ જોવા તરસતાં કે કોઈ મને રાજેશ ખન્નાના નામે બોલાવે

રાજેશ ખન્ના

ગયા ગુરુવારનું રીકૅપ
ડૉ. વકીલસાહેબે લેખક પ્રબોધ જોષી પર ચિઠ્ઠી લખી આપી. રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા ત્યારથી જેમનાં ગુરુ તરીકે વખાણ કરતા હતા એ પ્રબોધ જોષીને મળવા જવામાં એટલો બધો નર્વસ હતો કે ઘરમાં અને કૉલેજના ઑડિટોરિયમના મિરર-રૂમ એટલે ગ્રીન રૂમ એટલે મેકઅપ રૂમમાં અરીસા સામે ઊભા રહીને દસેક વાર રિહર્સલ કર્યાં હતાં કે પ્રબોધ  જોષી જેવા મોટા ગજાના લેખક સામે બોલવું શું? જેમણે એ સમયમાં કંઈ કેટલાય લેખકોને લખવાની પ્રેરણા આપી હશે. પ્રવીણ સોલંકી, કાદર ખાન, લક્ષ્મીકાંત કર્પે, ભરત દવે, જગદીશ શાહ, અનિલ મહેતા, શંભુ દામનીવાલા જેવા કંઈ કેટલાય એ સમયના ધુરંધર લેખકો, રૂપાંતરકારો, અનુવાદકારોના પરોક્ષ કે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રેરણામૂર્તિ પ્રબોધ જોષી હતા. રાજેશ ખન્ના, મુકેશ ખન્ના, કાદર ખાન, શફી ઈમાનદાર, પરેશ રાવલ જેવા દિગ્ગજ અભિનેતાઓનાં નાટકો, સંવાદોના પ્રેરણાસ્રોત પ્રબોધ જોષી રહ્યા છે.
યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર સ્ટાર સર્ચ કૉમ્પિટિશનમાં અમિતાભ બચ્ચન રિજેક્ટ થયા હતા પણ રાજેશ ખન્ના સિલેક્ટ થયા. સુપરસ્ટારનો જન્મ થયો. રાજેશ ખન્ના એની બધી ક્રેડિટ પ્રબોધ જોષીને આપે છે. રાજેશ ખન્ના કે. સી. કૉલેજનો સ્ટુડન્ટ હતો. રાજેશ ખન્ના જ્યારે હું એસએસસીમાં આવ્યો ત્યારે સુપરસ્ટાર તરીકે લોકપ્રિય થઈ ચૂક્યો હતો. એસએસસીની એક્ઝામ પહેલાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું ભરતી થઈશ તો કે. સી. કૉલેજમાં જ ભરતી થઈશ. રાજેશ ખન્ના નાટકોમાં કામ કરીને ફિલ્મોનો સુપરસ્ટાર બન્યો. હું પણ કે. સી. કૉલેજમાં, સ્ટેજ પર કામ કરીને સુપરસ્ટાર બની શકીશ. ખરું કહું તો ભણવામાં મારું ધ્યાન જ નહોતું. જ્યારે ચાન્સ મળે અને પૈસાની સગવડ થાય એટલે અપુન તો ભીડૂ, સીધા થિયેટરમાં રાજેશ ખન્નાની ફિલ્મ જોવા પહોંચી જતો. સ્ક્રીન પર દસ મિનિટમાં રાજેશ ખન્ના દેખાવાનો બંધ થાય અને લતેશ શાહ દેખાવાનું શરૂ થાય. હાહાહા... ડે ઍન્ડ નાઇટ ફૅન્ટસીમાં જીવવાની મજા આવતી. કપડાં રાજેશ ખન્ના જેવાં પહેરવાનાં. વાળ રાજેશ ખન્ના જેવા ઓળવાના, ગુરુ કુરતો પહેરવાનો, ઉપર બેલ્ટ બાંધવાનો. સ્કૂલમાં ભણવા કરતાં આંખો અને કાન એ જોવાં જ તરસતાં હોય કે કોઈ મને રાજેશ ખન્ના કહીને બોલાવે કે મારા ઑટોગ્રાફ લે. એ જમાનામાં સાંભળ્યું હતું કે છોકરી પોતાના લોહીની સહીથી રાજેશ ખન્નાના ઑટોગ્રાફ લેતી...
 કોઈને કહેતા નહીં, તમારી સામે એક સીક્રેટ એટલે કે રહસ્ય રજૂ કરું છું. સ્કૂલમાં વટ પાડવા મારી નોટબુકમાં લીધેલા રાજેશ ખન્નાના ઑટોગ્રાફ હું બધાને બતાવીને ડંફાસ મારતો કે કાકા (રાજેશ ખન્ના) સાથે મારો ઘરોબો છે. છોકરીઓ મારી પાછળ તેની સિગ્નેચર જોઈને દીવાની થતી, પણ મેં ક્યારેય કોઈની સામે સીક્રેટ ખોલ્યું નહીં કે મેં રાજેશ ખન્નાના ઑટોગ્રાફની નકલ ઉતારી હતી. મારી રદ્દી પસ્તીની દુકાનમાં ફિલ્મી મૅગેઝિનો પુષ્કળ આવતાં. હું જ્યારે જબરદસ્તી દુકાને જાઉં પપ્પાને ખુશ કરવા ત્યારે ત્યાં બેસીને મૅગેઝિનો ઊથલાવ્યા કરું. સ્પેશ્યલી ફિલ્મી મૅગેઝિનો અને ફિલ્મી પેપર્સ. એ જમાનામાં મૅગેઝિન ‘જી’ અને ઇન્ડિયન એક્સપ્રેસનું ‘સ્ક્રીન’ બહુ પૉપ્યુલર હતાં. હું રાજેશ ખન્નાનો ફૅન એટલે બધાં ફિલ્મી મૅગેઝિનોમાં રાજેશ ખન્નાની કોઈ પણ વાત છપાઈ હોય, એ વાંચ્યા બાદ જ દુકાનેથી ઊભા થવાનું. ઘણી વાર આઠ કલાક દુકાને રહેવાનો મારો રેકૉર્ડ મારા બાપને પણ આશ્ચર્ય પમાડતો. તે હોંશે-હોંશે મારી મા ઝવેર અને મારાં ભાંડુઓ સાવિત્રી, ઊર્મિલા અને હસમુખને સંભળાવતા. પપ્પા જ્યારે દુકાને ન હોય ત્યારે જ હું લાંબું ટકતો. હસુ ક્યારેક ચાડી ખાઈને ભાંડો ફોડી નાખતો. તે લાડમાં મારા પપ્પાનો લાડકો થવા બાપુજીની જગ્યાએ આપુજી બોલતો ત્યારે હું મનોમન ચિડાતો. જ્યારે પપ્પા-મમ્મી ન હોય ત્યારે ધોલધપાટ મારીને તેને ચુગલી ન ખાવા આંખો મોટી અને લાલઘૂમ કરીને હુલપટ્ટી આપતો. દુકાને બેસીને રાજેશ ખન્નાના લેખો અને ઇન્ટરવ્યુ, ફોટો જોતો. એક વાર એક મૅગેઝિનમાં તેના ઇન્ટરવ્યુ સાથે તેની સિગ્નેચર મેં જોઈ. એ પાનું મૅગેઝિનમાંથી મેં ફાડી લીધું. એ સિગ્નેચરની કૉપી કરવા મેં તનતોડ મહેનત કરી. એની પર્ફેક્ટ કૉપી કરવામાં ત્રણ રાત અને સાત દિવસ લાગ્યા. બટ આઇ ડિડ ઇટ.
જ્યારે રાજેશ ખન્નાના ઑટોગ્રાફ મેં સ્કૂલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને બતાવ્યા ત્યારે બધા ડચકો ખાઈ ગયા. એમાં મારા ગોલગપ્પા ભરી પાણીપૂરી જેવી સ્વાદિષ્ટ રસસભર બડાશભરી વાતો. રાજેશ ખન્નાની પાછળ ભારત અને વિશ્વની ભારતીય છોકરીઓ પડી ગઈ એમ સ્કૂલની  વિદ્યાર્થિનીઓ મારી પાછળ પડી ગઈ. બધી પોતાનાં ટિફિન અને ડબ્બામાંથી મને નિતનવી વાનગીઓ પીરસવા માટે તલપાપડ થવા લાગી. છોકરીઓનો માનીતો થઈ ગયો ત્યાં સુધી ઠીક હતું, છોકરીઓની મમ્મીઓ ઘરે આમંત્રણ આપવા લાગી. સૌના મૂળમાં રાજેશ ખન્ના હતો. સૌને એમ કે હું રાજેશ ખન્નાને જન્મોજન્મથી ઓળખું છું અને હું તેમને મળવા લઈ જઈશ. અમુક મમ્મીઓએ ડિંડવાણું આગળ ચલાવ્યું. તેમના આડોશીપાડોશી, સગાંવહાલાંઓને તેમણે સિક્સર મારી કે રાજેશ એટલે રાજુ સાથે તેમના કેટલા આત્મીય સંબંધો છે. 
એમાં મેં ડહાપણ કરીને બેચાર જણને રાજેશ ખન્નાના ઑટોગ્રાફ લાવીને (કરીને) આપ્યા. પછી તો પૂછવું જ શું? લાઇન લાગી ગઈ. 
આ રાજેશ ખન્નાના પ્રેમમાં પડી હું કે. સી. કૉલેજમાં આવી ગયો. કે. સી.માંથી જતીન ખન્ના-કમ- રાજેશ ખન્નાની જેમ નાટકો કરવા શરૂ કર્યાં. અને હવે નાટ્યસ્પર્ધામાં રાજેશ ખન્નાના ગુરુ સમા પ્રબોધ જોષીને બિરલામાં મળી તેમનું એક નાટક ભજવું અને પ્રબોધ જોષી સાથે દોસ્તી કરીને રાજેશ ખન્નાને મળવાનો સુવર્ણ અવસર મળશે જરૂર. રાજેશ ખન્ના, હરિ જરીવાલા (સંજીવકુમાર), અમિતાભ બચ્ચન બધા સ્ટેજ પરથી ફિલ્મોમાં આવ્યા. જો પ્રબોધ જોષી જોડે જોડાઈ જવાનો મને મોકો મળે તો રાજેશ ખન્નાને મળવું દૂર નથી. સપનું હકીકતમાં ફેરવાઈ જતાં વાર નહીં લાગે, પણ પ્રબોધ જોષી મળવા જોઈએ અને રાજેશ ખન્નાની જેમ મને નાટક આપવું  જોઈએ. તો બાત બન જાએ. હું બિરલા પહોંચી ગયો, પણ રાજેશ ખન્નાના નાટ્યગુરુ હજી બિરલા પધાર્યા નહોતા. એ આવશે કે નહીં આવે? 
જોઈએ આવતા ગુરુવારે...

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
આસમાનમાં ઊડતું કે તરતું પંખી નીચે નજર કરીને જુએ તો એને માણસ નામનું જાનવર કેવડું નાનું ભાસે. એ જ નાનકડા જાનવરનો અહંકાર કેવડો મોટો! કોરોના વાઇરસથીયે મોટો. અદૃશ્ય દેખાતા અહંકાર નામના વાઇરસની હજારો વર્ષોથી વૅક્સિન નથી શોધાઈ તો પણ માણસ જીવે છેને! કોરોના વાઇરસની મહામારીમાં વૅક્સિન નહીં શોધાય તોય માણસ જીવી જશે. થોડાં વર્ષો બાદ સંજીવની દવા શોધાશે અને માણસ નામનું કીટાણુ અમરત્વ પામશે અને પોતાના હુંપણાનાં ગુણગાન ગાશે. ગીતોને માણો અને મોજ કરો. અહમને ભગાડો અને જલસા કરો.

shahlatesh@wh-dc.com

latesh shah columnists