મને હતું કે જે પપ્પા સામે નથી કહી શકતો એ દુનિયાને કહીશ

20 August, 2020 03:44 PM IST  |  Mumbai | Latesh Shah

મને હતું કે જે પપ્પા સામે નથી કહી શકતો એ દુનિયાને કહીશ

જીવન જીવવું એટલે સમયનાં પગથિયાં ચડવાની મસ્ત રમત છે.

દુનિયા સામે કહેવા માટે સશક્ત માધ્યમ જોઈએ અને મને એ સમયે એ નાટકોમાં દેખાતું. મારા ઘરની બાજુની ગલીમાં ભાંગવાડી થિયેટર હતું. ત્યાંથી આવતા તાળીઓ-સિસોટીઓના અવાજ અમને અમારા ઘરની પાછળની બારીએથી સંભળાતા

ગયા ગુરુવારે લીના દરુ અને પરેશ દરુ જેવી અલભ્ય કલાકાર-જોડીની વાત કરેલી. આ અઠવાડિયે ફરી મારી જીવનયાત્રાની સફર જારી કરીએ. હું ગિરનારથી માધવભાઈની રહેમદિલીથી મુંબઈ પહોંચી શક્યો. દાદરથી ચાલીને છેક કાલબાદેવી મારા ઘરે પહોંચતાં હું પરસેવે રેબઝેબ થઈ ગયો. નાના ભાઈ હસમુખે મારા પધારવાના વાવડ મારી માને પોતાની દાઢમાંથી બોલવાની સ્ટાઇલમાં દીધા. મા વરસી પડી ચિંતામાં અને વહાલમાં. પપ્પા ત્રાટકી પડ્યા ત્રાડ પાડીને. તેમનો જમતો હાથ સ્ટૅચ્યુ બનીને ત્યાં જ થંભી ગયો. મોંમાં ગયેલો કોળિયો ન અંદર જાય કે ન બહાર આવે. મન તરત જ જવાબ આપવાનાં બહાનાં શોધવામાં વ્યસ્ત થઈ ગયું. મારા પપ્પા સમાજ માટે કરુણામૂર્તિ અને પરોપકારી જીવ હતા. તેઓ થાય એટલું બધા માટે કરી છૂટતા. એ  તેમનાં ભાઈ-બહેન હોય, સગાંવહાલાં હોય કે ગામનું કામ હોય કે સમાજનું કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ કામ હોય, તેઓ યથાશક્તિ કરી છૂટતા. મારા સિવાય મારાં પાંચ ભાઈ-બહેનો પર પણ તેમની કૃપાદૃષ્ટિ હતી, પણ કોણ જાણે કેમ મારી સાથે બારમો ચંદ્ર હોય એમ મને લાગતું. હું નાનપણથી જ મસ્તીખોર, તોફાની અને ઊંધાં પરાક્રમોમાં માહિર હતો. પપ્પા મને નાનપણથી જ નાટકિયો કહેતા. મારી નાની-નાની ભૂલો અને મસ્તી માટે પપ્પા મને ફુટપટ્ટી, વેલણ, નેતરની સોટીથી ન ધિબેડે એટલે હું નિતનવાં બહાનાં, બિચારા ટાઇપના હાવભાવથી પ્રદર્શિત કરતો જેથી માર પડવામાં મને ડિસ્કાઉન્ટ મળે. માને દયા આવી જતી, પણ પપ્પા તો જાણે પાષાણમૂર્તિની જેમ મારાં નાટકોથી ઇમ્પ્રેસ થયા વિના પોતાનું કર્મ નિભાવે જ. તેમણે નાનપણમાં ગામડામાં નિશાળમાં મસ્તી કરવા માટે માસ્તરના હાથની થપ્પડ અને લાકડીના મારનો સ્વાદ સારોએવો ચાખ્યો હતો. માસ્તર મારતા જાય અને ગાતા જાય, ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઝમઝમ. આ ગીત તેમના મનમાં જડબેસલાક બેસી ગયું હતું. તેમના હિસાબે જગમાલજી માસ્તરની મારથી જ તેઓ ઘડાયા. આજે પાંચમાં પુછાવા લાગ્યા એના બેઝમાં માર હતો. જગમાલજી માસ્તર રિટાયર થયા ત્યારે પાંચારિયા લધા કારિયા એટલે મારા પપ્પાએ તેમને મોટી રકમ ગુરુદક્ષિણામાં ગુપ્ત રીતે આપી હતી.
જોકે હું તેમની મારવાની ગુરુપદ્ધતિથી બહુ ગિન્નાતો. સાચુ કહું તો હું તેમને ધિક્કારતો. હું બંડખોર બની ગયો હતો. મને હમેશાં લાગતું કે તેઓ મને પ્રેમ નથી કરતા. બીજાં ભાઈ-બહેનોને મારા કરતાં વધુ ચાહે છે.
તેઓ મને ફટકારતા ત્યારે હું બૂમો-ચીસો પાડતો, રાડારોળ કરતો, સિસકારા બોલાવતો. મારા આ અભિનયને જોવા દયામણાં બનીને બધાં ભાઈ-બહેન ઊભાં રહી જાય. કોઈ વચમાં પડવાની હિમ્મત ન કરે. સરકસના ખેલમાં રિંગમાસ્ટર ચાબુક ફટકારે અને સિંહ એના ખેલ દેખાડે એવો જ મારો ઘાટ હતો.
છેલ્લાં ત્રણ વર્ષથી પપ્પાએ મને મારવાનું લગભગ બંધ કરી દીધું હતું છતાં મનમાં દહેશત તો રહેતી જ કે હમણાં પડશે. મને હંમેશાં સખત શબ્દોમાં દુકાન પર બેસવા માટે ધમકાવતા અને ક્યારેક તો ઢસડીને દુકાને લઈ જતા. માનસિક રીતે હું અંદરથી તેમનાથી ઘવાયેલો રહેતો. આ હર્ટ દુનિયાનો સૌથી મોટો રોગ છે. એક વાર મનને વળગ્યો એટલે બદલાની આગ લાગવાની શરૂ થઈ જાય. મેં મનોમન નક્કી કરી નાખ્યું હતું કે હું દુકાને તો નહીં જ બેસું. હું પપ્પાના નામે નહીં ઓળખાવું. એક દિવસ આવશે કે મારા ફેમસ પપ્પા મારા નામે ઓળખાશે. પાંચાલાલના દીકરા  લતેશ તરીકે નહીં, લતેશના પપ્પા પાંચાલાલ ઉર્ફે પાંચારિયાભાઈ. હું મને પડેલા માર પછી ક્યારે બળવાખોર થઈ ગયો એની મને ખબર નથી, પણ રીબેલ થઈ ગયો હતો. મને લાગે છે ત્યારથી એસ્ટૅબ્લિશમેન્ટના  વર્તન સામે જાણ્યે-અજાણ્યે બંડખોર બનવાનાં બીજ મારામાં રોપાયાં હશે. અફકોર્સ મારા પપ્પાને હું ચાહતો પુષ્કળ હતો, પણ તેમની સામે એક્સપ્રેસ કરતાં ડરતો. મને થયું કે જે પપ્પા સામે નથી કહી શકતો એ દુનિયાને કહીશ. દુનિયા સામે કહેવા માટે સશક્ત માધ્યમ જોઈએ અને મને એ સમયે એ નાટકોમાં દેખાતું. ૯ વર્ષની ઉંમરે, મારા ઘરની બાજુની ગલીમાં ભાંગવાડી થિયેટર હતું. ત્યાંથી આવતા તાળીઓ-સિસોટીઓના અવાજ અમને અમારા ઘરની પાછળની બારીએથી સંભળાતા. હું ‘એ શું છે અને ત્યાં શું ચાલે છે’ની તાલાવેલી અને ઉત્સુકતાથી મારા લખોટિયા દોસ્તાર સાથે ડોરકીપરની નજર ચૂકવીને ભાંગવાડી થિયેટરમાં ઘૂસી ગયો અને ત્યાં જે નજારો જોયો એ મારા મનમાં એઝ ઇટીઝ સ્થપાઈ ગયો. સ્ટેજ પર ઊભા રહેલા કલાકારો જે દમામથી સંવાદો બોલતા હતા એ સાંભળીને મને ટેસડો પડી ગયો. લોકોની તાળીઓના ગડગડાટથી કલાકારો ગેલમાં આવીને જોશમાં ડાયલૉગ્સ બોલે, ગીતો ગાય અને વન્સ મોરના  પડઘાથી, તાળીઓથી, સીટીઓથી ભાંગવાડી થિયેટર અને એની આજુબાજુનો વિસ્તાર ગાજી ઊઠે. ત્યારથી મગજમાં નાટક લખવાનું અને ભજવવાનું ભૂત ભરાયું. એ દિવસે નાટક જોતાં મોડી રાત થઈ ગઈ એની મને ખબર જ ન પડી. મારો મિસ્ટર લખોટીમિત્ર ક્યારે છૂ થઈ ગયો એની મને  ખબર જ ન પડી. હું નાટક જોવામાં એવો તો ઓતપ્રોત થઈ ગયો કે ૬થી ૮ કલાકનો સમય એટલો રસપ્રદ રહ્યો કે હું ખાવાનું, પીવાનું, લેસન કરવાનું, ઘેર જવાનું સાવ ભૂલી જ ગયો. જ્યારે થિયેટરમાંથી બહાર નીકળ્યો અને ઘેર પહોંચ્યો ત્યાં સુધી નાટકમાં જ હતો. એ નાટકના ડાયલૉગ બબડતો, રંગલા-રંગલીના કોમિક પર હસતો ઘરે પહોંચ્યો. મમ્મી જાગતી બેઠી હતી અને કોઈકની સાથે વાત કરતી હતી. મારી ઇન્કવાયરી કરતી હતી. મને જોઈને મારી લાડલી મા જવેર ખુરસી પરથી જાણે ઊછળી અને મારી પાસે આવીને સીધો મને લાફો ઠોકી દીધો. કહેવા લાગી, ‘ક્યાં હતો અત્યાર સુધી? કેટલા વાગ્યા છે, ખબર છે? રાતના બે વાગ્યા. સાવ ઓલિયો છે. દુકાનના માણસો તને શોધવા તારા દોસ્તારોના ઘેર ગયા છે. તું ક્યા હતો? હું જવાબ આપું એ પહેલાં મા બોલી, તારા બાપા ક્યારના પોલીસ-સ્ટેશન ગયા છે. ‘તું ખોવાઈ ગયો છે’ની ફરિયાદ કરવા. બોલતાં-બોલતાં મારી મા બેસી પડી અને મને ભેટી પડી. મારા ખભા પર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. હું પણ માની પીડાથી પલળી ગયો. હું મા પાસે મિચ્છા મી દુક્કડં કહીને માફી માગતો રહ્યો. મારી પસ્તાવાની અશ્રુધારા વછૂટી અને મેં ભેંકડો તાણ્યો. મા મને પ્રેમથી થપથપાવવા લાગી. એ દિવસે માની લાગણીઓ જીતવા મેં ઍક્ટિંગ કરી હતી કે ખરેખર રડ્યો હતો એ મને આજે ખરેખર યાદ નથી. એટલી ખબર પડી હતી કે મને સમયની ખબર જ નહોતી પડી. એની ગિફ્ટરૂપે સૉલિડ અને નાટકથીયે ચડિયાતો માર પડ્યો પપ્પા તરફથી પ્રસાદી સ્વરૂપે, પણ ભરપેટ માર ખાઈનેય હું સુધર્યો નહીં.
ચાન્સ મળે એટલે ભાંગવાડી ઝિંદાબાદ. દોસ્તારો સાથે કે એકલો અંદર ઘૂસી જતો એમ ભાંગવાડી મારાં નાટકો કરવાની તલપનું મૂળ મથક બન્યું. ગિરનારથી આવ્યા બાદ પપ્પાની ત્રાડે, એ સમયે માની સમયનું ધ્યાન ન રાખવાની નખબરાઈને લીધે પડેલા મારની મધુર યાદગીરી યાદ અપાવી દીધી. પપ્પા તરફથી પડી કે પડશેની રાહ જોવા લાગ્યો. ત્રાડ પછી પહેલું સ્ટેપ તેમણે લીધું અને મારા હૃદયની ધડકનો તેજ થઈ ગઈ... આવતા ગુરુવારે શું થશે? માર પડશે કે...? તમારા અનુમાન લખી મોકલાવો વહાલા પ્રિય પ્રેક્ષકો!

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જીવન જીવવું એટલે સમયનાં પગથિયાં ચડવાની મસ્ત રમત છે. જલસાથી દાદરા ચડો તો થાક ઓછો લાગે. ધ્યાન પગથિયાં ચડવા પર હોય તો મોજ પડી જાય. નિશ્ચય પાકો હોય તો હિમાલય પર ધજા ફરકાવી શકાય. મન મક્કમ હોય તો ભારેખમ કામોય હળવાં લાગે. સમર્પણ, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બધું જ સંભવ લાગે. હસતા રહો, રમતા રહો અને પ્લાનિંગ સાથે સફળતાની સીડી ચડતા રહો. હારજીતને હટાવો, સુખદુઃખને મિટાવી, માફ કરી, માફી માગી અને આગળ ધપો. ધ્યેય ધરો, એને માનો અને મોજ માણો. સમયની સફરના રસ્તાને જાણો અને

latesh shah columnists