નવ રસમાં નવ લાગણીઓ હોય, પણ માતામાં સાડાનવ ગણી હોય

06 August, 2020 08:16 PM IST  |  Mumbai | Latesh Shah

નવ રસમાં નવ લાગણીઓ હોય, પણ માતામાં સાડાનવ ગણી હોય

લતેશ શાહ

ગયા ગુરુવારે વાત કરી હતી કે પેલો સાધુચેલો મને બસ-સ્ટૉપ પર છોડીને ગયો અને પળવારમાં ગાયબ થઈ ગયો. હું બસ-સ્ટેશન પર ટિકિટ કઢાવવા ગયો. થેલામાં હાથ નાખ્યો પર્સ કાઢવા, પણ હાથમાં ચોપડીઓ અને કપડાં આવ્યાં, પર્સ આખેઆખો થેલો ફંફોસ્યો પણ ન મળ્યું. હવે હું મુંબઈ કેવી રીતે જઈશ? ચાલીને જવું શક્ય નહોતું. ખિસ્સામાં એક રાતી પાઈ નહોતી કે ટ્રેન કે ટૅક્સી તો વિચારી જ ન શકાય. અરે, બસના વાંધા હતા. હવે એક જ રસ્તો હતો ટ્રકમાં લિફ્ટ મળે તો ટુકડે-ટુકડે જવાય. પૂછતાં-પૂછતાં પંડિત થવાય, હું પંડિત ન થયો, પણ હાઇવે જેવા લાગતા રોડ પર પહોંચ્યો. અંગૂઠો ઊંધો રાખીને જતી ટ્રકો પાસે બે કલાક સુધી  લિફ્ટ માગવાનો પુષ્કળ પુરુષાર્થ કર્યો; પણ ફક્ત બે ટ્રક ઊભી રહી, એક રાજકોટ જતી હતી અને બીજી મહેસાણા જતી હતી. બન્ને ડ્રાઇવરોના ક્લીનરોએ પૈસા માગ્યા. મેં કહ્યું, ‘પૈસા નથી’ તો એકે ગાડી મારી મૂકી. બીજાએ હા પાડી, પણ રસ્તામાં રાતવાસો કરવાનો હતો, જે મને પરવડે એમ નહોતું. મારી માવડી ઘરે મારી રાહ જોતાં-જોતાં અડધી થઈ ગઈ હશે. રડી રડીને પા થઈ ગઈ હશે.
રાત આગળ વધતી જતી હતી અને મને યાદ છે ત્યાં સુધી એ દિવસે અમાસ હતી. મારી પાસે બૅટરી નહોતી એટલે ફરીથી બસ-સ્ટેશન પહોંચવું અઘરું હતું. પાછો વળીને ગાડીઓની સિગ્નલ-લાઇટોના આધારે હું ચાલવા માંડ્યો અને નાથબાબા સહારે આવ્યા. તેઓ ન આવ્યા, પણ તેમનો પહાડી અવાજ મારા કાને પછડાવા લાગ્યો, ‘બચ્ચા, હર હર મહાદેવ કા નારા લગા. ભોલેનાથ તેરી નૈયા પાર ઉતારેંગે.’ મેં આસપાસ જોયું. નાથબાબા ક્યાં? કોઈ ન દેખાયું. મને ભ્રમ થયો, આભાસ થયો કે હેલ્યુસિનેશન થયું એની સમજ જ ન પડી. જે થયું તે. મારા મનમાં રટણ શરૂ થઈ ગયું, ‘હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય.’ સાચુ કહું તો અંધારામાં મારી ફાટી રહી હતી, ક્યાંક ગાડી કે ટ્રકની અડફેટમાં ન આવી જાઉં. રસ્તામાં અજાણ્યે સાપ કે વીંછી પર પગ પડી ગયો તો? સવાલના જવાબ લેવા ગયો હતો, પણ સવાલ વધતા જતા હતા. મારા મનમાં ધૂન શરૂ થઈ ગઈ. ૐ નમઃ શિવાય મનમાં રિપીટ થવા લાગ્યું, જાણે ટેપમાં વાગતી લૂપ હોય. અંદર તેજ ધડકન ધબધબ સંભળાતી હતી ત્યાં જ આગળ એક લ્યુના સ્કૂટર ઊભું હતું. એના પર એક મુછ્છડ માથે ઓછાડ બાંધીને બેઠો હતો. એ તમાકુ-માવો બનાવતો હતો. મેં તેને બસ-સ્ટેશનનો રસ્તો પૂછ્યો. તેણે કહ્યું, ‘હું સ્ટેશન જ જાઉં છું, તમને મૂકી દઈશ.’ મને થયું હાશ! તેણે માવો મોંમાં મૂકીને મને કહ્યું, ‘પાછળ ગોઠવાઈ જાઓ.’ મુછ્છડ તેનો વિચાર બદલે એ પહેલાં હું પાછલી સીટ પર થૅન્ક યુ કહ્યા વગર જ બેસી ગયો. તેણે લ્યુના શરૂ કર્યું અને માવો મોંમાં દબાવીને મારી સાથે વાત કરવા લાગ્યો. તેની અડધી વાત સમજાતી નહોતી એટલે ‘હા હા’નો હુંકારો ભણ્યા કરતો હતો. છેવટે તેણે મને બસ-સ્ટેશન પહોંચાડ્યો. મને તેની પાસેથી ટિકિટના પૈસા માગવાની હિંમત ન ચાલી. તે મને મૂકીને આગળ વધ્યો. હું જ્યાં મને મૂક્યો ત્યાં જ ખોડાઈ ગયો. શું કરું એ સમજાતું નહોતું. ત્યાં જ દૂરથી એક માણસને લેંઘા અને શર્ટ પહેરેલો આવતો જોયો. તે નજીક આવ્યો અને મને લાગ્યુ કે મેં તેને ક્યાંક જોયો છે. તેણે મને જ આવીને પૂછ્યું, ‘ભાઈ મુંબઈની બસ ઊભી છે કે ગઈ?’ હું શું જવાબ આપું! ત્યાં તેણે જ કહ્યું, ‘તમે તો પહેલાં બાવાની પાછળ ગ્યાતા ઈ જને!’ હું ચોંક્યો. મેં પણ તેને ઓળખી પાડ્યો. તે ચાના બાંકડાવાળો ભાઈ હતો, જયાં મને પેલો સાધુ મળ્યો હતો. ‘પેલા બાવાએ તમને બાવો બનાવ્યો કે નહીં?’ કહીને તે હસવા લાગ્યો. હું પણ હસી પડ્યો. મેં તેને જે મારી સાથે બન્યું એ બધું ટૂંકાણમાં શૅર કર્યું. પળવાર માટે તો તે તેની બસ છૂટી જશેની ચિંતામાંથી મુક્ત જણાયો અને મને કહ્યું, ‘નસીબદાર છો, પર્સ ગયું, જીવ બચી ગયો. હવે ક્યાં જશો?’ મેં કહ્યું, ‘મુંબઈ.’ મને કહે, ‘મારેય મુંબઈ જવું છે. ચાલો એકથી બે ભલા.’ મેં કહ્યું, ‘મારી પાસે પૈસા નથી બસમાં બેસવાના.’ મને તે જોઈ રહ્યો. થોડી ક્ષણ બાદ તે બોલ્યો, ‘જૂનાગઢમાં ધુતારાઓ છે તો સારા માણસો હજી મરી નથી ગ્યા. હજી જીવે છે. હાલો, હું તમારા પૈહા ભરી દઈસ.’ મારા જીવમાં જીવ આવ્યો. જલદીથી હું તેની સાથે બસમાં બેસી ગયો. હાશ, હવે હું મુંબઈ પહોંચીશ. મેં એ ભાઈનો મનોમન પાડ માન્યો. ખરાબ છે, તો સારા માણસો પણ આ જગતમાં છે. મને શિવજીમાં શ્રદ્ધા બેસી ગઈ, કમાલ છે, તારા વગર પ્રભુ આ જગમાં કંઈ જ શક્ય નથી અને તારા થકી જ બધું સંભવ છે. નહીંતર સમયસર મદદ મળે કેવી રીતે મળે? મારા ગયા ભવનાં કર્મો કે મારાં માતાપિતાનાં પુણ્ય મને દરેક પરિસ્થિતિમાંથી ઉગારી રહ્યાં છે. જે હોય તે. હવે હું મારાં માબાપને મળી શકીશ. મારાં નાટકોની દુનિયામાં  ફરીથી રમી શકીશ. પેલા ભાઈની વાતો-સલાહો સાંભળતો-સાંભળતો ક્યારે સૂઈ ગયો એની ખબર જ ન પડી. સવારે માધવભાઈએ મને ઉઠાડ્યો. તેમને બોરીવલી ઊતરવાનું હતું. મેં તેમની પાસેથી તેમનું  ગિરનારનું  સરનામું લઈ લીધું, જેથી હું તેમને પૈસા મોકલી શકું. તેમણે હસીને કહ્યું, ‘નહીં મોકલો તો મને માઠું નહીં લાગે. હું તો બસમાંથી ઊતરીશ એટલે તમારી ટિકિટ કાઢી’તી ઈ ભૂલી  જઈશ, પણ ગિરનાર આવો તો મળજો જરૂર. તો હું સમજીશ કે મારા પૈસા વસૂલ.’ 
આવા માણસો પણ આ દુનિયામાં વસે છે હજી એટલે કદાચ આ જગ જીવે છે. સામાન્ય માણસ અને અસામાન્ય માણસાઈ. માધવભાઈ બોરીવલી અને હું દાદર ઊતર્યો. મારી પાસે તેમનો ફોટો હોત તો જરૂર મેં સાચવ્યો હોત. કાશ, એ જમાનામાં મોબાઇલ હોત ત્યારની કંઈકેટલીય યાદોને જબાન ફૂટી હોત.
ચાલતો-ચાલતો બે કલાકે વિચારતો-વિચારતો ઘરે પહોંચ્યો. સ્કૂલથી આવતા મારા નાના ભાઈ હસમુખે મને આવતો જોયો. તેણે ઉપર જઈને ગોકીરો કરી નાખ્યો, ‘મોટા ભાઈ આવી ગયા, મોટા ભાઈ આવી ગયા.’ જેવો મેં ઘરમાં પગ મૂક્યો એટલે માએ ઊધડો લઈ નાખ્યો, ‘ક્યાં હતો આટલા બધા દિવસોથી?’ હું શું જવાબ આપું? માની આંખો નીતરવા માંડી. મારી આંખોમાં પણ ભીનાશ ફૂટી. માએ રડતાં-રડતાં કહ્યું, ‘બે દિવસનું કહીને ગયો હતો અને સાત દિવસ થઈ ગયા. તને જરાય શરમ ન આવી?’ મા ઇમોશનલ મશીનગન લઈને મારા પર તૂટી પડી.  ઓગણીસમા વર્ષે પહેલી વાર સમજાયું કે લાગણીનો પર્યાય મા છે. નૉર્મલ લોકોની લાગણીઓથી સાડાનવ ગણી લાગણી માની હોય છે. ૯ રસમાં ૯ લાગણી હોય, પણ મામાં સાડાનવ ગણી લાગણીઓ હોય છે. ન આવ દેખા ન તાવ તે મારા પર તૂટી પડી. સવાલોની ફૂલઝડીઓ વરસાવતી મારી મા પર એટલું વહાલ ઊભરાયું કે હું તેને ભેટી પડ્યો અને અચાનક મશીનગન ફૂલોના બગીચામાં ફેરવાઈ ગઈ. માએ તરત જ મારા પર હેતથી હાથ ફેરવતાં ટાચકા ફોડ્યા. મને નાહવા મોકલ્યો અને મારા માટે ગરમાગરમ ડીબીઆરએસ બનાવી દીધા. પહેલો કોળિયો માએ પોતાના હાથે ખવડાવ્યો. હું જમતો હતો ત્યારે બાજુમાં બેસી રહી અને મમતાથી મને નિહાળતી રહી. પ્રેમનો સાગર ત્યારે તેની આંખમાં ઊમટતો જોઈ હું એમાં તણાયો અને બધી વાત સાચેસાચી કહી દેવાનું મન થયું. મેં કહ્યું, ‘મા હું તને કંઈક કહું તો મને વઢશે તો નહીંને!’ માએ પૂછ્યું, ‘શું કહેવું છે! જો તારે વળી પાછું ક્યાંક જવું હશે તો હું જવા નહીં દઉં. મને મનમાં ગભરામણ થાય છે. તું જુઠ્ઠાડો છે. કહે કે દાદર જાઉં છુ અને પહોંચી જાય દમણ. તારો ભરોસો નથી. કહે હવે વાતમાં મોણ નાખ્યા વગર બોલ.’ હું કહું કે ન કહુંની વિમાસણમાં હતો ત્યાં જ દરવાજે ખડખડાટ થયો. હું એક ધબકારો ચૂકી ગયો કે પપ્પા આવ્યા. માર્યા ઠાર. હું માને કહું અને મા પપ્પાને બધું ઓકી નાખે તો મારી શી વલે થાય એ તો હું જ જાણતો હતો. મારી પપ્પાથી ખરેખર ડરના માર્યે હાલત ખરાબ થઈ જતી હતી. હું અઢારનો થયો એ પછી ક્યારેય મારા પર હાથ નહોતો ઉપાડ્યો, પણ ડરનું કોઈ ઘર નથી. એ તો ગમે ત્યારે તમારા મનના ઘરમાં પેસી જાય, તેને ઘરમાંથી ધક્કો મારીને કાઢવો અઘરો. ત્યાં જ હસમુખે દરવાજો ખોલ્યો અને લાડમાં બોલતો સંભળાયો, ‘મોટા ભાઈ, બાપૂજી આવી ગયા.’ અને જોરથી દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો. હું માને સાચી વાત કહેતાં અટકી ગયો. પપ્પાને જો ખબર પડશે કે ગિરનારમાં હું પરાક્રમ કરીને આવ્યો છું તો પપ્પા મારી ખબર લઈ નાખશે. ત્યાં તો પપ્પાની ત્રાડ સંભળાઈ. આગળની વાત કરીએ આવતા ગુરુવારે...
shahlatesh@wh-dc.com


માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
વિશ્વાસ એક એવો વિશિષ્ટ શ્વાસ છે જેના દ્વારા ભલભલી મુશ્કેલીઓમાંથી માણસોને બહાર લાવી શકાય. ફક્ત વિશ્વાસ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. તમારું તન હોય, મન હોય કે ધન હોય,  સ્વ પરનો વિશ્વાસ નૈયા પાર ઉતારે છે, પણ આપણું મન ભૂતકાળમાં ભટક્યા કરે છે. જૂના અનુભવોમાંથી ભય, ભ્રમણા, ભાસ લાગતાં આભાસ ઉત્પન કર્યા કરે છે અને વિશ્વાસનો શ્વાસ ઘૂંટી નાખે છે. વિશ્વાસને શક્યતાનું ખુલ્લું મેદાન જોઈએ અને ભય, ભ્રમણાને મનનો બંધ બારણાવાળો શંકાનો ઓરડો જોઈએ. પસંદગી પાર ઉતારે. ખુલ્લા મેદાનમાં ઊભા રહીને પસંદગી કરો અને જલસા કરો.

latesh shah columnists