તારામાં પણ સાધુ થવાનાં લક્ષણ છે, બિઝનેસ પર લાગી જા

27 August, 2020 11:35 PM IST  |  Mumbai | Latesh Shah

તારામાં પણ સાધુ થવાનાં લક્ષણ છે, બિઝનેસ પર લાગી જા

તેણે બ્રેકિંગ ન્યુઝની જેમ સમાચાર આપ્યા, ‘હૉલ મેં દો હીરોલોગ આયા હૈ. બહોત ભિડ હૈ. સબ છૂટેંગા તો કૅન્ટીન ભર જાએગા.’

હું ગિરનારથી મુંબઈ મારા ઘરે  પધાર્યો. મારા આગમનનાં વધામણાંના વાવડ મારા નાના ભાઈ હસમુખા હસમુખે હસતાં-હસતાં મારી માને અને પપ્પાની એન્ટ્રી પર તેમને પીરસ્યા. પપ્પાએ ત્રાડ પાડી. મને ફાળ પડી. પપ્પાનાં પગલાં મારા દિલના ધબકારા સાથે તાલ નહોતા મિલાવતા. તેમના એક વજનદાર પગલાના ધબ સાથે મારા ૭૨ ધબકારા રાજધાની કે એનાથીયે ફાસ્ટ ટ્રેનની જેમ ધબકી ગયા. હાથમાંનો કોળિયો હાથમાં જ થંભી ગયો, જાણે કોઈએ મને સ્ટૅચ્યુ કહ્યું હોય એમ હું પૂતળાની જેમ બેસી રહ્યો, હમણાં પડશે કે પડીની ભીતિ સાથે. મને નાનપણમાં બહુ જ ઊંચક્યો, પટક્યો, ફટકાર્યો હતો એટલે એ જ ભય ર્યો ભુતકાળ મારી આસપાસ ભમરાવા લાગ્યો અને ત્યાં તો મારા પપ્પા મારી સામે આવીને ઊભા રહી ગયા. મારામાં નજર ઉપર કરવાની ત્રેવડ નહોતી.   હું હાથમાંનો કોળિયો પાછો થાળીમાં રાખવાની ક્ષમતા ગુમાવી બેઠો હોઉં એવું મને લાગ્યું. શું કહું તેમને? શું બહાનું આપું તેમને? કયા પ્રકારનું જુઠ્ઠું બોલું જેથી માર ખાવાથી બચી જાઉં? જુઠ્ઠું બોલવાની એક જ સમસ્યા છે કે જૂઠને સાચું પ્રૂવ કરવા હોલસેલમાં જુઠ્ઠું બોલવું પડે છે. સમય સાથે  શું બહાનું આપ્યું હતું એ જ ભૂલી જવાય. 
અચાનક પપ્પા ઉવાચ, ‘હું તને મારીશ નહીં, તું માર ખાવાની ઉંમર વટાવી ચૂક્યો છે. બહાનું બતાવતો નહીં કે જુઠ્ઠું બોલવાની જરૂર નથી. સાચું કહે ક્યાં ગયો હતો?’ 
મેં કહી દીધું, ‘ગિરનાર જૂનાગઢ.’ 
સાયલન્સ છવાઈ ગયું. 
મારાં ભાઈ-બહેનો અને મારી મા અવાક્ થઈ ગયાં હતાં. મારા પપ્પા હવે શું બોલશે એની ઇંતજારી બધાની આંખોમાં ડોકાતી હતી ત્યાં જ પપ્પા બોલ્યાં, ‘અરે વાહ, સરસ. કોઈ સાધુ-સંતોને મળ્યો કે નહીં?’
હવે અવાચક્ થવાનો મારો વારો હતો. 
પપ્પા બાળકની જેમ મને બધું પૂછવા લાગ્યા. મારામાં જોશ અને હોશ આવી ગયાં. હું પોરસાઈને બણગાં ફૂંકવા લાગ્યો. બધા આઘાપાછા થઈ ગયા, પણ પપ્પા મારી ફેકંફેક ધ્યાન દઈને સાંભળતા હતા. મારી નાટકી વાર્તા સાંભળ્યા બાદ તેમણે પારદર્શકતાથી શૅર કરતાં મને કહ્યું કે ‘હું જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે સાધુઓને જોઈને મને સાધુ થવાનું બહુ મન થતું. એક વાર મેં મારી સાધુ થવાની ઇચ્છા મારા દાદાને જણાવી. દાદાએ ગુસ્સામાં એક તમાચો ઠોકી દીધો અને બીજા જ અઠવાડિયે મુંબઈ કામ કરીને કમાવા માટે કોઈકની સાથે મોકલી દીધો.’
આમ કહીને તેમણે ઊંડો શ્વાસ લીધો અને મને કહ્યું, ‘તારામાં પણ સાધુ થવાનાં લક્ષણ દેખાય છે એટલે મારે તને કૉલેજમાંથી ઉઠાડી મૂકીને બિઝનેસમાં બેસાડી દેવો પડશે. હું ચોંકી ઊઠ્યો. હું ત...ત...પ...પ... કરવા લાગ્યો. મારાં બણગાં મને મોંઘાં પડ્યાં. પપ્પા આટલું કહીને હાથ ધોવા ગયા. મેં થાળીમાં જ હાથ ધોઈ નાખ્યા અને પપ્પા બહાર આવીને મને બીજી ધમકી આપે એ પહેલાં હું કોઈનેય કહ્યા વગર ઘરમાંથી રફુચક્કર થઈ ગયો અને ધડધડ દાદરા ઊતરી ગયો. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મારા લંગોટિયા ફ્રેન્ડ વિઠ્ઠલ પાસેથી ૧૦ રૂપિયા ઉધાર લીધા. પહોંચ્યો પાંચ નંબરની બસ પકડીને સીધો કે. સી. કૉલેજમાં. બપોરે એક વાગી ગયો હતો. કૉલેજમાં રશ હતો. કૉલેજ ઑડિટોરિયમમાં બાજુમાં આવેલી એચ. આર. કૉલેજનું ફંક્શન ચાલતું હતું. કૉલેજના પટાવાળાને પૂછ્યું તો ખબર પડી કે અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા આવ્યા હતા ચીફ ગેસ્ટ તરીકે. ઑડિટોરિયમ હકડેઠઠ ભરાઈ ગયું હતું. મેં અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ નીવડ્યો. મેં ડોરકીપરને કહ્યું કે હું કે. સી. કૉલેજનો ડ્રામા-સ્ટાર છું, પણ ડોરકીપર ચિંગુશ નીકળ્યો. મારી વાત પર હસવાની પણ તસ્દી ન લીધી. સ્ટોનફેસ સાથે ચોખ્ખી ને ચટ ના પાડી દીધી એન્ટ્રી આપવાની. હું કે. સી. કૅન્ટીનમાં ગયો. રગડાપાંઉ અને ચાનો ઑર્ડર આપ્યો શેટ્ટી નામના વેઇટરને અને વિચારવા લાગ્યો કે ઑડિટોરિયમમાં કેવી રીતે ઘૂસું? હું મારા સપનામાં સરી પડ્યો કે એક દિવસ હું પણ સુપરસ્ટાર બનીશ અને મને જોવા માટે લોકો ધસારો કરશે. ત્યાં મારી ફૅન્ટસીમાં શેટ્ટીએ ખલેલ પહોચાડી, ‘યે લો તુમ્હારા રગડાપાંઉ ઔર ચા.’
હું વાસ્તવિકતામાં આવી ગયો. ઘરેથી અડધુંપડધું જમીને આવ્યો હતો એટલે રગડાપાંઉ પર તૂટી પડ્યો. કે. સી. કૉલેજ કૅન્ટીનના રગડાપાંઉ એ સમયમાં ફેમસ હતા. ૪ રૂપિયામાં પેટ ભરાઈ જતું. મેં પેટપૂજા કરીને શેટ્ટીને પૈસા આપ્યા. તેણે બ્રેકિંગ ન્યુઝની જેમ સમાચાર આપ્યા, ‘હૉલ મેં દો હીરોલોગ આયા હૈ. બહોત ભિડ હૈ. સબ છૂટેંગા તો કૅન્ટીન ભર જાએગા.’ સુથારનું મન બાવળિયા પર એમ શેટ્ટીનું મન કૅન્ટીનની ઘરાકી પર હતું. મેં તેને પૂછયું, ‘અંદર જાને કા કૈસે? તેણે તરત આઇડિયા પીરસ્યો, ‘પીછે સે સ્ટેજ કે પાસ જાઓ. વહાં લલ્લનભૈયા હોગા. વો સ્ટેજ સંભાલતા  હૈ. ઉસકો મસકા મારો. ચા પિલાઓ. વો તુમ્હેં અંદર ઘૂસા સકતા હૈ.’ ગુડ આઇડિયા! મેં એક રૂપિયો આપીને બે ચા લીધી. બૅકસ્ટેજ તરફ ગયો. ત્યાં લલ્લન બહાર જ ઊભો હતો. મેં તેને ચા હાથમાં પકડાવતાં મને આવડે એવાં મીઠાં-મધુર વાક્યોમાં તેનાં વખાણ કર્યાં. તેના ચહેરા પર ફુલાઈને ફાળકો થનારાં એક્સપ્રેશન આવ્યાં એટલે મેં મારી અંદર જવાની ઇચ્છા જાહેર કરી. મને કહે, ‘ઇસમેં ક્યા જાને કા? એકદમ નયે હીરો હૈ. અપની કૉલેજ કા હીરો આયેગા તબ મૈં તુમકો લેકે જાએગા. તુમ્હારા પહચાન ભી કરાએગા.’ મેં પૂછ્યું, ‘કૌન?’ મને કહે, ‘અપની કૉલેજ મેં જો પઢતા થા, રાજેશ ખન્ના. સુપરસ્ટાર. અગલે મહિને દિનાંક ઉન્નીસ કો આવેગા.’ એમ કહીને તે અંદર ચાલ્યો ગયો અને હું બહાર લટકી ગયો. શું કરું? કેવી રીતે અંદર જાઉંની ગડમથલમાં પડ્યો હતો. અંદરથી તાળીઓનો ગડગડાટ અને સિસોટીઓનો સાઉન્ડ સંભળાતો હતો. મારી જાત પણ ઍક્ટરની હતી. સ્ટેજ પર જવાનો મારો જન્મસિદ્ધ અધિકાર હતો. સ્ટેજનો બૅક ડોર થોડો ખુલ્લો હતો. ત્યાંથી હિંમત કરીને હું હળવે પગલે અંદર સરક્યો. બૅક સ્ટેજમાં અંધારામાં જ કોઈ ન જુએ એમ ઊભો રહી ગયો. શત્રુઘ્ન સિંહા ત્યારે જ નવા નવેલા અમિતાભની ઓળખાણ ઑડિયન્સને આપી રહ્યો હતો. 
અમિતાભ ઊભો થઈને પ્રેક્ષકો સમક્ષ રજૂ થયો. અમિતાભ બધા ઍક્ટરોની મિમિક્રી કરવા લાગ્યો. અશોકકુમાર, પ્રાણ, જીવન, અજિત, કિશોરકુમાર, દિલીપકુમાર, દેવાનંદ, રાજ કપૂર બધાની અદ્દલોઅદ્દલ નકલ કરતો હતો. જોવાની મજા પડી ગઈ. પ્રેક્ષકો હસી-હસીને લોટપોટ થઈ ગયા. અમિતાભ બચ્ચન એ સમયે એક-બે ફ્લૉપ ફિલ્મોમાં જ આવ્યો હતો. શત્રુઘ્ન સિંહા તેને બહુ મદદ કરતો હતો, મિત્ર તરીકે. હું અંધારામાં એક ખૂણામાં ઊભો હતો અને અમિતાભનો ખેલ જોતો હતો. શત્રુઘ્ન તેનાં વખાણ કર્યે જતો હતો. અમિતાભને ઉપર લાવવામાં શત્રુઘ્નનો બહુ મોટો ફાળો હતો. મને થયું કે ઍક્ટર તરીકે પ્રખ્યાત થવા માટે મિમિક્રી કરતાં આવડવું  જોઈએ. આવું  વિચારતાં-વિચારતાં જુસ્સામાં હું આગળ આવી ગયો અને અંધારામાં મારો પગ કોઈકના પગ પર પડ્યો. એ ભાઈએ જોરથી ચીસ પાડી. ચીસ એટલી જબરદસ્ત હતી કે સ્ટેજ પરથી શત્રુઘ્ન સિંહા બૅક સ્ટેજમાં દોડી આવ્યો અને અમિતાભ મિમિક્રી કરતાં થંભી ગયો. લલ્લને બૅક સ્ટેજની લાઇટ કરી. હું ઝડપાઈ ગયો. જે વ્યક્તિના પગ પર મારો પગ પડ્યો હતો તેઓ એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલ અડવાણીસર હતા. ગુસ્સા માટે તેઓ વધુ જાણીતા હતા. માર્યા ઠાર. હવે શું થશે? જોઈએ આવતા ગુરુવારે. shahlatesh@wh-dc.com
(ગયા ગુરુવારે જે આર્ટિકલ હતો એમાં મેં ‘મિડ-ડે’ના બધા પ્રિય વાચકોના અભિપ્રાય અને ફીડબૅક મારી ઈ-મેઈલ પર માગ્યાં હતાં. મારી ઈ-મેઈલ પર ૧૪૭  વાચકોનાં ફીડબૅક આવ્યાં એ બદલ રસિકજનોનો ખૂબ-ખૂબ આભાર. મેં ૧૩૩ વાચકોને આભારપત્ર મોકલ્યો હતો એમાંથી ૧૧ વાચકોના જવાબ સાચા હતા.) 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જ્યાં સુધી સ્ટ્રગલ હોય ત્યાં સુધી જીવવાની મજા આવે. પામી લીધા બાદ જીવન રૂટીનમાં પરિવર્તિત થઈને આપણને રોબો બનાવી દે છે. એટલે જીવનભર સ્ટ્રગલ તો રહેવી જ જોઈએ. દરેક ક્ષણમાં પુરુષાર્થ  હોય તો પ્રારબ્ધ ભોગવવાની મજા પડે. ધ્યેય ઊંચો રાખવાનો એટલે સ્ટ્રગલ કરવાની મોજ આવે. એમ લાગે કે જીવન મરવા સુધી સંપૂર્ણ જીવ્યા. સ્ટ્રગલ કરો, જીવો અને જલસા કરો.

latesh shah columnists