હર હર મહાદેવઃ જબ તુમ્હારા ટાઇમ આએગા, મેરા ભોલા તુમ્હે બુલા લેગા

30 July, 2020 05:46 PM IST  |  Mumbai | Latesh Shah

હર હર મહાદેવઃ જબ તુમ્હારા ટાઇમ આએગા, મેરા ભોલા તુમ્હે બુલા લેગા

ખાતા, પીતા, સૂતા, ઊઠતા, શ્વાસ લેતા રટણ જો રટ્યા કરો તો અનંત સુધી પહોંચવામાં વાર નથી લાગતી.

ગયા ગુરુવારે મેં મારી ઊલમાંથી ચૂલમાં પડવાની કથની સંભળાવી. મારી બેહોશીમાંથી જ્યારે હોશમાં આવ્યો ત્યારે મેં જે માહોલ જોયો એ જોઈને મારા ફાફડા ફેં થઈ ગયા અને તરત આંખો મીંચી દીધી. મારા મનમાં ચિત્રવિચિત્ર ભયાનક વિચારો અને ખતરનાક ફિલ્મી ભૂતાવળ દેખાવા લાગી. આ બધા બાવાઓ મળીને મને મારી-મારીને અધમૂઓ કરી નાખે છે. મને ઝાડ પર ટિંગાડી દે છે. નીચે મરચાની ધૂણી પેટાવે છે અને હર હર મહાદેવ બોલતા નાચે છે, ડમરુ બજાવે છે. ચીપિયા પછાડે છે. મરચાની ધૂણી પ્રગટાવેલી તેથી હું ખાંસ્યા કરું છું. મારા શરીરમાંથી લોહી ખેંચાઈ રહ્યું છે અને હળવે-હળવે સ્લો મોશનમાં લોહી ધૂણીમાં ટપક-ટપક ટપકી રહ્યું છે અને બધા બાવાઓ હાથ ધરીને ખોબલે-ખોબલે પી રહ્યા છે. હું ચીસો પાડું છું, પણ મારો ચિત્કાર મારા સિવાય કોઈને સંભળાતો નથી અને પથારીમાં ચોંકીને અચાનક મારી આંખો વિસ્ફારિત થઈને ખૂલી જાય છે અને માથા પર તાડ જેવો લાંબો, મોટી જટાવાળો, લાંબી દાઢીવાળો જાણે આકાશ આંબતો ઊભો દેખાય છે. તે મને ટગર-ટગર ટીકીને એકીટશે ઘૂરકતો લાગ્યો. મારી આંખોમાં બિચારાપણું છલકતું હતું. મેં ડરના માર્યા ફરીથી પાંપણો બીડી દીધી. મારા માથા પર કોઈનો વહાલથી હાથ ફરતો લાગ્યો. અચાનક આકાશમાંથી ગેબી અવાજ આવતો હોય એમ ઘેઘૂર, ઘોઘરો અવાજ મારા કાને પડઘાયો. બચ્ચા, કૈસા હૈ તૂ? જિજ્ઞાસાને લીધે મારી આંખો મેં હળવેકથી ખોલી. જોયું તો માથા પર ઊભેલો સાધુ મારા માથા પાસે બેઠો હતો. તેણે મારા માથા પરનો પાટો ખોલી નાખ્યો હતો. માથાના પાછળના ભાગ થયેલો ઘાવ જોયો. ખુશ થઈને બોલ્યો બધાને, સુનો ઇસ બચ્ચે કા તો ઝખ્મ ભર ગયા હૈ. બીજા સાધુઓ પાસે આવ્યા જોવા માટે અને કહેવા લાગ્યા કે મહંતશ્રી, આપ કમાલ કે સંત હૈ! મહંતશ્રીએ કહ્યું, યે સબ ભોલેનાથ કી કૃપા હૈ. મૈં સિર્ફ નિમિત્ત હૂં. જો ભી ચમત્કાર હુઆ, બચ્ચે કી જાન બચ ગઈ વહ સિર્ફ મહાદેવ કે આશીર્વાદ સે સંભવ હો પાયા. હર હર મહાદેવ.
બધા સાધુઓએ એકસાથે સાદ પુરાવ્યો, હર હર મહાદેવ. એકે શંખ વગાડ્યો તો બીજાએ ડમરુ વગાડ્યું. વાતાવરણમાં ઉત્સવ છવાઈ ગયો. મહંતશ્રીએ બમ બમ ભોલેનો નાદ લગાવીને એક છોકરાને બૂમ મારી તેને પાણી ભરેલી તપેલી અને કપડાના કટકા સાથે બોલાવ્યો. પોતાના હાથે ઘાવાળા ભાગને સાફ કર્યો. કપડાથી લૂછ્યો. મને કહ્યું, બાલક, તૂ બાલ-બાલ બચ ગયા મહાદેવ કી મહેર સે. ચલ ઊઠ, નહા-ધોકર ભોજન કે લિએ તૈયાર હો જા.
હું જેમ-તેમ કરીને ઊભો થયો. મારું શરીર અકડાઈ ગયું હતું. મહંતશ્રીએ બે ચેલાઓને બોલાવીને મારા શરીર પર ભભૂતિ લગાવીને માલિશ કરાવ્યુ. મને ગરમાગરમ ચા કુલડીમાં પીવડાવી. તેની આંખમાં પ્રેમ અને કરુણા ઊભરાતાં હતાં. સાધુ-સાધુમાં કેટલો ફરક? એક ધૂતારો અને બીજો દેનારો. તેમણે મને નાહીને ઓમ નમઃ શિવાયની માળા ફેરવીને ભોજન કરવાનું ફરમાન આપ્યું. આશ્રમમાં જ કૂવો હતો. કૂવામાં બાલદી બુડાડી, પાણી ઉલેચીને મને આપ્યું. મેં તાંબાના લોટાથી પહેલી વાર નાહ્યું. ચેલાઓ શ્લોક બોલવા લાગ્યા. બધી નદીઓનાં નામ બોલતા હતા. નાહીને એક જોડી કપડાં મારી પાસે હતાં એ મેં પહેર્યાં. મને તો એમ હતું કે ગિરનારમાં કોઈ સાધુ મારા સવાલોના જવાબો આપશે અને બીજા દિવસે મુંબઈ. હાહાહા.
ઓમ નમઃ શિવાયની માળા ફેરવીને ભોલેનાથના ભંડારામાં પ્રસાદ લેવા બેઠો. ભજન બાદ ભોજન આરોગતાં મનમાં એક જ વિચાર આવતો હતો. આ લોકો કોણ હશે? ચિલમ ખેંચતાં હર હર મહાદેવ વાત-વાતમાં બોલતા હતા. દાળ-રોટી પેટમાં પધરાવ્યા બાદ આશ્રમના એક ખૂણામાં ચેલાઓ સાથે બેઠો ત્યારે ખબર પડી કે આ નાથ અખાડા નામનો ગુરુ ગોરખનાથના ફૉલોઅર્સનો અખાડો હતો. એના મહંત કેદારનાથ હતા. વધુ પૂછપરછ કરું એ પહેલાં મહંતશ્રી નાથબાબાએ ધૂણા પર બોલાવ્યો. ચાર છોકરાઓ મારા પળવારમાં મિત્ર જેવા થઈ ગયા હતા. આજે તેમનાં નામ કે ચહેરા પણ યાદ નથી.
બાબાએ મને તેમની ગાદીની નીચે જગ્યા ખાલી હતી ત્યાં બેસવાનો આદેશ આપ્યો. આશ્રમમાં  સાધુઓની અવરજવર ચાલુ હતી. સાધુઓ આવીને આદેશ શબ્દનો ઉચ્ચાર કરતા હતા અને કેદારનાથને પગે લાગતા હતા. ધૂણાની આસપાસ પગ પર પગ ચડાવીને બેસી જતા હતા અને ચેલાઓ તેમને ચા અને ભૂંગળી ઑફર કરતા હતા. સાધુઓ ચિલમ ખેંચતાં હર હર મહાદેવનું  રટણ નાદ સ્વરૂપે કરતા હતા. ચરસ-ગાંજાને લીધે તેમની આંખો લાલઘૂમ અને ડરામણી લાગતી હતી. નાથબાબાએ મારો રુઝાઈ ગયેલો ઘા ચેક કર્યો. તેમણે ચેલાઓનો ગુસ્સે થઈ ઊધડો લઈ નાખ્યો, તુમને અભી તક ઇસે જડીબુટ્ટી ઔર હલ્દી કા લેપ નહીં લગાયા? ચેલાઓ ઊભી પૂંછડીએ મલમ લેવા ભાગ્યા. સાધુબાબાએ મને કહ્યું, ‘બચ્ચે, તુમ બાલ-બાલ બચ ગએ. કભી ઇસ તરહ કિસીકે કહને મેં આના નહીં. તુમારી જાન જા સકતી થી. આજકલ જૂઠે, મક્કાર ઔર ઢોંગી સાધુ બઢ ગએ હૈં. હમારે સાધુ સમાજ કા નામ બદનામ કર રહે હૈં. મેરે સાધુ વહાં સે નિકલે, ઉનકો દેખકર વો (ભૂંડી ગાળ) ભાગ ગયા. યે હરામી કે પિલ્લે તુમારે જૈસે બેવકૂફોં કો બડી-બડી બાતેં કરકે સાધુઓ ઔર ચમત્કાર કે નામ પર ફંસાતે હૈં ઔર તાંત્રિકો કો બેચ દેતે હૈં યા બલિ કે લિએ કિસી માતાજી કે ભગત કે સાથ સૌદા કરતે હૈં. તુમ્હારે પર મહેશ્વર કી કૃપા હુઈ ઇસ લિએ તુમ બચ ગએ ઔર ઇતના માર લગને કે બાદ ભી બચ ગએ. ગયે માહ મેં તીન ઐસે ઢોંગીઓં કો મારકે હમને ભગાયા થા.’ તેમણે એક સાધુના આદેશનો જવાબ આપતાં મને કરડાકીથી પૂછ્યું, ‘તુમ કહાં સે હો, બમ્બઇ સે?’ હું ચોંક્યો! મેં કોઈને કહ્યું નથી તો આમને કેવી રીતે ખબર પડી? તરત જ તે બોલ્યા, ‘તુઝે લગા મુઝે કૈસે પતા ચલા? ભોલેનાથ કે આશીર્વાદ સે મુઝે તેરે બારે મેં સબ કુછ પતા  હૈ. તેરી સબ કુછ જાનને કી તલપ અચ્છી હૈ લેકિન સંસાર મેં રહકર તેરે નાટક ખેલ લે, ઉસકે બાદ તૂ એક દિન ઇધર આએગા સબ કુછ જાનને કે લિએ. ઔર તુમ્હારે સારે સવાલોં કે જવાબ મિલ જાએંગે. જા! જા કર નાટક કર. અભી સબ કુછ સમજને કે લિએ તુમ નાદાન હો. શંભુ શિવ શંકર કા નામ જપતે રહો ઔર અપને નાટક કરતે રહો. અભી તુમ્હારા સમય નહીં હુઆ યહાં આને કા. મહાદેવજીને તુમ્હે બચાયા હૈ.
જબ તુમ્હારા ટાઇમ આએગા, મેરા ભોલા તુમ્હે બુલા લેગા.’
હું તો સ્તબ્ધ થઈ ગયો. તેમનાં ચરણોમાં પડી ગયો.
‘તૂ અભી કચ્ચા હૈ બચ્ચા. અભી તુમ્હે સંસાર કે કર્મોં કો નિપટાના હૈ. તૂ તેરે માં-બાપ કો બિના બતાએ યહાં આયા હૈ. જૂઠ બોલકે આયા હૈ. વો તેરી ફિકર કર રહે હૈં. જલદી બંબઈ પહોંચજા. ઘર પે જાકે સબ કુછ સચ બતા દેના. તેરી માં ઘર પે રો રહી હૈ.’ તેમણે તેમના એક ચેલાને મને બસમાં બેસાડવાનું કહ્યું. ચેલો તરત બોલ્યો, આદેશ. હું મૂક-બધિર-અવાચક થઈ ગયો.  નાથબાબાને કંઈ પણ જણાવ્યા વગર તેમણે કેવી રીતે જાણી લીધું? હું આમ વિચારતો હતો ત્યાં જ પેલો ચેલો મારો થેલો લઈને આવી ગયો. હું નાથબાબાને પગે લાગ્યો. તેમણે આશીર્વાદ આપ્યા, મહાદેવ તેરા ભલા કરે. અને હું તેમના ચેલા સાથે થેલો ખભે લટકાવીને બસ-સ્ટેશન જવા નીકળ્યો.
રસ્તામાં હું તેમના ચેલાને પૂછ્યા વગર રહી ન શક્યો. ચેલો હસવા લાગ્યો. મારા મનમાં કૌતુક વધતું જ જતું હતું કે નાથબાબાને મારા વિશે ખબર કેવી રીતે પડી? પૂછવાની સાથે જ ચેલાએ જવાબ આપ્યો, કેદારનાથજી એક સિદ્ધ સંત છે. તેમના પર ભવનાથ મહાદેવના ચાર હાથ છે. તેમણે તને આશીર્વાદ આપ્યા છે એ બહુ મોટી વાત છે. તું ચાર દિવસ બેભાન હતો, મૃતઃપ્રાય હતો. તેમણે પોતાની સિદ્ધિથી તને બચાવી લીધો છે નહીં તો તારા રામ રમી ગયા હોત. મુંબઈ પહોંચીને આશ્રમને કાંઈ ફન્ડફાળો મોકલજે. જો સામે છે તારું બસ-સ્ટેશન. આવજે. હું બસ-સ્ટેશન પર ગયો. મુંબઈની ટિકિટ કઢાવવા પૈસા આપવા માટે બગલથેલામાં હાથ નાખ્યો. અને મારાથી ચીસ પડી ગઈ. બગલથેલામાં પર્સ હતું જ નહીં. મારા રૂપિયા પર્સમાં હતા અને પર્સ ગાયબ. ચેલો પણ ગાયબ. હવે હું મુંબઈ જઈશ કેવી રીતે? જોઈએ આવતા ગુરુવારે.

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો
જો રટણ કરો અને એ વાતને, મંત્રને, સૂત્રને વળગી રહો ચંદર ઘોની જેમ તેમ-તેમ ધ્યેયનો કિલ્લો સર કરતા જાઓ, આગળ વધતા જાઓ અને અનંત સુધી પહોંચી જાઓ ત્યારે તમને સમજાય કે રટણમાં રમવાની મજા આવે તો જ અનંતને મળી શકાય. રટણ કુદરતનું હોય કે ભગવાનનું હોય કે ધ્યેયનું; ખાતા, પીતા, સૂતા, ઊઠતા, શ્વાસ લેતા રટણ જો રટ્યા કરો તો અનંત સુધી પહોંચવામાં વાર નથી લાગતી. એટલે જ જાણો અને જલસા કરો.

latesh shah columnists