દિલમાં હોશ હોય અને દિમાગમાં જોશ હોય તો જ અશક્ય લાગતી વાત શક્ય બને

07 May, 2020 10:05 PM IST  |  Mumbai | Latesh Shah

દિલમાં હોશ હોય અને દિમાગમાં જોશ હોય તો જ અશક્ય લાગતી વાત શક્ય બને

પુરાની યાદેંઃ ૧૯૭૧ની સાલમાં એક કાર્યક્રમમાં અન્ય મિત્રો સાથે હું (ચેક્સવાળા કોટમાં) અને (મારી જમણી બાજુએ પાછળ) મહેન્દ્ર રાવલ.

દિલમાં હોશ હોય અને દિમાગમાં જોશ હોય તો અશક્ય લાગતી વાત સંભવી શકે, શક્ય બની શકે. મારા મનમાં જીદ હતી. મારે હિન્દીમાં નાટક કરવું હતું. મારી હિન્દીભાષા સાવ અધધધ કચરી હતી. એક તો પાક્કો કચ્છી ગુજરાતી. ગુજરાતીમાં પણ, કચ્છીભાષા ભમરાયા કરતી હોય. નિશાળમાં કોઈએ રોક્યો ટોક્યો નહીં. શિક્ષકોને એમ કે ‘ભાંગ્યું તોય ભરુચ’. લખમશી, નવીન ગીજુ, વિજય (બધા કચ્છી)ને લઈને નાટક તો કરે છેને. મને લાગે છે મારા શિક્ષકોને પણ, શબ્દોના ઉચ્ચારોની કોઈ સમજ જ નહોતી. કૂવામાં હોય તો હવાડામાં આવે ને!

હું કહું કે હું ‘હૉલ’માં જાઉં છું. હું સાંકડા ઉચ્ચાર સાથે બોલું અને શબ્દનો અર્થ બદલાઈ જાય. જે હું ન સમજું. બધા મને જુએ, કોઈ સામે તો કોઈ છુપાઈને દાંત કાઢે. હું કૉલેજમાં મજાકનો વિષય બની ગયો હતો. એક મિત્રે, ઓમપ્રકાશ પાન્ડેએ હસતાં-હસાવતાં કહી દીધું, અબે રદ્દી પુત્ર, કચ્છી મેં નાટક કર, હિન્દી મેં ક્યુ, ખાલી ફુગટ પસીના બહાતા હૈ! મને પાન્ડેની વાત એક પડકારરૂપ લાગી. એ રાત્રે ઊંઘમાં મારો લવારો માએ સાંભળ્યો. સવારે મને પૂછ્યું કે રાત્રે નીંદરમાં કુરો બબડનો વો? 
દિવસ-રાત જ્યારે મન એકસરખું એક જ વિચાર કરે એટલે એ વિચાર, વાત કે વસ્તુ પાર પડે જ. 
હિન્દીમાં નાટક કરવું હતું, પણ હું કોઈને ઓળખતો નહોતો. હિન્દી નાટક માટે લેખક, દિગ્દર્શક ક્યાંથી લાવવા? કે. સી. કૉલેજ, એ જમાનામાં ગુંડાગીરી માટે વખણાતી હતી. હું કૉલેજ ડેમાં,  હિન્દીમાં નાટક કરું તો કૉલેજના વિદ્યાર્થીઓ, ટીચરો, પ્રોફેસરો મને ઓળખતા થાય. આપણો વટ  પડે અને ભારતભરની નાટ્યસ્પર્ધાઓમાં જવાનો ચાન્સ મળે. ત્યારે હિન્દી નાટક અને કૉલેજ ડે,  પ્રો. મિસ વાધવાની અને પ્રો. નારવાની સંભાળતાં હતાં. બહુ વિચાર કરીને, મિત્રો સાથે વિચારવિમર્શ કરીને, કેવી રીતે તેમની સાથે વાત કરવીનું રિહર્સલ કરીને મહિના બાદ, હું તેમને, કે.સી.ના વાટુમલ હૉલમાં મળ્યો. મિસ વાધવાની બહુ ચપડ-ચપડ હતાં. મળવા સાથે તો ૧૦ સવાલ પૂછી નાખ્યા. હું જવાબ આપું એ પહેલાં તો કહે, ‘નાટક કા ઑડિશન તો વડી તીન દિન બાદ શનિચડ કો હોઇંગા નાં, તભી આના’. મેં હિંમત ભેગી કરીને કહ્યું, ‘મેરેકુ તો મેરા નાટક દેખાડનેકા હૈ’. પ્રો. નારવાની હસી પડ્યા અને બોલ્યા, ‘બચ્ચે, યહાં નાટક ગુજરાતી મેં નહીં હોતા હૈ, હિન્દી મેં હોતા હૈ’. મેં તેમને કહ્યું, ‘મેરેકુ હિન્દી મેં મારાં નાટક કરનેકા હૈ’ મિસ વાધવાનીએ ચિડાઈને પૂછ્યું, ‘કૌનસા નાટક કરોંગે? મેં કહ્યું, હિન્દી મેં નાટક કરેગા. મિસ વાધવાનીએ બૂમ મારી, ‘બુધ્ધુ, નાટક કા નામ ક્યાં હૈ? જે સૂજ્યું એ બોલી નાખ્યું. મેં કહ્યું, ‘ગુજ્જુભાઈ, ગુજર ગયા’. બન્ને પ્રોફેસરો હસી પડ્યાં. તેમની આસપાસ અમુક તેમના જૂના લાડકા, લાગવગિયા  વિદ્યાર્થી ઊભા હતા તા હસવા લાગ્યા. તે લોકો મારી મસ્તી કરવા લાગ્યા. પ્રો. વાધવાનીએ પૂછ્યું, ‘નાટક કી કહાની ક્યાં હૈ, સુનાઓ’ એટલે મારાં ગલ્લાંતલ્લાં શરૂ થયાં, પસીનો થવા લાગ્યો. તોય હિંમત હાર્યા સિવાય, મનમાં આવ્યું એ, ગુજરાતી-હિન્દી મિક્સમાં ફેંકવા માંડ્યું. એક ગુજ્જુભાઈ  દિલ્હી જાતા હૈ કમાને કુ ઔર વાતવાત મેં ગોટાળા વાળતા હૈ. દિલ્હીવાલે ઉસે ભગાડી દેતે હૈ એટલે વો યુપી જાતા હૈ, ગુજ્જુભાઈ કો ભઈએ લોગકી ભાસા નહીં સમજાતી હૈ, એટલે એમપી જાતા હૈ ઔર વહા સે ગુજરાત આવીને સ્થિર હોતા હૈ, પુરા હંસાને કા નાટક હૈં’ એટલું કહી પરસેવો હાથેથી લૂછતા, હાસ્ય વેરતો ઊભો રહ્યો. પ્રો. નારવાની હસીને બોલ્યા, નાટક કા નામ ગુજ્જુભાઈ ગુજર ગયા હૈ કી ગુઝર ગયાં હૈ.?  મને ત્યારે બન્ને શબ્દો વચ્ચેનો ફર્ક નહોતો સમજાયો. મને પ્રો. વાધવાનીએ ના પાડી કે આ નાટક નહીં ચાલે. હું તરત બોલ્યો, ‘શનિવાર કુ દૂસરા નાટક લેકે આઉં? પ્રો. નરવાની હસતાં બોલ્યા, લેકર આઓ. જાઓ. હું જોરદાર સુ સુ લાગી હોય એમ બહાર ભાગ્યો. કુર્તાની બાયથી પસીનો લૂછ્યો, કૅન્ટીનમાં જઈ બે ગ્લાસ પાણી પીધું અને ખરેખર સુ સુ લાગી અને જેન્ટ્સ ટૉઇલેટમાં જઈ લાઇન લગાડી, પગ ઉપર-નીચે કરતો હતો ત્યાં જ કે. સી.ના ફેમસ ભાઈ રઝાકભાઈ બાથરૂમમાં પધાર્યા એકાદ ચમચા સાથે. બધાએ તેમના માટે જગ્યા કરી આપી અને સુ સુ કરવા ઊભા રહ્યા અને તેમનો ચમચો બોલ્યો, ‘ભાઈ યે ગુજ્જુ, બે ક્યાં નામ હૈ તેરા? મેં કહ્યું, ‘લતેસ સાહ’ તો એ હસતાં-હસતાં મારી મિમિક્રી કરતાં બોલ્યો, ‘હા યે લતેસ સાહ હિન્દી મેં નાટક કરના ચાહતા હૈ. તરત રઝાકભાઈની નજર મારા પર પડી ત્યારે હું પણ સુ સુ કરતો હતો, પણ તેમની મારા પર નજર પડતાં મારા સુ સુએ જાણે પોઝ લીધો હોય એમ રોકાઈ ગયું. તેમણે કહ્યું, ‘તું નાટક કરેગા? કરેગા તો મરેગા‍, કહીને રઝાકભાઈ તો નીકળી ગયા, પણ તેનો ચમચો રફીક બોલ્યો, અબે લતેસ સાહ, સમજ ગયાના... દૂસરી બાર થિએટર મેં હિન્દી નાટક કે લિયે દિખના નહીં, તુ નાટક કરેગા તો ક્યાં હમ જખ મારેંગે. રફીકના ગયા બાદ ૧૦ સેકન્ડ માટે આંખ સામે અંધારા છવાઈ ગયા. ટૉઇલેટની બહાર આવ્યો અને ચક્કર આવતા હોય એમ ભીંતનો ટેકો લીધો કે હવે શું થશે? 
મારા એક મિત્ર, પરેશ શેઠે તો સુફિયાણી સલાહ આપી, જવા દે લતેશ, આ આંખલાઓ સાથે માથું નહીં માર. રશ્મિ શાહએ કહ્યું, ‘આ લોકોનું આ કૉલેજમાં રાજ ચાલે છે. તે લોકો ભણતા નથી અને કૅન્ટીનમાંથી હટતા નથી. ગર્લફ્રેન્ડને કૅન્ટીનમાં લઈ જતા ડર લાગે છે, હિન્દીમાં નાટક કરવાનો વિચાર છોડ યાર. 
ત્રણ રાત તો મને ઊંઘ ન આવી. કૉલેજમાં આવું એટલે રઝાક, રફીક, શિરાઝ, અયુબ અને ગની ખાનના ચહેરા દેખાય. શું કરું કંઈ સમજ ન પડે. છેવટે મેં ગુજરાતીના પ્રોફેસર જનક દવેને વાત કરી જેમણે મારું નામ લખમશીમાંથી લતેશ પાડેલું. જનકસરને મારા પ્રત્યે થોડી ઘણી લાગણી ખરી, કારણ કે મેં ગુજરાતી મંડળને ઍક્ટિવ બનાવ્યું હતું. તેમણે મારા તરફથી પ્રો. નારવાનીને વાત કરી. મને તેમની સાથે મેળવ્યો. તેમણે મને દિલાસો આપ્યો કે તે રફીક, રઝાકને સમજાવશે. મને થોડી શાંતિ મળી. મેં તો મારી દુકાને જઈને પસ્તીમાં આવેલી ચોપડીઓ ઊથલાવવા માંડી કે ભૂલથી કોઈ હિન્દી નાટક મળી જાય, પણ હું નિષ્ફળ ગયો. છેવટે મારા મિત્ર મહેન્દ્ર રાવલે પ્રવીણ સોલંકીનું નામ આપ્યું. અમે તેમને મળવા બૅન્ક ઑફ ઇન્ડિયા, ફાઉન્ટનની મુખ્ય શાખામાં પહોંચી ગયા. તે મહેન્દ્રના પપ્પા મૂળશંકર રાવલના મિત્ર થાય. અમે બૅન્કમાં ગયા ત્યારે લંચ ટાઇમ હતો અને તે   નાટક લખતા હતા. અમે તેમને મળ્યા, તેમણે હા પાડી. ગયા વર્ષે સુરેશ રાજડાએ કરેલું, બેસ્ટ પ્લે તરીકે પ્રોડ્યુસર્સ ગીલ્ડમાં અવૉર્ડ મેળવેલું નાટક ‘ધ ટ્રૅપ’ અમને આપ્યું. અમને કહ્યું, વાંચી જાઓ. ગમે તો તમને હિન્દીમાં અનુવાદ કરીને મોકલાવીશ અને હું જ ડિરેક્ટ કરીશ અને પૈસાની ફિકર કરતા નહીં. હું રઝાક, રફીકને ઓળખું છું તો તેમને સમજાવીશ. અમને તો ફરિસ્તો મળી ગયો. હું મહેન્દ્રને ભેટી પડ્યો. મહેન્દ્ર સ્ટુડિયસ, ગંભીર પ્રકૃતિનો વિદ્યાર્થી હતો. તેણે મારી સાથે ‘ને રણછોડે રાંડ છોડ્યું’ એકાંકીમાં રણછોડનો રોલ કર્યો હતો. પ્રેક્ષકોના હૂટિંગથી ગભરાઈ ગયો હતો અને તેણે પહેલા એકાંકી પછી નક્કી કરી લીધું હતું કે તેનું નાટક કરવાનું કામ નથી એટલે લાઇબ્રેરીમાં ભણવા બેસતો, મને સાથે ઘસડી જતો. ત્યાં અમારા મિત્રો બન્યાં પન્ના શાહ, પન્ના આશર, ઉષા શુક્લા, દુલારી અને ભારતી. બધાં સાયન્સના સ્કોલર સ્ટુડન્ટ્સ હતા. એમાં પન્ના શાહ જે મારી રાખી સિસ્ટર બની અને તે મને હિંમત આપતી રહેતી. 

- મહેન્દ્ર રાવલ

બીજે દિવસે સ્ક્રીપ્ટને વાંચ્યા વગર અમે પ્રવીણભાઈને હા પાડી દીધી. પ્રવીણભાઈએ હિન્દી સ્ક્રીપ્ટ  અમને આપી દીધી.‍ હિન્દી નાટક માટે કલાકારો મળવા મુશ્કેલ હતા. એમાં હું મેઇન રોલ કરતો હતો એ જાણીને અમુક લોકોએ ના પાડી દીધી. રફીકની અમારા પર નજર હતી. તેણે નારવાની સરને કહી દીધું હતું કે લતેશ નાટક નહીં કર પાયેગા. ઉસકે લતેશ બોલને કે વાંધે હૈ વો હિન્દી મેં સારે ડાયલોગ્સ કૈસે બોલેગા. તે બીજા ગુંડા જેવા છોકરાઓને મારી પાસે મોકલતો હતો. તે છોકરાઓ મને ડરાવતા હતા કે તુમ્હારે શોમે હમ અંડા ઔર સડે હુએ ટમાટર ફેકેંગે  ટેન્શન, ટેન્શન, ટેન્શન. શું થયું આર્ટિસ્ટ્સ મળ્યા કે નહીં? હિન્દીમાં નાટક થયું કે નહીં. વાંચો આવતા ગુરુવારે. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
દિલ માં જિદ હોય આગળ વધવાની તો કોઈ તમને પાછળ ધકેલી નથી શકતું. ધ્યેય સુધી પહોંચવામાં વહેલું-મોડું થાય, પહોંચી જરૂર જવાય. ન પહોંચો ત્યાં સુધી થાક્યા વગર આગળ વધતા રહો. એક દિવસ પહોંચી જ જશો. જિદ છોડતા નહીં. જિદને માનો અને મોજ માણો. 
જિદને જાણો અને જલસા કરો

latesh shah columnists