જેમ ગ્લાસ તૂટે તો શુકન થાય એમ માર પડે તો ઍક્ટર મજબૂત થાય

14 May, 2020 03:43 PM IST  |  Mumbai | Latesh Shah

જેમ ગ્લાસ તૂટે તો શુકન થાય એમ માર પડે તો ઍક્ટર મજબૂત થાય

પ્રવીણ સોલંકી

મેં ગયા ગુરુવારે લખ્યું હતું કે રફિકના ચમચાઓ કેવી-કેવી ધમકી આપતા હતા. શરૂઆતના દિવસોમાં આવતી મુશ્કેલીઓ, એનો હલ શોધવામાં નીકળતા દિવસો, એ ઉંમરમાં અનુભવ વગરના લેવાઈ જતા નિર્ણયો અને એનાં આશ્ચર્યજનક પરિણામો ગજબનાં હોય છે, પણ નિર્ણય તો લેવા જ પડે છે. 
મારી જિંદગી આમ પણ જોખમ અને સાહસથી ભરપૂર રહી છે. અત્યાર સુધી નાટકો કર્યાં, ફિલ્મો કરી, સિરિયલો બનાવી, ખૂબ વાંચ્યું, લખ્યું. ઘણું શીખ્યો, ઘણું શીખવાનું ચાલી રહ્યું છે અને ઘણું જીવનના અંત સુધી શીખતો રહીશ. 
૪૦થી ૪૫ બિઝનેસ કર્યા, ૧૦૦૦ એકરમાં ખેતીવાડી કરી. ભારતભરના પર્વતો ખૂંદી વળ્યો. હિમાલય સહિત દરેક આધ્યાત્મિક ખૂણાઓમાં પ્રવેશીને જાતભાતના સાધુ-સંતોને મળ્યો. દુનિયાભરના દેશોમાં ફર્યો. મોટિવેશન અને ટ્રાન્ફોર્મેશનલ  સેમિનારો તથા વર્કશૉપ કરી. વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટરની દેશ-પરદેશમાં શાખાઓ ખોલી. જીવનના લગભગ બધા જ અનુભવો લીધા. સ્થાપિત હિતો સામે બાથ ભીડી, એ પરિવાર નામની સંસ્થા હોય કે નાટ્ય સંસ્થા, શૈક્ષણિક  કે સોશ્યલ સંસ્થા હોય કે પૉલિટિકલ સંસ્થા હોય. વાંધો પડ્યો એટલે વાવટો ઉપાડ્યો જ હોય. જીવનને ભરપૂર જીવ્યો છું. કરોડો રૂપિયા કમાયો અને કરોડો રૂપિયા ગુમાવ્યા. જીવને જે પણ આપ્યું એને જલસાથી માણ્યું અને ઝૂંટવી લીધું એમાં પણ જીવવાની મજા લીધી છે. જીવનમાં બધા પ્રયોગ કરી લીધા અને કરતો જ રહું છું. એક જીવનમાં ઘણાં બધાં જીવન અને પાત્રો જીવવાનો આનંદ માણતો રહ્યો છું. બધા પર એક-એક ગ્રંથ લખી શકાય જો આળસ ઊડે તો. 
આ બધાની શરૂઆત કૉલેજકાળમાં થઈ. કૉલેજનો એ કપરો કાળ જ મારો ખરો ગુરુ બન્યો. નિશાળમાંથી આવેલો તાજો, નિર્દોષ, ગભરુ બાળક પછી બળકટ, બહાદુર, બુદ્ધિશાળી, રિસ્ક લેતો  યુવાન કૉલેજમાં થયેલા જાનલેવા અનુભવોથી થયો. 
રફિકના માણસોએ આપેલી ધમકીથી તો મતિ મૂંઝાઈ ગઈ હતી. એક તો આર્ટિસ્ટો મળતા નહોતા અને જે મળતા તેમને રફિક અને તેના ચમચાઓ ડરાવી-ધમકાવીને ભગાડી દેતા હતા. મારે નાટક કરવું જ હતું એટલે હું લપાતો-છુપાતો સવાર અને દિવસની કૉલેજમાં વિદ્યાર્થીઓને મળવા લાગ્યો. એમાં મૉર્નિંગ કૉલેજમાંથી મને હિરોઇન મળી ગઈ. તેનું નામ આસા સાહ (આશા શાહ) હતું. નાનાં-મોટાં પાત્રોમાં મિત્રોને પટાવી-ફોસલાવી, લાલચ આપીને ગોઠવી દીધા. કોઈને ટીમ ફાઇનલ થઈ ગઈ એની વાત જાણવા ન દીધી. પછી પ્રવીણ સોલંકીને બોલાવ્યા. પ્રવીણભાઈનું એ સમયમાં કૉલેજમાં લેખક-દિગ્દર્શક તરીકે મોટું નામ હતું. આશા સવારની કૉલેજમાં ભણતી હતી. ૧૦ વાગ્યા પછી જૉબ કરતી હતી એટલે અમે સવારે જ રિહર્સલ કરતા, જેથી રફિક અને તેના પૂંછડાઓ આવે એ પહેલાં રિહર્સલ પતી જાય. મારી ભાષા પર પ્રવીણભાઈએ બહુ કામ કર્યું, પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. પહેલી વખત પ્રવીણભાઈ સાથે રહીને પાન ખાતાં શીખ્યો. તેમણે મને વાતવાતમાં કહેલું કે પાન ખાવાથી અવાજ સુધરે. ઍક્ટર બનવા માટે અવાજ સારો હોવો જોઈએ. ત્યારથી કૉલેજની સામે બેસતા પાનવાળાનો એક ઘરાક વધ્યો. મેં ક્યારેય ચા-કૉફી કે પાન સિગારેટ ચાખ્યાં કે પીધાં નહોતાં. ઍક્ટર બનવું હતું એટલે પાન ખાવાનું શરૂ કર્યું. 
પ્રવીણભાઈ બહુ નિષ્ઠાથી અમને ધનની કે કોઈ પણ અપેક્ષા વગર રિહર્સલ કરાવતા. રફિક ઍન્ડ ગૅન્ગ પ્રવીણભાઈને સન્માન આપતી હતી. તેમની પાસેથી હું ઘણું શીખ્યો. મારું હિન્દીમાં કૉલેજમાં પહેલું નાટક કરવાનું સપનું સફળ થયું એની સંપૂર્ણ ક્રેડિટ પ્રવીણભાઈને જાય છે. હંમેશાં પ્રોત્સાહન આપે, શાંતિથી સમજાવે. બધી મૂવમેન્ટ બેસાડીને જાય. હું, આશા અને બાકીના કલાકારો તેમના ગયા પછી રિહર્સલ કરીએ. આશા તેનો જૉબનો સમય થાય એટલે જતી રહે. હું કોઈને બેસાડીને જે ક્લાસરૂમ ખાલી દેખાય એમાં રિહર્સલ કરતો રહું. એમાં એક દિવસ રફિકના ચમચાઓ ઘૂસી આવ્યા. મને કહે, ‘રફિકભાઈને રિહર્સલ કરવું છે, જગ્યા ખાલી કરો.’ હું કાંઈ બોલું એ પહેલાં તેના પાળેલા ટટ્ટુ અન્સારીએ મને ધક્કો માર્યો એટલે મને આવ્યો ગુસ્સો. મેં પણ સામો ધક્કો માર્યો. બસ કાગનું ઊડવું અને ડાળનું પડવું. અન્સારી અને તેની સાથે આવેલા બીજા બે બારકસોએ મને મારવાનું શરૂ કર્યું. મારી સાથે બીજા કલાકારો હતા તેઓ છૂ થઈ ગયા. મારું મોઢું સૂજી જાય એવી રીતે માર માર્યો. એ તો સારું થયું કે ત્યારે સ્પોર્ટ્સના શર્માસર ત્યાં આવી ગયા અને અમને છોડાવ્યા. શર્માસર થોડા આઘાપાછા થયા એટલે અન્સારી કહેતો ગયો, ‘તુ નાટક કર, ફિર તેરા ક્યા હાલ કરતે હૈં દેખના.’
અન્સારી ઍન્ડ ગૅન્ગ ગઈ એટલે મિત્રો દેખાયા. કોઈ બરફ લેવા દોડ્યું, કોઈ જનકસરને બોલાવી લાવ્યું. કોઈએ સલાહ આપી કે આ કૉલેજમાં નાટક કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. નાટક કરવાનું છોડ યાર. જનકસર મને લઈને પ્રિન્સિપાલ કુંદનાનીસર પાસે લઈ ગયા. કુંદનાનીએ નારવાનીસર અને મિસ વાધવાનીને બોલાવ્યાં. પ્યૂન રામશરણને મોકલ્યો રફિક અને અન્સારીને બોલાવવા. રામશરણ પાછો આવ્યો રફિક અને અન્સારીને રફુચક્કર કરાવીને. બે દિવસ હું દોસ્તના ઘરે રોકાયો. આ સૂજેલા ચહેરા સાથે હું ઘરે જાઉં તો બાપા (પપ્પા) કૉલેજમાંથી મને ઉઠાડી જ મૂકે. જોકે હું સૂજેલા ચહેરે રિહર્સલ દરરોજ કરતો હતો. પ્રવીણભાઈને માનવા પડશે. તેમણે મને એમ કહીને સાંત્વના આપી કે ‘જેમ ગ્લાસ તૂટે તો શુકન થાય, એમ માર પડે તો ઍક્ટર મજબૂત થાય.’ જાણે કંઈ થયું જ ન હોય એમ રિહર્સલ કરાવવા લાગ્યા. 
અઠવાડિયા પછી રફિક દેખાયો. મને નારવાનીસરે બોલાવ્યો અને રફિક સાથે બુચ્ચા કરાવી. રફિકે કમને મને સૉરી કહ્યું. 
કૉલેજ ડે આવી ગયો. પેટમાં ઉંદરડા દોડતા હતા. ઉપરથી હૂટિંગ થવાનો ડર હતો. આશા અને ટીમનો સારો સપોર્ટ હતો. સૌથી વધારે સપોર્ટ પ્રવીણ સોલંકીનો હતો. તેમણે  અમારામાં એટલોબધો કૉન્ફિડન્સ ભર્યો કે નાટક સડસડાટ મારા ગુજ્જુ ડાયલૉગ-ડિલિવરી સાથે વિદ્યાર્થીઓએ અને ટીચરોએ જોયું અને એન્ડમાં તાળીઓ પણ પાડી થોડી ઘણી. પ્રવીણભાઈએ નાટકની ગ્રિપ એવી રાખી હતી કે લોકોને વિચારવાનો સમય જ ન મળે. નાટકમાં પહેરેલા સૂટ દોસ્તોને પાછા આપ્યા ત્યારે નાટક પૂરું થયાનું મને ભાન થયું. જનકસર, મિસ વાધવાની અને નારવાનીસરે કૉન્ગ્રેચ્યુલેશન કહ્યું. લતેશ શાહ કૉલેજમાં ફેમસ થઈ ગયો. રફિક ઍન્ડ ગૅન્ગ પણ દુશ્મનમાંથી દોસ્તમાં ફેરવાઈ ગઈ. મન હોય તો માળવે જવાય. તમારે કરવું હોય એ થાય.
 ત્યારથી કૉલેજના સિનિયર કલાકારો શાહનવાઝ ખાન, ઇમ્તિયાઝ હુસેન, આફતાબ હુસેન અને શફી ઈનામદાર સાથે ઓળખાણ થઈ. 
 પ્રવીણ સોલંકીએ અમને બીજાં નાટકો કરાવ્યાં. વહાલે દીધાં વિષ અને સેકન્ડ ટ્રૅપ. પછી તેમની અતિવ્યસ્તતાને કારણે તેમના અસિસ્ટન્ટ તરીકે આવેલા પ્રફુલ આભાણીએ અમને પ્રવીણભાઈએ લખેલાં બીજાં બે એકાંકી નાટ્યસ્પર્ધાઓમાં કરાવ્યાં; ‘ચંપા, તુઝ મેં તિન ગુણ’ અને ‘ઘોડો અને ગાડી.’ બન્ને વખણાયાં અને ઇનામ પણ મળ્યાં. મેં પ્રવીણભાઈ પાસે વાગડ કલા કેન્દ્રમાં નાટક કરાવડાવ્યું અને ફિરોઝ ભગતને પ્રવીણભાઈ પાસે મોકલ્યો. ફિરોઝ ત્યારે કોઈ કંપનીમાં જૉબ કરતો હતો. તેમનાં મમ્મી કે. સી. કૉલેજમાં પારસી નાટકોની ટિકિટો વેચવા ટિકિટબારી પર બેસતાં. તેમની સાથે રોજની ઓળખાણને લીધે તેઓ મને હંમેશાં રિક્વેસ્ટ કરતાં, ‘મારા ફિરોઝ માટે નાટક લખી આપ.’ એટલે મેં ફિરોઝને બૅન્ક ઑફ ઇન્ડિયામાં પ્રવીણભાઈ પાસે મોકલ્યો. પ્રવીણભાઈ ફુલ લેન્ગ્થ નાટકોમાં અરવિંદ ઠક્કર, કાંતિ મડિયા, ફિરોઝ ભગત સાથે બિઝી થઈ ગયા એટલે બીજે જ વર્ષે નાટ્યસ્પર્ધા માટે મારે બીજા ડિરેક્ટરને બોલાવવા પડ્યા. લક્ષ્મીકાંત કર્પેનો સંપર્ક કર્યો, પણ તેઓ ચાર કૉલેજમાં એકાંકી ડાયરેક્ટ કરતા હતા એટલે તેમણે ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી નલિન છેડાને મોકલ્યા. 
તેઓ એક નવા જ પ્રકારનું નાટક લાવ્યા. નામ હતું, ‘નવના ટકોરે.’ હું કૉલેજમાં પ્રખ્યાત થઈ ગયો હતો એટલે આર્ટિસ્ટો તો મળી ગયા, પણ નલિનભાઈનાં ઠેકાણાં નહીં. તેઓ તેમની એક્ઝામમાં બિઝી થઈ ગયા એટલે તેમણે એક લાંબા માણસને મોકલ્યો. એ કોણ હતો? શું કામ આવ્યો હતો? તેને નાટક વિશેની ગતાગમ છે કે એમ જ કોઈ પણ ઐરા ગૈરા નથુ ખૈરાને નલિનભાઈએ મોકલાવી દીધો? મેં મનમાં નલિનભાઈને પુષ્કળ ગાળો ભાંડી. સ્પર્ધા અઠવાડિયા પછી જ હતી. લમ્બુ પાસે સ્ક્રિપ્ટ પણ નહોતી. જેનું નામ અમે સાંભળ્યું નહોતું એવો માણસ કોણ હતો એના વિશે વાંચો આવતા ગુરુવારે. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
ઘર ઘર અને ઘર. ઘરને આટલું કદી જાણ્યું નહોતું. ઘર સાથે ફક્ત નાહવા અને ખાવા-પીવા તથા સૂવાનો જ સંબંધ હતો. એક અદૃશ્ય વાઇરસ કોરોનાએ ઘર સાથે ફરીથી, નવેસરથી નવી ઓળખાણ કરાવી. આજે મારાં એ જ સાથી બની ગયાં છે; ઘરની દીવાલો, પડદાઓ, ફર્નિચર એટલાં હૂંફાળાં છે એની મને હવે ખબર પડી. એ તો પોતાં મારતાં ઘરની ટાઇલ્સ સાથે દોસ્તી થઈ. વાસણ માંજતાં એની ચમક મારા ચહેરા પર આવી, કપડાંની ગડી કરતાં એ મને વળગવા લાગ્યાં. જળ આજે જીવંત થઈ ગયાં અને કહેવા લાગ્યાં...
‘હજી થોડા દિવસ વધારે અમારી સાથે રહોને.
અમને માણો અને મોજ કરો.
અમને જાણો અને જલસા કરો.’ 

latesh shah columnists