વન્સ અપૉન અ ટાઇમ ઇન કે. સી. કૉલેજ

18 June, 2020 11:28 AM IST  |  Mumbai | Latesh Shah

વન્સ અપૉન અ ટાઇમ ઇન કે. સી. કૉલેજ

કે સી કૉલેજ

નાટકના બજેટને પહોંચી વળવા અમે કૉલેજમાં સોશ્યલનું આયોજન કર્યું. ટિકિટો ફટાફટ વેચાવા  માંડી. ૪૦૦૦ રૂપિયાનો નફો થાય તો ચારેક નાટ્યસ્પર્ધાનાં નાટકોનો ખર્ચો નીકળે. લેખક-દિગ્દર્શકને પટાવીને નિઃશુલ્ક ભાવે લઈ આવીએ, પણ રિહર્સલનો ખર્ચ, સેટની કિંમત, કૉસ્ચ્યુમની કોસ્ટ, ટૅક્સી-ભાડાં તો ચૂકવવાં જ પડે. સોશ્યલ હાઉસફુલ થાય તો ૧૯૭૨-’૭૩ની બધી સ્પર્ધાઓમાં હોશજોશ સાથે ભાગ લેવાય. હું અને અલી કેટલી ટિકિટ વેચાઈ એનો હિસાબ બુકસ્ટૉલ પાસેનાં પગથિયાં પર બેસીને ગણતા હતા ત્યારે સલીમે અમને ચોંકાવી દીધા એમ કહીને કે તમને ગની ખાનભાઈએ બોલાવ્યા છે. ગની ખાનભાઈનું નામ સાંભળીને અમારા દિમાગની બત્તી બુઝાઈ ગઈ. 
 ગની ખાન પાંચ ફુટ દસ ઇંચની હાઇટ ધરાવતો, કબીર બેદીનો હમશકલ, ખૂંખાર. કૉલેજમાં આવે એટલે બધા આઘાપાછા થઈ જાય. રઝાકભાઈ જેવા માથાભારે માણસોનાં મસ્તક ઝૂકી જાય તો બીજાઓનું તો શું ગજું? ટૅક્સીમાંથી ઊતરે એટલે ભલભલાનાં પાટલૂન ભીનાં થઈ જાય. એ ભાઈ ગની ખાને મને અને અલીને કૅન્ટીનમાં બોલાવવા સલીમ દ્વારા નોતરું મોકલ્યું એટલે અમારી તો હવા ટાઇટ થઈ ગઈ. અમે ગયા ત્યારે ગની ખાનભાઈ એક ખુરસી પર, તેમના પગ બીજી ખુરસી પર, તેમની સિગારેટનાં પાકીટ ત્રીજી ખુરસી પર અને ચોથી ખુરસી ખાલી હતી, જેના પર બેસવાની અમારી હિંમત નહોતી. અમે બન્ને નતમસ્તક તેમની સામે ઊભા રહ્યા. ત્યાં તો કૅન્ટીનનો વેઇટર જૉન તેનાં જૂતાં પૉલિશ કરાવીને લઈ આવ્યો. ભાઈએ પગ નીચે ઉતાર્યા. જૉને ભાઈને જૂતાં પહેરાવ્યાં. તેમણે તેને ૧૦ રૂપિયાની કડકડતી નોટ આપી. જૉન સલામ મારીને સરક્યો. ભાઈએ અમને બન્નેને ખાલી ખુરસી પર બેસવાનો ઇશારો કર્યો. અમે ડરતાં-કાંપતાં બેઠા. અમે તેના વિશે ઘણી સાચી-ખોટી વાતો સાંભળી હતી. તે ઘણી વાર સરકારી મહેમાન બની ચૂક્યો હતો. તેની ગૅન્ગમાં ઘણા ટપોરીઓ નાના-મોટા ખેલ કરતા હતા; જેવી કે લૂંટફાટ, માંડવલી, કોઈની મારપીટના કૉન્ટ્રૅક્ટ, કોઈને મારી નાખવાની સુપારી, જગ્યાઓ પડાવી લેવા માટેની દાદાગીરી, એક્સ્ટૉર્શન અને ડ્રગ્સની હેરાફેરી. કોલાબા વિસ્તારમાં ડૉનગીરી માટે પ્રખ્યાત ગનીભાઈ ઍન્ડ ગૅન્ગ ઘણી વાર છાપે ચડી ચૂકી હતી. તે કૉલેજમાં બેસતો હતો શું કામ એ એક કોયડો હતો. કોઈની તેને પૂછવાની હિંમત નહોતી. 
અમે તેની સામે બેઠા. તેણે જે અમને એક લાંબા પોઝ પછી કહ્યું એ સાંભળીને અમારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. અમને પૂછ્યા વગર તેમણે અમારી મહેમાનગતિ કરી. પૂછ્યું નહીં, ડાયરેક્ટ શેટ્ટી વેઇટરને ઑર્ડર કર્યો, ‘યે બચ્ચોં કે લિએ દો ચા લેકે આ રે.’ હા કે ના કહેવાનો અમારો અધિકાર છીનવી લીધો. અમારી સામે જોયું અને સ્માઇલ આપી એટલે થોડી ટાઢક વળી, પણ ત્યાં જ અગ્નિ પ્રજ્વળ્યો. 
તે બોલ્યો, ‘તુમ દોનોં કે દિન ભર ગયે હૈ ક્યા? ઉઠાકર કિધર પટક દૂંગા, પતા ભી નહીં ચલેગા. તુમ્હારે માબાપ ઝિંદગીભર તુમકો ઢૂંઢતે રહ જાએંગે.’ તેણે સિગારેટ સળગાવી. અમે અંદરથી સળગીને રાખ થઈ ગયા હોઈએ એવાં મડદાં થઈ ગયા હતા. મારી અને અલીની એકમેક તરફ જોવાની હિંમત જ નહોતી. શેટ્ટી ચા લાવ્યો. તેણે ચા સામે જોઈને અમારી સામે જોયું. અમારી આંગળીઓએ ક્યારે કપ ઉપાડ્યો અને હોઠે લગાડ્યો એની ખબર જ ન પડી. ગરમાગરમ ચાથી જીભ દાઝી ગઈ, પણ ચું કે ચાનો ઊંહકારો બોલાવવાની પણ હિંમત નહોતી. વચમાં તેના ચમચાઓની આવન-જાવન અને સલામ-દુઆ ચાલુ હતી. તેણે હુંકાર કર્યો, ‘કિસ કો પૂછ કે  સોશ્યલ રખ્ખા હૈ.’ અમારા જવાબ આપવાના હોશહવાશ નહોતા રહ્યા ત્યાં તેણે બીજો બૉમ્બ ફોડ્યો.
હું તમને અથથી ઇતિ સુધી વાત કરીશ જ.
અત્યારે ૨૦૨૦માં આવી જઈએ. ગુજરાતી રંગભૂમિ પર પણ બૉમ્બ ઝીંકાયા છે. 
આ વાત પણ જરૂરી છે, કારણ કે હમણાં જ ઘટી છે આ ઘટનાઓ. 
ઉત્તમ ગડા જેવા ઉત્તમ લેખક ગુજરી ગયા. એના થોડા દિવસો બાદ એક સરસ માણસ અને અભિનેતાએ ઓછી ઉંમરે વિદાય લીધી. તેનું નામ જગેશ મુકાતી. ભોળો, નિઃસ્વાર્થ, નિર્દોષ બાળકસ્વભાવનો, જેને મળ્યો હોય તેનો લાડકો થઈ જતો. આવો સરસ માણસ રંગભૂમિ પરથી અદૃશ્ય થઈ ગયો. આમ પણ ગુજરાતી રંગભૂમિ પર માણસોની કમી છે. ગયા શુક્રવારે સંજયે તેની સુંદર વાતો વાગોળી, સોમવારે પ્રવીણભાઈએ. પોતાના વિષયને આંતરીને ઉત્તમ અને જગેશને સુંદર, ટૂંકી અને ટચ હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી. 
જગેશ મુકાતી પરાગ વિજયદત્ત ડ્રામા ઍકૅડેમીનો વિદ્યાર્થી હતો. ‘ચિત્કાર’ નાટકમાં મહારાજ (રસોયા)ના રોલમાંથી સંજય નીકળ્યા બાદ દિલીપ જોષી આવ્યો. તે ગયા બાદ દેવેન ભોજાણી આવ્યો. તે ગયા બાદ શેખર શુક્લા આવ્યો. તેના ગયા બાદ અમે મહારાજ માટે યોગ્ય કલાકાર શોધતા હતા. નાટક મારમાર ચાલતું હતું. હું લાગતાવળગતા લોકોને પૂછતો હતો. દિનકર જાની ત્યારે પરાગ વિજયદત્ત ડ્રામા ઍકૅડેમીમાં હેડ હતા. તેમણે મને જગેશ સાથે ઓળખાણ કરાવી. તે શારીરિક રીતે મહારાજના રોલમાં ફિટ હતો. ઍક્ટર તરીકે હજી તો નવોસવો હતો. આઇ થિન્ક, જગેશનું પહેલું નાટક ‘ચિત્કાર’ હતું. ‘ચિત્કાર’ નાટકે મને ઘડ્યો એવું મને હંમેશાં કહેતો. તેનું શરીર પહેલેથી અતિતંદુરસ્ત અને હસમુખો ચહેરો. તેને શરૂઆતના પચાસેક શો સુધી પન્ચિંગ, પ્લેસિંગ, ટાઇમિંગ દ્વારા હાસ્ય કેમ ક્રીએટ કરવું એની સતત રિહર્સલમાં અને જ્યારે મળે ત્યારે ટ્રેઇનિંગ આપતો. ઘણી વાર તે કંટાળી જતો, પણ તેણે ક્યારેય ના નહોતી પાડી કે હું રિહર્સલ નહીં કરું. નાટક ઘણું ચાલ્યું એટલે ઘણાં રિપ્લેસમેન્ટ થતાં. દર વખતે રિહર્સલમાં જગેશ અને સુજાતા હાજર હોય જ. જગેશ બીજા કલાકારોને લઈ આવે, રિપ્લેસમેન્ટના પાત્ર માટે. ગાયત્રી રાવલને નર્સના રોલ માટે લાવ્યો હતો. જગેશ મારો ગુસ્સો હસતા મુખે સહન કરતો. ક્યારેય ફરિયાદ નથી કરી. ધૂની હોવાને લીધે એક વખત વાશીમાં ‘ચિત્કાર’ના શો માટે બપોરે ૩ વાગ્યે પહોંચી ગયો પછી મને ફોન કર્યો, ‘સર, હું થિયેટર પર આવી ગયો છું, પણ કોઈ આવ્યું નથી. આજે શો છે કે નહીં.’ મેં કહ્યું‍ કે ‘શો છે રાતે ૯.૩૦ વાગ્યે.’ મને કહે, ‘હાઇલા હવે હું શું કરું?’ મેં કહ્યું, ‘ખા પી અને પિક્ચર જોઈ આવ.’ મને કહે, ‘તમે આવો તો આપણે રિહર્સલ કરીએ.’ એટલે હું જોરથી  હસ્યો. તે પણ એટલા જ વૉલ્યુમમાં હસ્યો અને ફોન મૂકી દીધો. રાતે અમે શો પર પહોંચ્યા તો જગેશ આવ્યો નહોતો. તેનો રોલ ત્રીજા અંકમાં હતો, પણ તેની આદત શરૂઆતથી આવીને મેકઅપ કરાવીને બેસે, પછી પૂજામાં બેસે. બે અંક નાટક જુએ અને ત્રીજા અંકમાં લોકોને હસાવે અને નાટક પતી ગયા પશ્ચાત અમે ખાવા-પીવા બેસીએ એટલે પોતાના પાત્રમાં શું સુધારા-વધારા કરી શકે એ પૂછે. એ દિવસે છેક ત્રીજો અંક શરૂ થતાં પહેલાં આવ્યો. મેં પૂછ્યું, ‘વાશીથી મુંબઈ જઈને પાછો આવ્યો?’ તો મને કહે, ‘બે ફિલ્મ જોઈ નાખી. એક શરૂઆતથી જોઈ ઇન્ટરવલ સુધી  અને બીજી ઇન્ટરવલ પછી જોઈ.’ અમને બન્ને ફિલ્મોને મિક્સ કરીને પોતાની ફિલ્મ બનાવીને વાર્તા કહેવા લાગ્યો. અમે બધા તેના પર હસવા લાગ્યા તો તે પણ હસવા લાગ્યો. નિર્દોષ અને છળકપટ વગરનું પારદર્શક હાસ્ય તેની આંખમાં પણ ઝળકતું હતું. આવા તો ઘણા દાખલા છે જગેશના. તેનું શરીર અમજદ ખાનની જેમ વધતું હતું, જેને તે દરેક પ્રયાસ પછી પણ રોકી ન શક્યો. સમય પહેલાં એક્ઝિટ મારી દોસ્ત. તે મારા ગુરુવારના દરેક આર્ટિકલ વાંચે અને દર વખતે લેખને અચૂક વખાણે, વખોડે અને ગુરુવારે ‘મિડ-ડે’ ખાસ ખરીદતો. કોરોના સમયે મારી પાસે અચૂક ઑનલાઇન ‘મિડ-ડે’નો લેખ મગાવે જ. 
સંજયની ૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં અચૂક મળે અને મારી સાથે તેના ડાયટ-પ્લાનની વાત કરીને મને હસાવે. જગેશ, દોસ્ત, ઉપરવાળાને પણ હસાવતો રહેજે. કદાચ ખુશ થઈને આવતા જન્મમાં પણ આટલો જ સરસ માણસ બનાવીને મોકલે. ૐ શાંતિ. લવ યુ જગેશ. ઑલ થિયેટર આર્ટિસ્ટ્સ વિલ મિસ યુ. 
ચાલો ફરીથી ૧૯૭૨માં, વન્સ અપૉન અ ટાઇમ ઇન કે. સી. કૉલેજમાં ફરી આવીએ. 
ગની ખાનનો બૉમ્બ વિસ્ફોટક હતો. તેણે કહ્યું, ‘કૉલેજ મેં કોઈ ભી કુછ ભી કરતા હૈ તો મુઝે પૂછ કે કરતા હૈ, ઔર તુમ કલ કે લૌન્ડે પૂછના તો દૂર, ટિકિટ બેચ કે માલ ભી હઝમ કરને લગે. કલ ૧૦,૦૦૦ રૂપિયા ટેબલ પર રખના ઔર દૂસરી બાર પૂછ કે શો કરના. અલી રડમસ થઈ ગયો હતો અને હું પણ ઢીલોઢફ થઈ ગયો હતો. ‘અબ તુમને ટિકિટ બેચા હૈ તો શો કૅન્સલ મત કરના. વરના મરના હો તો...’ 
મેં હિંમત કરીને ધ્રૂજતા અવાજે કહ્યું, ‘ગનીભાઈ, હમ તો સોશ્યલ મેં સે ૨૦૦૦ રૂપિયા હી કમાનેવાલે હૈં, વો ભી આગે જો નાટક કૉમ્પિટિશન મેં કરનેવાલે હૈ ઉસ મેં ખર્ચનેવાલે હૈં.’ તે શાંતિથી બોલ્યો, ‘મુઝે પૂછા થા ક્યા? અબ ભૂલ કી સજા ભુગતો.’ આમ કહીને ગની ખાને જૉનને  ટૅક્સી બોલાવવાનું કહ્યું. મેં ડરતાં-ડરતાં કહ્યું, ‘હમ ૧૦,૦૦૦ રૂપિયા કહાં સે લાયેંગે? જો ભી પ્રૉફિટ આયેગા વો આપકો દે દેંગે. તેણે ઊભા થતાં કહ્યું, ‘મૈં એક બાર હી બોલતા હૂં, દૂસરી બાર બજાતા હૂં.’ આટલું કહીને ટૅક્સી આવી એટલે હૅન્ડસમ ડૉન ગૉગલ્સ પહેરીને ચાલતો થયો. અમારી હાલત કફોડી થઈ ગઈ. ચાર કમાવા ગયા હતા ને દસ ખોવાનો વારો આવ્યો. ક્યાંથી લાવીશું? હું અલીને જોતો હતો અને અલી ગની ખાનને જતો જોઈ રહ્યો હતો. શું થશે? ૧૦ લાવીશું ક્યાંથી? વાંચો આવતા ગુરુવારે. તમારી પાસે કોઈ સૉલ્યશુન હોય તો આપજો ફીડબૅક દ્વારા. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
સરસ, સરળ, સાલસ, નિખાલસ, સહજ સ્વભાવના લોકોને કુદરત પરલોક જલદી કેમ યેનકેન પ્રકારે બોલાવી લે છે? આ ગણિત સમજવું અઘરું છે. એમાંય કલાકારો તો આર્ટના સ્ટુડન્ટ્સ  ગણાય. તેમને તો આ કુદરતનું કૅલ્ક્યુલેશન ક્યારેય નહીં સમજાય. કલાકારો તો જે થવું હોય એ થવા દે અને જે પાત્રો મળે એ ભજવી લે. દરેક પાત્રને જન્માવે, નાટક પૂરું થયું એટલે એ પાત્ર પૂરું થાય. પોતાનામાંથી એ પાત્રને પતાવી નાખે. બીજા પાત્રનો જન્મ થાય. એક જન્મમાં કંઈકેટલાય જન્મ લેનારા નટો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી... 

latesh shah columnists