આ પરિવારની ત્રણેય પેઢીઓ ગણપતિ ઉત્સવમાં વગાડે છે કચ્છી ઢોલ

15 July, 2020 03:45 PM IST  |  Mumbai | Bhakti Desai

આ પરિવારની ત્રણેય પેઢીઓ ગણપતિ ઉત્સવમાં વગાડે છે કચ્છી ઢોલ

આ પરિવાર માટે પરંપરા પહેલો પ્રેમ

વારસામાં મિલકત મળે એ સ્વાભાવિક છે, પણ સાદરાણીપરિવારની દરેક પેઢીમાં વિવિધ કળાઓનો લગાવ જોવા મળે છે. કળા કોઈ પણ હોય, પણ એના પ્રત્યે પ્રેમ અને આદરભાવનાં બીજ તો બાળકોમાં વડીલો રોપે તો જ એનો વિકાસ શક્ય બને છેચીરાબજારમાં રહેતા ૬૩ વર્ષના સતીશ સાદરાણીના પરિવારમાં તેમનાં પત્ની છાયા, પુત્ર હિતેશ, પુત્રવધૂ ધારા, પૌત્રી ખુશી અને પૌત્ર શુભનો સમાવેશ થાય છે. તેમને બે દીકરીઓ છે. મીરા રોડમાં રહેતાં હેતલ ધર્મેશ દત્તાણીને બે દીકરા છે, કપિલ અને કુંજ. નાની પુત્રી આરતી જિમિતકુમાર રુઘાણી કાંદિવલીમાં રહે છે અને તેમને એક પુત્ર વીર અને પુત્રી ધ્રુવી છે.
સતીશભાઈનો જન્મ મુંબઈમાં જ થયો. તેમનાં દાદીના સમયથી તેઓ મુંબઈમાં જ રહ્યા છે. સતીશભાઈના પિતા પ્રભુદાસભાઈ પોતાના નાના પુત્ર કમલેશના ઘરે કાંદિવલી રહેવા ગયા છે. તેમની ઉંમર ૯૭ વર્ષની છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ અસ્વસ્થ છે. સતીશભાઈ કહે છે, ‘સાચું કહું તો અમે ચાર પેઢી એક ઘરમાં રહીએ છીએ એવું કહેવામાં વાંધો નથી, કારણ કે હાલમાં થોડા સમયથી જ મારા પપ્પા ત્યાં રહેવા ગયા છે.’
ચાર પેઢી એક જ ઘરમાં મોટી થઈ
સતીશભાઈ આગળ પોતાના ઘરની વિશેષતા જણાવતાં કહે છે, ‘મારા જન્મ સમયે મારા પિતા કાપડની મિલમાં નોકરી કરતા હતા. અમારો છ ભાઈ-બહેનોનો મોટો પરિવાર હતો. એ સમયે ખર્ચો ઓછો અને આવક પણ ઓછી જ રહેતી. હું એસ.એસ.સી. સુધી ભણ્યો. મારી બહેનો મારી મમ્મીને પાપડના કામમાં મદદ કરતી હતી. સમય જતાં પરિસ્થિતિ બદલાઈ, પણ અમે આ જ ઘરમાં રહીએ છીએ. મને મારા ઘર વિશે ક્યારેક વિચાર આવે છે કે મારો જન્મ આ જ સ્થળે થયો અને મારો દીકરો હિતેશ અને બે દીકરીઓ અહીં જ મોટાં થયાં. મારાં પૌત્ર અને પૌત્રી પણ આ જ ઘરમાં ઊછરી રહ્યાં છે. પરંપરાની વાત કરીએ તો આવો લહાવો ખૂબ ઓછાં પૌત્ર અને પૌત્રીઓને મળે છે કે જેમને તેમના પરદાદાનું ઘર પણ જોવા મળ્યું હોય. અમારી સાથે અહીં રહેનારા અમારા પાડોશીઓ અન્ય સ્થળે રહેવા ગયા, એ સમયના અને આજના મુંબઈમાં પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ, અમે મોટાં થઈ ગયાં, મારાં બાળકો આગળ વધ્યાં અને તેમનાં બાળકો પણ આ જ આંગણામાં રમી રહ્યાં છે. આમ જીવનમાં ઘણુંબધું બદલાયું, સિવાય અમારું ઘર. એ પહેલાં પણ એ જ હતું અને આજે પણ એ જ છે. આ ઘરે કેટલીય પેઢીઓ જોઈએ છે અને પોતાની સાથે અમારી અનેક યાદોને જોડીને અમારા જીવનને સમૃદ્ધ કર્યું છે.’


વ્યવહાર ટૂંકા થઈ ગયા
પહેલાંની વાત કરતાં પત્ની છાયાબહેન કહે છે, ‘આ ઘરમાં અમે વર્ષોથી બધાં હળીમળીને રહીએ છીએ. પહેલાંની અને આજની તુલના કરીએ તો એક વાત ચોક્કસ છે કે મારાં સાસુના અને મારા સમયમાં સંબંધોમાં જે હૂંફ, પ્રેમ, બે આંખની શરમ, માન, મર્યાદા જેવી લાગણી હતી એ આજે નથી. હવેની પેઢી અમારા જેટલા લાંબા વ્યવહારમાં પણ નથી ઊતરતી. મારાં સાસુએ જે વ્યવહાર રાખ્યા એટલા હું પ્રયત્ન કરતી અને રાખતી, જેમ કે લગ્નપ્રસંગ હોય તો સાસુનાં પિયરિયાંને તો આમંત્રણ જાય, પણ તેમના મોસાળમાં પણ નિમંત્રણ જતાં. પણ હવે તો સાવ ટૂંકમાં પોતાનાં અંગત સગાં સુધીનો જ વ્યવહાર રહી ગયો છે. આમાં એક કારણ એ પણ હતું કે અમારા સમયમાં બાળકો સ્કૂલમાં ભણવા જાય પછી તેમના પર આજનાં બાળકોનાં માતા-પિતાની જેમ અમારે દરરોજ ધ્યાન રાખવાની જરૂર ન રહેતી. બાળકો પોતાની મેળે કૉલેજમાં ઍડ્મિશન પણ લઈ લે અને ભણી લે. હવે સાચે બધું બદલાયું છે.’
તેમનાં પુત્રવધૂ ધારા કહે છે, ‘ઘર સંભાળીને આ બધું કરવામાં સમય નીકળી જાય છે અને પછી સારા-માઠા પ્રસંગમાં વ્યક્તિગત હાજરીની જરૂર ન હોય ત્યાં ફોનથી જ વાતચીત કરીને વ્યવહાર રાખીએ છીએ. હવે મારે શુભ અને ખુશીની સાથે ભણતી હોઉં તેમ શીખવું પડે છે અને તેમના રોજના ભણતરમાં શું ચાલી રહ્યું છે એની માહિતીથી અવગત રહેવું પડે છે. ત્યારે સમયનો અભાવ છે તેથી દિવસે-દિવસે વ્યવહાર ઓછા થઈ ગયા છે.’
કચ્છી ઢોલનો વારસો
આ પરિવાર ખાસિયતોથી સભર છે. અહીંના વડીલોએ કોઈ ને કોઈ કળા પોતાનાં બાળકોને આપી છે. આ વિશે સતીશભાઈ કહે છે, મારું ચિત્રકામ અને પેઇન્ટિંગ ખૂબ સારું રહ્યું છે. હું એ સમયે પેઇન્ટિંગ કરતો હતો અને આજે પણ મને કરવું ગમે છે. અમારા પરિવારની મુખ્ય વિશેષતા છે કે મારા બન્ને ભાઈઓ, રમેશ અને કમલેશ નવરાત્રિ અને ગણપતિમાં કચ્છી ઢોલ વગાડતા અને તે બન્ને એમાં નિપુણ છે. મારો પુત્ર હિતેશ અને પૌત્ર શુભ પણ આમાં માહિર છે. બે ભાઈઓ, પુત્ર અને પૌત્ર આમ ત્રણે પેઢી પ્રસંગમાં સાથે મળીને પણ ઢોલ વગાડે છે.’
આ કળાની કોઈ પણ તાલીમ લીધા વિના, માત્ર કાકાને જોઈને કચ્છી ઢોલ વગાડતાં શીખી ગયેલા હિતેશભાઈ કહે છે, ‘અમે વર્ષોથી ગિરગામમાં ગણપતિ ઉત્સવ માટે જઈએ અને ત્યાં ઢોલ વગાડીએ. મારા કાકાઓને કચ્છી ઢોલ વગાડવાનો શોખ રહ્યો છે અને તેઓ અહીં વગાડતા આવ્યા છે. હું પણ તેમને જોઈને ક્યારે તેમની સાથે વગાડતાં શીખી ગયો એની મને ખબર જ ન પડી. હું બે-ત્રણ વર્ષ નવરાત્રિ ઉત્સવમાં એક ગ્રુપમાં ઢોલ વગાડવા જતો હતો.’
આ જ સિલસિલો ચોથા ધોરણમાં ભણતો શુભને પણ અસર કરી ગયો છે. તે કહે છે, ‘હું પપ્પાને કચ્છી ઢોલ વગાડતાં જોતો હતો અને લગભગ ચાર વર્ષની ઉંમરથી હું કચ્છી ઢોલ વગાડવા તેમની સાથે જતો. અમે ગણપતિ આવે ત્યારે બધા સાથે મળીને ઢોલ વગાડીએ છીએ. ગયા વર્ષે ગૂઢી પાડવામાં મેં ગિરગામ ધ્વજ પથકના ૧૫૦ જણના ગ્રુપમાં પુણેરી ઢોલ વગાડ્યો. એમાં ભાગ લેનારો હું સૌથી નાનો હતો. આ ઉપરાંત હું ડ્રમ વગાડતાં પણ શીખી રહ્યો છું અને લૉકડાઉનને કારણે ક્લાસ બંધ હોવાથી એમાં બ્રેક આવ્યો છે.’
દાદા-પૌત્રીની કળા-રમતની મજા
શુભે પોતાના દાદાકાકા પાસેથી ઢોલ વગાડવાની કળા વારસામાં લીધી છે તો ખુશીને પણ દાદાએ એક ગુણ આપ્યો છે. ખુશી કહે છે, ‘મને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો અને મારા દાદા મને પેઇન્ટિંગ શીખવે છે. મને ખૂબ મજા આવે છે. મારા દાદા અને મારામાં હજી એક સામ્ય છે. તેમને ઊભો ખો અને ડબ્બા ખો (એ સમયની રમત) ખૂબ ગમતી અને અમે પણ સ્કૂલની ફ્રેન્ડ્સ મળીને અન્ય રમતો ઉપરાંત ખો-ખો પણ રમીએ છીએ.’

ફોટોગ્રાફીની જૂની અને નવી પેઢી

જેમ વ્યક્તિની પેઢી બદલાય છે એમ મૅન્યુઅલ ફોટોગ્રાફીની પણ આધુનિક પેઢી એટલે ડિજિટલ અને મોબાઇલ ફોટોગ્રાફી. ફોટોગ્રાફર સતીશભાઈ પોતાના રોલના અને આજના ડિજિટલ ફોટોની તુલના કરતાં કહે છે, ‘મને ફોટોગ્રાફીનો શોખ હતો. અમારા ગામના ચીમનદાદા અવ્વલ ફોટોગ્રાફર હતા. હું તેમની પાસેથી દસમા પછી ફોટોગ્રાફી શીખવા લાગ્યો. આજનાં બાળકો તો કલ્પના પણ નહીં કરી શકે કે એ સમયે ફોટો કાઢ્યા પછી એને ધોઈને તૈયાર કરવા અંધારિયા રૂમમાં લાઇટ આપી હાથેથી ફોટો પર કામ કરવું પડતું. ફોટોગ્રાફી તથા રોલમાંથી ફોટો ડેવલપ કરવા સુધીની કળા મેં હસ્તગત કરી હતી. એ સમયે કાળાં પાનાં પર ફોટો લગાડીને આલબમ તૈયાર થતાં. લગ્નમાં દુલ્હા અને દુલ્હનના ફોટોની આજુબાજુમાં કાળા પાના પર હાથેથી પેઇન્ટિંગ કરીને ડિઝાઇન બનાવવામાં આવતી, જેમાં મારી નિપુણતા હતી. મારે ત્યાં હું એકલો આ કામ કરતો હતો. એ જમાનામાં બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફીની પણ અનેરી મજા હતી. આજે હું પણ ફોનના આધુનિક અને સુવિધાસભર કૅમેરાથી અને ડિજિટલ કૅમેરાથી ભલે ફોટો પાડતો હોઉં, પણ એ જમાના જેવા ફોટોની મજા આજના ફોટોમાં આવતી નથી એ ચોક્કસ છે.’

બે પેઢી એક જ વ્યવસાયમાં

લાઇટ ઍન્ડ ગ્રીપ ઇક્વિપમેન્ટમાં ગેફર તરીકે કામ કરતા હિતેશભાઈ અહીં કહે છે, ‘મારા બન્ને કાકા અને હું, લાઇટિંગ ડિઝાઇનિંગના કામમાં છીએ. ફિલ્મ શૂટિંગ સમયે જે સ્થળે શૂટિંગ હોય ત્યાં સીનના આધાર પર જે લાઇટની વ્યવસ્થા કરવાની હોય છે એનું કામ અમે સંભાળીએ છીએ. મારા કાકાને આ ક્ષેત્ર બતાવનાર મૂલચંદભાઈ દેઢિયા સૌપ્રથમ આ ક્ષેત્રમાં હતા અને તેઓ આજે પણ અમારા ગુરુ જ છે, જેમણે મારા બન્ને કાકાને આ લાઇનમાં સાથે લીધા. હું નાનો હતો ત્યારે ભણવામાંથી સમય મળે એટલે મારા કાકા સાથે સાઇટ પર જતો અને ધીરે-ધીરે મેં આ કામ જોઈને અને સાવ નાના પાયેથી અનુભવ લઈને શીખી લીધું.’

bhakti desai columnists