કચ્છના બહાદુર બંકા ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા

22 October, 2019 01:48 PM IST  |  મુંબઈ | કચ્છના સપૂતો - વસંત મારુ

કચ્છના બહાદુર બંકા ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા

આશરે ૧૬૨ વર્ષ પહેલાં કચ્છનું માંડવી બંદર વહાણવટા અને વેપારથી ધમધમતું હતું. કચ્છથી કરાચી, આફ્રિકા, ઓમાન, મસ્તક ઇત્યાદી પ્રાંતો સાથે વહાણવ્યવહાર થતો. એ ધમધમતા માંડવી શહેરમાં ૧૮૫૭માં કૃષ્ણ વર્મા અને ગોમતીબાઈને ત્યાં શ્યામજીનો જન્મ થયો.

પિતા કૃષ્ણ વર્મા મુંબઈમાં સખત મહેનત કરતા હતા. અચાનક તેમની પત્ની ગોમતીબાઈનું અવસાન થયું ત્યારે શ્યામજીની ઉંમર ૧૧ વર્ષની હતી. ભણવામાં અત્યંત તેજસ્વી શ્યામજીને ભુજ દાદી પાસે રહેવા જવું પડ્યું.

તેજસ્વી શ્યામજીની પ્રતિભા જોઈ એક સદ્ગૃહસ્થ તેમને મુંબઈ લઈ આવ્યા અને વિલ્સન હાઈ સ્કૂલમાં ઍડ્મિશન અપાવ્યું. મુંબઈમાં રહીને તેમણે સંસ્કૃતમાં અભ્યાસ કર્યો. ભાટિયા જ્ઞાતિના તેમના એક શ્રીમંત મિત્રની બહેન ભાનુમતિ સાથે તેમનાં લગ્ન લેવાયાં. તેજસ્વી શ્યામજીની મુલાકાત સ્વામી દયાનંદ સરસ્વતી સાથે થઈ અને શ્યામજીએ સ્વામીને ગુરુપદે સ્થાપ્યા અને આ કચ્છી ભાનુશાળી સપૂત વૈદિક દર્શન અને ધર્મ પર વ્યાખ્યાન આપી દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા. દેશના અનેક વિસ્તારોમાં તેમણે વૈદિક દર્શનનાં વ્યાખ્યાનો આપ્યાં. તેમના સંસ્કૃત પરના જ્ઞાનથી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર મોનિયેર વિલિયમ્સે તેમને પોતાના સહાયક બનવા આમંત્રણ આપ્યું. પરિણામે શ્યામજીને ઇંગ્લૅન્ડ જવાનું થયું અને ઑક્સફર્ડની બિલ્લીઓલ કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું. ત્યાં બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યાં રૉયલ એશિયાટિક સોસાયટીમાં ‘ભારતમાં લેખનનો ઉદય’ એ વિષય પર પ્રવચન આપ્યું અને લોકપ્રિય થઈ ગયા. પરિણામે રૉયલ સોસાયટીમાં સદસ્યતા મળી.  

શ્યામજી કૃષ્ણ વર્મા ભારતીય ક્રાન્તિકારી, વકીલ અને પત્રકાર હતા. દેશ માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું. ભારતની સ્વતંત્રતા ઝંખતા આ કચ્છી ભાનુશાળી સપૂતની અંદર કચ્છી ખુમારી વહેતી હતી. પરિણામે સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાન્તિકારીઓને તૈયાર કર્યા.

શ્યામજી ઇંગ્લૅન્ડમાં બી.એ.ની ડિગ્રી મેળવી જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ રતલામના રાજાએ તેમને દીવાનપદ આપ્યું. નાદુરસ્ત તબિયતને કારણે આ પદ છોડી મુંબઈ આવ્યા. ત્યાંથી અજમેર જઈ વસ્યા અને વકીલાત ચાલુ કરી. ઉદયપુરના રાજાને ત્યાં દીવાનપદે રહ્યા અને પછીથી જુનાગઢ રાજ્યમાં દીવાનપદે રહ્યા. આ માંડવીના કચ્છી સપૂતે દીવાનપદે રહી પ્રજાહિતનાં કાર્યો કર્યાં, પણ એક બ્રિટિશ અધિકારી સાથે વિવાદમાં આવ્યા બાદ બ્રિટિશ રાજ્ય પરથી તેમનો વિશ્વાસભંગ થયો.

શ્યામજી કૃષ્ણ વર્માના પોતાના ગુરુ દયાનંદ સરસ્વતીનાં સાહિત્ય વાંચ્યાં અને પ્રેરાઈને ભારતની સ્વતંત્રતા માટે ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયા. શ્યામજી કૃષ્ણ વર્મા માનવા લાગ્યા કે અંગ્રેજોને સહયોગ બંધ કરીએ તો જલદીથી અંગ્રેજી શાસનનો અંત આવે. પરિણામે લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી જેમાં મૅડમ કામા, વીર સાવરકર, મદનલાલ ઢીંગરા, ભગત સિંહ, વિરેન્દ્ર નાથ ચટોપાધ્યાય જેવા અસંખ્ય ક્રાન્તિકારીઓને તૈયાર કર્યા. લોકમાન્ય ટિળક અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા ભારતના તેમના મિત્રોએ તેમની યોજનાઓને અમલમાં મૂકી અને સ્વતંત્રતાની ચળવળ ચલાવી. 

શ્યામજીની ક્રાન્તિકારીઓ માટેની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવાદી લેખોની જાણ બ્રિટિશ ગવર્નમેન્ટને થતાં જ વિવિધ રીતે તેમને પરેશાન કરવામાં આવ્યા. બ્રિટિશ પ્રેસ અને જાસૂસી વિભાગે તેમનાં પગલેપગલાં દબાવી તેમની પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી એટલે શ્યામજીએ પૅરિસમાં પ્રવૃત્તિઓ શરૂ કરી. ગુપ્ત વેશે પૅરિસ પહોંચી ગયા. ફ્રાન્સની સરકારને તેમણે પોતાની વાત સમજાવવામાં સફળતા મળી. પરિણામે બ્રિટિશ સરકાર તેમનો કબજો ન મેળવી શકી. પછી શ્યામજી જિનીવા ચાલ્યા ગયા. જિનીવામાં પણ ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’નું પ્રકાશન ચાલુ કરી સ્વતંત્રતાની ક્રાન્તિકારી ચળવળ ચાલુ રાખી.

૧૯૩૦માં ૭૩ વર્ષની વયોવૃદ્ધ વયમાં તેમનું જિનીવામાં અવસાન થયું. અવસાન પહેલાં તેમણે એક વિલ બનાવી રાખ્યું હતું. એ વિલમાં લખી રાખ્યું હતું કે ‘તેમના અને તેમનાં પત્નીના અસ્થિકુંભ જ્યારે ભારત સ્વતંત્રતા મેળવે પછી ભારત મોકલી દેવામાં આવે.’ સ્વતંત્રતા બાદ ૩૦ વર્ષ પછી પણ એ અસ્થિકુંભ જિનીવા (સ્વિટ્ઝરલૅન્ડ)થી ભારત લાવવા ભારતની સરકારોએ રસ ન બતાવ્યો, પણ કચ્છી ભાનુશાળી સમાજના તેજસ્વી નેતા મંગલ ભાનુશાળીએ અસ્થિકુંભ ભારતમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા. સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો અને વીસ વર્ષના લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતાનાં ૫૫ વર્ષના અંતે પાર્લમેન્ટમાં પિટિશન બાદ મંગલભાઈની માગણીથી સ્વિટ્ઝરલૅન્ડની  સરકારે અસ્થિકુંભ આપવા સહમતી બતાવી. શ્યામજી કૃષ્ણ વર્માના કોઈ વારસદાર ન હોવાથી મંગલ ભાનુશાળીને ભારત સરકારે દત્તક વારસદાર ઘોષિત કરી શ્યામજી તથા તેમનાં પત્ની ભાનુમતિના અસ્થિકુંભ મેળવવા માટેના અંતરાયો દૂર કર્યા.

એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આખી પ્રક્રિયામાં ખૂબ સક્રિયતા દાખવી અને ૨૦૦૩માં નરેન્દ્ર મોદી અને મંગલ ભાનુશાળી છેક જિનીવા જઈ, સન્માનપૂર્વક અસ્થિકુંભો મેળવી ભારત લાવ્યા. નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાન્તિકારી સપૂતને શોભે એવી ‘વિરાંજલિ યાત્રા’ મુંબઈ ઍરપોર્ટથી શરૂ કરી, ગુજરાતના દરેક જિલ્લામાં આ ‘વિરાંજલિ યાત્રા’ ફેરવી માંડવી લઈ આવ્યા.

નરેન્દ્ર મોદીએ કચ્છના આ ક્રાન્તિવીરને શોભે એવો ૨૫૦ એકરમાં ફેલાયેલો, ૨૦૦ કરોડના ખર્ચે  (જીએમડીસીના અર્થ સહયોગથી) ‘ક્રાન્તિતીર્થ’ તૈયાર કરાવડાવી એ સમયના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કર્યો.

શ્યામજી કૃષ્ણ વર્મા હયાત હતા ત્યારે માંડવીમાં પોતાની પત્નીના નામે ‘ભાનુમતિ વર્મા મેટરનિટી હૉસ્પિટલ’ શરૂ કરી. ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડની અમુક યુનિવર્સિટીઓમાં દયાનંદ સરસ્વતી શિષ્યવૃત્તિ, છત્રપતિ શિવાજી મહારાજ શિષ્યવૃત્તિ, મહારાણા પ્રતાપ શિષ્યવૃત્તિ ઇત્યાદી સ્કોલરશિપ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવા મબલખ દાન આપ્યું હતું. વર્ષો સુધી આ શિષ્યવૃત્તિ ચાલુ રાખી શકાય એવી વ્યવસ્થા કરી. આવા વિરલ કચ્છી સપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે કચ્છી આગેવાન કોમલ છેડાનું અદ્ભુત વ્યાખ્યાન સાંભળી અભિભૂત થવાનો લહાવો આ લખનારને મળ્યો છે. ભાનુશાળી સમાજના કલાકાર દર્શન હેમાણી માને છે કે ‘કુળદેવી હિંગળાજ માતા, કુળગુરુ ઓધવરામજી મહારાજ, ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા દરેક ભાનુશાળીના હૃદયમાં વસે છે.

દરેક શુભ પ્રસંગે તેમને યાદ કરવામાં આવે છે.’

આ પણ વાંચો : એક લટાર પદ્મારાણી, શૈલેશ દવે, કાન્તિ મડિયા અને રાશુની દુનિયામાં

કચ્છમાં જતાં કચ્છીઓ કે પ્રવાસીઓએ માંડવી ખાતેના (મસ્કા ગામની બાજુમાં) ‘ક્રાન્તિતીર્થ’ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, કારણ કે ભારતભરમાં ક્રાન્તિકારીઓનું એક માત્ર મ્યુઝિયમ ‘ક્રાન્તિતીર્થ’ છે. કચ્છ યુનિવર્સિટીને ‘શ્યામજી કૃષ્ણ વર્મા’ નામ આપીને સરકારે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આવા પરમ પરાક્રમી સપૂતને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતી માનાંજલિ આપી વિરમુ છું.

અસ્તુ.

(લેખક અને કચ્છી નાટ્યકાર)

kutch columnists