ઇતિહાસમાં ધરબાયેલું કચ્છી રત્ન તેજસીબાપા માઝગાવવાળા

25 February, 2020 02:21 PM IST  |  Kutch | Vasant Maru

ઇતિહાસમાં ધરબાયેલું કચ્છી રત્ન તેજસીબાપા માઝગાવવાળા

છગત ભુજબળ સાથે તેજસીબાપા (ડાબેથી બીજા)

દુબઈ સોનાની ખરીદી માટે સ્વર્ગ ગણાય છે. દુબઈમાં સોનાનો બહુ મોટો વેપાર થાય છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે દુબઈમાં સોનાનો કારોબાર કરતી ટૉપની પાંચ દુકાનો કચ્છના ફરાદી ગામના સોનીઓની છે. કચ્છના ફરાદી ગામના સોનારા (સોની) મુંબઈ અને દુબઈમાં પ્રખ્યાત છે. સોનાના ઝળહળતા તેજ જેવા જ તેજસ્વી તારલા હતા ફરાદીના તેજસીબાપા.

ઈ. સ. ૧૮૯૯માં ફરાદીના ખેડૂત ખેરાજભાઈ અને તેજબાઈના ઘરે તેજસીભાઈનો જન્મ થયો. આજીવિકા માટે ખેરાજભાઈ કચ્છથી મુંબઈના માઝગાવમાં આવ્યા. એ સમયે માઝગાવ ચારે બાજુ ખેતરો વચ્ચે વસેલું ગામડું હતું. મચ્છગાંવ (માછલીગાંવ) પરથી નામ પડ્યું માઝગાવ. ૧૯૫૬ સુધીના માઝગાવની વાડીઓમાં કેરીઓ ઉપરાંત સીતાફળ, નારિયેળ ઇત્યાદિનો પાક થતો. એટલે જ અમુક વિસ્તારનાં નામ સીતાફળવાડી, નારિયેળવાડી ઇત્યાદિ પડ્યાં. માઝગાવમાં કોળીઓ ઉપરાંત ક્રિશ્ચનો, ચીનાઓ ઇત્યાદિની વસ્તી હતી. મુંબઈમાં એકમાત્ર ચીનાઓનું ચાઇના મંદિર માઝગાવમાં છે. ક્રિશ્ચનોનું ચર્ચ છે અને હિન્દુઓ માટે  ગોડપદેવનું મંદિર છે. આ વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે તેજસીભાઈનો ઉછેર થયો. શરૂઆતમાં અનાજની દુકાન હતી, પછી સોના-ચાંદીની પણ દુકાન કરી.

એ સમયે દુકાનની પાછળ રહીને કચ્છીમાડુ અનાજનો વેપાર કરે. એરિયા-એરિયા પ્રમાણે દુકાનદારોનાં સંગઠનો હતાં. એ બજાર તરીકે ઓળખાતાં. બજારના મુખિયાને પટેલ કહેવાતા. માઝગાવ બજારના પટેલ તેજસીબાપા હતા. મહાજન પરંપરાની મહાન સંસ્થા દેરાવાસી મહાજનના મંત્રી હોવા છતાં તેમણે માઝગાવ બજારમાં ૪૫ વર્ષ સુધી સેવા આપી. માઝગાવ ઉપરાંત ફરાદી મહાજનના પ્રમુખ તરીકે પોતાના મુલકની સેવા કરી. અત્યારે માઝગાવ બજારના પટેલ તરીકે તેમના વચેટ પુત્ર ૭૦ વર્ષના કિરીટભાઈ ગાલા સેવા આપે છે.

 અંગ્રેજોના વખતમાં મોબાઇલ કોર્ટનો રિવાજ હતો. વ્યાપારીઓ એને અનાડી કોર્ટ કહેતા. અજાણતાંમાં દુકાનદારોએ કરેલી નાનકડી ભૂલને માટે અનાડી કોર્ટ દ્વારા કંઈ પણ સાંભળ્યા વગર કમરતોડ રકમનો દંડ થતો. મહેનતકશ કચ્છી વેપારીઓની વર્ષભરની કમાણી એમાં તણાઈ જતી. અંગ્રેજ અમલદારોની મુનસફી પ્રમાણે ચાલતી અનાડી કોર્ટ સામે વેપારીઓએ તેજસીભાઈની આગેવાનીમાં પિકેટિંગ કર્યું. અંગ્રેજોએ તેજસીભાઈને જેલમાં નાખી દીધા. પણ સત્યના આગ્રહી તેજસીભાઈ છેવટે અનાડી કોર્ટ રદ કરાવીને જ જંપ્યા અને મુંબઈની વેપારી આલમમાં તેજસીભાઈનું નામ ગુંજવા લાગ્યું.

અંગ્રેજોના અસ્ત કાળે આખા ભારતમાં સ્વતંત્રતા માટેની લહેર દોડી હતી. લાખો લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા હતા. તેજસીભાઈ તો પાકા ગાંધીભક્ત હતા. પ્રભાતફેરીઓ કે પિકેટિંગ દ્વારા વિદેશી માલનો બહિષ્કાર કર્યો. ઘરે-ઘરે જઈ લોકોને જાગૃત કરતા. દેશભરમાં આવાં નાનાં-મોટાં આંદોલનો દ્વારા છેવટે અંગ્રેજોએ ભારત છોડવાની જાહેરાત કરી, પણ બાપાએ જીવનભર ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. માત્ર બે જોડી ખાદીનાં કપડાં રાખી અપરિગ્રહનો અદ્ભુત દાખલો બેસાડ્યો. આ કપડાં જીર્ણ ન થાય ત્યાં સુધી થીગડાં લગાડીને પહેરતા, સામે ગમે તેવા મોટા નેતા કે સંઘપતિ કેમ ન હોય!

આઝાદી મળ્યા પછી તેમના દેશપ્રેમની કદર થઈ. તેજસીબાપાને મુંબઈ કૉન્ગ્રેસનું મંત્રીપદ આપવામાં આવ્યું. કૉન્ગ્રેસનું મંત્રીપદ પાવરફુલ હોદ્દો કહેવાય, પણ તેમણે પોતાના પાવર અને વગનો ક્યારેય દુરુપયોગ ન કરીને અકિંચન રહ્યા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી સમગ્ર ભારતમાં કૉન્ગ્રેસની લહેર દોડી. ઇન્દિરા ગાંધીને લોકોએ હોંશે-હોંશે વધાવી લીધાં. ચાણક્યનીતિ ધરાવતાં ઇન્દિરા ગાંધી લોકસભાના ઇલેક્શનમાં દક્ષિણ મુંબઈમાંથી તેજસીબાપાને ટિકિટ આપવા એસ. કે. પાટીલ સાથે સહમત થયાં. એસ. કે. પાટીલ આ કચ્છીમાડુની કાબેલિયત જાણતા હતા, પણ ગાંધીવાદી તેજસીબાપાએ ટિકિટનો અસ્વીકાર કર્યો. તેમણે ચૂંટાઈને દિલ્હી જવાની અનિચ્છા બતાવી, કારણ કે રાજકારણમાં ઘણી તડજોડ કરવી પડે એ તેમને માન્ય નહોતું. છેવટે કૉન્ગ્રેસના બહુ દબાણને કારણે પોતાના વતી અબ્દુલ કાદિરનું નામ સૂચવ્યું અને તેમની મદદથી અબ્દુલ કાદિર ચૂંટણીમાં વિજેતા બન્યા. પણ સત્તાથી નિર્મોહી તેજસીબાપાને ધર્મ પ્રત્યે ઘણો મોહ હતો.

એટલે જ રાષ્ટ્રીય સંત આચાર્ય ગુણસાગરસુરીજીએ આધુનિક શિક્ષણને ટક્કર આપે એવી ગુરુકુળ પરંપરાની આરક્ષિત વિદ્યાપીઠ શરૂ કરવાની કલ્પના કરી ત્યારે તેજસીબાપાએ આચાર્યની કલ્પના સાકાર કરવા કમર કસી અને મેરાઉગામમાં વિદ્યાપીઠ શરૂ કરવા જહેમત ઉઠાવી.

શિવસેનાથી માંડી કૉન્ગ્રેસ સાથે ઘરોબો હોવા છતાં અંગત રાજકીય લાભ લેવાને બદલે ધર્મમય જીવન વિતાવતા. રોજ પૂજા, પ્રતિક્રમણ, ચોવિહારનો નિયમ કર્યો હતો. તેમના ઘણા કુટુંબીજનોએ દીક્ષા લીધી હતી. તાજેતરમાં કાળધર્મ પામેલાં ૯૩ વર્ષનાં પ્રતાપી સાધ્વી અરુણોદયશ્રીજી મા.સા. ઉપરાંત પુણ્યોદયશ્રી મા.સા., હિતગુણાશ્રીજી મા.સા., નિમિતગુણાશ્રીજી મા.સા.નો સમાવેશ થાય છે.

વર્ષો પહેલાં મુંબઈમાં કચ્છી ઘરોમાં કોઈનું અવસાન થાય તો જાણ કરવા રાજગોર સાદ પાડતા. આ સાદ પાડવાની પ્રથા બહુ પ્રચલિત હતી, પરંતુ મુંબઈનો વિસ્તાર વધતાં સાદ પાડવાની પ્રથાને તિલાંજલિ આપી સાઇક્લોસ્ટાઇલ પર મૃત્યુનોંધ છાપી દૂરનાં પરાંઓમાં આ ફરફરિયું પહોંચાડવામાં આવતું. લોકો એને સાદપત્રિકા તરીકે ઓળખવા લાગ્યા. ખીમજી માંડણ ભુજપુરિયા, વેલજી બાપાના સથવારે પ્રચંડ પુરુષાર્થ કરી સાદપત્રિકાને લોકભોગ્ય બનાવી ઘરે-ઘરે પહોંચતી કરવા માટે તેજસીબાપાએ પ્રમુખ ભૂમિકા ભજવી. પાછળથી એમાં આવેલા ઘણા સુધારા-વધારા મેરાઉના શ્યામ શાહને આભારી છે. તેજસીબાપાને ત્યારે ક્યાં ખબર હતી કે એક દિવસ એવો આવશે કે કચ્છીમાડુને છાશ અને સાદપત્રિકા વાંચ્યા વગર દિવસ અધૂરો લાગશે. તેજસીબાપાના હસ્તે ઊછરેલી આ સાદપત્રિકાને કારણે સમાજનો અદ્ભુત વિકાસ થયો છે. દેરાવાસી મહાજનના મંત્રી તરીકે પત્રિકાની સાથે પાલિતાણામાં આવેલી ૧૨૫ વર્ષ જૂની પુરબાઈ ધર્મશાળા, પાલાગલી હાઈ સ્કૂલની વ્યવસ્થા અને વિકાસમાં ફાળો આપ્યો છે.

અંગ્રેજોના જમાનામાં રૅશનિંગ પ્રથા દ્વારા અનાજનું વિતરણ કરાતું. મુંબઈમાં નેવું ટકા રૅશનિંગની દુકાનો કચ્છીઓના હસ્તક હતી. અંગ્રેજોએ રૅશનિંગના માલનું વિતરણ કરવા બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિયેશન સાથે ગોઠવણ કરી હતી. અસોસિયેશનના પ્રમુખ તરીકે તેજસીબાપા આ કાર્યમાં માત્ર પાંચ રૂપિયા કમિશન વેપારીઓ પાસેથી લઈ અસોસિયેશનનું સુચારુ સંચાલન કરતા. આજથી અંદાજે ૪૫ વર્ષ પહેલાં જ્યારે વાલજી આણંદજી છેડા અસોસિયેશનના પ્રમુખ બન્યા અને તેજસીબાપા મૅનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે એક નવા વિચારનો અમલ કર્યો. પાંચ રૂપિયાના કમિશનમાંથી જમા થયેલી રકમ દ્વારા તીથલના દરિયાકિનારા પાસે સૅનેટોરિયમ બાંધ્યું. અઢાર-અઢાર કલાક સખત મહેનત કરતા વેપારીઓ રિલૅક્સ થવા સહકુટુંબ વેકેશન માણવા તીથલ સૅનેટોરિયમમાં જઈ શકે એવી અદ્ભુત કલ્પના બાપા અને વાલજીબાપાએ કરી હતી.

તેજસીબાપાનાં સંતાનોને પણ પિતા પાસેથી સેવાના સંસ્કારો વારસામાં મળ્યા હતા. આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં જ્યારે નવી મુંબઈનો વિકાસ શરૂ થયો હતો ત્યારે નવી મુંબઈથી થોડે દૂર પનવેલમાં ક.વિ.ઓ. સમાજની રચના તેમના પુત્ર સ્વ. બિપિનભાઈએ કરી હતી. કાર્યસમ્રાટ તરીકે જાણીતા તેમના નાના પુત્ર હસમુખભાઈ પુણેમાં રહી તેમના સાથીદાર ધીરેન નંદુ, પોપટભાઈ ગાલા અને સાથીદારો સાથે પુણેમાં કચ્છીઓ માટે ‘કચ્છીભવન’ બાંધવાનું જબરદસ્ત કાર્ય કર્યું છે. આ કચ્છીભવનમાં અતિથિ ગૃહથી માંડી હૉસ્ટેલ સુધીની વિવિધ વ્યવસ્થાઓ ગોઠવી પેશવાઈ શહેર પુણેમાં કચ્છિયતની ખુશ્બૂ પ્રસરાવી છે. આ પ્રકલ્પ ટૂંક સમયમાં કચ્છીઓ માટે ખુલ્લું મુકાશે. મહારાષ્ટ્રના ૨૮ જેટલાં નાનાં શહેરોમાં વસતા કચ્છીઓને એકસૂત્રે બાંધી ‘મહારાષ્ટ્ર એકમ’ શરૂઆત કરવા હસમુખભાઈ તેમ જ બારામતીના રામજીભાઈ મોતાનો સિંહફાળો છે. તેજસીબાપાના ધાર્મિક સંસ્કારોને કારણે હસમુખભાઈએ અંદાજે ૧૯૯૫માં  પુણેમાં ‘તેજલક્ષ્મી સંભવનાથ જૈન દેરાસર’ બાંધવા મોટો આર્થિક સહયોગ આપી પોતાના પિતા તેજસીભાઈ અને માતા લક્ષ્મીબહેનનું ઋણ ચૂકવવાનું કામ કર્યું છે. બાપાની મોટી દીકરી સ્વ.તારાબહેન કચ્છી મહિલા ફેડરેશનનાં સેક્રેટરી તરીકે વર્ષો સુધી સક્રિય રહ્યાં હતાં તો જમાઈ સ્વ. શ્યામ વોરા દેરાવાસી મહાજનમાં સેક્રેટરી તરીકે વર્ષો સુધી સક્રિય રહ્યા હતા. બાપાના દોહિત્રીવર બિમલ લાલજી વોરા સેવા સમાજના મંત્રીપદે રહ્યા સાથે-સાથે વોરા ભાવિક મંડળ ઇત્યાદિનું સંચાલન કરી રહ્યા છે. તેજસીબાપાના સંસ્કાર પામેલા આ વંશજોની સાથે-સાથે તેમના ગામ ફરાદીની કેટલીક વાત નોંધવી રહી.

તલવારની ધાર પર ચાલવા જેવા પત્રકારત્વના ક્ષેત્રને ઊજળું કરનાર પત્રકાર ભવાનજીભાઈ ગાલા ફરાદીના છે. આજે ૮૨ વર્ષની ઉંમરે પણ સતત સમાજ માટે બૌદ્ધિક કાર્ય કરી રહ્યા છે. વેપારીઓના ન્યાય માટે લોકસભામાં પિટિશન દાખલ કરનાર એ પ્રથમ પત્રકાર હતા. મુંબઈ જેવા શહેરમાં પશુપ્રેમને કારણે તબેલાનો વ્યવસાય કરનાર સંભવિત એકમાત્ર કચ્છી ભવાનજીભાઈ ધરમસી શાહ આચાર્ય કૃપલાણીજીના ‘પ્રજા સમાજવાદી પક્ષ’ને આર્થિક ટેકો આપી મૃણાલ ગોરે, મધુ દંડવતે જેવા ચળવળિયા નેતાઓના વિકાસમાં સિંહફાળો આપ્યો છે. મસ્કત અને ગલ્ફના દેશોમાં આરબ મહિલાઓને સુંદરતાના પાઠ ભણાવી લોકપ્રિય થયેલાં ચંદ્રિકા અનિલ ગાલા પણ ફરાદીનાં છે. નાનકડા ફરાદીમાં અંદાજે ૧૦૫ જેટલાં નાનાં-મોટાં મંદિરો છે. એમાંય પાંત્રીસેક ફુટ ઊંચી શિવજીની મૂર્તિ જોવા વટેમાર્ગુઓ ત્યાં આવે છે. રામદેવપીરના મંદિરને કારણે આ ગામ યાત્રાધામ તરીકે વિકસ્યું છે. કહેવાય છે કે રાજસ્થાનથી નારાયણ સરોવર જઈ રામદેવપીર કચ્છના ફરાદી ગામમાં પધાર્યા હતા અને પોતાના કેટલાક કુટુંબીજનોને અહીં વસાવ્યા હતા. રામદેવપીરની સમાધિ સમયે કેટલાક કુટુંબીજનોએ ફરાદીમાં સમાધિ લઈ ગામને પરચાધારી ધામ બનાવી દીધું છે.

ફરાદી ગામના બાજુમાં બિદડા નામનું કચ્છનું પ્રસિદ્ધ ગામ છે. ત્યાં આવેલી બિદડા હૉસ્પિટલમાં સમગ્ર કચ્છના દરદીઓ લાભ લે છે. આ હૉસ્પિટલમાં અમેરિકાના નિષ્ણાત ડૉક્ટરો અવારનવાર દરદીઓની સેવા કરવા આવે છે. બિદડા હૉસ્પિટલ શરૂ થઈ ત્યારે ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુએ હજારો દરદીઓનાં મોતીબિંદુનાં ઑપરેશનો કરી દરદીઓને દેખતા કર્યા. આ એ સમયની વાત છે જ્યારે સમગ્ર કચ્છમાં મોતિયાને કારણે અનેક લોકોએ નજર ઘુમાવી હતી. વિધિની વિચિત્રતા એ હતી કે હજારો લોકોને દૃષ્ટિ આપનાર ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ જીવનના અંત ભાગમાં પોતે જ દૃષ્ટિહીન બની ગયા હતા! બિદડાને શિક્ષણ માટે પણ મોટું કેન્દ્ર ગણી શકાય. આજુબાજુનાં ઘણાં ગામડાંઓમાંથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવે છે. કચ્છમાં સંભવિત બિદડા માત્ર એક ગામ છે જ્યાં બે-બે હાઈ સ્કૂલો આવેલી છે. બીબીએમ હાઈ સ્કૂલ,  નિર્મળાબેન રવજી છેડા હાઈ સ્કૂલ તથા બીજી સ્કૂલો પણ આ ગામમાં છે. કચ્છનું સંભવિતપણે પહેલું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બિદડામાં આકાર લઈ રહ્યું છે. બિદડામાં માનસી નામની એક સંસ્થા છે જ્યાં કચ્છની માનસિક રીતે અક્ષમ બાલિકાઓને રાખીને જાતજાતની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. સુનીલ વિશ્રાણી નામના ડિરેક્ટરે માનસી પરથી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી જેને અમેરિકાના ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આવા બિદડા ગામની બાજુમાં આવેલા ફરાદી ગામના ફરજંદ, ઇતિહાસના પેટાળમાં ધરબાઈ ગયેલા કચ્છી રત્નના નામે માઝગાવમાં આવેલા ‘તેજસી ખેરાજ હૉલ’માં એક વાર જઈ તેમની સ્મૃતિઓને સ્પર્શ કરવા જેવો છે. જો મ્યુનિસિપાલિટી આ મહામાનવીના નામે એકાદ માર્ગનું નામકરણ કરે તો તેમનાં કાર્યોને અંજલિ મળી કહેવાશે. અસ્તુ.

vasant maru columnists kutch