કચ્છ કોરોના સામે કેટલું સજ્જ છે?

31 March, 2020 06:24 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છ કોરોના સામે કેટલું સજ્જ છે?

જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર કચ્છના કલેક્ટટર પ્રવિણા ડી. કે.

કચ્છના છેડે એટલે લખપતમાં જ પહેલો કેસ નોંધાયો અને તંત્ર સફાળુ જાગ્યું. ત્યાં સુધી લોકોને આ રોગ કચ્છમાં ફેલાય એની શક્યતાઓ વિશે ખ્યાલ નહોતો. અત્યારે કચ્છ પૂરા વિશ્વ સાથે જોડાયેલું છે. બબ્બે ધમધમતાં બંદરને કારણે ભારત અને વિદેશોના લોકો કચ્છમાં આવે છે. કચ્છના મધ્યમાં આવેલો વિસ્તાર વિદેશ સાથે સંબંધ ધરાવે છે એટલે હવે તંત્રે વાઇરસ ફેલાવવાની મૂળ શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સફળતા પણ મળી છે, પરંતુ વિશાળ પ્રદેશમાં સરળતાથી પહોંચી વળવું તંત્ર માટે સરળ પણ નથી ત્યારે લોકજાગૃતિ જ આ મહામારીને ખાળવાનો ઉત્તમ માર્ગ છે.

કચ્છમાં છેલ્લાં ૨૦૦ વર્ષમાં ત્રણ મોટા ભૂકંપો આવ્યા છે. સરેરાશ ૭૦ જેટલાં વર્ષો દુષ્કાળ કે અર્ધ દુષ્કાળ જેવાં વિત્યાં છે. ત્રણ વખત અતિવૃષ્ટિની નોંધ થયેલી છે. ચાર વિનાશક વાવાઝોડાં નોંધાયેલાં છે. ઉપરાંત શીતળાની ફેલાયેલી મહામારીમાં મૃત્યુ પામનારા લોકોની તો કોઈ નોંધ જ નથી મળતી. ૧૯૯૩ અને ૧૯૯૪માં ફેલાયેલા ફાલ્સીફેરમ નામના મેલેરિયાના રોગે પણ અનેકના જાન લીધા છે. આમ કુદરતી આફતોને કચ્છ સાથે જાણે કે કોઈ નાતો રહ્યો છે. જૂની પેઢીના લોકો શીતળાની બીમારીને યાદ કરતા કહે છે કે એ વખતે લોકો ડરીને સીમમાં ભાગી જતા હતા. શીતળામાં મરી જનારની અંતિમ વિધિ કરીને ડાઘુઓ પાછા આવે એટલામાં તો બીજું કોઈ મરી ગયું હોય એવી સ્થિતિ કચ્છ જોઈ ચૂક્યું છે, પરંતુ ભૂકંપ, શીતળા, વાવાઝોડાં કે મેલેરિયા એ બધી આફતો અને કોરોના વચ્ચે પાયાનો ફરક હોય તો એ છે કે ભૂકંપ આવી ગયા પછી સ્થિતિ સાફ દેખાતી હતી. વાવાઝોડાંનું નુકસાન સામે દેખાતું હતું. એનો છેડો દેખાતો હતો. શીતળાનાં ચિહનોની લોકોને ખબર પડતી હતી. જ્યારે કોરોનાનો રાક્ષસ દેખાતો નથી. બાજુમાં ઊભેલો કે સાથે રહેતો માણસ કોરોનાનો ચેપ ધરાવે છે કે નહીં એની ખબર પડતી નથી. એટલે એક રીતે દરેક માણસ શંકાના દાયરામાં છે. વળી આ બીમારીનો ચેપ લાગ્યા પછી એનાં લક્ષણો પાધરા થતાં થોડા દિવસ લાગે છે. ત્યાં સુધી એનો ચેપ અન્યો સુધી પહોંચી ગયો હોય છે. આને કારણે પણ ભય ફેલાયો છે. અદશ્ય રહીને ફેલાતા આ રોગના કારણે કચ્છના લોકોમાં ભીતિ છે. જોકે સરકાર અને વ્યવસ્થા તંત્ર ભરપૂર પગલાં લઈ રહ્યાં છે. તેમ છતાં, કચ્છનો વિસ્તાર મોટો છે. અદાણી પોર્ટ અને કંડલા પોર્ટને કારણે કચ્છનો સીધો સંબંધ વિદેશો સાથે જોડાઈ ગયો છે. વળી આ પોર્ટને કારણે ભારતના ખૂણે-ખૂણેથી લોકો મુન્દ્રા અને ગાંધીધામ શહેરની આસપાસ વસે છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની તપાસ કરવી તંત્ર માટે કપરું કામ છે. કચ્છના મધ્ય ભાગમાં બિનનિવાસી ભારતીયોનો મોટો સમૂહ છે. અહીં થતી અવરજવરની નોંધ તંત્રે હવે લેવા માંડી છે. કચ્છમાં મુસ્લીમોની સંખ્યા ખાસ્સી એવી છે. તાજેતરમાં કચ્છમાંથી મોટી સંખ્યામાં મુસ્લીમ લોકો હજ અને ઉમરાહની ધાર્મિક યાત્રાએ મક્કા જઈને આવ્યા છે જે વિગતો હવે તંત્ર ચકાસી રહ્યું છે. યોગાનુયોગે કચ્છમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે એ ધાર્મિક યાત્રાએ મક્કા જઈ આવેલી મહિલાનો છે અને એ કચ્છના છેડે આવેલા લખપત તાલુકાનો છે. જ્યારથી આ બાબત સામે આવી છે ત્યારથી તંત્રે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે તંત્ર જણાવે છે કે પરિસ્થિતિ કાબૂ બહાર નથી. તેમ છતાં, કોરોનાનો ચેપ લઈને કચ્છમાં આવેલા લોકો કોના-કોના સંપર્કમાં આવ્યા છે એ વાત ખુદ તે લોકો નહીં કહે ત્યાં સુધી ભય ઊભો જ છે. વાગડ, કંઠી પટ્ટ અને અબડાસાના મોટી સંખ્યામાં મુંબઈ રહેતા લોકોએ વતનની વાટ ઝાલી છે. મુંબઈથી કચ્છ આવી ગયેલાઓમાં કોણ આ રોગનો ચેપ ધરાવે છે એ કહેવું શક્ય નથી, સિવાય કે બીમારીનાં લક્ષણો દેખાય. જોકે કચ્છના આરોગ્ય તંત્રે ૩૧ માર્ચ સુધી પેરામેડિકલ ટીમ અને ગુજરાત સરકારના અન્ય સિવિલ કર્મચારીઓ દ્વારા સમગ્ર કચ્છનું સર્વે કરાવી લેવાની નેમ ધરાવે છે. જો એ સફળ રહ્યું તો આ મહામારી કચ્છમાં ફેલાતી અટકાવી શકાશે. ગુજરાત સરકારે અગમચેતી વાપરીને વેળાસર લૉકડાઉનનો હુકમ કર્યો છે, એથી પણ આ બીમારી ફેલાતી અટકી છે. તેમ છતાં, લોકો પોતાની સાચી હકીકત જણાવશે નહીં ત્યાં સુધી પણ ક્યાંક ચૂક રહી જવાનો ભય રહેશે.

કોરોનાએ સમગ્ર જગતમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ચીનમાંથી આખાય વિશ્વમાં ફેલાયેલી આ બીમારીએ એવાં વરવાં દશ્યો ઊભાં કર્યાં છે જેની કલ્પના હજી થોડા દિવસો પૂર્વે નહોતી. ભારતમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે એની સામે કચ્છમાં ગુજરાત સરકાર અને કચ્છનું વ્યવસ્થા તંત્ર રાત-દિવસ જોયા વગર કામે લાગ્યું છે. કચ્છની સ્થિતિ વિશે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે આપેલ આંકડાની સ્થિતિ કંઈક આવી છે. તારીખ ૨૪-૦૩-૨૦૨૦ ૧૬.૩૦ વાગ્યે અત્યાર સુધી સરકારે દાખલ કરાયેલા કેસ ૧૪, અત્યાર સુધી દરદીઓના નેગેટિવ રિપોર્ટ આવેલ ૧૧, અત્યાર સુધી પૉઝિટિવ રિપોર્ટની સંખ્યા ૧, બાકી રિપોર્ટની સંખ્યા ૨, હાલમાં દરદીઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એની સંખ્યા ૩, ઇન્સ્ટિટ્યૂટમાં ક્વૉરન્ટીન ૨૯, હોમ ક્વૉરન્ટીન ૧૦૩૩, ઘેર-ઘેર જઈ આશા/આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવેલ સર્વે કુલ ટીમો ૨૧૧૬, કુલ ઘરો ૬૪,૮૨૨, તપાસેલ કુલ વ્યક્તિઓ ૨,૫૨,૪૦૩, ફલુવાળા રીફર કરેલ દરદીઓ ૪૪૦. આ સ્થિતિ ૨૪ માર્ચની સાંજ સુધીની છે. પ્રસાર માધ્યમો કહે છે કે કચ્છમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો એ લખપત વિસ્તારમાં લોકો વડા પ્રધાને જાહેર કરેલા લૉકડાઉનને સમજ્યા જ નથી. પૂર્વ કચ્છના શહેરીજનો સામે પણ આખરે પોલીસે પોતાનો અસલી સ્વભાવ બતાવવો શરૂ કર્યો છે. જોકે તારીખ ૨૫ની સાંજે કચ્છનાં જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી કેએ જિલ્લાની પરિસ્થિતિની કરેલી સમીક્ષા પછી સ્થિતિ સાફ થઈ રહી છે. જિલ્લાની જી. કે. જનરલ હૉસ્પિટલ તરીકે ઓળખાતી અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થી ડૉક્ટર્સની ફોજને આ કામમાં જોડવામાં આવશે. અંતરિયાળ વિસ્તારના સર્વે માટે શિક્ષકોની મદદ લેવાશે. ગુજરાત સરકારે શિક્ષકોને હેડ ક્વૉર્ટર ન છોડવાનું કહ્યું છે. કચ્છમાં આઠેક હજાર જેટલા સરકારી શિક્ષકો છે. ઉપરાંત કચ્છમાં સેવાભાવી ટ્રસ્ટના ચાર મોટા આરોગ્ય સંકુલ છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ, લેવા પટેલ આરોગ્ય સંકુલ, ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને વાગડ વેલ્ફેર સોસાયટીની ચાર મોટી અને આધુનિક હૉસ્પિટલ્સ પણ જરૂર પડ્યે આ મહામારી સામે લડત આપવા પાછીપાની કરે એમ નથી.

કચ્છમાં જોકે એક નવતર પ્રશ્ન ઊભો થયો છે. કચ્છમાં ગુજરાત અને ગુજરાત બહારથી શ્રમિકો આવી વસ્યા છે. રોજનું રોજ કમાવી ખાનારા આ વર્ગ પર અણધારી આફત આવી છે. તેમના પાસે રહેવાનું ઘર તો નથી જ, પોતાની ઓળખના આધારો પણ કેટલાક પાસે નથી. અચાનક ધંધા-રોજગાર બંધ થતાં આવા લોકો સામે પેટ ભરવાનો વિકરાળ પ્રશ્ન ઊભો થયો છે. તેઓ પોતાના વતન જવા માગે છે, પણ ગુજરાત સરકારે સરકારી તેમ જ ખાનગી પરિવહન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી કેટલાક ન છૂટકે પગે નીકળી પડ્યા છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા કામદારો પણ અનિશ્ચિતતા અનુભવે છે. આ એક નવતર સામાજિક અને આર્થિક સમસ્યા ઊભી થઈ છે જેની સામે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો તેમની મદદે આવ્યા છે. કચ્છમાં હજી રૅશન, પેટ્રોલ, જીવનજરૂરી વસ્તુઓ બાબતે કોઈ ભય કે ચિંતા દેખાતી નથી. લોકો સંગ્રહખોરી કરતા જોવા મળ્યા નથી એ એક સારી બાબત ગણી શકાય.                         

mavji maheshwari columnists kutch