મુન્દ્રાના કવિરાજ કારાણી બાપા

07 April, 2020 12:47 PM IST  |  Kutch | Vasant Maru

મુન્દ્રાના કવિરાજ કારાણી બાપા

કારાણી બાપા

અંદાજે ૮૮૫ વર્ષ પહેલાં મહેશ્વરી જ્ઞાતિના આરાધ્યદેવ મામૈયાદેવે અદ્ભુત સચોટ ભવિષ્યવાણીના રૂપે આગમવાણીની રચના કરી હતી. કચ્છીમાં બોલાયેલી એ આગમવાણી કાવ્યના રૂપે અવતરી હતી. ત્યાર બાદ અંદાજે ૩૫૦ વર્ષ પહેલાં સંત મેકણદાદાએ કચ્છી ભજન અને સાખીઓ રચી એ કચ્છી ભાષાનો બીજો પડાવ ગણી શકાય અને કચ્છી ભાષાનો ત્રીજો પડાવ એટલે ૧૨૪ વર્ષ પહેલાં મુન્દ્રામાં જન્મેલા કવિરાજ દુલેરાય કારાણીનું અદ્ભુત સાહિત્યસર્જન. આ ત્રણ પડાવ વચ્ચે અસંખ્ય કચ્છી સાહિત્યકારોએ કચ્છી ભાષામાં લખ્યું અને લખી રહ્યા છે.

૧૮૯૬માં દુલેરાય કારાણીનો મુન્દ્રામાં જન્મ થયો ત્યારે મુન્દ્રાનો એક અલગ મિજાજ હતો. એ મિજાજના સંસ્કારોથી સિંચાઈને તેમની કલમે અફલાતૂન કૃતિઓ સર્જી. ઈસવી સન ૧૬૪૦માં કેવડી અને ભૂખી નદીના કિનારે, દરિયા નજીકના પ્રદેશમાં વર્ધમાનશેઠ નામના વેપારીએ, કચ્છના રાજા રાઓ ભોજરાજજીની પરવાનગીથી મુન્દ્રાનું તોરણ બાંધ્યું. મુન્દ્રા બંદરથી થોડે દૂર ભદ્રેશ્વરના તૂટેલા કિલ્લાના પથ્થરો વડે રાવ રાયધણજીએ ૧૭૨૮માં કિલ્લો બાંધ્યો. ઈસવી સન ૧૬૬૨ની આસપાસ છેક ઉઝબેકિસ્તાનથી શાહ બુખારી પીરનું મુન્દ્રામાં આગમન થયું. તેમના ચમત્કારો અને દુઆઓથી જાણે મુન્દ્રા બંદરનો ડંકો જગતમાં વાગવા લાગ્યો. ભાટિયા, લોહાણા, ઓસવાળ સાહસિકો અહીંથી વિદેશોમાં વહાણ દ્વારા વેપાર કરી સમૃદ્ધ થયા. આ શહેરની ચાંદી વખણાય છે, તો વખણાય છે સુલેમાન જુમા લંગા જેમણે પેરિસ ફેસ્ટિવલમાં ઍફિલ ટાવર પરથી કચ્છી નોબત (વાજિંત્ર) વગાડી મુન્દ્રાનું નામ રોશન કર્યું હતું. તો મુન્દ્રાનું નામ રોશન કરનાર શેઠ ધનજી દેવજી દાનવીર તરીકે મુંબઈમાં પ્રખ્યાત હતા. તેમણે ઘાટકોપરની ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા, ઝવેરબેન હૉલ ઇત્યાદિમાં મબલખ અર્થ સહયોગ આપ્યો હતો. એ જ રીતે મુન્દ્રામાં કેળવણી ક્ષેત્રે સ્કૂલ, કૉલેજ, કન્યા શાળાઓ ઇત્યાદિ બનાવવા રણશી દેવરાજે (આર. ડી. ટ્રસ્ટ) અમૂલ્ય યોગદાન આપી મુન્દ્રા અને આજુબાજુનાં ગામોના લોકોને કેળવણી આપવાનું જબરું કાર્ય કર્યું છે. મુંબઈમાં દોઢસો વર્ષ જૂના સ્થાનકવાસી મહાજનના વિકાસમાં મુન્દ્રાના શાંતિભાઈ નંદુએ અન્યોન્ય કાર્ય કર્યું છે. તો હાલમાં મુંબઈમાં ચાલતા રિડેવલપમેન્ટના પ્રોજેક્ટોમાં જૂના ભાડૂઆતોને વિનામૂલ્યે કાયદાકીય સહાય કરનાર યુવાન સોલિસિટર ધીરેન હેમેન્દ્ર નંદુ પણ મુન્દ્રાના છે. મુન્દ્રાના સામાજિક કાર્યકર તરીકે ધર્મેન્દ્ર જેસર લોકપ્રિય છે. આવા પ્રતાપી વ્યક્તિઓની ધરતી પર ૧૨૪ વર્ષ પહેલાં ગુજરાતી અને કચ્છી સાહિત્ય જગતના ઝળહળતા દીવડા સમા દુલેરાય કારાણીનો જન્મ થયો હતો.

કારાણીબાપાના ચૌહાણ વંશના પૂર્વજો ચારસોએક વર્ષ પહેલાં અજમેરથી કચ્છ આવ્યા હતા. દુલેરાય કારાણીના પિતા લાખાભાઈ લોકસાહિત્યના જાણકાર હતા. લાખાભાઈ ઊંટ પલાણવાનું કાર્ય કરતા. માતા માલાબા મુન્દ્રાના એક ખેતરમાં બે દીકરા અને એક દીકરીના પરિવાર સાથે એક ઝૂંપડામાં રહેતાં હતાં. કારાણીબાપાના કાકા ધનજીભા વાર્તાકાર અને કલાકાર હતા. કારાણીબાપાના મોટા ભાઈ ભવાનજીભા પણ જાદુગર હતા. તેમની જાદુગરીથી પ્રભાવિત થઈ બાળ દુલેરાય કારાણીને સાહિત્યમાં જાદુ પાથરવાની હોંશ જાગતી. કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રાની લીલીછમ વાડીઓ, વેપાર માટે આવતા ગાડાના શણગાર (કચ્છી ભરતના માફાઓ), મુન્દ્રાની પહોળી શેરીઓમાં સ્વાલી શૈલીથી બંધાયેલાં અફલાતૂન મકાનો જોઈ તેમનું બાળપણ ઉત્સાહથી થનગનતું, શબ્દો મનમાં ઘૂંટાતા. માત્ર છ-સાત વર્ષની ઉંમરે દરબારી સ્કૂલમાં પહેલી વાર દલપતરામની કવિતા શીખ્યા. શાળામાં ગુજરાતીની સાથે-સાથે સંસ્કૃત અને પ્રાથમિક અંગ્રેજી શીખ્યા, પણ નાની વયમાં જ માતા માલાબાનું અવસાન થયું અને કુટુંબ પર જાણે આફત આવી પડી. આર્થિક સંકડામણો દૂર કરવા મોટા ભાઈ આફ્રિકા ગયા અને દુલેરાય અભ્યાસ અટકાવી મુન્દ્રાની દરબારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે પગાર હતો મહિનાનો ૧૫ કોરી (કચ્છી ચલણ). રૂપિયામાં ગણીયે તો મહિનાનો ચાર રૂપિયા પગાર થાય! એ નોકરીમાં વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત શાળાનો હિસાબ-કિતાબ અને પુસ્તકાલય સંભાળવાની જવાબદારી લેવી પડી, પરંતુ દેવયોગે શાળાનું પુસ્તકાલય સંભાળતાં-સંભાળતાં વાંચનનો બહુ લાભ તેમને મળ્યો. ત્યાં ફારસી અને સિંધી ભાષા શીખવા મળી. સિંધીમાં લખાયેલ ‘શાહ જો રસાલો’ વાંચી એટલી અસર થઈ કે વર્ષો પછી એનો અનુવાદ કર્યો. કુટુંબ ચલાવવા પાર્ટટાઇમ ટ્યુશનો પણ શરૂ કર્યાં. તનતોડ મહેનત છતાં તેમને થાક નોતો લાગતો, કારણ કે સાહિત્ય વિશ્વને તેમણે સાથીદાર બનાવી દીધો હતો.

ગાંધીજીનું ‘યંગ ઇન્ડિયા’ વાંચવાનું તેમને ખૂબ મન થયું હતું, પણ અંગ્રેજીનું જ્ઞાન મર્યાદિત રહેતાં એક મિત્ર પાસે અંગ્રેજીનું જ્ઞાન મેળવી ‘યંગ ઇન્ડિયા’ વાંચવાનું શરૂ કર્યું. પરિણામે ગાંધીજીની ઊંડી અસર તેમના માનસ પર પડી સાથે-સાથે અંગ્રેજીનાં વિખ્યાત પુસ્તકો વાંચવાની કળા સાધ્ય કરી લીધી. ૨૧ની ઉંમરે તેમનાં લગ્ન સોનલબા સાથે થયાં.

સોનલબા સાથે દુલેરાય કારાણીનું પ્રસન્ન દાંપત્ય જીવન શરૂ થયું. ત્યાં મુન્દ્રામાં પુરુષોત્તમ શેઠનો પરિચય થયો. પુરુષોત્તમભા સારા લેખક અને વક્તા હતા. પુરુષોત્તમભાના સસરા પાસે કચ્છના ઇતિહાસનો હસ્તલિખિત ગ્રંથ હતો એ મેળવી વાચ્યો અને કારાણીબાપાના ભાવજગતમાં કચ્છી લોક સાહિત્ય સંશોધનનું જાણે નવું વિશ્વ ખૂલી ગયું, પરંતુ અચાનક મોટા ભાઈ આફ્રિકાથી મુન્દ્રા પાછા ફર્યા અને ગોળની દુકાન શરૂ કરી અને દુલેરાયને માથે ગોળની દુકાનની જવાબદારી આવી પડી. પણ મોટા ભાઈ અચાનક દુકાન બંધ કરી આફ્રિકા પાછા ચાલ્યા ગયા અને ૮ વર્ષ પછી સ્વદેશ પાછા ફરી નાગપુર (મહારાષ્ટ્ર)માં વ્યવસાય શરૂ કર્યો અને દુલેરાયને સહકુટુંબ નાગપુર બોલાવી ધંધામાં જોતરી દીધા. કવિદિલ કારાણીને નાગપુરના બંગલામાં પણ મુન્દ્રાની ઝૂંપડી સતત યાદ આવતી. ધંધામાં મજા નોતી આવતી એટલે મુન્દ્રા પાછા આવી પાછા વેપારીમાંથી શિક્ષક બની ગયા. ત્યાંથી માંડવી તાલુકાના ગુંદિયાળી ગામની દરબારી નિશાળના મુખ્ય શિક્ષક બની ગયા. ગુંદિયાળી નામના આ ગામમાં તેમણે ઉર્દૂ અને સિંધી ભાષાનું ઊંડું અધ્યન કર્યું. ત્યાં કચ્છના ‘છન્નુના કારમાં દુકાળ’નો અનુભવ કર્યો. દુકાળમાં ભૂખે મરતી ગાયોને જોઈને વ્યથિત થઈ

ઘી-દૂધનો કાયમી ત્યાગ કર્યો. રોટલી પર પણ ઘીને બદલે તલનું તેલ વાપરવાનો નિર્ધાર કર્યો. આ કારમા દુકાળનાં આસપાસનાં વર્ષોમાં તેમની બહુ પ્રચલિત ‘ગાંધી બાવની’ અને ‘દયાનંદ બાવની’ રચના થઈ. ધીરે-ધીરે સાહિત્યકાર તરીકે તેમની પ્રસિદ્ધિ વધવા લાગી એટલે તેમનાથી પ્રભાવિત થઈ રાજ્ય આશ્રય આપવા અર્થે તેમને રાજવી પરિવારે નારાયણ સરોવરની જાગીરના વહીવટદાર બનાવવાનું નક્કી કર્યું, પણ રાજકીય ખટપટને એ શક્ય ન બનતાં તેમને કચ્છ રાજ્યના કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરનો હોદ્દો આપ્યો. જાણે તેમને તો ગોળનું ગાડું મળી ગયું!

તેમના આ મનગમતા ડેપ્યુટી ઇન્સ્પેક્ટરના હોદ્દા થકી કચ્છી સાહિત્યના આકાશમાં સોનાનો સૂરજ ઊગ્યો! કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરના હોદ્દાને કારણે કચ્છના સેંકડો ગામડાંઓને ખૂંદવાનો તેમને અવસર મળ્યો. કારાણીબાપાએ એક-એક ગામ, એક-એક પાદર, કોતર, નદી, પાળિયાઓને જાણે બોલતા જોયા. પાળિયામાં છુપાયેલી વીર કથાઓ, બલિદાનો, બહાદુરીની કચ્છ ધરાની અદ્ભુત વાતોનું રસપાન કરતાં-કરતાં નોંધ લેતા ગયા. તાજેતરમાં પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ વૃજવાણી (વાગડ)ના એક ઢોલી પરથી પ્રેરિત છે. તો ફિરંગીઓ સામે ચતુરાઈપૂર્વક બાથ ભીડનાર જેઠીબાઈની કથા પણ ફિલ્મનું પોત ધરાવે છે. આવી અનેક કથાઓ શોધી અને લખી. પૂજ્ય ઝવેરચંદ મેઘાણીની જેમ એક-એક નદી, કોતર, પાળિયાઓનું સંશોધન કરી, રખડપટ્ટી કરતાં-કરતાં કચ્છની ધરતીના ઇતિહાસને ફંફોસી જગત સામે લાવ્યા. ભારત આઝાદ થયું પછી બે વર્ષ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ બાકીનું જીવન વીર નર્મદની જેમ સાહિત્યસેવામાં ગુજારવાના ઓરતા મનમાં બાંધી લીધા, પણ કચ્છના રાજવી મદનસિંહજીને તેમના પર વિશેષ પ્રીતિ હતી.

રાજવી મદનસિંહજીની પ્રીતિ સાથે એક જૈન સાધુની પ્રીતિથી પણ કારાણીબાપા છલકાઈ ગયા. સોનગઢ બોર્ડિંગના સ્થાપક મુનિ કલ્યાણચંદ્રજીબાપા ‘ઝારાનું મયદાને જંગ’ રચના સાંભળી આફરીન પોકારી ઊઠ્યા હતા. તેમની એ કાવ્યરચના સાંભળી હીરાના પારખુ મુની કલ્યાણબાપા તેમને બથ ભરી ભેટી પડ્યા. એ બે હાથની બથ જીવનના અંત સુધી ન છૂટી. મુનિ અને કવિ દિલોજાન મિત્ર બની ગયા. મુનિરાજ કચ્છમાં જ્યાં વિચરતા હોય ત્યાં તેમની અવારનવાર મુલાકાત થતી. સાહિત્યની ચર્ચાઓ થતી. મુનિ કલ્યાણચંદ્રજી તેમનાં અદ્ભુત સાહિત્યનાં પુસ્તકોના પ્રકાશન માટે મહેનત કરતા. આ ઘટનાઓ જ્યારે દુલેરાય કારાણી કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર હતા ત્યારે થઈ હતી. થોડા સમય પછી મુનિ કલ્યાણચંદ્રજી મુનિ ચારિત્ર વિજયજી મારાજ સાહેબ સાથે સોનગઢમાં સ્થાયી થઈ કેળવણી આપવા યજ્ઞ આરંભ્યો.

કારાણીબાપા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ, કલમના માથે માથું મૂકી જીવવાના સપના સાથે એક વાર મુનિ કલ્યાણબાપાને મળવા સોનગઢ ગયા. મુની કલ્યાણબાપા આવા તેજસ્વી રત્નને હાથમાંથી જવા દે ખરા? તેમણે કારાણીબાપાને જવા ન દીધા. પ્રેમપૂર્વક સોનગઢ આશ્રમ (બોર્ડિંગ)માં કાયમી રોકી લીધા. સોનગઢ બોર્ડિંગમાં ગૃહપતિની જવાબદારી સાથે-સાથે સાહિત્યસર્જનની પ્રચંડ યાત્રા શરૂ થઈ. અંદાજે પચ્ચીસેક વર્ષ સુધી ત્યાં રહી કલમ ચલાવી, કચ્છી સાહિત્ય અને કચ્છની પૂર્વ ભૂમિકા પર લખાયેલાં સર્જનો લખ્યાં. કારાણીબાપા હિન્દુ ધર્મ પાળતા, પણ જૈન ધર્મની આભાથી અંજાયેલા હતા. એટલે સુધી કે જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વમાં બારસાસૂત્રનું વાંચન પણ સોનગઢમાં કરતા. સોનગઢ બોર્ડિંગના વિદ્યાર્થીઓમાં ધર્મ, કલા અને કેળવણીના સંસ્કારોનું ઘડતર કર્યું.

વર્ષો પહેલાં તેમની લાડકી દીકરી કીર્તિદાનું ટાઇફોઇડની ટૂંકી માંદગીમાં સોનગઢ ખાતે અવસાન થયું ત્યારે દિલથી તૂટી પડ્યા હતા, પણ મન મક્કમ કરી સોનગઢ બોર્ડિંગની પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. ૧૯૬૪માં પર્યુષણ પર્વના વાંચન પછી બીજા દિવસે પત્ની સોનલબા સમાધિપૂર્વક અવસાન પામ્યાં ત્યારે દિલની સાથે મનથી પણ ઘણા ભાંગી પડ્યા. પત્નીવિરહમાં તેમણે પ્રસિદ્ધ ‘સોનલ બાવની’ લખ્યું જે કરુણ રસના ઉચ્ચ સ્તરથી તરબતર હતું. પત્નીનાં મૃત્યુ પછી મુનિ કલ્યાણચંદ્રજીએ તેમને ઘણી હૂંફ આપી, પણ ૧૯૭૧માં કલ્યાણચંદ્રજી કાળધર્મ પામ્યા અને આ ઋજુ હૃદયના કવિરાજ ભાંગી પડ્યા. છેવટે ૧૯૭૩માં કુટુંબીજનોના આગ્રહથી સોનગઢ બોર્ડિંગની છેલ્લી વિદાય લીધી ત્યારે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. ત્યાર પછી પુત્ર-પુત્રવધૂઓ અને સ્વજનો સાથે અમદાવાદ રહેવા ચાલ્યા ગયા. અમદાવાદમાં સારી એવી સમૃદ્ધિ હતી, પણ પત્ની અને મુનિરાજની હાજરી ન હોવાથી હિજરાતા રહ્યા. કુટુંબીજનોની સારી સંભાળ વચ્ચે તેમને મૃત્યુનો અંદાજ આવી ગયો હતો એટલે સોનગઢના તેમના પ્રિય આદ્ય વિદ્યાર્થી અને સાહિત્યકાર ડૉ. ધનવંત શાહને કહેલું ‘માખણમાંથી વાળ સરી જાય એ રીતે શરીરમાંથી આત્મા સરી જાય એમ હું ઇચ્છું છું’ અને એવું જ બન્યું. ૯૩ વર્ષની જૈફ ઉંમરે તેમના જન્મ દિવસે જ ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૯માં અવસાન થયું ત્યારે તેમના નામે લખાયેલાં ૭૮ પુસ્તકો બોલાતાં હતાં જેમાં લોકસાહિત્ય, શૌર્ય કથાઓ, કચ્છી કાફીઓ, પરોલી, ભજનો, છંદ, નાટક, નવલકથા, કાવ્યો જેવા અસંખ્ય સાહિત્ય પ્રકારનું લખાણ તેમણે લખ્યું હતું. તેમના એક ઘનિષ્ઠ સાથીદાર અને લેખક પ્રતાપરાય ત્રિવેદીએ ગીતાનું કચ્છીમાં રૂપાંતર કર્યું, વ્યાકરણનું પુસ્તક તેમની પ્રેરણાથી સર્જ્યું. નિવૃત્તિ પછી પ્રતાપરાય ત્રિવેદી પોતાના ગામ ફરાદી માતાની સેવા કરતાં-કરતાં પોતાની સંપૂર્ણ કમાણી વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિમાં વાપરી મિત્ર કારાણીબાપાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. આવા ઋષિ કુળના સર્જક કારાણીબાપાને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતીથી પ્રણામ કરી વિરમું છું.

અસ્તુ.

kutch vasant maru columnists