દિવાળીનો તહેવાર વતનની યાદ અપાવે છે

22 October, 2019 02:25 PM IST  |  મુંબઈ | રણ અને મહેરામણ - માવજી મહેશ્વરી

દિવાળીનો તહેવાર વતનની યાદ અપાવે છે

દિવાળી

વીસમી સદી ભારતમાં માનવસ્થળાંતરનો સમય હતો. આઝાદી પછી કચ્છમાંથી પણ મોટાપાયે લોકોનું સ્થળાંતર થયું જેની મોટી સંખ્યા મુંબઈમાં વસે છે. ઘાટકોપર અને મુલુંડ તો મિની કચ્છ કહેવાય છે. પોતાનો મુલક છોડવો કોઈને પસંદ નથી હોતો, પણ આ માનવનિયતિ છે. જેમણે વાસ્તવમાં પોતાનું વતન કચ્છ છોડ્યું તે પેઢી અત્યારે વયના જુદા-જુદા પડાવ પર ઊભી છે. તેમને પોતાનું કચ્છ યાદ આવતું હશે તો શું અનુભવ થતો હશે? દિવાળી એવો તહેવાર છે જે વતન અને બાળપણની યાદ અપાવી જાય છે. ક્યારેક ઉદાસ પણ કરી મૂકે. કેવી હતી તેમની દિવાળી અને કેવું હતું કચ્છ?

મારા શહેરમાં અને મારા ઘરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ છે. દરેક જણ આવનારા દિવસોની પોતપોતાની રીતે કલ્પના કરી રહ્યો છે. વૃદ્ધ હોય કે બાળક, આ દિવાળીના તહેવારોની અસરથી મુક્ત રહી શકતાં નથી. આજે વીજળીની ચાપ દાબું છું અને ઘરમાં રોશની પથરાઈ જાય છે. ત્યારે મને એ ઘર પણ યાદ આવે છે જેના એક ખૂણામાં ચીમની રહેતી અને ઘરની ભીંતો પર આછું અજવાળું રેલાતું. દિવાળીના દિવસોમાં સ્ત્રીઓ રોજનાં કામોમાંથી સમય ચોરીને ઘરને સફેદ ખડીમાટીથી ઘોળતી. મારા ગામની બાજુના કોટડી ગામનો સુલેમાન કુંભાર તેના ગધેડા પર લાદીને ખડીમાટી લાવતો અને ઘેર-ઘેર નાખી જતો. સાથે બે-ચાર તાવડી, નાની કુલડીઓ અને દીવડાઓ પણ આપી જતો. તિરાડ પડી ગયેલા જૂના માટલામાં પલાળેલી માટીનું મને કુતૂહલ એ રહેતું કે ક્યારે સવાર પડે અને હું એ માટીને જોઉં. વહેલી સવારે ઊઠીને એ માટલામાંથી માટીની લોંદો ભરીને પથ્થરની છીપર ઉપર રાખી એમાંથી ચોક બનાવતો. મને એ દિવસો યાદ આવે છે ત્યારે એક લેખક તરીકે હાથમાં પકડેલી પેનને જોયા કરું છું.

વરસમાં એક જ વાર આવતી ખડીમાટી દિવાળીની ભેટ ગણાતી. સુલેમાન કુંભાર એ માટીને બદલે કારતક માસમાં જ્યારે ધાનનાં ખળાં નીકળે ત્યારે બાજરી કે મગ લઈ જતો. આ આપ-લેની વચ્ચે ક્યાંય નાણાં આવતાં નહીં. ન કોઈને નફો કે ન કોઈને ખોટ. નાણાંની અછતના એ સમયમાં વસ્તુ વિનિમયની એ પ્રથામાં સૌથી મોટી કોઈ ચીજ હોય તો એકબીજા તરફનો માનવીય ભાવ અને પોતાની પાસે છે એ માત્ર પોતાનું નથી એવી ભાવના. સમય બદલાયો છે. સમય ક્યારેય ખોટો હોતો નથી. આજે પાકાં મકાનોને રંગકામ કરનારા કારીગરો ચોરસફુટના હિસાબે ભાવ લે છે ત્યારે મને કોટડી ગામનો તે સુલેમાન કુંભાર યાદ આવે છે જે બીજાના ઘરની ભીંતોને ઊજળી કરવા પોતે ડુંગરાઓમાં રખડીને ખડીમાટી ખોદી ગામેગામ પહોંચાડતો. તે સુલેમાન કુંભાર પણ સાચો હતો અને આજના કારીગરો પણ સાચા છે.

કચ્છ કસબ, ખેતી અને પશુપાલનનો પ્રદેશ ગણાય છે. જોકે બે સમયની ક્યારેય સરખામણી થઈ ન શકે છતાં, એ સમય હતો જ્યારે ગામડાંઓમાં લાઇટ નહોતી, વાહનો નહોતાં ત્યારે દિવાળીના તહેવારો એટલે જાણે હાશકારાના દિવસો. કચ્છના અમુક વિસ્તારમાં ધનતેરસને આજે પણ ધણતેરસ કહેવાય છે.  પશુઓ તરફ આ પ્રદેશની પ્રજાને પહેલેથી જ એક સ્નેહભાવ રહ્યો છે. ધનતેરસના દિવસે સૌ પોતપોતાનાં પાલતુ પ્રાણીઓનાં શિંગડાં રંગતાં. ગામડાંમાં એ વખતે હજી ઑઇલ પેઇન્ટ પ્રવેશ્યો ન હતો. ફાઉન્ટન પેનની શાહી બનાવવા લાલ અને ભૂરા રંગની એક ટીકડી મળતી. પાણીમાં ઓગળી જતી એ ટીકડીથી પશુઓનાં શિંગડાં રંગાતાં. ગામની ગાયો ચોક્કસ જગ્યાએ ભેગી થાય એને કચ્છીમાં વથાણ કહે છે. ધનતેરસના દિવસે રંગીન શિંગડાંવાળી ગાયોનું ધણ જુદું જ લાગતું. કુંભાર લોકો ધનતેરસના દિવસે પોતાના ગધેડાઓના કાન રંગતા. ગુલાબી રંગથી રંગેલા કાનવાળા ગધેડા પણ શોભતા. કાળી ચૌદશનો દિવસ ભારેખમ, કારણ કે કાળી ચૌદશને ભૂત-પ્રેત સાથે સંબંધ છે એવી વાતો ચાલ્યા કરતી. ભુવા, પુજારી, સાધકો એ દિવસે ચમત્કારી શક્તિવાળા પુરુષો લાગતા. કાળી ચૌદશના દિવસે ખેતરમાં પાકેલા નવા તલને ગોળ સાથે ખાંડીને બનાવેલા પિંડાથી ખેડૂતો ગાડાની પૂજા કરતા. એક પિંડો ખેતરના શેઢે મુકાતો. એને ખેતરપાળનો પિંડો કહેવાતો. કોઈને કદાચ અંધશ્રદ્ધા લાગે, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિને સન્માન આપવાનું એ માનવસહજ કાર્ય હતું. કાળી ચૌદશની રાતે એક તરફ ગાઢ અંધકાર, બીજી તરફ આકાશમાં ટમટમતા તારા, બધું કોઈ આર્ટ ફિલ્મ જેવું લાગતું. આજે ગામડાંઓમાંથી પણ અંધારું ખોવાતું જાય છે. અજવાળાએ ઘણું આપ્યું છે, પણ અંધકારનો રોમાંચ ઝૂંટવી લીધો છે.

એ વખતે કચ્છમાં નાણાંની રેલમછેલ નહોતી. જેની પાસે હતાં તેમને દેખાડો કરવાનો અને વટ પાડવાનો મોહ નહોતો. ગામડાંઓમાં તહેવારોના દિવસે પણ સીમ ગાજતી રહેતી. છોકરાઓની આંખો સામે ફટાકડા અને ફૂલઝરી દેખાતી હોય, પરંતુ તેમને મા-બાપની સાથે ખેતરે કે ખળે જવું પડતું. ગામના જરા સમૃદ્ધ ઘરના છોકરાઓ દ્વારા ફોડાતા ફટાકડાનો અવાજ શ્રમજીવી છોકરાઓના કાનમાં ઉત્પાત મચાવી દેતો. કાન ફૂટતા ફટાકડાના અવાજ સાંભળતા હોય અને હાથ-પગ કામ કરતાં હોય. તોય તેમને એવું લાગતું નહીં કે અમે ગરીબ છીએ. ખળાં અને ખેતરમાંથી છોકરા ઘેર પહોંચે ત્યારે તેમને બંધનમાંથી છૂટ્યા જેવો આનંદ થતો. છોકરાઓ બાપુજી સામે તાકી રહે, પણ માગવાની હિંમત ન થાય. બાપુજી જાકીટનું ખીસું ફંફોસે. ઝાઝી ધૂળ ભરાયેલા ખીસામાંથી એકાદ આઠ આનીનો સિક્કો નીકળી આવે. એ સિક્કો હથેળીમાં આવે ત્યારે પગને પાંખો ફૂટે. જલદી આવે શામજી જેવતની દુકાન, જ્યાં લવિંગિયા ફટાકડાની લૂમ જાણે કોઈ ખજાનો પડ્યો હોય એમ જોયા કરે અને એક રૂપિયામાં આખા વર્ષનો આનંદ ખીસામાં ભરી લે.

દિવાળીની રાતે આંગણામાં દીવડાનો આછો પ્રકાશ રેલાય. સ્ત્રીઓ ગોખલામાં દીવો મૂકે. એ રાતે ગાયની ગમાણ અને ગાડા પાસે પણ દીવો થાય. ફળિયાના છોકરાઓ મેરૈવાં લઈને નીકળી પડે. આંકડાની બેશાખી ડાળીને કપડું વીંટાળી એના પર એરંડિયું તેલ રેડી એને સળગાવવામાં આવતું. એને મોરવાયો કે મેરાયો કહેવાતો. એ મેરાયો સળગાવી અને ઘરના ચારે ખૂણે ફેરવવામાં આવે. ઘરના બધા જ લોકો એને અડે પછી છોકરાઓ મેરાયો લઈને ગાતાં-ગાતાં નીકળી પડે ‘આવી ડિયારી, મેઘરાજા જે ઘરે મેરાઇયો બરે’. આજે પણ એ પ્રથા કચ્છમાં છે. વાસ્તવ મેઘરાજાને સન્માનપૂર્વક વિદાય આપવાની એ પ્રથા છે. જેની પાસે ફટાકડા હોય તે ફોડે, બાકીના જોવાનો આનંદ લે. વર્તમાન સમયની વેદના એ છે કે બીજાનો આનંદ જોવાની વાત વિસારે પાડી દેવાઈ છે. બીજા પાસે હોય એ મારી પાસે શા માટે ન હોય? એ વાત મન ઉપર ચડી બેઠી છે. અભાવ શબ્દ ખરેખર તો સાહિત્યકારોની દેન છે. વાસ્તવમાં ગરીબના બાળકને ખબર નથી હોતી કે અભાવ શું ચીજ છે. નવું વરસ વહેલી સવારે મળસ્કે શરૂ થઈ જતું. ગામના નાના-મોટા સૌ એકબીજાના ઘેર જઈ, ગયા વર્ષમાં થયેલી ભૂલોની માફી માગતા. જાણે કે માફા-માફીનું સામુહિક અભિયાન ચાલે. એક તો અંધારું હોય, પાછું વહુવારુઓએ ઘુંઘટ તાણ્યા હોય ત્યારે જાતજાતના ફારસ પણ થતા. દિવાળીના તહેવારોમાં શહેરમાં રહેતા લોકો ગામડે આવે. મુંબઈ વસતા લોકો પણ દિવાળીએ પોતાના ગામે આવે. પોતાની જન્મભૂમિની ધૂળને સ્પર્શે, પોતાના ગામના લોકોને મળે. અલકમલકની વાતો થાય. એમાં કોઈ ન ઊંચું હોય ન કોઈ નીચું.

બીજા દિવસથી એ જ ઘંટી અને એ જ દળવાનું છતાં, કશુંક એવું હતું જેના કારણે માણસને જીવતરનો ભાર લાગતો નહોતો. ટેન્શન, બીપી, એસિડિટી, ડાયાબિટીઝ, નેટવર્ક, સેલફોન, શૅરબજાર, રાજકારણ, હડતાળ, બેકારી, મંદી જેવા શબ્દોએ માણસના મગજમાં જગ્યા કરી નહોતી. આ  સમયના ખેલ છે એ ચાલતા રહેવાના. સમય મળે છે, પરંતુ એ સ્વરૂપે નથી મળતો જે સ્વરૂપે માણસે વિતાવ્યો હોય છે. એટલે જ દિવાળીના તહેવાર ક્યારેક ભૂતકાળમાં લઈ જઈ ઉદાસ કરી મૂકે છે.

diwali columnists