કોવિડકાળમાં પંચાયત ચૂંટણીને લીધે કચ્છમાં ધમાધમ

22 September, 2020 01:28 PM IST  |  | Mavji Maheshwari

કોવિડકાળમાં પંચાયત ચૂંટણીને લીધે કચ્છમાં ધમાધમ

ગયા માર્ચ મહિનાથી ભારતીય પ્રજાના જીવનમાં જે મોટો બદલાવ આવ્યો છે એ છે જીવનરસની પ્રવૃત્તિઓનું બંધ થવું.

કચ્છમાં એક તરફ કોરોનાનો ભય ઓસર્યો નથી, તો બીજી તરફ લૉકડાઉનને કારણે થંભી ગયેલી પ્રવૃત્તિઓએ હજી વેગ પકડ્યો નથી. અનરાધાર વરસેલા વરસાદે ખેતીની દશા બગાડી નાખી છે. સામાજિક અંતરના નિયમોને કારણે લોકજીવનનું વાતારવણ સાવ નિરસ બન્યું છે. દરેક ક્ષેત્રમાં એક જાતની સુસ્તતા છે. આવા સમયે જ કચ્છ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન જાહેર થયું છે અને એ સાથે જ ગ્રામીણ ક્ષેત્રોમાં સળવળાટ વ્યાપી વળ્યો છે. રાજકીય ખેરખાંઓએ આગામી જિલ્લા અને તાલુકાની બેઠકોનું ગણિત માંડવાનું શરૂ કરી દીધું છે. વિવિધ જ્ઞાતિઓએ પણ પોતપોતાનાં સમીકરણો ગોઠવવા માંડ્યાં છે. ચૂંટણી પંચની એક જાહેરાતે સૂતેલી ધરતીને જગાડી દીધી છે.

ગયા માર્ચ મહિનાથી ભારતીય પ્રજાના જીવનમાં જે મોટો બદલાવ આવ્યો છે એ છે જીવનરસની પ્રવૃત્તિઓનું બંધ થવું. આર્થિક પ્રવૃત્તિઓ અને આવકના ચડાવ-ઉતાર લોકોને એટલા કઠ્યા નથી, જેટલું સામાજિક અંતર રાખવું કઠ્યું છે. ભારતીય પ્રજાનો મુખ્ય જીવનરસ સામાજિક પ્રવૃત્તિઓ છે. છેલ્લા છ મહિનાથી ઠપ થઈ ગયેલા સામાજિક પ્રસંગોની ઉજવણીઓને કારણે લોકોના જીવનમાં શુષ્કતા ફરી વળી છે. મનોરંજનનાં માધ્યમો અને સાધનોની વિપુલતા વચ્ચે પણ લોકોને એકબીજાથી દૂર રહેવું ગમતું નથી. આ કોઈ ન સ્વીકારે છતાં સત્ય છે. આવું વાતાવરણ આખા ભારતમાં હશે, કચ્છમાં પણ છે. લગ્નોથી ધમધમતો વૈશાખ મહિનો એમ ને એમ પસાર થઈ ગયો. ૬ મહિનામાં આવેલા તહેવારો ચૂપચાપ ચાલ્યા ગયા. ભારતની બળકટ સામાજિક વ્યવસ્થામાં કશુંક ખૂટતું હોય એવું જણાઈ રહ્યું છે. એવા સમયે ગુજરાતના ચૂટણી પંચના એક પત્રે કચ્છના વિશાળ ક્ષેત્રમાં છૂપો સળવળાટ જગાવી દીધો છે.
સિદ્ધાંતવાદીઓ અને બુદ્ધિશાળી લોકો ભલે ન સ્વીકારે, પણ હવેના ભારતમાં ચૂંટણી કોઈ વહીવટી પ્રક્રિયા જ નથી રહી. હવેની ચૂંટણીઓ સમસ્ત પ્રજાના જીવનરસનો એક ભાગ બની રહી છે અને એમાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો છેક તળિયાની ભૂમિને આંદોલિત કરી રહી છે. ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં લોકોને વિશેષ રસ પડી રહ્યો છે એ બદલાઈ ગયેલા ભારતીય માનસ અને નેતાગીરીમાં સામેલ થવાની સુષુપ્ત ઇચ્છાઓ જાગ્રત થઈ ગયાની નિશાની છે. એમાંય જ્યારથી પંચાયત ક્ષેત્રમાં મહિલા અનામત આવ્યું છે ત્યારથી સ્થાનિક સ્તરે યોજાતી ચૂંટણીઓનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. સૌ જાણે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્ઞાતિનાં સમીકરણો બહુ મોટો ભાગ ભજવે છે. એટલું જ નહીં, જ્ઞાતિ અનામત અને મહિલા અનામતને કારણે દરેક જ્ઞાતિમાં દાવેદારી માટે બહુ મોટા ખેલ ખેલાય છે. શિક્ષિત મહિલાઓમાં રાજકીય ઇચ્છાશક્તિને જગાવી દેનાર મહિલા અનામતે પુરુષો માટે પાછલા દરવાજેથી સત્તા પ્રાપ્ત કરવાનો માર્ગ પણ ખોલ્યો છે. એક સમયે તાલુકા અને જિલ્લાની બેઠકો માટે ઉમેદવારોને તૈયાર કરવા પડતા હતા, પરંતુ હવે ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોના વડાઓ માટે ખાંડાની ધાર પર ચાલવા જેવું કામ બની રહ્યું છે. એને કારણે રાજકીય અસંતોષથી માંડીને જૂથવાદ પેદા થવાનું કારણ બની રહે છે. છતાં પંચાયતોની ચૂંટણીઓ વિધાનસભા અને સંસદની ચૂંટણીની અંદરની સ્થિતિ રજૂ કરે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં ચૂંટણી-પરિણામો ગ્રામીણ સ્તરે શું હલચલ છે એનું એક ચિત્ર છે. ઉપરાંત વિધાનસભા વિસ્તારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી અને લોકપ્રિયતાનું કાર્ડિયોગ્રામ છે.
આવતા ડિસેમ્બરની ૨૨ તારીખે જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થાય છે. આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની રચના કરવાનો વ્યાયામ ગુજરાતના ચૂંટણીપંચે આદરી દીધો છે. એના છેલ્લા ચરણરૂપે કચ્છ જિલ્લા પંચાયતની ૪૦ બેઠક અને ૧૦ તાલુકા પંચાયતની કુલ ૧૫૪ બેઠકનું રોટેશન જાહેર થઈ ગયું છે. જોકે ચૂંટણી થવાને આડે હજી ચારેક મહિના જેટલી વાર છે છતાં રોટેશન જાહેર થવાની સાથે જ દરેક જ્ઞાતિઓ સજાગ થઈ ગઈ છે. રાજકીય પક્ષોના મોવડીઓથી માંડીને કાર્યકરો પણ જાહેર થયેલા રોટેશનને ધ્યાનમાં લઈને પોતપોતાની રીતે વિચારવા લાગ્યા છે. કચ્છ જિલ્લા પંચાયત વિસ્તારની દષ્ટિએ ભારતની સૌથી મોટી છે. છેલ્લાં ૨૦ વર્ષમાં કચ્છનું આંતર-બાહ્ય કલેવર અને માનસિકતા બદલાઈ ગયાં છે. ખેડૂતો અને પશુપાલકોની મૂળ ભૂમિ એવા કચ્છનો રહેવાસી હવે સ્માર્ટફોન વાપરવાની સાથે-સાથે પોતે પણ સ્માર્ટ થવા માંડ્યો છે. એટલું જ નહીં, હવે કચ્છની બહાર વસતા કચ્છીઓ, ખાસ કરીને મુંબઈમાં રહેનારાઓ પણ કચ્છની રાજકીય ગતિવિધિઓથી વાકેફ રહેવા લાગ્યા છે. તેઓ સ્થાનિક ચૂંટણીઓમાં રસ લેવા લાગ્યા છે. જરૂર પડ્યે તેઓ ચૂંટણીના સમયે કચ્છમાં હાજર પણ રહેવા લાગ્યા છે. અબડાસા અને વાગડ વિસ્તારમાં આ બાબતે જાગૃતિ વિશેષપણે દેખાઈ રહી છે.

કચ્છ જિલ્લા પંચાયતની મુદત ૨૦૨૦ની ૨૨ ડિસેમ્બર પહેલાં પૂરી થાય છે, જેથી રાજ્ય ચૂંટણી આયોગે ત્રીજી સપ્ટેમ્બરે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી સહિત મતદાર મંડળની રચનાનો પ્રાથમિક આદેશ બહાર પાડ્યો છે. એમાં જિલ્લા પંચાયતની ૪૦ બેઠકોમાંથી અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે ૩, સામાન્ય ૨, અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે ૧, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્ત્રીઓ માટે ૨, સામાન્ય ૨, બિનઅનામત ૧૫ અને સામાન્ય સ્ત્રીઓ માટે ૧૫ બેઠકની ફાળવણી જાહેર કરી છે. કચ્છ જિલ્લા પંચાયતની બેઠકોનું રોટેશન મોટા ભાગે પૂરું થઈ ગયું છે અને એમાં હવે ફેરફારનો વધારે અવકાશ નથી છતાં આ રોટેશનથી ક્યાં-ક્યાં શું અસર પડી શકે, કઈ બેઠક કયા પક્ષ માટે સરળ કે મુશ્કેલ બની શકે એનો ક્યાસ કાઢવાનો પણ પ્રયાસ થઈ રહ્યો હશે. સામાન્ય માણસને ખ્યાલ નથી આવતો કે આ રોટેશન કેવી રીતે નક્કી થાય છે. તો છેલ્લી વસ્તીગણતરી એટલે ૨૦૧૧ના આંકડાઓ પરથી કયા વિસ્તારમાં કઈ અનામત જાતિની વસ્તી વધારે છે એના આધારે સ્ત્રી અને સામાન્ય બેઠક નક્કી થાય છે. કચ્છની આદિજાતિની બેઠકની વાસ્તવિકતા વિચિત્ર છે. હકીકતમાં કચ્છમાં અનુસૂચિત જનજાતિની વસ્તી છે જ નહીં. કચ્છના કોળી અને પારધિ વગેરે જાતિઓનો જે આદિજાતિમાં સમાવેશ થતો હતો એ જાતિઓને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ થવાથી અજજાની વસ્તી શૂન્ય થઈ ગઈ, પરંતુ ચૂંટણી-બેઠકનું રોટેશન વસ્તીગણતરીના આંકડાઓ પરથી નક્કી થાય છે. વસ્તીગણતરીનો નિયમ એવો છે કે જે-તે વ્યક્તિ વસ્તીગણતરી દરમ્યાન જ્યાં રહેતી હોય તેને ત્યાંની ગણવી. રોજગારી માટે ગુજરાતના ટ્રાઇબલ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો કચ્છમાં આવીને વસ્યા છે. તેમની વસ્તીગણતરી કચ્છમાં થઈ હોવાથી છેલ્લી બે ટર્મથી માંડવી તાલુકામાં એક બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર થાય છે. જોકે ક્યારેક ટેક્નિકલ મુશ્કેલી એવી ઊભી થાય છે કે બીજા જિલ્લામાંથી આવેલી આદિજાતિની વસ્તીનું નામ સ્થાનિક મતદારયાદીમાં હોતું નથી. જોકે ભારતીય પ્રશાસન વ્યવસ્થાની લવચિકતા દરેક પ્રશ્નનો ઉકેલ લાવી દે છે. કચ્છ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર થઈ એ આ જિલ્લાની પ્રજાના જીવનરસમાં મીઠાશનાં ટીપાં ઉમેરવા બરાબર છે એ હકીકત છે.

 

kutch mavji maheshwari columnists