કચ્છમાં સમૃદ્ધ રાજાશાહી હતી, પણ પ્રજા ગરીબ હતી!

21 January, 2020 02:17 PM IST  |  Kutch | Kishor Vyas

કચ્છમાં સમૃદ્ધ રાજાશાહી હતી, પણ પ્રજા ગરીબ હતી!

‘અનેક સદીઓ પહેલાંનું પુરાણી દુનિયાનું આ જગતમાં કોઈ સ્થળ જોવું હોય તો એ કચ્છ છે જ્યાં આધુનિક દુનિયાની કોઈ હવા લાગી નથી. એ જેમનું તેમ પડી રહ્યું છે’ આ શબ્દો છે આઝાદીના પૂર્વોતર સમયમાં, ૧૯૪૯ની ૨૦ ફેબ્રુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલે લખેલા એક પત્રના! તો મહાત્મા ગાંધીજીએ ૧૯૨૫ની ૧૫ નવેમ્બરે નવજીવન સામાયિકમાં પોતાના કચ્છપ્રવાસ પછી લખ્યું હતું કે ‘મોટર જઈ શકે એવા રસ્તા કચ્છમાં થોડા જ છે ત્રણ કે ચાર. રેલ તો એથી પણ થોડી છે, ભુજથી તુણા બંદર અથવા ખારી રોહર લઈ જાય છે એટલી જ! એટલે માંડવીથી ભુજ, ભુજથી કોટડા અને મુન્દ્રાથી ભુજ એટલી જ મુસાફરી મોટરમાં થઈ શકી. બાકી બધા ગાડા માર્ગો જ અને એ પણ વિકટ’ આવું હતું આપણું કચ્છ!

જે કોઈ પ્રગતિ થઈ એ ૧૯૫૦ પછી થઈ. આઝાદી વખતે કચ્છને ‘ક’ વર્ગનું રાજ્ય બનાવવામાં આવ્યુ. ‘ક’ વર્ગના રાજ્ય વખતે વિકાસ નકશાઓ તૈયાર થયા અને ત્યાર પછી એને મુંબઈ રાજ્ય સાથે જોડવામાં આવ્યું ત્યારે વિકાસની ઊજળી તકો જોવા મળતી હતી. મુંબઈ મહારાષ્ટ્ર સાથે ગયું અને મહાગુજરાતની રચના થઈ ત્યારે એને ગુજરાત સાથે જોડવામાં આવ્યું. આ દડાની રમતમાં કચ્છના વિકાસના પાયા જીર્ણ થઈ ગયા!

ચાલો, ફરી ૧૯૪૮ના વર્ષમાં ડોકિયું કરીએ અને કચ્છની એ સમયની પરિસ્થિતિની ઝાંખી કરીએ. ૧૯૪૮ની ૧ જૂને કચ્છના મહારાઓ શ્રી મદનસિંહજી પાસેથી કચ્છના વરાયેલા ચીફ કમિશનર સી. કે. દેસાઈએ કચ્છનો વહીવટ સંભાળી લીધો. દેસાઈની કચ્છના કમિશનર તરીકે વરણી સરદાર પટેલે કરી હતી. તેઓ કચ્છના રાજાને અને પ્રજાને વચન આપી ચૂક્યા હતા કે ‘મધ્યસ્થ સરકાર દ્વારા પ્રજાનાં હિત અને કલ્યાણ તરફ હંમેશાં સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક ધ્યાન આપવામાં આવશે. આપ નિશ્ચિંત રહેજો કે આપનું ભલું અને ઉન્નતિ મારા ચિંતનનો વિષય રહેશે’ અને તેમણે આવા બાહોશ કમિશનર નિયુક્ત કરીને એનો પ્રારંભ પણ કર્યો, પરંતુ લાંબી ઊંઘ પછી કોઈ ‘રીપવાન વિન્ક્લ’ જાગે અને બદલાયેલું દૃશ્ય જોઈ ચકિત થાય એવું જ કચ્છ માટે નવા કમિશનરને લાગ્યું હોય તો એમાં કોઈ આશ્ચર્ય નહોતું.

કચ્છના નવ તાલુકા હતા, પણ હાલમાં જે ધમધમાટ જોવા મળે છે એ ગાંધીધામ કે આદિપુર એ વખતે નહોતા. કંડલા એક નાનકડું બંદર હતું. હાલમાં જ્યાં ગાંધીધામ છે ત્યાં મોટા ભાગમાં જંગલ અને કાદવ-કીચડ હતાં. હાલમાં આધોઈ ભચાઉ તાલુકામાં છે એ કચ્છમાં જ નહોતું! એ મોરબી રાજ્યનો એક ભાગ હતું. વાત એમ હતી કે આધોઈ મહાલના ૧૩૨ ચોરસ માઇલના વિસ્તાર માટે કચ્છના રાજા અને મોરબી નરેશ વચ્ચે એના માટે છેક લંડનની પ્રીવી કાઉન્સિલ સુધી માલિકીના મુદ્દે કેસ ચાલ્યા હતા. કચ્છ આઝાદ થતાં એ વિવાદ મટ્યો અને આધોઈ વિસ્તાર કચ્છમાં સમાયો! એ જ રીતે ઓખા અને દ્વારકા પાસે ‘કછીગઢ’ નામનું કચ્છનું એક થાણું હતું જે પણ સ્વરાજ આવતાં બંધ થયું.

રાજાશાહીમાં સર્વસ્વ કચ્છના મહારાઓ હતા. તેમના હાથ નીચે દીવાન રહેતા. ભુજના પાટવાડી નાકામાં દીવાનની કચેરી રહેતી. સૂર્યશંકર મહેતા લાંબા સમય સુધી કચ્છના દીવાન રહ્યા હતા એથી એ તેમના ખોરડા તરીકે જ ઓળખાતી રહી. કચેરીમાં ગાદી-તકિયા રહેતાં. રાજ્યના કર્મચારીઓ માટે નિવૃત્તિ વય નહોતી એમ પેન્શન પણ નહોતું! કોર્ટ બધી પ્રાગ મહેલમાં બેસતી. ભુજની કોર્ટ અલગ હતી અને એ આયના મહેલની એક ચાલીમાં બેસતી હતી. આભડછેટ એટલી હદે હતી કે પક્ષકારમાં હરિજન હોય તો નીચે ધૂળ પર ઊભા રહીને શિરસ્તેદાર જુબાની લેવા જતા, ન્યાયાધીશ તેમની જુબાની પણ ન લેતા! વકીલોને માથે ફેંટો બાંધવો ફરજિયાત હતો. એ નિયમ વળી ૧૯૪૦માં ગુલાબશંકર ધોળકિયાએ તોડ્યો અને રદ પણ કરાવ્યો હતો.

અત્યારે આપણે જેને કલેક્ટર કહીએ છીએ એ તે સમયે રેવન્યુ કમિશનર કહેવાતા. તેમની કચેરી પણ પાટવાડી નાકામાં હતી જે ફતેહમહમદના ખોરડા તરીકે ઓળખાતી હતી. મામલતદારો વહીવટદાર તરીકે ઓળખાતા. તલાટી ધ્રુ તરીકે ઓળખાતા. લાગાઓ હતા, વિઘોટી પ્રથા નહોતી, પણ રાજ્યના ખેડૂતોએ રાજાને કે જાગીરદારને કુલ અનાજ પેદા થયું હોય એનો ત્રીજો કે ચોથો ભાગ આપી દેવાનો રહેતો! એટલું જ નહીં, પાકેલું બધું જ અનાજ ગામમાં આવેલા ‘રાજના ખળવાળ’માં લઈ જવું પડતું જ્યાં વહીવટદાર મનસ્વી રીતે ઘણી વખત મહિનાઓ સુધી રાહ જોવડાવ્યા બાદ એ અનાજની પેદાશનો અંદાજ કાઢવા ગામડે પધારતા! રાજનો ભાગ અપાઈ જાય પછી જ ખેડૂત એ અનાજ ઘરે લઈ જઈ શકતો. જો કોઈ ખેડૂત એ ભાગ આપ્યા પહેલાં ખાવા માટે થોડું ઘરે લઈ જાય તો તેને દંડ કે જેલની સજા થતી!

એ જાણીને માત્ર આશ્ચર્ય જ નહીં, દુખ પણ થશે કે કચ્છી જણ ગમે તેટલો કુશળ હોય કે લાયક હોય, પણ દરેક ખાતાંના અધિકારીઓ મોટા ભાગે કચ્છ બહારથી જ નિયુક્ત કરવામાં આવતા. બહારથી આવેલા અધિકારીઓને રૂપિયાના ચલણમાં પગાર મળતો, જ્યારે કચ્છના નોકરિયાતોને કચ્છી ચલણ ‘કોરી’માં પગાર મળતો! કોરી અને રૂપિયાના ભાવમાં ઘણી વાર ઉછાળા આવતા, સટ્ટો રમાતો. બધી ચીજો સસ્તી મળતી, પણ પગાર ઓછો હોવાના કારણે લોકો દેવાદાર ઘણા હતા. દારૂબંધી નહોતી, એના દૂષણનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું.

અંધાર યુગમાં લઈ જતી સ્થિતિ તો એ હતી કે બે શહેરો સિવાય ક્યાંય વીજળી નહોતી. ક્યાંક વળી ફાનસ ટમટમતા જોવાં મળતાં, બાકી મોટા ભાગે રાત્રે અંધારું જ રહેતું. શાળાઓનું પ્રમાણ ઓછું હતું ત્યાં કૉલેજની અપેક્ષા ક્યાંથી રખાય? કૉલેજ નહીં, સ્થાનિક પ્રેસ નહીં, સમાજમાં પણ અનેક બંધનો હતાં. એક જ બૅન્ક હતી ‘બૅન્ક ઑફ ઇન્ડિયા’ જે ૧૯૪૩માં ભુજમાં શરૂ કરવામાં આવી હતી! એક જ ટ્રેન સવારના ભુજથી ઊપડે, બપોરે કંડલા પહોંચતી અને કચ્છ બહારના નવલખી દરિયાઈ માર્ગે આવેલા ઉતારુઓને લઈને સાંજે પાછી ફરતી! એ પણ નેરોગેજ ટ્રેન રહેતી.

ચીફ કમિશનર દેસાઈ આવ્યા પછી તેમણે એક પછી એક નક્કર પગલાં લઈને કચ્છને ભારતના અન્ય કેટલાક વિકસિત પ્રદેશોની હરોળમાં મૂકવાના પ્રયત્નો શરૂ કર્યા. ચીફ સેક્રેટરી તરીકે કોલ્હાપુરના વતની એક કુશળ અધિકારી બી.જી. ખાબડેની નિયુક્તિ થઈ. દેસાઈએ તંત્રની ભારે સાફસૂફી શરૂ કરીને વર્ષોથી ચાલતી તુમારશાહી દૂર કરી અને સેક્રેટરીએટમાં ‘નોટિંગ’ પદ્ધતિ દાખલ કરી. તંત્રમાં ઝડપ આવી. બધા જ વહીવટી વિભાગોમાં દેસાઈ ચેતના લાવી શક્યા હતા.

ગાદી-તકિયા ગયાં અને ટેબલ-ખુરસી આવ્યાં. પગારમાં મળતી ‘કોરી’ બંધ થઈ અને રૂપિયા આવ્યા. કચ્છના શિક્ષિતોને નોકરીમાં પ્રાધાન્ય શરૂ થયું. પ્રજાનો અવાજ તંત્રમાં અસરકારક બનાવ્યો. આમ કચ્છમાં આ પ્રકારના સુધારા જોવા મળ્યા અને સૌથી મહત્ત્વના પગલા તરીકે ચીફ કમિશનરે ખેડૂતોના લાગા નાબૂદ કર્યા હતા, એ ઐતિહાસિક દિવસ હતો ૧૯૪૯ની બાવીસમી નવેમ્બર! 

kutch columnists