રાજાશાહીની વિદાય પછી કચ્છ ત્રિશંકુ બનતું ગયું!

12 May, 2020 08:15 PM IST  |  Gujarat | Kishor Vyas

રાજાશાહીની વિદાય પછી કચ્છ ત્રિશંકુ બનતું ગયું!

જે લોકો રાજાશાહીથી ખુશ હતા એ જ લોકો ‘ક’ વર્ગનું રાજ્ય મળતાં વધારે ખુશ થયા. ત્યાર પછી આવ્યું મુંબઈ રાજ્ય! લોકોમાં ઉત્સુકતા અને આકાંક્ષા વધ્યા અને એમ થયું કે હવે તો બસ મુંબઈ રાજ્ય! હવે આગળ કોઈ બદલાવ નહીં આવે, પરંતુ દેશનું રાજકારણ ગોઠવાતું જતું હતું તેમ-તેમ ફેરફારો આવ્યા કરતા હતા અને કચ્છના લોકો દિગ્મૂઢ થઈ જોયા કરતા હતા. ન તો જીવનને કે ન તમામ પ્રકારના વટ-વ્યવહારને સ્થિરતા મળતી હતી ત્યાં સ્વપ્નોની સફળતાની વાત જ ક્યાં કરવી!

વિકાસ યોજનાઓનાં નિર્ધારેલ પરિણામો માટે એનો યોગ્ય રીતે અમલ જરૂરી હોય છે. મહારાજ કુંવર શ્રી હિંમતસિંહજીએ પોતાનો બળાપો વ્યક્ત કરતાં લખ્યું છે કે ‘કચ્છની ખાસ અને વિશિષ્ટ સ્થિતિ અને પરિસ્થિતિ જોતાં એને સમજ્યા વગર એનો વિકાસ શક્ય નથી. એના બદલાતા જતા દરજ્જા, એમાં પણ ‘ક’ વર્ગના રાજ્યથી માંડી ગુજરાતનો એક જિલ્લો બન્યા પછી કોઈએ પણ કચ્છની સ્થિતિનો અભ્યાસ કર્યો નથી, જેનાં પરિણામો દુર્ભાગ્યપૂર્ણ આવ્યાં છે. નિયુક્ત થયેલા અધિકારીઓએ કરેલા વિકાસના પ્રયાસોમાં મૂળભૂત ખામી એ હતી કે તેમને કચ્છ પ્રદેશની અને અહીંના લોકોની વાસ્તવિક સ્થિતિનો કોઈ ખ્યાલ જ નહોતો, કદાચ તેઓ સમજવા જ નહોતા માગતા! આડેધડ યોજનાઓ શરૂ કરી દેવા સિવાય તેમના દિલમાં કોઈ ખાસ ભાવ જાગતો નહોતો! એમાં પણ અમદાવાદ કે ગાંધીનગરના સચિવાલયમાં બેઠેલા સત્તાધીશો તો કચ્છ અને એની સમસ્યાઓ વિશે કંઈ જ જાણતા નથી હોતા! તેમને કચ્છ માટે એવો ભાવ ચોક્કસ હતો કે કચ્છ એટલે અધિકારીઓને સજા આપવા મોકલવા માટેની સુંદર જગ્યા!’ મહારાજ કુંવરશ્રીની એ વ્યથા સાચી હતી.

કચ્છ જિલ્લા લોકલ બોર્ડના પ્રથમ અધ્યક્ષ અને અભ્યાસુ પ્રતિભા ધરાવતા આદરણીય હીરજીભાઈ કોટકે પણ એક જગ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં લખ્યું છે કે ‘વિકાસ માટે વિવિધ અભ્યાસ અને સંશોધનનાં કેટલાંય કાર્યાલયો દ્વારા એની યોજનાઓના ઘડવૈયાઓ સરકાર ધરાવતી હોય છે. શું થાય પછી? એ અભ્યાસ ટુકડીઓ બહુ-બહુ તો જે-તે પ્રદેશને જોઈ આવે, થોડા દિવસોનું ત્યાં ‘કૅમ્પિંગ’ કરે, સાથે રાખેલા ચોક્કસ ‘પ્રોફોર્મા’માં સ્થાનિક, સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવે અને અભ્યાસ પૂરો કરે! એવું નહીં કે ગૅઝેટિયર્સ વાંચીને, વીતેલાં વરસોના અહેવાલોનો બારીકાઈથી અભ્યાસ કરીને, કોઈ સારાં તારણ કાઢીને વિસ્તૃત કે સંક્ષિપ્તમાં વિકાસ અંગેની ‘બ્લ્યુ પ્રિન્ટ’ બનાવીને સરકાર સમક્ષ રજૂ કરે, જેમાં જે-તે વિસ્તારનું આબેહૂબ ઐતિહાસિક, ભૌગોલિક જોગ-સંજોગનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હોય!’ પણ તે અધિકારીઓ એવું નહોતા કરતા.

માટે જ વિકાસના આયોજનકારો જે-તે તળ ભૂમિના જ હોવા જોઈએ અથવા એ ભૂમિના લોકો સાથે એકરસ હોય, લોકોનાં સુખ અને દુઃખની અસરો જેમના અંતર પર ઊઠતી રહેતી હોય, ઓછામાં ઓછી આટલી યોગ્યતા જેમની હોય તેમના હસ્તે જ વિકાસનું આયોજન અને એનો અમલ થવો એ પાયાની આવશ્યકતા છે. કચ્છ ‘ક’ વર્ગના રાજ્ય વહીવટ વખતે એવી અનુભૂતિ પામી ચૂક્યું છે. એ દિવસો એવા હતા કે અધિકારીઓ અને કચ્છની પ્રજા હરખાઈને સૂતી! તેમની લાગણીઓ જાગે, અંદરથી ભાવ જાગે અને બીજા પ્રભાત માટે તેમને જાગવાનો ઉમળકો રહેતો! કચ્છમાં આવું એક ઉચ્ચ દરજ્જાનું રાજ્ય હતું અને રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓને કચ્છ માટે અંતરની લાગણીઓ અને નિકટતા હતી. તેમણે જ આ દરજ્જો આપ્યો હતો અને કચ્છની સંભાળ લીધી હતી! હવે એવા ભાવ કે કચ્છ માટેની સમજ ધરાવતા કચ્છના નેતાઓ પણ શોધવા પડે!

કચ્છમાં પાણીની સમસ્યા હોય કે શિક્ષણની, વૈદિક હોય કે ખેતીની, રસ્તાઓની હોય કે વાહનવ્યવહારની, બંદરના વિકાસની હોય કે ઉદ્યોગોના વિકાસની હોય, એ તમામ બાબતે આયોજન કરવામાં આવે છે, પરંતુ યોગ્ય નિયોજન નથી થતું! પ્રત્યેક ક્ષેત્રમાં સાર્વજનિક હિત કે બહુજન હિતાય વિકાસ ચાલવો જોઈએ, એ ભાગ્યે જ જોવા મળે! એટલું જ નહીં, મને કહેવા દો કે કચ્છમાં આવો વિચાર કરનાર, દરકાર રાખનાર કોઈ સ્તર કે કોઈ પ્રબંધ જ નથી‍! કોઈ પણ ક્ષેત્રે અભ્યાસ, સર્વેક્ષણ અને કાળજીની કોઈને જરૂર જ જણાઈ નથી. ખાસ કરીને ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો ગયો અને કચ્છ મુંબઈ રાજ્યનો એક પ્રદેશ બનીને રહ્યો અને એમાં હજી કંઈક પાટે ચડવાનું થાય તેના પ્રયાસો દરમ્યાન તો કચ્છ ગુજરાત રાજ્યનો એક જિલ્લો બની ગયો!

૧૯૫૬ની ૩૧ ઑક્ટોબરે ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો ગયો અને ૪૩ જિલ્લાનાં ૫૪,૨૮૧ ગામડાંઓ સાથેનું મુંબઈ રાજ્ય બન્યું. એ વખતે પહેલી પંચવર્ષીય યોજના પૂરી થઈ હતી. પહેલી યોજનામાં કુલ ૩,૨૪,૭૮,૦૦૦ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી એમાંથી ૨,૮૬,૭૦,૦૦૦ જેટલી જ રકમ ખર્ચાઈ હતી જેમાં જલસિંચાઈ માટે ૮૫ લાખ, રસ્તાઓ માટે ૪૪ લાખ, વીજળી માટે ૧૮ લાખ અને ખેતી માટે ૩૩ લાખની રકમ હતી. જોકે એમ કહેવાય છે કે સદીઓથી બંધ પડેલું કચ્છના વિકાસનું તાળું એ પ્રથમ યોજનાથી ખૂલ્યું હતું! કચ્છ મુંબઈ રાજ્યમાં લેવાયું ત્યારે બીજી પંચવર્ષીય યોજનાની રૂપરેખા ઘડાઈ ચૂકી હતી. ૧૯૫૬ની ૧ એપ્રિલે શરૂ થઈ ચૂકેલી એ યોજનામાં કચ્છ માટે ૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા જે રકમ પાછળથી ૯ કરોડ અને ૮ લાખની કરવામાં આવી હતી. મુંબઈ રાજ્યમાં ભળ્યા પછી પણ કચ્છની આ બીજી યોજના અકબંધ રહી હતી.

મુંબઈ રાજ્યમાં કચ્છ જોડાયા પછી કચ્છને રાજકોટની ડિવિઝનલ કાઉન્સિલ હેઠળ મૂકવામાં આવ્યું અને એ કાઉન્સિલમાં કચ્છના પ્રતિનિધિ તરીકે કુંદનલાલ ધોળકિયા જેવી પ્રતિભાની વરણી કરવામાં આવી હતી. દિલ્હીમાં રાજ્યસભાના સભ્ય તરીકે લવજી લખમશી ઠક્કર હતા જેમની મુદત ૧૯૬૦માં પૂરી થઈ અને કચ્છના રાજકારણમાં ડૉક્ટર મહિપતરામ મહેતાનો પ્રવેશ થયો અને લવજીભાઈની બેઠક ખાલી થતાં તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

મુંબઈ રાજ્યનો ગાળો માત્ર સાડાત્રણ વરસનો રહ્યો. એ સમય દરમ્યાન પણ કચ્છ માટે કેટલાક ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા હતા. એ વિગતો રસપ્રદ છે, પરંતુ એ આપણે હવે પછી જોઈશું. પરંતુ એ સમયમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સિંચાઈ જેવાં ક્ષેત્રોમાં પણ હરણફાળ ભરાઈ હોવાનું નોંધાયું છે. એમાં ભુજની લાલન કૉલેજ એ કચ્છની પ્રથમ કૉલેજ બની રહી. ૧૯૫૪માં ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણએ જેનો પાયો નાખ્યો હતો એ પછી એ ઇમારત બાંધવામાં ઢીલ વરતાઈ રહી હતી અને એવી વાત પણ વહેતી થઈ હતી કે લાલન કૉલેજને ગાંધીધામ લઈ જવામાં આવશે. એ વિશે ભુજમાં અજંપાનું વાતાવરણ પેદા થયું હતું, પણ આખરે ઘીના ઠામમાં ઘી પડી રહેવાથી ઇમારત ભુજમાં જ બંધાઈ અને એ વખતનાં કૉન્ગ્રેસ પ્રમુખ ઇન્દિરા ગાંધીના વરદ હસ્તે ૧૯૫૯ની ૮ નવેમ્બરે એનું ઉદ્ઘાટન થયું. એ સમારોહના અધ્યક્ષસ્થાને મુંબઈ રાજ્યના શિક્ષણ પ્રધાન હિતેન્દ્ર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ઉચ્ચ શિક્ષણની એ સિદ્ધિ ઉપરાંત માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકાર ઉદાર બની હતી અને કેટલીક નવી હાઈ સ્કૂલો પણ મંજૂર કરી હતી. દાનવૃ‌ત્ત‌િઓમાં સારો ઉછાળો આવ્યો. અંજારના ભૂકંપ પછી છગનબાપા કચ્છમાં જ રહેતા થયા હતા અને તેમની પ્રેરણાથી કચ્છમાં અનેક લોકહિતનાં કાર્યો થયાં હતાં. મૂળ અંજારના રહેવાસી કૃપાશંકર વોરા તેમ જ તેમના સુપુત્ર રસિકલાલ વોરા અને હરિશંકર ઉપાધ્યાયએ તેમના લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટમાંથી ૧ લાખ ૬૦ હજાર રૂપિયાનું દાન આપીને અંજાર તાલુકાનાં ૨૭ ગામોમાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બંધાવ્યા! એ એક મોટી ક્રાંતિ હતી! એ ૨૭ શાળાઓનાં મકાનોનું ઉદ્ઘાટન પણ ૧૯૫૯ની ૬ સપ્ટેમ્બરે ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. ઇન્દિરાજી એ વખતે ચાર દિવસ સુધી કચ્છમાં રોકાયાં હતાં. ૧૯૫૬ના ભૂકંપમાં તારાજ થયેલા ઝુરણ અને આસપાસનાં ગામોની તેમણે મુલાકાત લીધી હતી અને ઝુરણનું નામ જવાહર નગર અને મોખાનાનું નામ ઇન્દિરા નગર પાડવામાં આવ્યું હતું. અંજાર તાલુકા ઉપરાંત ઉદ્યોગપતિ કરમશીભાઈ સોમૈયાએ ભુજ તાલુકાનાં ૧૨ ગામોમાં શાળાઓનાં મકાન બાંધવા લોકફાળાની રકમનું દાન કર્યું હતું. આમ મુંબઈ સાથે જોડાયેલા કચ્છી કર્મવીરો અને દાનવીરોએ મુંબઈ રાજ્ય સાથે કચ્છ જોડાયું એનો આનંદ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.

kutch gujarat columnists kishor vyas