કચ્છીગાડું સુથારની કારીગરીમાં સમાયેલું વિજ્ઞાન

11 August, 2020 06:21 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કચ્છીગાડું સુથારની કારીગરીમાં સમાયેલું વિજ્ઞાન

કચ્છમાં બે જાતનાં ગાડાં જોવા મળે છે, વાગડનું ગાડું અને કચ્છીગાડું.

કચ્છમાંથી ખેતી સાથે જોડાયેલી પ્રથાઓ, પદ્ધતિઓ, વસ્તુઓ, ઓજારો ધીરે-ધીરે લુપ્ત થઈ રહ્યાં છે, જેમાં મહત્ત્વની ચીજ છે કચ્છીગાડું. કચ્છમાં બે જાતનાં ગાડાં જોવા મળે છે, વાગડનું ગાડું અને કચ્છીગાડું. વાગડના ગાડાની સરખામણીમાં કચ્છીગાડું વધારે કલાત્મક અને વૈજ્ઞાનિક છે. કચ્છીગાડું કોઈ સામાન્ય ઓજાર કે સાધન નથી. એ દબાણ, ઉચ્ચાલન, ઘર્ષણ અને ભાર વિભાજન જેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત બનાવેલું હોય છે. કચ્છીગાડું બે પ્રકારના છે. એક, ભારવહન માટે વપરાય છે અને બીજું, મુસાફરી માટે. મુસાફરી માટે વપરાતા ગાડાને રેંકડો કહે છે, જે બળદની દોડમાં પણ વપરાય છે. છેલ્લાં ૨૦ વર્ષમાં કચ્છીગાડાં ગામડાંઓમાંથી પણ અદશ્ય થવા માંડ્યાં છે, સાથે-સાથે એની કલા પણ લુપ્ત થતી જશે.

આજે ગાડીઓની બોલબાલા છે. એ રેલગાડી હોય કે મોટરગાડી, પરંતુ ગાડી શબ્દ સાથે જોડાયેલું ગાડું ભારતનું સૌથી પહેલું સામાજિક અને પારિવારિક વાહન છે. ભારતના જુદા-જુદા વિસ્તાર અને પ્રદેશોમાં ખેતીની પદ્ધતિ અને ઓજારો જુદાં-જુદાં છે. બળદ અને બળદગાડું ભારતીય ખેડૂત સાથે સદીઓથી જોડાયેલાં રહ્યાં છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં, ખાસ કરીને જ્યાં રજવાડાં હતાં એ વિસ્તારોનાં ગાડાં વિશેષ કલાત્મક અને સુવિધાપૂર્ણ રહ્યાં છે, કેમ કે એ સમયે પારિવારિક અને શાહી મુસાફરી માટે બળદગાડું એકમાત્ર સાધન હતું. બળદગાડું એ માત્ર ખેડૂતનું જ નહીં, એક સામાજિક વાહન પણ ગણી શકાય. બળદગાડું આમ તો ખેતી માટેનું ભારવાહક સાધન છે, પરંતુ સમય જતાં ખાસ લોકોની મુસાફરી માટે એનાં ઉપ-સાધનો અથવા સહાયક સાધનો પણ વિકસ્યાં. ગાડામાં મુસાફરી કરનારના દરજ્જા અને હોદ્દાને અનુરૂપ કેટલાક ફેરફારો થયા. ગાડા ઉપર મુકાતી સાંગી અને માફાવાળી વેલ એ ગાડાની ખાસ મુસાફરીનાં ઉપ-સાધનો છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છનાં ગાડાં એક દર્શનીય સાધન છે. ખેડૂતને પણ ખબર નથી હોતી કે ગાડામાં કુલ કેટલા ભાગ હોય છે અને એનાં નામ શું હોય છે. એ બનાવનાર કારીગર જ કહી શકે. ખેડૂતોની વર્તમાન પેઢીનો પનારો ટ્રૅક્ટર સાથે છે. બળદગાડામાં પહેલો ફેરફાર પૈડાંથી થયો. જ્યારથી રબરનાં પૈડાં (ટાયર) આવ્યાં ત્યારથી ગાડાનું મહત્ત્વ અને એની બનાવટ સસ્તી બનવા લાગી છે. વાસ્તવમાં અસલ કચ્છીગાડું બનાવવું આ સમયમાં મોંઘું પડે છે. હવે અસલ ચીજ કોઈ શોખીનને જ પોસાય એમ છે.
કચ્છીગાડાની પૂરેપૂરી રચના લખીને સમજાવી શકાય એમ નથી. એ જોવાથી જ ખ્યાલ આવે. ગુજરાતમાં કેટલાક વિસ્તારના ગાડાનાં પૈડાં એના છાપરા કરતાં ઊંચાં અને ખુલ્લાં હોય છે, તો કેટલાંક ગાડાંને લાકડાંની વાડ હોય છે. કચ્છીગાડાનાં પૈડાં છાપરા નીચે હોય છે અને ખાસ જરૂરત સિવાય એને વાડ નથી હોતી. જૂના સમયમાં જ્યારે ખાતર કે કાંપ ઉપાડવાનો હોય ત્યારે ‘ઝાંકડી’ નામનું ખજૂરીનાં પાંદડાંનું ત્રણેક મીટર લાંબું એક સાધન બનાવવામાં આવતું. જો એ સાધનની ઊંચાઈ વધારે અને લંબાઈ ઓછી હોય તો એને ‘કિડો’ કહેવાતું. તેને અંગ્રેજી અક્ષર ‘ઓ’ અથવા ‘સી’ના આકારમાં ગાડા ઉપર બાંધવામાં આવતું. ગાડાની સાથે રસ્સો, આડાં, સાલિયા અને તાળિયારો (લાકડાની ગરેડી બાંધેલો રસ્સો) એ એનાં ભારવહનનાં ઉપ-સાધનો છે. એનો ઉપયોગ માત્ર ભારવહન સમયે જ થાય છે. વર્તમાન સમયમાં જો ગાડું બનાવવું હોય તો ભારવાહક ગાડામાં છ ઘનફુટ લાકડું, ૬૫ કિલો લોખંડ અને ચારથી પાંચ કિલો પીતળ જોઈએ. જ્યારે મુસાફરી માટેનું ગાડું એટલે રેંકડો બનાવવો હોય તો સાડાત્રણ ઘનફુટ લાકડું, ૨૦ કિલો લોખંડ અને બે કિલો જેટલું પીતળ જોઈએ. આ બેય ગાડાં બનાવવાની મજૂરી સહિત કુલ કિંમત ૩૦થી ૩૫,૦૦૦ રૂપિયા જેટલી થાય. ગાડામાં લાકડું, લોખંડ, પિત્તળ, સૂતર અને ચામડાની વસ્તુઓ વપરાય છે. સામાન્ય રીતે ગાડા સાથે ઘૂંસરી બાંધવામાં ચામડાનો રસ્સો ઉપયોગમાં લેવાય છે અને જોતરાં પણ ચામડાના હોય છે. જ્યારે પીંજણીને બાંધવા માટે સૂતરની દોરીનો ઉપયોગ થાય છે.
કચ્છીગાડું કોઈ અણઘડ ઓજાર માત્ર નથી. એની બનાવટમાં સુથારની હૈયા ઉકલત અને ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો સમાયેલા છે. સુથારના એ જ્ઞાનને કારણે જ ઊબડખાબડ રસ્તા પર ચાલતું ગાડું ટન જેટલું વજન ઊંચકી શકે છે. તળાવા, પીંજણી, ગુડિયા અને ઊંધની ગોઠવણી દબાણના સિદ્ધાંતો મુજબની હોય છે. એનો મુખ્ય માંચડો (ચેસીસ) જેમાં બે ઊંધ, આંક, ઉપરી, ગુડિયા અને બે ઊંધની વચ્ચે ચાર સરાકિયાની ગોઠવણી ગાડાનું સમતોલન જાળવે છે, જેના કારણે બેય બળદને સરખો ભાર વહેંચાય છે. ઉપરાંત જ્યારે ખાડો આવે છે ત્યારે પૈડું બેસી જતું નથી. ગાડામાં નાના-મોટા મળીને પચાસેક જેટલા ભાગો હોય છે, જે જુદાં-જુદાં નામે ઓળખાય છે. ગાડાના આગળના ભાગથી શરૂ કરતાં એનાં નામ આ પ્રમાણે છે... ઊંટડો, માથામ, ધૂંસરી, સમેલ, જોતર, નાડાય, કાંધેલા, ઊંધ, સરાકિયા, માયડા, આડામકડી, સિપ (છાપરું), ઇસરોટા, ઊંધરિયા, આંક, ઉપરી જે ઉપરના ભાગે દેખાય છે. ગાડાના પૈડાના ભાગનાં નામો આ રહ્યાં... ધરી, નાય, મૉરુ, આમણ, ઊંઘરાઈ, આરા, પાટલા અને લોખંડનો પાટો. ગાડાનાં પૈડાંમાં ૧૦, ૧૨ અથવા ૧૪ આરા રાખવામાં આવે છે. કચ્છીગાડાની બનાવટમાં જો સુથારને વર્તુળની ૩૬૦ ડિગ્રીની વહેંચણીનું જ્ઞાન ન હોય અથવા એમાં કોઈ ભૂલ કરે તો વજન આવતાં જ પૈડું બેસી જાય છે અને એના આરા તૂટી પડે છે. ગાડાનાં પૈડાંના વ્યાસ અને પરિઘ મુજબ આરા ગોઠવવામાં આવે છે. ગાડા પર આવતું વજન અને આંચકો સમાંતર વહેંચાઈ જાય એ માટે એમાં સસ્પેન્શનની વ્યવસ્થા તળાવા પીંજણી માછલી અને ગુડિયાની મદદથી થાય છે, જે આંચકો ખમી શકે છે. જેમ અન્ય યાંત્રિક વાહનોમાં લોખંડની પાટો અથવા સ્પ્રિંગની રચના દ્વારા કરવામાં આવે છે. ગાડાની ધરીમાં પૈડું મૂક્યા પછી એને ઊંઘરાઈથી બંધ કરવામાં આવે છે, જે વાઇસરનું કામ કરે છે. એ વાઇસરને અડીને પહેલાં ઊભો અને પછી આડો તળાવો મૂકવામાં આવે છે. બેઉ તળાવાના છેડે ખીલા હોય છે, જે આંકમાં ફસાવાય છે. તળાવાની બહાર વર્તુળના ભાગના આકારની પીંજણી મૂકાય છે, જેને પાછળના છેડે સાંકળ હોય છે, જ્યારે આગળનો છેડો પહેલા આંક સાથે સૂતરની દોરીથી બાંધવામાં આવે છે. આ તળાવા અને પીંજણી સૉક્સ એબ્ઝોર્બરનું કામ કરે છે. ગાડાની નીચેના ભાગો ગુડિયા, મંજી અને હાથેલા કહેવાય છે. એને ઊંધ સાથે જોડીએ તો ગાડાની ચેસીસ કહી શકાય. ગાડાનો છેલ્લા આંક (આંક એટલે લાકડાંના મજબૂત આડા સપોર્ટ) સાથે જોડાયેલા ગુડિયા વચ્ચેના કાટખૂણાને જોડતી લોખંડની જાડી પટ્ટીને માછલી કહેવાય છે. એ માછલીને કારણે જ ગાડાનાં પૈડાં સમાંતર ચાલે છે. (જેને વ્હીલ એલાયમેન્ટ કહી શકાય.) ગાડામાં કેટલાક એવા ભાગ હોય છે જે દેખાતા નથી, પણ એ મજબુતી અને ટેકાનું કામ કરે છે, એને ઊંધરિયા અને મલ કહે છે. આમ તો આખીય રચના ગાડું કહેવાય છે, પરંતુ કચ્છનાં ગાડાં બનાવતા સુથારો ખરેખરું ગાડું લાકડાની એક ત્રિકોણાકાર ચીપને કહે છે, જે બેય ઊંધના છેડા ભેગા થાય ત્યાં બે ઊંધની વચ્ચે મૂકવામાં આવે છે. એ પવિત્ર પણ કહેવાય છે. કેટલાક ખેડૂતો એને ગણેશ પણ કહે છે. સુથાર ગાડું બનાવવા બેસે ત્યારે સૌપહેલાં એ ચીપ બનાવે છે. સાચો ખેડૂ કદી ઊંધના બે છેડા પર પગ મૂકતો નથી કે તેના પર બેસતો નથી. કચ્છીગાડાં હવે અબડાસા, લખપત અને માંડવી તાલુકામાં જોવા મળે છે. એનો કસબ મોટા ભાગે પશ્ચિમ કચ્છના મુસ્લીમ સુથાર તથા મહેશ્વરી મેઘવાળ જ્ઞાતિ પાસે છે. કાળનો પ્રવાહ કોઈ ચીજને ઘસારો આપ્યા વગર વહેતો નથી. કચ્છીગાડું પણ આવનાર સમયમાં સંભારણું બની જાય તો નવાઈ નહીં.

mavji maheshwari columnists