02 May, 2024 07:12 AM IST | Mumbai | Krishnadev Yagnik
કૃષ્ણદેવ યાજ્ઞિક
સાચું કહું તો મને ફિલ્મો સિવાય કાંઈ ખબર પડતી નથી. બીજાને જે લાગવું હોય એ લાગે, પણ મને તો એ વાતનું પણ પ્રાઉડ છે. ઍનીવે, ફિલ્મની વાત આવે અને જો મને કોઈ એક ફિલ્મ વિશે લખવા કે બોલવા મળે તો હું ‘થૅન્ક્સ મા’ની જ વાત કરું. ગૅરન્ટી સાથે કહું છું કે જે લોકો આ વાંચે છે એમાંથી એક પર્સન્ટ લોકોએ પણ આ ફિલ્મ નહીં જોઈ હોય. આ એવી ફિલ્મ છે જે પ્રકારની ફિલ્મો મારે બનાવવી છે, પણ ‘થૅન્ક્સ મા’ની હાલત જોયા પછી હું એ બનાવવાની હિંમત નથી કરતો. સુપર્બ સ્ટોરી અને એટલી જ સરસ વાત. બેચાર લાઇનમાં તમને સ્ટોરી કહી દઉં. ૧૨-૧૩ વર્ષનો એક છોકરો છે, જેને રેલવે-સ્ટેશનથી એકાદ મહિનાનું તરછોડાયેલું શિશુ મળે છે. હવે આ બાળક નક્કી કરે છે કે મારે તેની મા સુધી પહોંચવું છે અને તેની આ આખી જર્ની છે. ફિલ્મોમાં ગાળો છે તો જુગુપ્સા જન્માવે એવા સીન્સ પણ છે, પરંતુ હું માનું છું કે એમાં કાંઈ ખોટું નથી. રેલવે-સ્ટેશન પર ભીખ માગી-માગીને ઊછરેલા બાળકના મોઢે આપણે સંસ્કારી શબ્દોની અપેક્ષા રાખીએ તો મૂર્ખ કહેવાઈએ.
‘થૅન્ક્સ મા’ ફૅમિલી સાથે બેસીને કદાચ તમે ન જોઈ શકો તો વાંધો નહીં, પણ આ ફિલ્મ તમે એક વાર જોજો. તમારી બૉડીમાં ગૂઝબમ્પ્સ આવી જશે. મને થાય કે આ સિનેમા છે. આ પ્રકારનું કામ આપણે ત્યાં થવું જોઈએ, પણ એની સાથોસાથ મને એ પણ થાય કે આ પ્રકારની ફિલ્મો બનવી જ શું કામ જોઈએ? સોસાયટીમાં આવી ઘટનાઓ બને છે એટલે તો ક્રીએટિવ્સને એમાંથી પ્રેરણા મળે છે અને એ ફિલ્મ બનાવે છે એટલે મુદ્દો ત્યાં આવે કે આ પ્રકારની ઘટના ઘટવી જ શું કામ જોઈએ? આજે તમે જુઓ, આપણે ત્યાં બાળકને જન્મ આપી તેને તરછોડી દેવાની ઘટના કેવી સામાન્ય બની ગઈ છે? વીકમાં ઓછામાં ઓછી એકથી બે ઘટના આપણે પેપરમાં વાંચીએ છીએ.
વાંક કોનો એ વિચારો અને ભોગવવાનું કોની સાઇડ પર આવ્યું એ વિચારો. મને લાગે છે કે આવી ઘટનાઓ ન ઘટે એને માટે સ્કૂલ સમયથી જ આપણે ટીનેજર્સને શિક્ષણ આપવું જોઈએ. પ્રેગ્નન્સી કેમ અટકાવવીથી લઈને સેફ સેક્સ જેવા વિષય પર તેમને નૉલેજ આપવું જોઈએ. આપણે સિટીમાં રહીએ છીએ એટલે એવું માનીએ છીએ કે એની જરૂર નથી, પણ તમે નાનાં ગામડામાં જઈને જુઓ, આજે પણ છોકરીઓ એટલી નિર્દોષ છે કે તેને એ બધા વિશે ખબર નથી પડતી. અરે, મુંબઈ જેવા મોટા શહેરમાં રહેતી અમુક કમ્યુનિટીમાં પણ આ જ પ્રશ્ન છે અને એને કારણે જ આવી ઘટનાઓ બને છે. હું જ્યારે પણ ‘થૅન્ક્સ મા’ જોઉં ત્યારે દરેક વખતે મને આ વિચાર આવે અને મારાથી બનશે તો હું એ દિશામાં જે થઈ શકે એ કામ કરીશ, પણ આ કામ સોસાયટીએ કરવું પડશે. નહીં તો બાળક તરછોડ્યાના સમાચાર મળ્યા કરશે અને આપણે જાડી ચામડીના થઈને એ વાંચ્યા કરીશું.