દર્દભરી પ્રણયકથાનો સાક્ષી: રોહાનો કિલ્લો

15 December, 2020 11:40 AM IST  |  Kutch | Mavji Maheshwari

દર્દભરી પ્રણયકથાનો સાક્ષી: રોહાનો કિલ્લો

રોહાનો કિલ્લો

નાની ઉંમરે આ ફાની દુનિયા છોડી જનાર લાઠીના રાજવી કવિ ‘કલાપી’નાં કાવ્યોની ઉદ્ભવ ભૂમિ એટલે રોહાનો દરબારગઢ. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ જેવી અમર ગઝલ રચી જનાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ ‘કલાપી’ કચ્છની રોહા જાગીરના જમાઈ હતા.  અહીંની હવામાંથી જ તેમની કવિતા દર્દીલી બની. શોભના નામનું જીવંત પાત્ર અહીં જ તેમના જીવનમાં પ્રવેશ્યું. રોહાના ડુંગર પર ઊભેલા જે દરબારગઢના ઝરુખામાં બેસીને કલાપીને કાવ્યો સ્ફૂર્યાં હશે, એ ગવાક્ષો હજી પણ કવિની યાદમાં આંસુ સારે છે. કોઈ સમયનો જાજરમાન કિલ્લો અને બેનમૂન કોતરણીના બેજાન લાગતા પથ્થરોમાં હજી પણ કવિનાં સ્પર્શ જીવતાં છે. કલાપીનાં ભીનાં સ્મરણો સાચવી ઊભેલી પડું પડું થતી ભીંતોમાં ગુજરાતી કવિતાનાં ડૂસ્કાં સંભળાય છે. આડેધડ રગડેલા કિલ્લાના અવશેષો આવનારને ટીકી ટીકીને જુએ છે કે કોઈ તો અહીં બેસી ગઝલ ગણગણે!

આમ તો વારસો જાળવવાની બાબતમાં ભારતીય પ્રજાની નઘરોળ બેદરકારી પંકાયેલી છે. એ કલા હોય કે હુન્નર, ભારતીય પ્રજા આત્મશ્લાઘા અને મિથ્યાભિમાનની બાબતમાં અતિસંવેદનશીલ છે. નાની-નાની બાબતોમાં આ પ્રજાની લાગણી દુભાઈ જાય છે, પરંતુ એ જ પ્રજાના પ્રતાપી પૂર્વજોની સંઘર્ષગાથા અને અજોડ શિલ્પ સાચવવામાં તેણે જરાય રસ દાખવ્યો નથી. ભારતના રાજવીઓએ જે મહેલોનું, જે કિલ્લાઓનું નિર્માણ કર્યું છે એનો ઇતિહાસ જાણવામાં લોકોએ રસ લીધો છે, પરંતુ સ્થાપત્ય અને અમૂલ્ય વારસાને સાચવવામાં ઘોર ઉપેક્ષા સેવી છે. પરિણામે આખાય ભારતમાં કોઈ સમયમાં જે-જે દર્શનીય સ્થળો હતાં, જે બનાવવામાં શિલ્પકારોએ જીવ રેડી દીધો હતો, એના અવશેષો રસ્તે રઝળે છે. ખંડિયેર બની ગયેલા જાજરમાન મહેલોની અંદર ઘુમરાતી હવા ભૂતાવળની જેમ ભટકે છે. એક-એક પથ્થર ભવ્ય ભૂતકાળનું સાક્ષી છે, પરંતુ એને કાન દઈને સાંભળનારા નથી રહ્યા. કોઈ પાસે એટલી ધીરજ નથી કે સમયની રેત હટાવીને એ સ્થળોની ભવ્યતાને ફરી ઝળહળતી કરે. આવું જ એક સ્થળ કચ્છમાં જર્જરિત હાલતમાં હજી પણ ઊભું છે. એ માત્ર સ્થાપત્યનું જ નહીં,  અદકેરું સાહિત્યિક મૂલ્ય પણ ધરાવે છે. એ સ્થળ એટલે ગુજરાતી ભાષાના કવિ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું સાસરું રોહા જાગીરનો કિલ્લો. ‘કલાપી’ તરીકે જાણીતા કાઠિયાવાડની લાઠીના રાજવીએ જ્યાં ભરયુવાનીમાં પગલાં માંડ્યાં, જે મહેલમાં શ્વાસ લીધા, પોતાની ભાવવાહી આંખોથી જે ભૂમિને નિહાળી છે એ રોહા જાગીરનો દરબારગઢ. આજે એ સ્થળ પ્રજાની જ નહીં, તંત્રની પણ ઘોર બેદરકારીનું વિરૂપ ચિત્ર બનીને ખંડેર હાલતમાં ઊભું છે. કચ્છના જાડેજા શાસકોએ જ્યાં તેજીલા તોખારો દોડાવ્યા છે, જ્યાં તેમની ગજવેલી તલવારો ટકરાઈ છે એ રોહા ગામની આસપાસ પથરાયેલી ટેકરીઓની હારમાળા વચ્ચે ઊંચી ટેકરી પર ઊભેલો રોહાનો કિલ્લો અને દરબારગઢનું આયુષ્ય હવે ઝાઝું નથી દેખાતું. આવનારાં થોડાં વર્ષો પછી માત્ર અહીં એક ભવ્ય કિલ્લો હતો એવું આવનારી પેઢીઓ પુસ્તકોમાં વાંચે તો નવાઈ નહીં. આ કિલ્લો અને મહેલ જો શરૂઆતથી જ રક્ષિત જાહેર કરી દેવાયા હોત તો કદાચ અત્યાર સુધી એની જાળવણી થઈ શકી હોત, કદાચ એ પ્રવાસન સ્થળ તરીકે વિકસી શક્યું હોત.

આ કિલ્લાની સાથે ગુજરાતી સાહિત્યકારની અમર પ્રણયકથા જોડાયેલી છે. જેમ માંડૂના કિલ્લાની સાથે રાણી રૂપમતીની કથા છે, જેલસમેરની સાથે મુમલ અને મહેન્દ્રાની પ્રણયકથા છે એમ રોહાના કિલ્લા સાથે કવિ કલાપી અને શોભનાની વેદનાસભર પ્રણયકથા જોડાયેલી છે. સાહિત્યકારોને આ કથાની ખબર છે, પરંતુ કચ્છની મોટા ભાગની પ્રજાને જ એ ખબર નથી કે કલાપીના કવિ હૃદયના તાર રોહાના દરબારગઢમાં રણઝણ્યા હતા, જ્યાં તેઓ જમાઈ હતા. એક દર્દભરી દાસ્તાન પુસ્તકોનાં બંધ પાનાંઓ વચ્ચે સૂતેલી પડી છે. કાશ, રોહાના કિલ્લાની ભીંતો એ કહાની કહેતી હોત; કાશ, એવું થઈ શક્યું હોત, પરંતુ જ્યારે સત્તા બદલે છે ત્યારે માત્ર શાસકો જ બદલાતા નથી, લોકોની માનસિકતા પણ બદલાઈ જાય છે. કચ્છમાં રાજાશાહીના અસ્ત પછી જે પ્રજા ભવ્ય કિલ્લાઓ અને મહેલોની આમન્યા જાળવતી હતી, જેના તરફ એક ચોક્કસ ભાવ હતો એ પણ અસ્ત થઈ ગયો. રોહાની ભૂમિ એક નહીં, બે ભવ્ય વાર્તા સાચવી બેઠી છે. બીજી કહાની છે કચ્છના જાડેજા રાજપૂતોની ટેક અને વચનપાલનની. દિલ્લીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી સિંધની સુમરી કુંવરીઓ પાછળ પડ્યો અને સિંધમાંથી ભાગી છૂટેલી સુમરી કુંવરીઓને કચ્છના રાજવી જામ અબડાએ આશ્રય આપ્યો હતો. આથી અલાઉદ્દીન અને અબડાના લશ્કર વચ્ચે યુદ્ધ ખેલાયું, જેમાં સ્ત્રીઓના શીયળની રક્ષા માટે જામ અબડો વીરગતિને પામ્યો. એ પછી ૧૨૦ સુમરી કુંવરીઓએ અત્યારે જે કિલ્લો આવેલો છે એ રોહા ગામમાં સમા‌‌‌‌ધિ ‌‌‌લઈ લીધી એટલે આ ગામને રોહા સુમરી તરીકે પણ ઓળખાય છે.

ભુજ, અબડાસા, માંડવી અને નખત્રાણા તાલુકાને જોડતી જમીન સીમા પર આ કિલ્લો આવેલો છે. ભુજથી માત્ર ૫૦ કિલોમીટરના અંતરે ભુજ-નલિયા હાઇવે પર સાવ નજીક આવેલો કિલ્લો રોહા ફોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ કિલ્લાની નોંધ બહુ જ મોડી લેવાઈ છે, પરંતુ સ્થાપત્યનું મહત્ત્વ સમજનારા પ્રવાસીઓએ પોતાની વેબસાઇટ પર આ કિલ્લાની ભવ્યતા અને દશા વિશેના અહેવાલો મૂક્યા એ પછી અન્ય પ્રવાસીઓ અને સ્થાનિકો એની મુલાકાતો લેવા માંડ્યા. આ કિલ્લાનો વિસ્તાર લગભગ ૧૬ એકરમાં ફેલાયેલો છે. સમુદ્રની સપાટીથી ૮૦૦ ફુટ ઊંચો બંધાયેલો આ કિલ્લો રોહા જાગીરનું મુખ્ય મથક હતું. રોહા જાગીરમાં આસપાસનાં બાવન ગામોનો સમાવેશ થતો હતો. આ કિલ્લાનું બાંધકામ કચ્છના રાવ ખેંગારજી પહેલાના સમયમાં રોહાના જાગીરદાર નોંઘાજી ઠાકોર દ્વારા ૧૫૧૦થી ૧૫૮૫ વચ્ચે કરવામાં આવ્યું છે. સુરક્ષાની દષ્ટિએ આ કિલ્લો એક અજોડ બાંધકામ છે. કચ્છનું જાડેજારાજ નાની-મોટી જાગીરોમાં વહેંચાયેલું હતું. એ જાગીરદારોમાં નોંઘાજી ઠાકોર શક્તિશાળી અને દષ્ટિવાન શાસક ગણાવાયા છે. આ કિલ્લો ડુંગરની ટોચ પર હોવાથી વધારે ભવ્ય દેખાય છે. કિલ્લાની બાંધણી જોતાં એના સ્થાપતિઓ તેમના વિષયના નિષ્ણાત હોવાનું કહી શકાય. ૧૮૧૩ પછી કચ્છમાં પગપેસારો કરી ચૂકેલા અંગ્રેજોએ આ કિલ્લામાં ખાસ્સો રસ લીધો હતો. તેમણે આ કિલ્લામાં થોડા ફેરફાર પણ કરાવ્યા હતા. આ કિલ્લા અને દરબારગઢની રચના અન્ય બાંધકામો કરતાં થોડી જુદી છે. મુખ્ય મહેલનો આકાર અને ઉપરની ટોચ મંદિરનો આભાસ કરાવે છે. આ પ્રકારનું બાંધકામ કચ્છમાં એ સમયે અન્યત્ર થયેલું નોંધાયેલું નથી. ઉપરાંત આ કિલ્લો બાંધવામાં થયેલો ઈંટોનો વપરાશ પણ થોડું આશ્ચર્ય જગાવે કરે છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમ જ ગુજરાતના અન્ય કિલ્લાઓમાં રોહાનો કિલ્લો વધુ વૈજ્ઞાનિક અને મજબૂત માનવામાં આવે છે.

આ કિલ્લા પરથી ચાર તાલુકાની ભૂમિ દેખાય છે. ખેર, દેશી બાવળ, ખીજડા, ગુગળ જેવા મૂળ કચ્છી વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં નદીઓની કોતરોમાં વન્યજીવો પણ વિહરતા જોવા મળે છે. ભૂકંપમાં આ કિલ્લા અને અન્ય બાંધકામોને ખાસ્સું નુકસાન થયું છે. હજી આ સ્થળ પર પ્રવાસન વિભાગની અમીદષ્ટિ થઈ નથી. કચ્છ પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતમાં અગ્રીમ સ્થાને છે. કચ્છમાં આવતા પ્રવાસીઓને આ કિલ્લા વિશે માહિતી મળે અને પ્રવાસીઓ અહીં આવતા થાય એની વ્યવસ્થા કરવાની જરૂર છે. બે દાયકા પહેલાં આ સ્થળને વિકસાવવા માટેની પ્રક્રિયા થઈ હતી, પણ કોઈ કારણસર એ આગળ વધી નથી. જો પ્રવાસન વિભાગ આ કિલ્લાનો વિકાસ કરે તો આ વિસ્તારમાં લોકોને રોજગારી પણ મળી શકે એમ છે. હજી પણ કચ્છની ધરતી પર ઊભેલા રોહાના કિલ્લામાં પ્રાણ છે, હજી એને પુનર્જી‌‌વત કરી શકાય એમ છે. કવિ કલાપીનો કેકારવ ભલે પુસ્તકોમાં ગૂંજતો હોય, પરંતુ ઋજુ સ્વભાવના રાજવી કવિની પ્રણયકથાની પૃષ્ઠભૂમિ જેવો રોહાનો કિલ્લો, દૂરથી ચાલ્યા જતા લોકોને ઉદાસ આંખે જોઈ રહ્યો છે. રોહાનો ભવ્ય ઇતિહાસ માટીમાં મળી જાય એ પહેલાં એને સાચવી લેવાની જરૂર છે.

kutch columnists mavji maheshwari