દિલે નાદાં તુઝે હુઆ ક્યા..વફા કી હૈ ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા

02 March, 2020 05:15 PM IST  |  Mumbai Desk | pravin solanki

દિલે નાદાં તુઝે હુઆ ક્યા..વફા કી હૈ ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા

ગાલિબનું જીવન તો થીગડાં મારેલા મુફલિસના શર્ટ જેવું હતું, પણ મિજાજ નવાબી હતો. ઓળખાણ શરાબી તરીકેની હતી. જુગાર, શતરંજ, ગણિકાગમન તેમની આદત હતી. લાગે કે ગાલિબ તખલ્લુસ તેઓ કઈ રીતે સાર્થક કરવા માગતા હશે? ગાલિબનો અર્થ વિજેતા, છવાઈ જનારો. અલી સરદાર જાફરી ‘દીવાને ગાલિબ’ પુસ્તકમાં લખે છે કે ગાલિબનો સ્વભાવ ઈરાની હતો, ધાર્મિક વિશ્વાસ અરબસ્તાની, શિક્ષા-સંસ્કાર હિન્દુસ્તાની અને ભાષા ઉર્દૂસ્તાની.

ઉર્દૂ ભાષાના સુપ્રસિદ્ધ લેખક પ્રો. રશીદ અહમદ સિદ્દીકે એક ઠેકાણે કહ્યું હતું કે મને જો કોઈ પૂછે કે મુગલ સલ્તનતે હિન્દુસ્તાનને શું આપ્યું છે તો હું બેધડક જવાબ આપું કે ઉર્દૂ ભાષા, આગરાનો તાજમહલ અને સૌથી વિશેષ મિર્ઝા ગાલિબ.
મિર્ઝા ગાલિબનો જન્મ આગરામાં ૨૭/૧૨/૧૭૯૭માં થયો અને મૃત્યુ ૧૫/૨/૧૮૬૯ માં. ૧૫ ફેબ્રુઆરીએ તેમની ૧૫૧મી મૃત્યુતિથિ હતી. સામાન્ય રીતે કોઈ પણ દિગ્ગજ વ્યક્તિની જન્મ-મૃત્યુતિથિએ ઘણુંબધું લખાતું હોય છે, પણ આ વર્ષે ગાલિબ વિશે પ્રમાણમાં ઘણું ઓછું લખાયું. અપવાદરૂપે શોભિત દેસાઈ ગાલિબને ભૂલ્યા નથી. શોભિતે ગાલિબને પચાવ્યો છે, મેં ફક્ત વાગોળ્યો છે. ગાલિબની જાણીતી ગઝલો રસિકોને યાદ જ હશે. વાંચી હશે કે સાંભળી હશે. પણ ગાલિબના જીવન વિશે બહુ ઓછું જાણ્યું હશે એવું મારું માનવું છે. જોકે મારું માનવું ખોટું હશે કે ઠરશે તો એનો મને વિશેષ આનંદ હશે.
આમ તો ઉર્દૂ ગઝલ–શાયરીમાં મીર તકી મીર બાદશાહ ગણાય, પરંતુ ગાલિબને જેટલી ખ્યાતિ મળી છે એટલી મીર તકી મીરને નથી મળી. જેટલું ગાલિબ વિશે લખાયું છે, વંચાયું છે, વિવેચન થયું છે એટલું મીર તકી મીર વિશે નથી થયું. જોકે ખુદ ગાલિબે મીર તકી મીરને શ્રેષ્ઠ શાયર કહ્યા હતા. ગાલિબ જન્મ્યા હતા જાહોજલાલીમાં, પણ જીવન ગયું ફાકામસ્તીમાં. દુઃખ અને દર્દનું અક્ષયપાત્ર લઈને જન્મ્યા હોય એ રીતે મૃત્યુ પર્યંત આફત, મુસીબતો ને વિટંબણાગ્રસ્ત રહ્યા.
પાંચ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. કાકાની છત્રછાયા હેઠળ ઊછર્યા. જાગીર કાકા સંભાળતા. ૮ વર્ષની ઉંમરે કાકા ગુમાવ્યા. મિર્ઝાની જાગીર જપ્ત થઈ ગઈ. અંગ્રેજોના પેન્શન પર જીવવાનું થયું. ૧૩ વર્ષની ઉંમરે લગ્ન થયાં. સાત બાળકો-સંતાનોના પિતા બન્યા. કહેવાય છેને કે સુખની સરિતા હોય ને દુઃખનો દરિયો. સાતેસાત બાળકો તેમની હયાતીમાં જ ગુમાવ્યાં. સંતાનોને બાપે કાંધ આપવી પડે એનાથી મોટું દુઃખ જીવનમાં બીજું કોઈ નથી. કુદરત જાણે જખમ પર મીઠું ભભરાવવા માગતી હોય એમ દત્તક લીધેલો એક ભાણેજ પણ કુદરત ભરખી ગઈ. અલ્લાએ પડતા પર એક વધુ પાટુ મારી. જેને મિર્ઝા મોહબ્બત કરી બેઠા હતા એ યુવાન માશૂકા પણ જન્નતનશીન થઈ ગઈ. આ બધું તો ઠીક, જ્યાં સ્થાયી થયા હતા એ દિલ્હી શહેરની તબાહીના સાક્ષી બન્યા. નાદિરશાહ પછી અહમદશાહ અબ્દાલીએ દિલ્હીને લૂંટ્યું ને પછી અંગ્રેજોએ સફાચટ કર્યું. વધુમાં સગાંસંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓની કત્લેઆમ પણ નજર સામે જોઈ.
ગાલિબનું જીવન તો થીગડાં મારેલા મુફલિસના શર્ટ જેવું હતું, પણ મિજાજ નવાબી હતો. ઓળખાણ શરાબી તરીકેની હતી. જુગાર, શતરંજ, ગણિકાગમન તેમની આદત હતી. લાગે કે ગાલિબ તખલ્લુસ તેઓ કઈ રીતે સાર્થક કરવા માગતા હશે? ગાલિબનો અર્થ વિજેતા, છવાઈ જનારો. અલી સરદાર જાફરી ‘દીવાને ગાલિબ’ પુસ્તકમાં લખે છે કે ગાલિબનો સ્વભાવ ઈરાની હતો, ધાર્મિક વિશ્વાસ અરબસ્તાની, શિક્ષા-સંસ્કાર હિન્દુસ્તાની અને ભાષા ઉર્દૂસ્તાની.
હિન્દુનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ ઝફર પણ શાયર હતો. ગાલિબે બાદશાહની ઘણી શાયરીઓ મઠારી છે, માત્ર પૈસા ખાતર, ખુશામત ખાતર. ગરીબીને કારણે સ્વમાન નેવે મૂકીને ગાલિબને કામ કરવું પડતું. બહાદુરશાહ ઝફર પછી અંગ્રેજ અમલદારોની પણ કદમબોસી કરી. બહાદુરશાહે તો મુગલ સલ્તનતનો ઇતિહાસ પણ ૫૦ રૂપિયાનું મહેનતાણું આપીને લખાવ્યો હતો એટલું જ નહીં, જબરદસ્તી કેટલાકની પ્રશંસા પણ કરાવી હતી. દારૂ, જુગાર, અન્ય આદતોને પૂરી કરવા–નિભાવવા ગાલિબ આ બધું જાણીજોઈને કરતા. સ્વમાન ઉપર આદતોનું વર્ચસ્વ હતું તો સાથોસાથ પોતાની જાત પર ગુમાન પણ હતું. એટલે જ તેમણે લખ્યું હતું,
હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહુત અચ્છે
કહતે હૈં કિ ગાલિબ કા હૈ અંદાઝે બયાં ઔર
દુનિયામાં સારા શાયર તો ઘણા છે, પણ એ બધામાં ગાલિબની અભિવ્યક્તિ કંઈક જુદી છે. હતી આત્મપ્રશંસા, પણ એમાં સચ્ચાઈ હતી. વળી એ આત્મપ્રશંસા કરીને અટકી નથી જતી. જાત પ્રત્યે સભાન પણ છે.
હોગા કોઈ ઐસા ભી, ગાલિબ કો ના જાને
શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહુત હૈ
પોતાના જીવનની પીડા, દુઃખ, દર્દ ગાલિબે લખેલા પત્રોમાં વ્યક્ત થાય છે. સંવાદ માટે તે પાત્રોને ઉત્તમ માધ્યમ માનતા.
મિર્ઝા હાતિમ અલી બેગને એ પત્રમાં લખે છે કે મિર્ઝા સાહેબ, મેં એક એવી શૈલી શોધી છે કે પત્રવ્યવહાર વાતચીત બની જાય. ભલે એકબીજા ગમે તેટલા દૂર હોય, પત્ર દ્વારા સાંનિધ્ય સાધી શકાય છે. કલમની એ તાકાત છે.
ગાલિબના એક ખાસ મિત્ર હતા. આમ તો શાગિર્દ હતા. સૌથી વધારેમાં વધારે ગાલિબે તેમને પત્ર લખ્યા હતા. મે મહિનો, ૧૮૪૮માં લખેલા એક પત્રમાં લખે છે, ‘આપનો પ્રેમસભર પત્ર મળ્યો. હું એક સામાન્ય માણસ છું, કોઈના કામનો નથી રહ્યો.’
એ પછી બીજા પત્રમાં લખે છે, ‘હું હવે શાયરીઓ, ગઝલો લખતો નથી. જેમ વૃદ્ધ પહેલવાન માત્ર કુસ્તીની યુક્તિઓ શીખવાડી શકે, કુસ્તી કરી ન શકે, મારું એવું જ થઈ ગયું છે. પહેલાં મેં જે ગઝલો લખી એ વાંચતાં આજે મને આશ્ચર્ય થાય છે. મને થાય છે કે આ બધું મે જ લખ્યું છે?’
વળી એક પત્રમાં વ્યથા ઠાલવે છે, ‘આ કાયમી એકલતા મને ડંખે છે. મારી એકલતાનો સહારો પત્રની આપલે જ છે. કોઈનો પત્ર આવે છે ત્યારે મને એવી લાગણી થાય છે કે કોઈ પ્રત્યક્ષ મહેમાન પધાર્યા છે.
૧૮૫૯માં તફતાને લખેલો પત્ર હૃદયદ્રાવક છે. એમાં ગાલિબની હતાશા ભારોભાર ટપકે છે. ‘જીવવા માટે આનંદ, ઉત્સાહ જરૂરી છે. જ્ઞાન-તત્ત્વજ્ઞાન, પૈસા, શાયરીઓ બધું વ્યર્થ છે. તમે પ્રસિદ્ધિમાં જીવો કે ગુમનામીમાં જીવો, શું ફરક પડે છે? કેમ જીવો છો એનું મહત્ત્વ નથી, કેવું જીવો છો એ મહત્ત્વનું છે. જીવવા માટે આવકનું સાધન ન હોય કે જીવન માણવા તંદુરસ્તી ન હોય તો બધું વ્યર્થ છે. મારી પાસે નથી રહ્યું આવકનું સાધન કે નથી રહી તંદુરસ્તી. હું મનથી ખતમ થઈ ગયો છું, ધનથી ખાલી થઈ ગયો છું. મારી આસપાસ બધું શૂન્ય છે. સ્મશાન શાંતિ છે! મને નથી મારી જાતનું ભાન કે નથી રહ્યો કોઈ બીજી બાબતમાં રસ. આલોક અને પરલોક બન્ને મારે માટે અર્થહીન છે. હિન્દુ પાસે ઈશ્વરના અવતારો છે તો મુસ્લિમો પાસે પયગમ્બરો. પણ એનાથી શું? તું અને હું બન્ને ઉત્તમ શાયર છીએ. આપણે સાદી કે હાફીસ જેટલા પ્રખ્યાત થઈએ પણ ખરા. પણ પ્રખ્યાત થઈને એ લોકોને શું મળ્યું કે આપણને મળશે?’
વળી એક અન્ય પત્રમાં આક્રોશ ઠાલવતાં કહે છે કે ‘આગલા યુગમાં લોકો જે લખી ગયા એ સારું ને સાચું જ છે એવું ક્યારેય ન માનવું. એ સમયગાળામાં પણ મૂર્ખાઓની હસ્તી હતી જ.’
મીર મહેંદી એટલે કે મજરૂહ (આપણે જેને જાણીએ છીએ તે મજરૂહ સુલતાનપુરી નહીં) ગાલિબ બીજા મિત્રને લખે છે કે મારા દોસ્ત, મારી પરિસ્થિતિ સમજ. ભૂખ્યા રહીને જીવવાનું આવડી ગયું છે. મારી ચિંતા ન કરતો. જેણે કદી રોજા રાખ્યા નથી તેણે આખો રમઝાન કર્યો છે. આનો બદલો ખુદા આપશે જ. ધારો કે બીજું કંઈ નહીં આપે તો પણ મને ટકાવી રાખે એટલાં બીજાં નવાં દુઃખો તો આપશે જ.
અને છેલ્લે...
ગાલિબના કેટલાક ઉત્તમ શેરોનો આસ્વાદ આવતા સપ્તાહે, પરંતુ એ પહેલાં એક રસપ્રદ વાત. ગાલિબને યુવાનીમાં કોઈએ સલાહ આપેલી કે સાકર મળે તો સ્વાદ ચાખી લેવો, પણ માખી બની ક્યારેય મધ પર બેસતો નહીં. ચોંટી જઈશ, ઊઠી નહીં શકે. આ વાતને અનુમોદન આપતા હોય એમ ગાલિબ એક પત્રમાં લખે છે, ‘ક્યારેક-ક્યારેક મને જન્નતની કલ્પના આવે છે. જાણે થાય છે કે હું સ્વર્ગમાં ગયો છું. મારી માનપૂર્વક ખાતરબરદાસ્ત કરવામાં આવી. રહેવા માટે મને એક સુંદર મજાનો મહેલ આપ્યો, એક પરી આપી. બસ, મારે કાયમ આ મહેલમાં પરી સાથે રહેવાનું. આવું વિચારતાં જ હું ધ્રૂજી ઊઠું છું. કાયમ એક જગ્યાએ કઈ રીતે રહી શકાય? એ પણ એકની એક પરી સાથે? હું ગભરાઈ જાઉં છું ને મારું સ્વપ્ન તૂટી જાય છે. આંખ ખૂલી જાય છે ને હું નિરાંત અનુભવું છું.’

સમાપન
‍ગાલિબ ન ધાર્મિક હતા ન નાસ્તિક. તેમની ગઝલોમાં, શેરોમાં પીડા અને પ્રેમનું મિશ્રણ હતું. લોકજબાન પર ગાલિબના શેરો જેટલા છે એ બીજા કોઈ શાયરો કરતાં વધારે છે. એમાં કોઈ મીનમેખ નથી. દા.ત.

ઇશ્કને ગાલિબ નિક્કમા કર દિયા
વરના હમ ભી આદમી થે કામ કે

મૈંને પાલા મુદ્દતોં દિલ હમારા ના હુઆ
તુમને દેખા એક નઝર લો દિલ તુમ્હારા હો ગયા

અપની ગલી મેં મુઝકો ન કર દફન બાદે કત્લ
મેરે પતે સે ખલ્ક કો ક્યોં તેરા ઘર મિલે?

તું મારી હત્યા કરીશ તો મને આનંદ થશે પણ હત્યા કરીને મને તું તારી ગલીમાં દફન નહીં કરતી
કેમ કે એમ કરવાથી લોકોને તારું સરનામું મળી જશે
મારા સિવાય તારી ગલીમાં બીજું કોઈ ફરકે એ મને નહીં ગમે

Pravin Solanki columnists