કોરોનાને સાવ ડિસ્કાઉન્ટ કરીને રાખવા કરતાં જવાબદારીપૂર્વક રહેવું આવશ્યક

13 March, 2020 02:16 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોનાને સાવ ડિસ્કાઉન્ટ કરીને રાખવા કરતાં જવાબદારીપૂર્વક રહેવું આવશ્યક

પ્રતીકાત્મક તસવીર

એક ચોક્કસ વર્ગ એ પ્રકારની વાત કરે છે કે કોરોના વાઇરસનો જે હાઉ ઊભો કરવામાં આવ્યો છે, જે ડર દર્શાવવામાં આવી રહ્યો છે એ કપોળકલ્પ‌િત અને ખોટો છે. આ એક પ્રકારની ટ્રેડ-વૉર છે અને એ વૉરમાં ચાઇનાને એકલું પાડી દેવાની નીતિ રાખવામાં આવી છે. વર્લ્ડ ટ્રેડ વિશે વધારે વાત કરવાને બદલે બીજી સંભાવના પણ જોઈ લઈએ જેના વિશે એક ચોક્કસ વર્ગ વાત કરી રહ્યો છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીને બળવત્તર બનાવવાના હેતુથી આ પ્રકારનો એક આખો ત્રાગડો રચીને કોરોના વાઇરસના નામે બધાને ભડકાવવામાં આવી રહ્યા છે. આપણે એવી ધારણા પણ મૂકી દઈએ કે આ સંભાવના પણ સાચી છે. હવે વાત કરીએ ત્રીજી સંભાવનાની. ત્રીજો વર્ગ એવું કહે છે કે દુનિયાના તમામ વિકસિત દેશોમાંથી મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ નીકળવાના શરૂ થઈ ગયાને ૧૫ વર્ષથી પણ લાંબો સમય થઈ ગયો છે. કંપની પોતાની અને એ કંપની દુશ્મન માનસિકતા ધરાવતા ચાઇનાને બળવત્તર બનાવે એ કેવી રીતે ચલાવી લેવાય? એ કંપનીઓને પાછી લાવવાના હેતુથી અમુક દેશો દ્વારા કોરોનાના ડરને સિનેમાસ્કોપ કરીને દર્શાવવામાં આવી રહ્યો છે. ઇચ્છા માત્ર એટલી જ છે કે દેશ છોડીને બહાર નીકળી ગયેલી કંપનીઓ ફરીથી દેશમાં આવે. હેડક્વૉર્ટર જ નહીં, પ્રોડક્શન-હાઉસ પણ ઘરે પાછું લઈ આવવામાં આવે.

આવી અનેક વાતો ચાલી રહી છે અને ચાલી રહેલી એ વાતો વચ્ચે કોરોનાને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ થતી રહે છે, પણ એને ડિસ્કાઉન્ટ કરવાની જરૂર નથી. જરા જુઓ તમે, ચીન ખાલી થવા પર આવી ગયું છે. યુરોપ સુધી આ વાઇરસ લંબાઈ ગયો છે અને હિન્દુસ્તાનને પણ દસ્તક એણે આપી દીધી છે. મુંબઈમાં બે કેસ પૉઝિટિવ આવી ગયા છે. બીમારીની સૌથી મોટી ખાસિયત એ જ છે કે એ ન થાય એની કાળજી અને સાવચેતી રાખવામાં આવે. મુંબઈની કેટલીક સ્કૂલે વેકેશન લંબાવી દીધાં છે અને વહેલું વેકેશન અનાઉન્સ કરી દીધું છે. ગુજરાત પણ આ દિશામાં વિચારે છે અને કેજરીવાલ સરકાર પણ આવું જ પ્લાનિંગ કરી રહ્યું છે. બધા ડર્યા છે અને સાહેબ, ડરવું પણ જોઈએ. એમાં કશું ખોટું પણ નથી.

કહેવાની જરૂર નથી કે કોરોના નવો વાઇરસ છે અને એ વાઇરસ સામે લડવાની કોઈ તાકાત હજી માનવસમુદાય મેળવી નથી શક્યો. એવા સમયે સ્વાભાવિક રીતે આ અજાણ્યા શત્રુથી સજાગ રહેવું જરૂરી બને છે. કોરોનાથી પણ વધારે આકરા વાઇરસ આ દુનિયામાં છે અને એનાથી વધારે મોત થઈ રહ્યાં છે. આ હકીકત છે, પણ જે વાઇરસને તમે ઓળખતા નથી, જે વાઇરસ સહજ રીતે ચેપ લગાડી દે છે અને જે વાઇરસની દવા નથી એ વાઇરસથી વધારે સજાગ રહેવું પણ ખોટું નથી. જો તમને એવું લાગતું હોય કે કોરોના એક તૂત છે તો પણ સજાગ રહેવું આવશ્યક છે અને જો એવું લાગતું હોય કે કોરોના તો ચાઇનાને સીધું કરવાની રીત માત્ર છે તો પણ કોરોનાથી સાવચેત રહેવું આવશ્યક છે અને સાવચેત રહેવાની સૌથી મોટી જો કોઈ કળા હોય તો એ છે સાવધાની. સાવધાની સામે શિંગડાં ભરાવવાને બદલે બહેતર છે કે જે ચીવટ રાખવાની હોય એ રાખવામાં આવે અને જાતની સંભાળ લેવામાં આવે.

coronavirus manoj joshi columnists