શું હાલહવાલ છે દેશ-દુનિયાના?

05 April, 2020 02:36 PM IST  |  Mumbai | Sejal Patel/Alpa Nirmal

શું હાલહવાલ છે દેશ-દુનિયાના?

માનેશ પટેલ પરિવાર સાથે

લૉકડાઉન કે શટડાઉન નથી, લોકો પોતાની મરજીથી ક્વૉરન્ટીન છે

અમેરિકા અને કૅનેડા પાડોશી દેશો, હિન્દુસ્તાન-પાકિસ્તાનની જેમ, પણ અમેરિકામાં કોરોનાનો જે ઉત્પાત છે એવો કૅનેડામાં નથી. એનું કારણ આપતાં કૅનેડાના ટૉરન્ટો સિટીમાં રહેતા માનેશ પટેલ કહે છે, ‘અહીં સરકારે લૉકડાઉન કે શટડાઉન જાહેર કર્યું નથી. બધુ જ ખુલ્લું છે. મૉલ, દુકાનો, લોકલ ટ્રાન્સપોર્ટેશન પણ ફુલ ટુ ફુલ ચાલુ છે છતાં ક્યાંય લોકો જતા નથી. તેઓ પોતાની મરજીથી પોતપોતાનાં ઘરોમાં બે અઠવાડિયાંથી આઇસોલેશનમાં છે. આ કારણસર અહીં અમેરિકા જેવી ભયાનક પરિસ્થિતિ નથી.’

ફાઇનૅન્સ ઍડ્વા‍ઇઝર અને એસ્ટેટ કન્સલ્ટન્ટનું કામકાજ કરતા માનેશ પટેલ અહીં ૨૦૦૪થી રહે છે. તેમની વાઇફ અશ્વિના ચાર્ટર્ડ-અકાઉન્ટન્ટ છે અને પોતાની ફર્મ ચલાવે છે. બે સંતાનો અને પૅરેન્ટ્સ સાથે રહેતાં માનેશ કહે છે, ‘અહીંની સરકારે લૉકડાઉન એટલે જાહેર નથી કર્યું  કે નાગરિકો પૅનિક ન થાય. બધું જ પૂર્વવત્ છે. કોઈ કટોકટી નથી, છતાં સરકારે કોરોનાને લીધે  રાહતનું પૅકેજ આપ્યું છે. બધી કંપનીઓ સ્વેચ્છાએ બંધ છે. એસેન્શિયલ આઇટમ્સ સિવાય કોઈ જ બિઝનેસ નથી થઈ રહ્યો. જોકે આ પરિસ્થિતિ પૂરી દુનિયામાં છે જેથી કંપનીઝ તેમના કામદારોને, સ્ટાફને ‘લે ઑફ’ આપી રહી છે. જ્યારે કૅનેડાની ગવર્નમેન્ટે દરેક કંપનીને તેમના કર્મચારીઓને છુટા કરવા પર પાંબદી મૂકી છે અને જો એ કંપની આગામી ત્રણ મહિનામાં પણ લૉસ રિકવર ન કરી શકે તો સરકારે કંપનીઓના કર્મચારીઓને ૭૫થી ૮૦ ટકા પગાર આપવાની બાંયધરી આપી છે. અત્યારે પૈસાના અભાવે લોકોની જીવન-સાઇકલ ક્યાંય અટકી નથી. અશ્વિના કહે છે,  ‘સી.એ.ની પ્રૅક્ટિસ હોવાથી હું દરેક પ્રકારના લેવલના લોકોના સંપર્કમાં આવું છું. અમારે એપ્રિલ એટલે ફાઇનૅન્શિયલ યર એન્ડિંગ. આ મહિનામાં અમે બહુ જ બિઝી હોઈએ. વૈશ્વિક કટોકટીને લીધે અમારી યર એન્ડિંગ પ્રક્રિયાની લિમિટ સરકારે બે મહિના ડિલે કરી છે. રહી વાત લોકોની તો લોકો કામડાઉન રહે એ માટે સરકારે ખૂબ-ખૂબ પ્રયત્નો કર્યા છે. અહીં ડેલી વેજીસ પર કામ કરતા લોકોને પણ પ્રૉબ્લેમ નથી, કારણ કે સરકારી ભથ્થાં ચાલુ થઈ ગયાં છે. દર મહિને બૅન્કના હપ્તા ભરતા લોકોને બૅન્કે ત્રણ-ચાર મહિના માટે આ કમ્પલસન માટે છુટ આપી છે. મારે ઑફિસ બંધ કરવાનું એલાન નહોતું આવ્યું છતાં મેં એ બંધ કરી છે. હું અને મારા એમ્પ્લૉઈ બધા વર્ક ફ્રૉમ હોમ કરીએ છીએ. અઠવાડિયામાં એક વખત ઑફિસ જાઉ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરીને પાછી આવી જાઉ. આ એક-બે ફૅમિલીની વાત નથી, આખું નેશન વિલિંગ્લી આઇસોલેશનમાં ગયું છે. ગૃહિણીની દૃષ્ટિએ જોઉં તો સરકાર તરફથી કોઈ સૂચના નહોતી ત્યારથી જ આપણા ભારતીયો, એશિયનો અને લોકલ કૅનેડિયનોએ બધો સામાન સ્ટૉક કરવાનો ચાલુ કરી દીધો હતો. એ સમય થોડો હેવૉક થઈ ગયો પણ અગેઇન, મિનિસ્ટરીએ એનો તોડ કાઢી લીધો. અહીં વ્હીસ્કી બનાવતી કંપનીએ વૉલિયેન્ટરી સૅનિટાઇઝર બનાવવાનું શરૂ કર્યું. સાથે એ બધું જ સરકારે પોતે ખરીદી લેવાની બાંયધરી આપી આથી વિધ ઈન અ વિક ટાઇમ બધું જ અહીં મળવા લાગ્યું.’

કોરોનાની અગેઇન્સ્ટ મેડિકલી કેટલો ફીટ છે કૅનેડા? એનો જવાબમાં માનેશ કહે છે, ‘સૌથી મોટી વાત એ છે કે અહીં હૉસ્પિટલ સેક્ટર પૂર્ણપણે સરકારી છે. આ ટાઇમે તમે જસ્ટ ખાંસી ખાવ તોય સરકારી માણસો આવીને તમને કોરોના ટેસ્ટ કરાવવા લઈ જાય અને બધું જ ફ્રીમાં થાય. તમારે એક પણ પૈસો ચૂકવવો ન પડે. યુએસએમાં આ સેક્ટર પ્રાઇવેટ છે. ત્યાં એક વ્યક્તિના કોવિડ-19 ટેસ્ટના ૬૦૦ ડૉલર પોતે ચૂકવવા પડે છે. કેટલાને એ પરવડે? પાછું કામકાજ પણ ચાલુ છે એટલે વર્ક ફ્રૉમ હોમ ન થાય. એ સેક્ટરમાં કામ કરતા લોકોએ જૉબ પર જવું જ પડે છે. આથી ત્યાં વધુ કેસ છે. કૅનેડાનો બીજો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે કૅનેડામાં વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને ઑક્ટોબરની આસપાસ ફ્લુના વાયરા આવે. આખા દેશમાં હજારો દરદીઓ ફ્લુથી ગ્રસિત થાય. કોરોનાનાં લક્ષણો ફ્લુ જેવા જ છે આથી દરેક નાના-મોટા ટાઉનની હૉસ્પિટલો એ માટે વેલ ઇક્વિપ્ડ અને સ્ટાફ વેલ ટ્રેઇન્ડ છે. અહીં ૧૦,૦૦૦ જેટલા પૉઝિટિવ કેસ છે જેમાંથી ૩૦૦-૪૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે જે બધા ૭૦થી ૮૦ વર્ષના હતા જેને અન્ય હેલ્થ ઇશ્યુ પણ હતા.’

૪૪ વર્ષનો માનેશ કહે છે, ‘અહીંની ગવર્નમેન્ટનો એક જ ધ્યેય છે કે પરિસ્થિતિ નૉર્મલ રહે, લોકો નૉર્મલ રહે. અહીં પણ ૧૦,૦૦૦ લોકો બેકાર છે, પણ અત્યારે આ પરિસ્થિતિને ‘વૉર લાઇક સિચ્યુએશન’ ગણી દરેક તેની સામે ફાઇટ આપે છે. હાલમાં દરરોજ રાત્રે ૮ વાગ્યા અમારા પ્રાઇમ મિનિસ્ટર નૅશનલ ટી.વી. પર આવી રાષ્ટ્રને સંબોધન કરે છે જેમાં ખરેખરી અહીંની પરિસ્થિતિનું શું છે? એ બધાં જ ફેક્ટર્સ અને ફીગર્સ કહે. આનો ફાયદો એ છે કે અહીં ખોટી અફવાઓ ફેલાતી નથી. કાલના જ તેમના મેસેજનો સૂર એવો હતો કે આ વન્સ ઇન લાઇફ ટાઇમ સિચ્યુએશનમાં આપણે બધી જ રીતે સક્ષમ છીએ. જરૂર પડે તો આર્મી ડિપ્લોય કરશું, પણ ભયભીત થશો નહીં.’

લોકો પૅનિક કે ભયભીત નથી. લૉકડાઉન કે શટડાઉન પણ નથી. તો પછી પબ્લિક બહાર કેમ નથી નીકળતી? એના જવાબમાં માનેશ કહે છે, ‘આ જ તો પબ્લિકની સેલ્ફ શિસ્ત અને જાગૃતિ છે. પોલીસ ફરતી નથી, પણ જો તમે આ સિચ્યુએશનમાં પાર્ટી કે ગેધરિંગ કરો ને કોઈ કમ્પ્લેઇન કરે તો પોલીસ તમને એવો મોટો ફાઇન કરે કે એને ચૂકવતાં-ચૂકવતાં વર્ષો નીકળી જાય. અહીં દરેક પાડોશી એકબીજાનો જાસૂસ છે. આથી જે કારણે કોરોના ફેલાય એવાં કરતૂતો કરો તો તરત પોલીસને ફોન કરી દેવાય છે અને પોલીસ એવડો મોટો દંડ ફટકારે છે જે ભરતા આંખે અંધારા આવી જાય.’

- માનેશ પટેલ, ટૉરન્ટો, કૅનેડા

એસેન્શિયલ વસ્તુ લેવા જઈ શકો છો પણ એકલા જ, પૂરી ફૅમિલી સાથે નહીં

સ્કૉટલૅન્ડના ઑઇલ ટાઉન ઍબર્ડિનથી કેતન આશરા કહે છે, ‘અહીં અત્યારે શટડાઉન છે. ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે, પણ એની સર્વિસિઝ ઓછી કરી નાખી છે. અહીં બહુ વધુ કેસ નથી, પણ લોકો પોતાની રીતે બહુ જાગ્રત છે. હવે લોકો પાર્કમાં નથી દેખાતા કે નથી પોતાના પાલતું જાનવરને લઈ આંટો મારવા નીકળતા. હા, પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. પોલીસનો ડ્રોન કૅમેરા આખા વિસ્તારમાં ફરતો જ રહે છે. જો ક્યાંય લોકો ભેગા થયેલા દેખાય ત્યાં વિધ ઈન પાંચ મિનિટમાં પોલીસ આવી જાય છે અને જેન્યુઇન રિઝન ન હોય તો તરત ૬૦૦ પાઉન્ડનો દંડ કરે છે. આ સમયમાં પોલીસને વધુ સત્તા અપાઈ છે. અહીં તમે ફૂડ વગેરે લેવા જઈ શકો. ચાલતા પણ અને બાય કાર પણ. પરંતુ જવાનું એકલાએ. જો કારમાં ૨-૩-૪ વ્યક્તિ હોય તોય ફાઇન લાગે અને ચાલતા બે કે વધુ જણ જાવ તો પણ ફાઇન ચોંટે.’

ક્લાર્કર્સ્ટન એન્જિનિયરિંગ કંપનીમાં પ્રિન્સિપલ એન્જિનિયર તરીકે કાર્યરત કેતન આશરા તેની ફૅમિલી સાથે ૧૬ વર્ષથી અહીં રહે છે. તેઓ કહે છે, ‘અહીં ૩૦૦૦ જેટલા ઇન્ડિયન્સ છે જેમાં મોટા ભાગના ઑઇલ ઍન્ડ ગૅસ કંપનીઝમાં કાર્યરત છે. બાકી ઘણા ડૉક્ટર્સ છે. અત્યારે ઑલરેડી ઑઇલના ભાવ વર્લ્ડ લેવલે ઘટી રહ્યા છે, એમાં કોરોનાના ઇશ્યુ એટલે. આવતા દિવસોમાં અહીં મોટા પ્રમાણમાં વર્કર્સને સૅક કરવામાં આવે એવી વકી છે. ઘણા ઉદ્યોગોમાં ઑલરેડી વર્કર્સને બરતરફ કરાઈ રહ્યા છે ફક્ત ૧૫ દિવસનો પગાર આપીને. જોકે બૅન્કે મોર્ગેજ ઇન્સ્ટૉલમેન્ટ્સમાં ત્રણ મહિનાની રાહત આપી છે.’

ટેસ્કો ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં કાર્યરત કેતનભાઈનાં વાઇફ જલ્પા કહે છે, ‘અહીં લૉકડાઉનની જાહેરાત થઈ એ પહેલાંથી દરેક લોકો જરૂરિયાતનો સામાન હોલ્ડ કરવા લાગ્યા હતા. સ્ટોર ૯ વાગ્યે ખૂલવાના હોય તો ૬ વાગ્યાથી સ્ટોરની બહાર લાઇન લગાવીને ઊભા રહી જાય. એ કારણે પહેલાં ટૉઇલેટ રોલ, સાબુ, સૅનિટાઇઝરથી લઈ ફૂડની પણ અછત થઈ. પછી દરેક સ્ટોર્સે રૅશનિંગ સિસ્ટમ કરી નાખી, નિયત માત્રાથી વધુ નહીં આપવાનું. હવે તો પૂરો સ્ટૉક છે એટલે બહુ ઇશ્યુ નથી. હા, ડિસ્ટન્સિંગની કૅર બધાએ લેવાની. સ્ટોર્સના ફ્લોરિંગ પર માર્કિંગ કર્યું છે એટલા-એટલા અંતરે દરેકે ઊભા રહેવાનું અને દુકાનમાં એન્ટ્રી પણ લિમિટેડ માણસોને અપાય. એ બહાર નીકળે એટલે બીજા અંદર જાય. અહીં ઑનલાઇન સામાન મગાવવાની સિસ્ટમ બહુ નથી અને હવે તો, કુરિયર સર્વિસ પણ બંધ કરી દીધી છે એટલે ખરીદી માટે સ્ટોરમાં જ જવું પડે છે.’

સરકાર કરતાં અમને અમારી કંપનીઓનો બહુ મોટો સપોર્ટ છે એમ કહેતાં કેતન ઉમેરે છે, ‘આમ તો મારે વર્ક ફ્રૉમ હોમ જેવી કોઈ સિસ્ટમ જ ન હોય. કમ્પ્લસરી ઑફિસ જવાનું જ હોય, પણ જ્યારે આ લૉકડાઉનમાં ઘરેથી કામ કરવાનું આવ્યું એ પહેલાં અને આ સમય દરમિયાન કંપની અમને સાઇકોલૉજિકલી કાઉન્સેલિંગ કરે છે. ઑનલાઇન હો અને રડતાં-રડતાં તમારું બાળક એ રૂમમાં આવી જાય તો પૅનિક નહીં થવાનું. આ ઘટના પર બીજાએ કમેન્ટ નહી કરવાની એવી શીખ અપાય. ઉપરાંત કન્ટીન્યુ ફૅમિલી સાથે રહેવાનું આવે ત્યારે હક્કાબક્કા નહીં થઈ જવાનું. બધા સાથે કઈ રીતે કો-ઑપરેટ કરવાનું એવું ગાઇડન્સ પણ આપે છે. એમ્પલૉઈ તેના કલીગ્સને મિસ ન કરે એ માટે વર્ચ્યુઅલ કૉફી-બ્રેક લેવાનું સજેશન આપે. ઇવન, મારી ડોટરને સ્કૂલ ઑનલાઇન સ્ટડી કરાવે એ સાથે-સાથે તેના ફ્રેન્ડ્ઝ સાથે ચેટ કરવાનું કહે. ઇન્ફેક્ટ, સ્કૂલવાળા જ આ વર્ચ્યુઅલ મીટિંગના પ્રોગ્રામ ગોઠવે.’

જલ્પા કહે છે, ‘અહીં દરરોજ સાંજે ફિક્સ ટાઇમે અમારા પ્રાઇમ મિનિસ્ટર કે સ્ટૉકલૅન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નૅશનલ ટીવી પર આવી પબ્લિકને કોરોનાનું અપડેટ આપે જેથી અફવાઓ ન ફેલાય. જોકે ખરા આંકડા ડિસ્ક્લૉઝ નથી થતા. દરરોજ દરદીઓની સંખ્યા જમ્પ થાય છે, પણ આ માટે કન્ટ્રી પ્રીપેર્ડ છે. અહીં ટ્રીટમેન્ટ સારી થાય છે, પણ ટેસ્ટિંગ બહુ પ્રમાણમાં થતી નથી, કારણ કે અહીં ટેસ્ટિંગ-કિટ નથી. હમણાં જર્મનીથી મોટો જથ્થો આવ્યો છે. અહીંનો મેડિકલ ડિપાર્ટમેન્ટ એના સ્ટાન્ડર્ડ, એક્યુરસી ચેક કરે છે પછી જો એ અપ ટુ ધ માર્ક હશે પછી ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં થઈ શકશે. જોકે લોકોમાં જબરદસ્ત શિસ્ત છે. અહીં દરેક વ્યક્તિ લૉ ઍન્ડ ઑર્ડરનો ફૉલો કરે છે. કાયદા બહુ કડક છે. જો એક વખત તમે પોલીસના રેકૉર્ડમાં આવી ગયા પછી બહુ મોટા પ્રૉબ્લેમ થાય છે. જોકે કોરોના કરતાંય અત્યારે કોરોનાને કારણે ઇકૉનૉમી સ્લોડાઉન કે આવનારી મંદીના કારણે અહીંના લોકો વધુ ચિંતિત છે. ૨૦૦૮ની મંદીએ યુ.કે.ની કમર તોડી નાખી હતી. હા, ગવર્નમેન્ટે બૅન્કને સપોર્ટ કરવાનું કહ્યું છે. મોર્ગેજમાં રહેતા હોય એવા રેન્ટ ન ભરી શકે. અનએમ્પ્લૉઇડ હોય તેઓને પણ ૬ મહિના બૅન્ક ઘર ખાલી નહીં કરાવે એવી બાંયધરી સરકારે આપી છે. લેટ, સી આગળ શું થાય છે?’

- કેતન આશરા, ઍબર્ડિન, સ્કૉટલૅન્ડ

sejal patel alpa nirmal weekend guide columnists