અનોખી તાસીર ધરાવતું કચ્છનું અંજાર શહેર

05 January, 2021 11:52 AM IST  |  Kutch | Mavji Maheshwari

અનોખી તાસીર ધરાવતું કચ્છનું અંજાર શહેર

કોઈ સમયે પૂર્વ કચ્છનું આર્થિક પાટનગર ગણાતું અંજાર શહેર તેની તાસીર અને કારીગરી માટે આજે પણ કચ્છનાં અન્ય શહેરો કરતાં જુદું પડે છે. આ એ જ શહેર છે જેણે રાજાશાહીમાં બેફામ બની ગયેલા રાવ રાયધણ ત્રીજાને કેદ કરીને કચ્છમાં બારભાયાનું રાજ સ્થાપ્યું હતું. કચ્છમાં લોકશાહીની શરૂઆત કરનાર અંજારનો જાજરમાન ઇતિહાસ છે. આ શહેરમાં જ ક્રૂર ગણાવાયેલા જેસલ જાડેજાની તલવાર સતી તોરલના એકતારા સામે નમી પડી હતી. આઝાદી બાદ કચ્છની રાજનીતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતું અંજાર શહેર બબ્બે ભૂકંપની માર ખમીને ફરી બેઠું થયું છે. વિકાસની અનેક શક્યતાઓ વચ્ચે આજે વિકસી ગયેલા મહાનગર ગાંધીધામને કારણે અંજારની અવગણના થતી હોવાનું લોકો માને છે.

આમ તો અંજાર કચ્છનું બાર તેર સૈકા જૂનું શહેર ગણાય છે, પરંતુ રાવશ્રી ખેંગારજી પહેલાએ સૌપ્રથમ સવત ૧૬૦૨ના માગસર વદ ૮ અને રવિવારે સ્વહસ્તે અંજારનું તોરણ બાંધ્યું હતું. અંજાર શહેરને ફરતે આલમપનાહનો ગઢ હતો, જે સંવત ૧૭૭૫માં મહારાવશ્રી દેશળજી પહેલાએ બંધાવ્યો હતો. ટિમ્બી કોઠા વિસ્તારમાં એક ઐતિહાસિક કોઠો છે. મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ આ કોઠામાં પોતાનું શસ્ત્રાગાર બનાવ્યું હતું. અંજારમાં રાજાશાહીની એકમાત્ર નિશાની હવે ટિમ્બી કોઠાનો એ ગઢ છે. શહેરના ફરતે ગઢને પાંચ નાકા હતા. ગંગા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું, વરસામેડી નાકું અને દેવળિયા નાકું. જે આજે પણ એ નામે ઓળખાય છે. શહેરની વસ્તી વધવાથી અને સારસંભાળ ન હોવાના કારણે અમુક વિસ્તારમાં જ ગઢની દીવાલોના અવશેષ બચ્યા છે. અંજારની સ્થાપના બાબતે મતાંતર છે. કોઈ કહે છે કે આ શહેર પાંચસો વર્ષ જેટલું જૂનું છે, તો કોઈ એને બારસો વર્ષ જૂનું શહેર ગણાવે છે. જોકે સત્તાવાર રીતે રાવ દેશળજીએ આ શહેરનું તોરણ બાંધ્યાના ઉલ્લેખો મળે છે. સાથોસાથ શહેરની દક્ષિણે બારસો વર્ષ જૂનું ભરેશ્વરનું કલાત્મક મંદિર છે, જે આ વિસ્તારમાં કોઈ સમયે વસ્તી હોવાનું દર્શાવે છે. અંજાર અજાડવાસ તરીકે ઓળખાતું હતું અને તેની સ્થાપના અજયપાળ ચૌહાણે કરી હોવાનો પણ એક મત છે. તો કોઈ એવું માને છે કે સૌપ્રથમ સોરઠથી આવેલા પંચોલી આહિરો આ જગ્યાએ આવીને વસ્યા હતા. જેમને સ્થાનિક લોકો સોરઠિયા તરીકે ઓળખે છે. કરછના ઇતિહાસમાં અંજાર શહેરના યુવાનોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રાવ રાયધણ ત્રીજાના સમયે ધાર્મિક અંધાધૂંધી પેદા થઈ ત્યારે અંજારના મેઘજી ઠક્કર, વાઘા પારેખ અને કોરા પારેખની આગેવાની હેઠળ ચારસો યુવાનોએ ભુજનો દરબાર ગઢ ઘેરી રાવ રાયધણને કેદ કર્યા હતા. તે પછી કચ્છમાં બારભાયાનું રાજ સ્થપાયું. કરછની ઓગણીસમી સદીની શરૂઆતમાં અંજારે કચ્છમાં એક જાતની લોકશાહીની સ્થાપના કરી હતી. એ ઘટનાની આગેવાની લેનાર અંજારના નરવીર મેઘજી ઠક્કરની પ્રતિમા અંજારના કસ્ટમ ચોકમાં મુકાયેલી છે તથા ભુજમાં વાણિયાવાડ નાકા બહાર મેઘજી શેઠની દેરી તરીકે ઓળખાતું તેમનું સ્થાનક છે.

‘કચ્છમાં અંજાર રુડાં શહેર છે હોજી રે’ જેવું લોકગીત રચનાર કવિ જરૂર આ શહેરનાં સૌંદર્ય અને લીલૂડી વાડીઓથી પ્રભાવિત થયા હશે. ખરેખર અંજાર શહેર આખાય કચ્છમાં જરા જુદું છે. એના એક નહીં, અનેક કારણો છે. ભૂતકાળમાં જ્યારે માંડવીની જાહોજલાલી હતી, માંડવી બંદરે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા ત્યારે માંડવીની સમાંતરે કોઈ સમૃદ્ધ શહેર હોય તો એ અંજાર હતું. કચ્છમાં વિવિધ ભક્તિધારાઓનું કેન્દ્રબિંદુ પણ અંજાર છે. હવેલી સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય, પાટ પરંપરા, નાથ સંપ્રદાય, દશનામ સંપ્રદાય, મહેશ સંપ્રદાય, વિસો સંપ્રદાય જેવી હિન્દુ ધર્મની વિવિધ ધારાઓ અંજાર આવીને સ્થિર થયેલી છે. કચ્છમાં અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજારમાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના હાલ ત્રણસો જેટલાં નાનાં-મોટાં મંદિર છે. જેમાં ભરેશ્વરનું પ્રાચીન મંદિર, અજયપાળ (અજેપાર)નું મંદિર, અંબાજીનું મંદિર, જેસલ-તોરલની સમાધિ, સ્વામીનારાયણનું મંદિર, મામૈદેવના પગલાં જોવા માટે આખાય ગુજરાતમાંથી પ્રવાસીઓ આવે છે. 

ભૂતકાળમાં અંજાર પૂર્વ કચ્છનું સૌથી મોટું ગામ હતું. પૂર્વ કચ્છની આર્થિક પ્રવૃત્તિઓનું અંજાર કેન્દ્રબિંદુ ગણાતું હતું. છેક પ્રાંથડના વેપારીઓ અંજાર સાથે જોડાયેલા હતા. અંજારમાં હાલ સ્થાયી થયેલી વેપારી જ્ઞાતિઓ મોટાભાગની વાગડની છે. તો કેટલીક કસબી જ્ઞાતિઓ વાગડ તેમ જ મચ્છુકાંઠાની છે. જામનગરથી અહીં આવી સ્થાયી થયેલા લોકો પણ છે. એનું એક કારણ એ છે કે જ્યારે કચ્છમાંથી બહાર જવા સડક-માર્ગો ન હતા, ત્યારે અંજારના તુણા બંદરેથી દરિયાઈ માર્ગે નવલખી, સિક્કા જઈ શકાતું હતું. વહાણવટાના ઇતિહાસમાં કરુણ ગણાવાયેલી વીજળી આગબોટ ડૂબી ગયાની ઘટનામાં અંજાર શહેરના સંખ્યાબંધ મુસાફરો હોવાનું કારણ તુણા બંદર હતું.  એટલું જ નહીં, અંગ્રેજોએ કચ્છમાં પગપેસારો તુણા બંદરેથી જ કર્યો હતો. અંગ્રેજોએ કચ્છના રજવાડા સાથે વહીવટી કરારો કર્યા બાદ તેમણે ભુજમાં પોતાનું થાણું ન નાખતાં, અંજારને પસંદ કર્યું હતું. કચ્છના પહેલા નિવાસી પોલિટિકલ એજન્ટ જેમ્સ મેક મર્ડોએ અંજારમાં રહીને કચ્છનું શાસન ચલાવ્યું હતું. આજે પણ  અંજારના ટિમ્બી કોઠા વિસ્તારમાં જેમ્સ મેક મર્ડોએ બંધાવેલો પોતાનો કલાત્મક બંગલો જીર્ણ સ્થિતિમાં ઊભો છે. અંજાર કસબીઓનું ગામ ગણાય છે. હિન્દુ કુંભાર (પ્રજાપતિ), ગુર્જર ક્ષત્રિય, ગુર્જર સુતાર, સોની, મચ્છુકાંઠાના દરજી, કંસારા, હિન્દુ મોચી, મુસ્લિમ લુહાર, મુસ્લિમ ખત્રી જેવી કસબી જ્ઞાતિઓની ખાસ્સી એવી વસ્તી અંજારમાં છે. એટલે જ અંજારમાં કોઈ સમયે ગૃહ ઉદ્યોગ ધમધમતા હતા. અંજાર છરી-ચાકૂની બનાવટ માટે ખ્યાતનામ હતું. આજે પણ અંજારમાં છરી-ચાકુ, તલવાર જેવાં હથિયાર વેચનારાની ઘણી દુકાનો છે. ચામડાંની બનાવટો માટે પણ અંજાર શહેર જાણીતું છે. અંજારનો બાટિક ઉદ્યોગ જગવિખ્યાત છે. અહીંની બાંધણી સાડીની ખરીદી માટે ગુજરાતભરમાંથી ગ્રાહકો આવે છે. ઔદ્યોગિકીકરણ પહેલાં કચ્છનો ચોથા ક્રમનો ઉદ્યોગ ટ્રક પરિવહનનો ગણાતો હતો. કચ્છમાં ટ્રકની બોડી બનાવવાનું કામ શરૂ કરનાર અંજાર શહેર છે. અંજાર શહેરની ટ્રક બોડી બનાવવાનું કામ આખાય ગુજરાતમાં નોંધપાત્ર હતું. છરી-ચપ્પુની જેમ અંજારમાં પીતળનું કામ વખણાય છે. ખાસ તો અહીં બનતા મંજિરા અને ઝાંઝ. જુદી જુદી ટ્યુનિંગ રેન્જના મંજિરા ખરીદવા લોકો ખાસ અંજાર આવે છે. અંજાર શહેરની સૌથી મોટી વિશેષતા હોય તો તેનાં અખૂટ ભૂગર્ભ જળ. ૧૯૮૦ સુધી અંજારમાં પાણીની કુદરતી નીકો વહેતી હતી. કંડલા બંદરના વિકાસમાં અંજારનો ફાળો છે. અંજાર શહેરે કંડલા બંદરને ચાળીસ વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડ્યું છે. સમૃદ્ધ ભૂગર્ભ જળને કારણે અહીંની ખેતી વિકસી છે. જોકે હવે પાણીનાં તળ ઊંડાં ગયાં છે, પરંતુ અંજાર શહેરને અડીને આવેલી વાડીઓ ફળ-ઝાડથી લચી પડતી હતી. અંજારમાં ચકોતરા તરીકે ઓળખાતું લીંબુ કૂળનું ફળ ખાસ જાણીતું છે. બહુધા જોવા ન મળતું આ ફળ અંજારની વિશેષતા છે. વર્તમાન સમયમાં અંજાર શહેર શાકભાજી અને ફૂલોનાં ઉત્પાદનમાં મોખરે છે. અહીંની શાકભાજી ખરીદવા છેક ડીસા અને મોરબીથી વાહનો વહેલી સવારે અહીં આવે છે. અંજાર શહેર અને તેના પાદરે જ આવેલું વીડી ગામ ફૂલોનું જંગી ઉત્પાદન કરે છે. વિવિધ જાતના ગુલાબ, ડોલર અને હજારીનાં ફૂલો છેક રાજકોટ સુધી જાય છે. અંજારના ફરસાણ આખાય કચ્છમાં વખણાય છે. અહીંની પકવાન તરીકે ઓળખાતી એક વાનગીની ખરીદી રાજ્ય બહારથી આવેલા લોકો ખાસ કરે છે.

અંજાર શહેર કચ્છની વર્તમાન રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે. કચ્છના મહત્ત્વના રાજકીય નિર્ણયોમાં આ શહેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ નાનકડા નગરે માત્ર પચાસ વર્ષની વચ્ચે બબ્બે ભૂકંપની માર ખમી છે. વાવાઝોડાએ આ શહેરને ઘમરોળ્યું છે. તેમ છતાં અહીંની પ્રજા બેઠી થઈ ગઈ છે. કંડલા બંદરના વિકાસ પછી મહાનગર બની ગયેલાં ગાંધીધામ શહેરના વધતા જતા આર્થિક અને રાજકીય બળ સામે અંજાર શહેર દબાઈ ગયું હોય તેવું લોકોને લાગે છે. ગાંધીધામના વિકાસની અસર અંજાર શહેરની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પણ પડી છે. તેમ છતાં અંજાર શહેરની કેટલીક સંસ્થાઓ અંજારનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા સક્રિય છે.

kutch columnists mavji maheshwari