10 August, 2024 11:08 AM IST | Mumbai | Deepak Mehta
‘માહીમચી ખાડી’ નવલકથા, જૂજવે રૂપે અનંત ભાસે : મુંબઈની એક ઝૂંપડપટ્ટી
‘તડકો ચડવા લાગ્યો તેમ-તેમ ઝૂંપડપટ્ટીના માણસો પેટપાણીના ધંધા માટે રવાના થયા. વસ્તી શાંત થઈ ગઈ. ફક્ત બૈરાંઓ અને નવરાં ડોસાડગરાં ખોડાં કૂકડાં-બતકાંની જેમ પાછળ રહી ગયાં. ભરબપોરે એ લોકોની હલચલ પણ થંભી ગઈ. બધી બાજુ શાંતિ છવાઈ ગઈ ને બરોબર ૧૨ વાગ્યે વલ્લભભાઈ સ્ટેડિયમ બાજુ પહેલવહેલી આગ લાગી. વરલીના દરિયાનો સૂસવતો પવન એમાં ભળતાં જોતજોતાંમાં આગ ફેલાઈ ગઈ. એક પછી એક ઝૂંપડી ટપોટપ સળગવા લાગી. ઠીંગણી, તકલાદી ઝૂંપડીઓને લપેટી લેનારી ઊંચી ભભૂકતી જ્વાળાઓ જોઈને ચારે બાજુ હાહાકાર થઈ ગયો... આગ બુઝાવવાનું કોઈને સૂઝતું નહોતુ. અને સૂઝે તોય એ માટે પાણી ક્યાં હતું? એની બેસન્ટ રોડ પરથી પસાર થતી મોટરોમાંથી એકાદીએ બંબાખાનાને ખબર આપ્યા અને આગબંબા દોડી આવ્યા. પણ ત્યાં સુધીમાં તો આખી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્યાર સુધી ક્યાંક દૂર-દૂર ઊભા રહેલા પોલીસો હવે પટ દેતાંકને ત્યાં આવી પહોંચ્યા અને હજી ધૂંધવાઈ રહેલી એ ઝૂંપડપટ્ટીની ચારે બાજુ તેમણે કાંટાળા તારની ઊંચી વાડ ઊભી કરવાની શરૂઆત કરી. ફરી એ જગ્યાએ જવાનો કોઈ પ્રયત્ન કરે નહીં અને ફરી ઝૂંપડપટ્ટી ઊભી થાય નહીં એ માટે તેઓ આ ખટપટ કરી રહ્યા હતા.’
‘માહીમચી ખાડી’ નવલકથાના લેખક મધુ મંગેશ કર્ણિક
છેક ૧૯૬૯માં પ્રગટ થયેલી મધુ મંગેશ કર્ણિકની મરાઠી નવલકથા ‘માહીમચી ખાડી’ના પહેલા પ્રકરણમાંના આ શબ્દો માહિમની ઝૂંપડપટ્ટી માટે જેટલા સાચા છે એટલા જ મુંબઈની કોઈ પણ ઝૂંપડપટ્ટી માટે પણ સાચા છે. અને એ વખતે હતા એના કરતાં આજે કદાચ વધારે સાચા છે. ઝૂંપડપટ્ટીઓ શહેરી જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગઈ છે. બંધાય છે, વિકસે છે અને એક દિવસ સત્તા કે સંપત્તિવાળા દ્વારા આ રીતે આગમાં બાળી નાખવામાં આવે છે અથવા એમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. અને એ જ વખતે બીજે ક્યાંક નવી ઝૂંપડપટ્ટી ઊભી થાય છે. રખે માનીએ કે ઝૂંપડપટ્ટીમાં મફત રહેવા મળે છે. ‘સારી’ ઝૂંપડપટ્ટીમાં એક ખોલીના ઓછામાં ઓછા પાંચ-સાત લાખ રૂપિયા એના ‘દાદા’ને આપવા પડે છે. અને જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય, એ ધામા નાખે છે ફુટપાથ પર.
મરાઠીના અગ્રણી લેખક મધુ મંગેશ કર્ણિકનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કરુળ નામના નાનકડા ગામડામાં, ૧૯૩૧ના એપ્રિલની ૨૮મી તારીખે. બીજા હજારો લોકોની જેમ નોકરી માટે મુંબઈ આવ્યા. પહેલા ઘરનું સરમાનું હતું, ૩૪, સુંદરલાલ ચાલ, સાંતાક્રુઝ. એ ઘરે જવા-આવવાનો રસ્તો એક ઝૂંપડપટ્ટીમાંથી પસાર થાય એટલે રોજ આવતાં-જતાં એ ઝૂંપડપટ્ટી અને ત્યાંનું જીવન નજરે ચડે. અને પોતે સંવેદનશીલ લેખક એટલે જે નજરે ચડ્યું એ મનમાં વસી ગયું અને એમાંથી જન્મી તેમની પ્રખ્યાત નવલકથા ‘માહીમચી ખાડી.’ આ ખાડીની ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજારતાં સ્ત્રી, પુરુષ, બાળકો એ આ કથાનાં મુખ્ય પાત્રો છે. ઝૂંપડપટ્ટીમાં રહે છે એટલે બધાં આડે રસ્તે ચડેલાં હશે એમ માનતા નહીં. હા, એવાં પાત્રો છે જ પણ પરગજુ જ નહીં, બીજાને માટે ખુવાર થઈ જનારાં સ્ત્રી-પુરુષ પણ અહીં છે. ચોરી, લબાડી, લંપટતા અહીં છે જ; પણ સાથોસાથ અજાણ્યા માટે પણ સહાનુભૂતિ, હૂંફ અને મદદ આપવા લંબાતા હાથ પણ અહીં છે.
કર્ણિકે નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તા, નિબંધ, નાટક, રેખાચિત્રો અને આત્મકથા લખ્યાં છે. મહારાષ્ટ્રની ‘એસટી’માં મામૂલી નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર કર્ણિક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના ‘પ્રસિદ્ધિ અધિકારી’ના ઉચ્ચ પદે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર લઘુઉદ્યોગ વિકાસ મહામંડળના મહાવ્યવસ્થાપક તરીકે પણ કામ કર્યું, પણ પછી બધો સમય સાહિત્યને આપી શકાય એટલા ખાતર સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લીધી. જોકે એ પછી તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાના ‘અતિરિક્ત સંચાલક’ બન્યા હતા.
હા, માહિમની ખાડી નવલકથા મુંબઈની એક ચોક્કસ ઝૂંપડપટ્ટીનું અને એના રહેવાસીઓનું આલેખન કરે છે, પણ આવી અસંખ્ય ઝૂંપડપટ્ટીઓ મુંબઈમાં અને બીજાં અનેક શહેરોમાં ફેલાયેલી છે. ભલે નાનકડા અને મર્યાદિત સમાજનું નિરૂપણ આ નવલકથામાં થયું છે, પણ મુંબઈ અને એના જનજીવનને આલેખતી આ કૃતિ એક પ્રતિનિધિરૂપ નવલકથા બની રહે છે. આ નવલકથાનું વિશ્વ ભલે નાનું છે, પણ એ પોતાનામાં જ સ્વયંસંપૂર્ણ છે. આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ૧૯૮૦માં દિલ્હીના નૅશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યો હતો. ઝૂંપડપટ્ટીના લોકોની જ ભાષા લેખકે વાપરી છે એટલે સતત આવતા ગાળગલોચ ‘શુદ્ધ અને સંસ્કારી’ ભાષાથી ટેવાયેલા ગુજરાતી વાચકને શરૂઆતમાં થોડો આઘાત આપે.
આજે જેનું નામોનિશાન રહ્યું નથી એ માહિમની ખાડીની ઝૂંપડપટ્ટી માહિમ કૉઝવે અને દરિયા વચ્ચેની કાદવકીચડ ભરેલી જગ્યામાં ફેલાયેલી હતી. શરૂઆત થોડાં ઝૂપડાંથી. પછી વસ્તી વધતી ગઈ એમ ઝૂંપડાં વધતાં ગયાં. ઝૂંપડાં વધ્યાં એટલે પહેલાં ‘દાદા’ઓ આવ્યા. પોતે ઝૂંપડાં બાંધીને ભાડે આપે કે વેચે. જુદા-જુદા પ્રદેશના, ધર્મના, જુદી-જુદી ભાષા બોલતા લોકો અહીં વસતા ગયા. લોકો વધ્યા એમ નાના-મોટા ગુના પણ વધતા ગયા. માણસને માત્ર મતદાર તરીકે જોતા રાજકારણીઓ આવ્યા, કારણ કે તેમને માટે અહીંના રહેવાસી એટલે વોટ બૅન્ક. વોટના બદલામાં નોટ અને નોટના બદલામાં વોટનો વ્યવહાર શરૂ થયો.
મુંબઈના અન્ડરવર્લ્ડનું નિરૂપણ ગુજરાતી નવલકથામાં પ્રમાણમાં ઓછું થયું છે. મરાઠીમાં ઘણું થયું અને ઘણું વહેલું શરૂ થયું. ૧૯૬૦ના અરસામાં મુંબઈમાં પ્રગટ થતાં અખબારોમાંનું એક હતું ‘પ્રભાત.’ પછીથી પ્રખ્યાત લેખક થયેલા જયવંત દળવી ૧૯૬૦ના અરસામાં એના રિપોર્ટર તરીકે કામ કરે. અવનવી ‘સ્ટોરી’ મેળવવા મુંબઈની ગલી-ગલી ફરતા રહે. આ રઝળપાટ દરમ્યાન તેમણે જે મુંબઈ જોયું એનું આલેખન ‘ચક્ર’ નામની નવલકથામાં ખૂબ જ વેધકતાથી કર્યું. ભાઉ પાધ્યેની ‘વૈતાગવાડી’થી ‘વાસુનાકા’ સુધીની કૃતિઓ ઉપરાંત મુંબઈના છેવાડામાં વસતાં જન અને તેમના જીવનને નિરૂપતાં કાવ્યો પણ મરાઠીમાં મોટી સંખ્યામાં લખાયાં છે.
પણ ઝૂંપડપટ્ટી એ જોવા-બતાવવાની જગ્યા છે? બહારગામથી કે પરદેશથી આવતા ટૂરિસ્ટોને જોવા લઈ જવા જેવી જગ્યા છે? અને આવી જગ્યાઓ જોવા કોઈ જાય શું કામ? કઈ રીતે જાય?
આ અને આવી બીજી વાતો હવે પછી.