તુમ હો તો હર રાત દિવાલી, હર દિન મેરી હોલી હૈ...

13 March, 2020 02:16 PM IST  |  Mumbai | Rashmin Shah

તુમ હો તો હર રાત દિવાલી, હર દિન મેરી હોલી હૈ...

પ્રતીકાત્મક તસવીર

સવારે એ વહેલી જાગે છે, જાગીને સીધી કિચનમાં ભાગે છે. સૌની પ્લેટમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પહોંચે એ જોવાની જવાબદારી શરૂઆતથી જ તેને માથે થોપવામાં આવી છે અને તેણે આ જવાબદારીનો હક્કપૂર્વક અને પ્રેમ સાથે સ્વીકાર કર્યો, કારણ કે આ તેની અન્નપૂર્ણાની ભૂમિકા છે. સ્વીકારી લેવામાં આવેલી એ જવાબદારીને હવે તે પાળે છે, આ જ તેનો ધર્મ છે અને ધર્મને નિભાવવાની આ જે માનસિકતા છે એ માનસિકતાને લીધે જ તેનો આ અન્નપૂર્ણા અવતાર સમાજ સહિત સૌકોઈએ સહર્ષ સ્વીકાર્યો છે. તેણે પોતે પણ.

જરૂર પડે ત્યારે પોતાની આવડત કે અણઆવડતને કામે લગાડીને તે થોડી આમદની ઊભી કરવાની મહેનત પણ કરશે અને એ મહેનત કર્યા પછી પણ તે થયેલી એ તમામ આવક પોતાની જ વ્યક્તિ પાછળ ખર્ચી નાખતાં સહેજ પણ કોચવાશે નહીં.  કારણ, આ સંજોગોમાં તે લક્ષ્મીના રૂપમાં છે. લક્ષ્મી એક સ્થાને સ્થાયી નહીં રહે, એ આવશે અને જશે. બસ, એ જ રીતે, જરૂર પડશે ત્યારે એ લક્ષ્મીને પોતાના ઘરમાં લઈ આવશે અને ઘરમાં લાવીને એ ઘરનાઓ માટે જ ખર્ચી પણ નાખશે. ખર્ચી નાખ્યા પછી પણ તેને લેશમાત્ર અફસોસ નહીં હોય. અન્નપૂર્ણા બનનારી, લક્ષ્મીનું રૂપ ધારણ કરનારી જરૂર પડે ત્યારે પોતાને માટે દુર્ગાનું રૂપ પણ ધારણ કરી શકે છે અને બચ્ચાંઓને બાજુમાં બેસાડીને એબીસીડી કે પછી એકડા-બગડાનુ પાયાનું જ્ઞાન આપીને સરસ્વતીનો સ્વાંગ પણ સજી શકે છે તો શયનખંડમાં એ રંભા બનીને પોતાના કૌમાર્યની દુનિયા ઉઘાડી મૂકે છે.

અન્નપૂર્ણા, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા અને રંભા અને એ બધા વચ્ચે પણ બીજાં અઢળક રૂપ અને એ રૂપ વચ્ચેથી સતત વહેતો રહેતો પ્રેમ અને લાગણીનો ઓચ્છવ અને એ પછી પણ આ નારીનું જીવન ઓશિયાળું છે અને જ્યાં સુધી લાગણી, પ્રેમ, મોહબ્બત અને સંબંધોનું મહત્ત્વ નારીઓના મનમાં અકબંધ રહેશે એ સમય સુધી આ જીવન ઓશિયાળું જ રહેશે. યાદ રહે કે આ ઓશિયાળાપણું એ તમારી દીકરી, તમારી મા, તમારી વાઇફ કે પછી તમારી ગર્લફ્રેન્ડની મજબૂરી નથી, આ તેણે પસંદ કરેલી જિંદગી છે અને એ પસંદ કર્યું છે એટલે જ તે તમારી બદસલૂકાઈથી માંડીને તમારા ખરાબ અને બીભત્સ વર્તનને સહન કરવાની સહનશક્તિ કેળવીને બેઠી છે, તો સમય આવ્યે તે મંદબુદ્ધિની બનીને એ બધું ભૂલી જવાની માનસિકતા પણ રાખે છે. કોઈ જાતની શરમ વિના, કોઈ જાતના સંકોચ વિના અને કોઈ જાતના સ્વાભિમાનને વચ્ચે લાવ્યા વિના તે આ સ્ટેપ લઈ શકે છે અને આગળ કહ્યું એમ, આ સ્ટેપ લેવાનું કારણ પણ માત્ર એક જ છે કે તે તમને પ્રેમ કરે છે, તે તમને ચાહે છે અને એ ચાહતને લીધે જ તો બધું જતું કરવાની માનસિકતા સાથે અને સ્વસ્થતા સાથે નવી સવાર ઊજવવાની શરૂઆત કરી શકે છે.

અહમ્ તેનામાં પણ ભારોભાર છે અને ઘમંડ પણ અપરંપાર છે, પણ આ અહમ્ અને આ ઘમંડને કોરાણે મૂકવા માટે તેની પાસે એક એવું હૈયું પણ છે જે પુરુષોના મુઠ્ઠી જેવા હૈયા કરતાં ખાસ્સું વિશાળ છે એટલે જ એ માત્ર પોતાના જ નહીં, પણ પતિની ફૅમિલી સાથે જોડાયેલા સૌકોઈને પણ માફ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. જરા એક વખત પાછળ ફરીને જોજો તમે. ભલા માણસ, સાળો સહેજ પ્રેમથી ન બોલે તો પણ એ મુદ્દાને તમે રાષ્ટ્રીય સમસ્યા જેટલો સળગતો બનાવી દો છો અને સસરા સહેજ આકરાં વેણ કાઢે ત્યારે જાણે પાકિસ્તાનના હાફિઝે ધમકી આપી હોય એવા હાવભાવ સાથે તોબરો ચડાવી લો છો. આ વાત દિવસો નહીં, મહિનાઓ અને વર્ષો સુધી ભુલાતી નથી તમને અને એ પણ એવા સમયે જે સમયે આંખ સામે તમારી વાઇફ સતત બધું હસતા મોઢે જતું કરી રહી હોય. હસતા મોઢે સહન કરવામાં આવતી આ રીતને આપણે હક માની લઈએ છીએ, એ જાણતા હોવા છતાં પણ કે ધારે તો, ઇચ્છે તો અને મનમાં હોય તો તમારા આખા ખાનદાનના એકેક મુદ્દા અને એકેક પૉઇન્ટને હાથમાં રાખીને તમારું જીવવાનું હરામ કરી શકવાની ક્ષમતા તેનામાં છે અને તો પણ એવી કોઈ જ માનસિકતા તે રાખતી નથી અને એ રાખતી નથી એટલે તેને ઓશિયાળી છે એમ માની લેવાની ભૂલ કરીએ છીએ આપણે. ના, એ ઓશિયાળી નથી, મોટા મનની અને ભૂલકણી છે. ખબર છે તેને કે જેની વાત જતી કરે છે એ બધા તેના પોતાના છે. એ અભણમાં એટલી બુદ્ધિ છે કે પોતાની સામે જંગ ન હોય અને એ અબુધને એ પણ ભાન પડે છે કે જંગ માટે જગતઆખું સામે હોય ત્યારે પોતીકા સામે શું કામ તલવાર ખેંચવાની?

યાદ રાખવા જેવું તેને કંઈ નથી ભુલાતું અને ભૂલવા જેવી એક પણ વાતને તેણે યાદ નથી રાખી. યાદ પણ નથી રાખી અને ગાંઠે પણ નથી બાંધી. તમે ક્યારેય જોયું એનાથી દાળમાં મીઠું વધારે પડી જાય છે? ક્યારેય એવું સાંભળ્યું કે તાવડી પર મૂકેલી રોટલી ઉથલાવવાનું તે ભૂલી ગઈ? ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે કુકરનું ઢાંકણું બંધ કરવાનું તે ભૂલી ગઈ અને ક્યારેય એ પણ સાંભળ્યું છે ખરું કે તમને આપવાની બ્લડ-પ્રેશરની દવા કે દીકરીની સ્કૂલબૅગની વૉટરબૉટલ મૂકતાં તે ભૂલી ગઈ? ના, ક્યારેય નહીં અને એવું બન્યું પણ હોય તો એ જ્વલ્લે જ બન્યું હશે. આ તેનું રૂટીન છે જ નહીં, પણ જે વાતો હિસાબી ખાતાં ખોલે છે એ ખાતાંના એક પણ પાના પર તમને ક્યારેય તેના હસ્તાક્ષર જોવા મળશે નહીં અને એવું નહીં થવાનું કારણ પણ સરળ અને સીધું જ છે, તે ભૂલી ગઈ છે. તેના ભૂલકણાપણાને તમે ઘણી વખત સિનેમાસ્કોપ જેવડો કરી દીધો હશે અને એટીએમની પિન ભૂલવા બદલ તમે તુચ્છકારો પણ કરી લીધો હશે, પરંતુ જરા પાછળ ફરીને જોશો તો દેખાશે કે એવરેસ્ટ જેવા ગેરવર્તનને ભૂલવાની ક્ષમતા તેણે તમને દર્શાવી દીધી છે અને એ દર્શાવી દેવાની ક્ષમતાને લીધે જ તો તે ઓશિયાળી છે.

સ્વેચ્છાએ બનેલી ઓશિયાળી અને ઇચ્છાથી બનેલી ઓશિયાળી, પણ ક્યારેય ભૂલતા નહીં કે તેનું ઓશિયાળાપણું સંબંધોને આધીન રહીને, આધીન બનીને ઉદ્ભવેલું છે. તે ધારે તો દરેક વાતના, દરેક વ્યવહારના જવાબ આપી શકે છે, પણ ધારવું તેની આદત નથી, કારણ, કારણ સાવ સામાન્ય છે. તમારું વહાલ તેનો શ્વાસ છે અને એ શ્વાસ માટે તે સઘળું સહન કરવાની ક્ષમતા કેળવી લે છે. કેળવી લીધા પછી પણ તે બિચારી રહી શકે છે અને બિચારી રહ્યા પછી પણ તે તમારાથી જોજનોની ઊંચાઈને આંબી શકે છે. જોજનોની આ ઊંચાઈ જોયા પછી માન્યું કે તમે તેને નમસ્કાર ન કરી શકો, પણ ઍટ લીસ્ટ, એક વાર માથે હાથ ફેરવીને એટલું તો કહી જ શકો છો...

તુમ હો તો હર રાત દિવાલી,

હર દિન મેરી હોલી હૈ...

Rashmin Shah columnists