કચ્છના નાના-મોટા ડુંગરા કુદરતનો શણગાર!

09 July, 2019 10:38 AM IST  |  મુંબઈ ડેસ્ક | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

કચ્છના નાના-મોટા ડુંગરા કુદરતનો શણગાર!

બન્ની હટ

કચ્છી નવું વરસ – અષાઢી બીજ જેવો અવસર સર્વત્ર ઊજવાઈ ગયો...એ ચાલ્યા ગયેલા અવસરની યાદો મમળાવતાં એક નિશ્વાસ સરી પડયો કે, લોકોએ અવસર ઊજવ્યો પણ ઈશ્વર ભૂલી ગયો ! વરસાદ ન પડયો! કચ્છની સૌન્દર્યસૃષ્ટિમાં ઉણપ રહી ગઈ. કુદરતે કચ્છની ધરતીને જે રીતે નાના-મોટા ડુંગરા અને ટેકરા-ટેકરીઓથી શણગારી છે એ ધરતી એક વરસાદ પડવાથી પલળીને પદમણી બની ગઈ હોત ! આમ છતાં પણ આશાવાદી ગણાતી કચ્છી પ્રજા તો શૂન્ય પાલનપુરીની આ એક પંક્તિમાં જીવે છે અને જીવતી રહેશે :

“ધરા છે અમારા હૃદય કેરો પાલવ,
ગગન છે અમારા નયન કેરી પ્યાલી;”

કેટકેટલા કપરા દુષ્કાળનાં વર્ષો વજ્રની માફક વિતાવનાર કચ્છી પ્રજા ક્યારે પણ આસ્થા છોડતો નથી, તેને ‘વતનની તવાર’ એટલી જ રહે છે, અછતો જેટલી તેની સામે ઉછાળા મારે તેમ તેમ તેની વતનની તવારમાં વધારો થાય છે. કવિ શ્રી દુલેરાય કારાણી સાહેબે તવારના ભાવ વ્યક્ત કરતાં સુંદર ગીત લખ્યું છે,

“કચ્છ મીઠો મેરાણ, અસાંજે કાછે વેંધાસિ,
વલો વતનતાં ચિત્તમે ચુણકે, હિતે ન રોંધાસિ,
વિજે વરાકા વિજ ઇસાની, ચોમાસે જા ડિ,
કાછે મેં કામાય લગંધે, મિ મેં ભિજધા સિ”

આવી તવાર એટલે કે રટણ કચ્છી માડુના દિલમાં કાલિદાસના યક્ષની માફક અવિરત જોવા મળે છે. એ જાણે છે કે, કુદરતે કચ્છને નાના –મોટા ડુંગરા અને ટેકરાઓથી સુંદર રીતે શણગાર્યું છે અને એ જ અમારો વૈભવ છે. કચ્છમાં ૯૮ જેટલી નદીઓ છે પણ એક પણ બારમાસી નથી, વરસાદ પડે ત્યારે અલૌકિક દૃશ્ય ઊભું થાય પરંતુ બારેમાસ ખળખળ પાણી વહેતું હોય એવી નદી ભાગ્યે જ જોવા મળે છે. આબોહવા એકંદરે સૂકી અને ગરમ છે. શિયાળામાં સખત ઠંડી અને ઉનાળામાં અતિશય ગરમી રહેતી હોવા છતાં ભૌગોલિક રચનાના કારણે વાતા દરિયાઈ પવનો, સાંજ અને રાત્રીને આહલાદક બનાવે છે.

એ કચ્છની ધરતીનાં છોરુ સાહસ અને શૌર્ય, બંધુતા અને બિરાદરી, પરાક્રમ અને પરિશ્રમ, સ્વમાન, ત્યાગ અને સ્વદેશ પ્રેમના કારણે જગમશહૂર છે. વિષમ પરિસ્થિતિના કારણે તેમને બહાર જવાની ફરજ પડી છે. એ જ્યાં પણ ગયા છે ત્યાં સામાજિક સેવા અને જે ધરતી પર વસ્યા ત્યાં તેના વિકાસ માટે વિશિષ્ટ ભૂમિકા ભજવી છે.

સંભવતઃ ઈસુના ૧૫૦મા વર્ષમાં કચ્છ એક રાજ્યના સ્વરૂપમાં ખ્યાત થયું હતું. અધૌઉના શિલાલેખોથી એવું ફલિત થાય છે કે, કચ્છમાં ક્ષત્રપ વસાહતો હતી. જૈનો અને બૌદ્ધોનો નિવાસ હતો. મૃતકોની સ્મૃતિમાં પ્રસ્તર શિલાઓ સ્થાપવાની શક લોકોની પરંપરા હતી. ગુપ્ત સામ્રાજયના પતનની સાથે કચ્છ પ્રદેશ મૈત્રકોને આધીન થઈ ગયો હોય તેવું પણ જણાય છે. ઈ.સ.ની સાતમી-આઠમી સદીમાં આરબોએ પણ કચ્છના તટવર્તી ભાગોમાં વસવાટ કર્યો હતો. આ બધી પ્રાપ્ત માહિતીના આધારે એ ચોક્કસ થાય છે કે, કચ્છ, યાદવ, મૌર્ય, શક, ક્ષત્રપ, ગુપ્ત, હૂણ, મૈત્રક, ગુર્જર, આભીર વગેરેના શાસનોની અસરમાં રહ્યું હોવું જોઈએ. એ પછી કાઠી, સુમરા, સમા અને છેલ્લે જાડેજા વંશનું એક હજાર વરસ રાજ રહ્યું હતું.

જાડેજા વંશના ૧૮ જેટલા શાસકો ગાદીપતિ થયા હતા અને તેમના સમય દરમ્યાન કચ્છમાં ઘણાં પરિવર્તનો જોવા મળ્યાં હતાં.

ઇતિહાસકારો એવું માને જ છે કે, જગતના વિવિધ પ્રદેશોમાંથી લોકોના સામૂહિક આગમનથી જ કચ્છ વસ્યું છે, અને તેથી જ કચ્છનું માનવ લોકસાહિત્ય કદાચ સમૃદ્ધ રહ્યું છે. કચ્છના લોકસાહિત્યમાં સુંદર લોકવાર્તાઓની પરંપરા છે, વીરગાથાઓ છે, દર્શન આધ્યાત્મ અને પ્રેમનું સંગીત છે. કચ્છી સાહિત્યમાં સંતો અને સૂફીઓના ઉપદેશ છે, ભક્તોનાં ભજન છે, દોહા અને કાફીઓ છે. એ ઉપરાંત લોકાનુભવ ને મૂર્તિમંત કરતી કહેવતો (ચોવકો), પિરોલીઓ અને રૂઢીપ્રયોગો છે. વ્યંગ અને વિનોદની કથાઓ છે. જીવનનાં વિવિધરંગી ચિત્રો અને લહેકાથી ગવાતાં લોકગીતો પણ છે.

કચ્છનું પોતાનું સંગીત છે, સુરાવલી છે, પોતાનાં વાદ્યો છે અને એ વગાડનારા કલાકારો પણ છે. એકવીસમી સદીના આગમનના નગારાં વાગી રહ્યા છે ત્યારે સદીઓ જૂનું પરંપરાગત લોકજીવન આજે પણ જોવા મળે એ વાત કદાચ માની ન શકાય પરંતુ કચ્છમાં તમને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ સાથે એ પ્રદેશની અસ્મિતા સમાન વિશિષ્ટ સંસ્કૃતિ, લોકજીવન અને જીવનશૈલી જોવા મળે છે. એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે, કચ્છ એ અભ્યાસુઓ માટે એક વિશાળ અભ્યાસ ભૂમિ છે. કચ્છમાં આજે પણ આદી સમયનું કુદરત આધારિત જીવન પણ ક્યાંક જોવા મળે છે. હજી પણ કેટલીક જાતિઓ વિજ્ઞાન અને ટેકનૉલૉજીની અસરથી મુક્ત છે. શિક્ષણ દ્વારા થયેલું પરિવર્તન તેમને સ્પર્શી શક્યું નથી.

કચ્છમાં નાની વસાહતોવાળા ઘણાં ગામો અસ્તિત્વમાં છે, જે ‘વાંઢ’ તરીકે ઓળખાય છે. વાંઢ એટલે જ વસાહત. તેમાં ‘ટુંડા વાંઢ’ એ પરંપરાગત છતાં ધીરેધીરે લોપ થઈ રહેલા લોકજીવનનું અદભુત ઉદાહરણ છે. મુંદ્રાનગરથી ૪૦ કિ.મી. દૂર આવેલી એક વાંઢમાં રબારીઓ પોતાની આદિમ પુરાતન શૈલીથી જ જીવે છે. કચ્છમાં જે ભૂંગાની રચના પ્રખ્યાત છે તે અહીં જોવા મળે છે . અંદાજે ચારસો માણસની વસતી, સવાસો જેટલા ભૂંગા, પાંચ હજાર જેટલા ઊંટ અને દસેક હજાર જેટલાં ઘેટાં –બકરાં સાથે લોકો અહીં વસે છે. રબારણોના હાથમાં કસબનો જાદુઈ વારસો છે. તેમના હાથનું ભરતકામ અને ભૂંગાઓનો શણગાર પણ મનોરમ્ય છે. ત્યાં શાળાના મકાન સિવાય કોઈ પાકું મકાન નથી ! એ જોવા માટે દેશ –વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે.

એ ટુંડા વાંઢની નજીક જ અરબી સમુદ્ર ઘૂઘવે છે. એ લોકો પશુ ઊપજ અને ભરત-ગૂંથણ પર જીવે છે. તેમના ભૂંગા દરેક ઋતુનું અનુકૂલન સાધનારા હોય છે. તે પછી નજીકથી જેમનું જીવન નિહાળવા જેવું છે તે છે ‘બન્નીયાર- ધોરડો’ બન્નીયાર એટલે બન્નીમાં રહેતા મુસ્લિમ માલધારી. બન્ની પ્રદેશ માટે એમ કહેવાય છે કે, ત્યાં એક સમયે ઘી –દૂધની નદીઓ વહેતી હતી ! ત્યાં મુખ્યત્વે જત, મુતવા, નોડે, હિંગોરજા, જુનેજા, સુમરા અને હાલેપોંડા વગેરે જ્ઞાતિના લોકો વસે છે. એ લોકો પણ તેમની વાંઢમાં ભૂંગા બનાવીને રહે છે. ધોરડો પણ એવી જ વસાહત છે, જ્યાં ગુલબેગ મિયાંનો ભૂગો એક જમાનામાં જોવાલાયક ગણાતો. બન્નીયાર મહિલાઓ ફુરસદના સમયમાં વિશિષ્ટ શૈલીનું ભરત-ગૂંથણ કરે છે. કુદરતી વિપરીત બનેલી પરિસ્થિતિ વચ્ચે જીવતા ત્યાંના લોકોનાં જીવનકાર્યોનો અભ્યાસ કરવા જેવો છે. એ લોકોને કળા નિસર્ગ જેટલી જ સહજ છે.

પરંપરાગત જીવન જીવતા કચ્છના અન્ય લોકોમાં વાગડ વિસ્તારના રાપર તાલુકાના કોલી લોકો અને લખપત વિસ્તારના જત લોકોનો સમાવેશ થાય છે. છેલ્લા દાયકા સુધી તો જત લોકોમાં શિક્ષણની જ્યોતનું નાનકડું કિરણ પણ પહોંચ્યું નહોતું. કોળી લોકો હવે શિક્ષણ તરફ વળ્યા છે. કુદરતના સીધા સાંનિધ્યમાં રહેતા એ લોકોમાં કુદરતે ગીત, સંગીત, વાદ્યસંગીતની કળા , મેળાઓનું આકર્ષણ જાહેર પ્રસંગોએ પોતાના વસ્ત્રાલંકારના પ્રદર્શન સહજ જોવા મળે છે. મેળા તો કચ્છના લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે.

આ પણ વાંચો : કચ્છનું વહાલસોયું વાગડ

આવા રેતાળ પટ પર ધબકતા લોકજીવનમાંથી જે કળા –કારીગરી જોવા મળે છે તે કળાનો કસબ એ કચ્છી પ્રજા માટે માત્ર વ્યવસાય નથી, એ તો તેમના જીવનનો અનિવાર્ય હિસ્સો છે ! રામદેવ પીરના હેલાની માફક કાયમ હેલે ચઢેલો કચ્છી જણ જાણવા જેવો હોય છે. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લે લખેલું તેને જ જાણે લાગુ પડે છે...

“હૈયું જો હેલે ચડે, ગાણું તોજ ગવાય,
અંદરથી જે ઉઘડે, ઈ સોંસરવું જાય.”

kutch gujarat columnists